પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ હવે રાજ્યમાં પ્રથમ વખત ભાજપની સરકાર બની છે. શુભેન્દુ અધિકારીએ મુખ્યમંત્રી પદની શપથ લેતા તેઓ રાજ્યના પ્રથમ ભાજપ મુખ્યમંત્રી બન્યા છે. તેમની સાથે ચાર અન્ય ભાજપ નેતાઓએ પણ મંત્રી પદની શપથ લીધી છે.
ચાલો જાણીએ શુભેન્દુ અધિકારીની કેબિનેટ વિશે…
- અગ્નિમિત્રા પોલ
રાજકીય ભૂમિકા: અગ્નિમિત્રા પોલ પશ્ચિમ બંગાળ ભાજપની ઉપાધ્યક્ષ છે. તેમને કેબિનેટમાં મહત્વપૂર્ણ જવાબદારી મળવાની સંભાવના છે. તેઓ કાયસ્થ સમાજમાંથી આવે છે, જેને બંગાળમાં ભાજપનો મહત્વનો મતદાર વર્ગ માનવામાં આવે છે.
ચૂંટણી પ્રદર્શન: તેમણે આસનસોલ દક્ષિણ વિધાનસભા બેઠક પરથી જીત મેળવી હતી, જ્યાં તેમણે તૃણમૂલ કોંગ્રેસના તાપસ બેનર્જીને 40,839 મતોથી હરાવ્યા હતા.
પૃષ્ઠભૂમિ: રાજકારણમાં પ્રવેશ પહેલાં તેઓ ફેશન ડિઝાઇનર તરીકે કાર્યરત હતા. તેમણે બોટનીમાં B.Sc (ઓનર્સ), ફેશન ટેક્નોલોજીમાં ડિપ્લોમા અને MBAની ડિગ્રી મેળવી છે.
અન્ય માહિતી: તેમની સામે ગેરકાયદેસર ભેગા થવા અને હિંસક વિરોધ પ્રદર્શન સંબંધિત 23 ગુનાઓ નોંધાયેલા છે, જોકે હજુ સુધી કોઈ કેસમાં દોષિત ઠરાવવામાં આવ્યા નથી.
- દિલીપ ઘોષ
રાજકીય ભૂમિકા: દિલીપ ઘોષ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રચારક રહી ચૂક્યા છે. પશ્ચિમ બંગાળમાં ભાજપને મજબૂત રાજકીય શક્તિ બનાવવા અને આદિવાસી વિસ્તારો સુધી પાર્ટીનું સંગઠન ઉભું કરવામાં તેમનો મોટો ફાળો રહ્યો છે. તેઓ OBC સમાજમાંથી આવે છે અને રાજ્યના પછાત વર્ગોને ભાજપ સાથે જોડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
નેતૃત્વ અને સફળતા: તેમણે 2015થી 2021 સુધી બંગાળ ભાજપ અધ્યક્ષ તરીકે કામ કર્યું હતું. 2016માં ખડગપુર સદર બેઠક જીતી અને 2019માં મિદનાપુરથી લોકસભા ચૂંટણી જીતી હતી. તેમનું ‘ચાય પે ચર્ચા’ અભિયાન ખૂબ ચર્ચામાં રહ્યું હતું.
તાજેતરની ચૂંટણી: 2024ની લોકસભા ચૂંટણીમાં તેઓ બર્દવાન-દુર્ગાપુર બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા, પરંતુ TMCના કીર્તિ આઝાદ સામે હાર્યા હતા. ત્યારબાદ 2026ની વિધાનસભા ચૂંટણીમાં ખડગપુર સદર બેઠક પરથી જીત મેળવી.
- નિશિથ પ્રામાણિક
રાજકીય ભૂમિકા: નિશિથ પ્રામાણિક કૂચબિહાર વિસ્તારના મહત્વપૂર્ણ નેતા છે. તેઓ 2021થી 2024 દરમિયાન મોદી સરકારમાં ગૃહ રાજ્યમંત્રી અને યુવા મામલા તથા રમતગમત રાજ્યમંત્રી તરીકે રહી ચૂક્યા છે. તેઓ રાજવંશી સમાજમાંથી આવે છે.
સિદ્ધિ: 2021ના કેબિનેટ વિસ્તરણ દરમિયાન માત્ર 35 વર્ષની ઉંમરે તેઓ કેન્દ્ર સરકારના સૌથી યુવા મંત્રીઓમાં સામેલ થયા હતા.
ચૂંટણી સફર: તેઓ 2019થી 2024 સુધી કૂચબિહારના લોકસભા સાંસદ રહ્યા હતા. 2021માં દિનહાટા બેઠક જીતી હતી અને 2026માં માથાભાંગા બેઠક પરથી વિજય મેળવ્યો.
પૃષ્ઠભૂમિ અને વિવાદ: માર્ચ 2019માં ભાજપમાં જોડાયા પહેલાં તેઓ તૃણમૂલ કોંગ્રેસમાં હતા. 2021માં વિરોધ પક્ષે તેમની નાગરિકતા અંગે સવાલ ઉઠાવતા તેમને બાંગ્લાદેશી નાગરિક ગણાવ્યા હતા, જોકે ભાજપે આ આરોપોને સંપૂર્ણપણે નિરાધાર ગણાવ્યા હતા.