સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલી શાલીગ્રામ સ્ટેટ્સ સોસાયટીમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં પ્રેમલગ્નની અદાવત રાખીને પાડોશમાં રહેતી મહિલાએ એક વૃદ્ધ અને તેમના પરિવારને ઝેરી લાડુ આપીને જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે પોલીસે ઉષા નાકરાણી નામની મહિલાની ધરપકડ કરી છે. તપાસ દરમિયાન એ પણ સામે આવ્યું છે કે આરોપી મહિલાનો પુત્ર પીડિત પરિવારના જર્મનીમાં અભ્યાસ કરતા દીકરાને ફોન કરીને ધમકીઓ આપી રહ્યો હતો.
ધમકીઓમાં ‘બીજી ટીકડી નાખી હોત તો કામ પૂરું થઈ જાત’ જેવી વાતો
આ કેસમાં પીડિત પરિવાર દ્વારા મીડિયામાં આક્ષેપો કરવામાં આવ્યા બાદ આરોપી મહિલાના પુત્રએ કિરણબેન ડોંડાના પુત્રને ફોન કરીને ધમકી આપી હતી. કોલ દરમિયાન તેણે કહ્યું હતું કે જો બીજી પ્રકારની દવા નાખી હોત તો મામલો કાયદેસર રીતે પૂરો થઈ ગયો હોત. સાથે જ તેણે પીડિત પરિવારને મામલો અંદરખાને સમાધાન કરવા દબાણ પણ કર્યું હતું. આ વાતચીતે કેસને વધુ ગંભીર બનાવી દીધો છે.

પ્રસાદી સમજી ખાધેલા લાડુ બન્યા જીવલેણ
ઘટના 10 એપ્રિલની છે, જ્યારે 70 વર્ષીય ગોરધનભાઈ ડોંડા તેમના ઘરના બહાર મૂકેલી પ્લાસ્ટિકની થેલીમાં રાખેલા લાડુને પ્રસાદી સમજી ખાધા હતા. તેમણે આ લાડુનો એક ભાગ પોતાની પુત્રવધૂ કિરણબેનને પણ આપ્યો હતો. થોડા સમય બાદ ગોરધનભાઈને ચક્કર આવી જતા તેઓ બેભાન થઈ ગયા હતા અને તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બે દિવસની સારવાર બાદ તેઓને ભાન આવ્યું હતું.
પુત્રવધૂ પણ ઝેરી અસરનો ભોગ બની
લાડુ ખાધા બાદ કિરણબેનની તબિયત પણ બગડી ગઈ હતી અને તેમને પણ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. બંનેની સ્થિતિ ગંભીર હોવા છતાં સમયસર સારવાર મળતા જાનહાનિ ટળી હતી. આ બનાવ પછી ઉત્રાણ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને આરોપીની ધરપકડ કરી છે.
પ્રેમલગ્નની અદાવતથી ઉદ્ભવેલો વિવાદ
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ સમગ્ર ઘટના પાછળ પ્રેમલગ્નને લઈને જૂની અદાવત જવાબદાર છે. હાલ પોલીસ સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને આરોપી મહિલાના પુત્રની સંડોવણી અંગે પણ વધુ માહિતી એકત્રિત કરી રહી છે.