“બિલ્ડિંગ પડી જશે શું?” મિત્રો સાથે મજાકમાં કહેવાયેલી 18 વર્ષના સના વર્શની આ વાત થોડા જ કલાકોમાં ભયાનક હકીકતમાં ફેરવાઈ ગઈ હતી. પરંતુ નળમાં પાણી ન આવતાં રૂમમાંથી માત્ર 15 મિનિટ પહેલાં બહાર નીકળી જવાનો નિર્ણય સના માટે જીવનદાન બની ગયો હતો. તેની પાછળ જ દિલ્હીના સત્ય નિકેતનની પાંચ માળની PG બિલ્ડિંગ ધરાશાયી થઈ ગઈ અને અનેક વિદ્યાર્થીઓ કાટમાળ નીચે દટાઈ ગયા હતો.
દિલ્હી યુનિવર્સિટીના સાઉથ કેમ્પસ નજીક સત્ય નિકેતન વિસ્તારમાં ગઈ કાલે બપોરે આશરે 1:30 વાગ્યે પાંચ માળની જૂની ઇમારત અચાનક ધરાશાયી થઈ હતી. બિલ્ડિંગનો ઉપયોગ વિદ્યાર્થીઓ માટે PG તરીકે થતો હતો. આ દુર્ઘટનામાં અત્યાર સુધી છ લોકોનાં મોત થયા છે, જ્યારે બચાવ ટીમોએ અનેક લોકોને કાટમાળમાંથી બહાર કાઢ્યા હતા. રેસ્ક્યૂ ઓપરેશનમાં દિલ્હી પોલીસ, ફાયર વિભાગ અને અન્ય બચાવ એજન્સીઓ જોડાઈ હતી.
પશ્ચિમ બંગાળના અલીપુરદ્વાર જિલ્લાના ફાલાકાટાનો રહેવાસી સના વર્શ મોતીલાલ નેહરુ કોલેજમાં BA પ્રથમ વર્ષનો વિદ્યાર્થી છે. તે બિલ્ડિંગની ત્રીજા માળે રહેતો હતો. સનાના જણાવ્યા અનુસાર, રવિવારે બપોરે ઊંઘમાંથી જાગ્યા બાદ તેના રૂમના નળમાં પાણી આવતું નહોતું. ફ્રેશ થવા માટે તે નજીક રહેતા મિત્રના રૂમમાં જતો રહ્યો હતો. માત્ર 15 મિનિટ બાદ તેની બિલ્ડિંગ ધરાશાયી થઈ ગઈ હતી.
સનાએ જણાવ્યું કે બિલ્ડિંગ જૂની હતી અને તેના રૂમ સુધી પહોંચતી સીડીઓ સાંકડી, જર્જરિત અને ભેજવાળી હતી. તે મિત્રો સાથે મજાકમાં કહેતો કે એક દિવસ આ સીડીઓ પરથી પડીને તેનું મોત થશે. પરંતુ તેને ક્યારેય ખ્યાલ નહોતો કે બિલ્ડિંગ ધરાશાયી થવાનો ભય સાચો સાબિત થશે.
સના દર મહિને આશરે ₹14,000 ભાડું ચૂકવતો હતો. અકસ્માતમાં તેનો લેપટોપ, કપડાં અને મહત્વના દસ્તાવેજો કાટમાળ નીચે દટાઈ ગયા હતા. તેના બે મિત્રો હજુ AIIMSમાં સારવાર હેઠળ હોવાનું તેણે જણાવ્યું છે.
દરમિયાન, પ્રાથમિક તપાસમાં બિલ્ડિંગના બેઝમેન્ટમાં ચાલી રહેલા કામ, પાણી ભરાવા અને જૂની સ્ટ્રક્ચરલ સ્થિતિ અંગે સવાલો ઊભા થયા છે. જોકે ધરાશાયી થવાનું ચોક્કસ કારણ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.





