જમ્મુ-કાશ્મીરમાં દેશની સુરક્ષા માટે ફરજ બજાવતા તાપીના જવાન રિત્વિક કુમાર અશોકભાઈ ચૌધરીના નિધનના સમાચારથી સમગ્ર પંથક શોકમાં ગરકાવ થઈ ગયો હતો. 26 વર્ષીય લાન્સ નાયક રિત્વિક ચૌધરી 57 ફીલ્ડ રેજિમેન્ટમાં ફરજ બજાવતા હતા અને જમ્મુ-કાશ્મીરની ફોરવર્ડ પોસ્ટ પર ડ્યૂટી દરમિયાન અકસ્માતે નીચે પડી જતાં તેમનું મૃત્યુ થયું હતું. તેમના પાર્થિવ દેહને વતન ઉખલદા લાવવામાં આવતા અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
રિત્વિક ચૌધરીના સન્માનમાં વ્યારાથી ઉખલદા સુધી ‘વીરાંજલિ યાત્રા’ યોજાઈ હતી. પૂર્વ સૈનિકો અને અર્ધલશ્કરી સંગઠનો દ્વારા આયોજિત આ યાત્રામાં તેમના પાર્થિવ દેહને સજાવટ કરાયેલા સૈન્ય વાહનમાં લઈ જવાયો હતો. વ્યારાના વિવિધ માર્ગો પરથી પસાર થયેલી યાત્રામાં લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને ‘ભારત માતા કી જય’ તથા ‘રિત્વિક ચૌધરી અમર રહો’ના નારા લગાવી વીર જવાનને શ્રદ્ધાંજલિ આપી હતી.
યાત્રા ધનજાબા થઈ ઉખલદા ખાતે રિત્વિકના નિવાસસ્થાને પહોંચી હતી. અહીં હાજર સેનાના જવાનોએ તેમને ગાર્ડ ઓફ ઓનર આપ્યો હતો અને ગન સલામી સાથે સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ પરિવારજનો, ગ્રામજનો, પૂર્વ સૈનિકો અને સુરક્ષા જવાનોની ઉપસ્થિતિમાં સંપૂર્ણ રાષ્ટ્રીય તથા સૈન્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તાપીની ધરતી પર વીર જવાનને આપવામાં આવેલી આ અંતિમ વિદાયે સૌની આંખો ભીની કરી દીધી હતી.





