Saturday, Jun 6, 2026

સુરતમાં PM મોદીનું ભવ્ય આગમન: હજીરાના L&T પ્લાન્ટમાં ‘મેક ઇન ઇન્ડિયા’ની તાકાતને નિહાળી

3 Min Read

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સુરતની મુલાકાતે પહોંચ્યા હતા. સુરત એરપોર્ટ પર આગમન બાદ તેઓ સીધા હજીરા સ્થિત લાર્સન એન્ડ ટુબ્રો (L&T)ના અત્યાધુનિક ઉત્પાદન સંકુલ ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે સંરક્ષણ ક્ષેત્ર અને ગ્રીન એનર્જી સાથે જોડાયેલા વિવિધ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કર્યું હતું.

હજીરા સ્થિત L&T પ્લાન્ટમાં વડાપ્રધાને ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ અભિયાન હેઠળ વિકસાવવામાં આવી રહેલા અદ્યતન સંરક્ષણ સાધનો અને ટેક્નોલોજીની માહિતી મેળવી હતી. તેમણે સ્થાનિક સ્તરે નિર્માણ પામી રહેલી આધુનિક ઉત્પાદન ક્ષમતાઓનું અવલોકન કરીને ભારતની વધતી ઔદ્યોગિક અને રક્ષણાત્મક શક્તિની પ્રશંસા કરી હતી.

પીએમ મોદીના સુરત પ્રવાસ દરમિયાન શહેરના ગ્રીન એનર્જી, સ્માર્ટ સિટી મિશન અને પર્યાવરણ સુરક્ષાને લગતા મહત્વકાંક્ષી પ્રોજેક્ટ્સ ખુલ્લા મૂક્યા. સુરત મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરાયેલા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, રિન્યુએબલ એનર્જી સોર્સ અને શહેરી સુખાકારીના વિવિધ કાર્યોનું વડાપ્રધાનના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ ઉપરાંત પીએમ મોદી સુરત વાસીઓને સંબોધિત કર્યા હતા.

PM મોદીએ સંબોધનમાં શું કહ્યું?
પરિયોજનાઓનું લોકાર્પણ કર્યા બાદ પીએમએ વિશાળ જનસભાને સંબોધી હતી. તેમણે કહ્યું કે, હું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ પહેલીવાર ગુજરાતમાં આવ્યો છું. સુરત તરફથી હું સમગ્ર ગુજરાતના લોકોને વંદન અને શુભેચ્છા પાઠવું છું. અઢી દાયકાથી વધુ સમય થઈ ગયો છે. તમે અમને અને ભાજપને સતત તમારા આશીર્વાદ આપી રહ્યા છો અને આ આશીર્વાદ સમયની સાથે વધતો જાય છે. તાજેતરમાં જિલ્લા પરિષદ, તાલુકા પરિષદ, નગરપાલિકા અને મહાનગર પાલિકાની ચૂંટણીઓ યોજાઈ હતી. જેમાં ગુજરાતની જનતાએ ભાજપને એટલો સાથ આપ્યો કે જૂના તમામ રેકોર્ડ તૂટી ગયા. આજે હું વધુ ખુશ છું કારણ કે તમે બધાએ મારો રેકોર્ડ પણ તોડ્યો છે.

સુરત જિલ્લાના હજીરા ખાતે ઔદ્યોગિક પ્રવૃત્તિઓ અને માળખાગત પ્રોજેક્ટ્સની સમીક્ષા કર્યા પછી પીએમ મોદીએ સુરતમાં આશરે ₹18,800 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનો પ્રારંભ કરાવ્યો. ગુજરાતમાં તેમણે વડોદરા-મુંબઈ એક્સપ્રેસવેના પેકેજ 6 અને 7નું ઉદ્ઘાટન કર્યું. તેમણે 200 બેડની ESIC હોસ્પિટલનું પણ ઉદ્ઘાટન કર્યું.

પીએમ મોદીએ કહ્યું કે ખેતર બચાવોના અભિયાનમાં જોડાઇએ. પ્રાકૃત્તિક ખેતી અપનાવો. સુરતનો કચરો મને ભેટ આપ્યો છે. એક લાખ લોકોએ 5 દિવસ સફાઇ અભિયાન ચલાવ્યું. મારા માટે આ મોટામાં મોટી સોગાત છે. આ માટે હું આખા સુરતનો આભાર માનું છે.

સુરત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રશાસિત પ્રદેશ દમણની પણ મુલાકાત લેશે. દમણ અને દીવ પ્રશાસન દ્વારા પર્યાવરણ દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં પીએમ મોદી કોસ્ટલ ક્લીનલીનેસ ડ્રાઇવ, ટુરિઝમ સર્કિટ ડેવલપમેન્ટ અને સ્થાનિક માછીમારોના કલ્યાણ માટેની યોજનાઓનું ડિજિટલ માધ્યમથી લોકાર્પણ કરશે.

Share This Article