Tuesday, Mar 31, 2026

સુરતના લિંબાયતમાં મકાનમાં ભીષણ આગ લાગતા 4 મહિલા સહિત 5ના ગૂંગળામણથી મોત

2 Min Read

સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલી મીઠી ખાડી પાસે એક મકાનમાં અચાનક ભયાનક આગ ફાટી નીકળતા 5 લોકોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. રહેણાંક મકાનમાં લાગેલી આ આગને પગલે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ ફેલાયો છે. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ગાડીઓ અને એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે દોડી અને બચાવ કામગીરી હાથ ધરી છે.

પ્રાથમિક તપાસ મુજબ, આ મકાનમાં સાડીઓનું કામ ચાલતું હતું અને અંદાજે 8 ટન જેટલું સાડી મટિરિયલ તેમજ ફોર્મ શીટ્સનો જથ્થો રાખવામાં આવ્યો હતો. ઇલેક્ટ્રિક સ્વીચ બોર્ડમાંથી તણખાં પડતા નજીકમાં પડેલા ફોર્મમાં આગ લાગી હતી. ફોર્મ સીધું બળી ન ગયું હોવા છતાં ભારે ધુમાડો ફેલાયો હતો.

આ ધુમાડામાં રહેલા કેમિકલના કારણે ઘરમાં રહેલા લોકો ગૂંગળાઈ ગયા હતા, જેના કારણે 4 મહિલાઓ અને એક બાળકનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. ઉપરાંત, ઘરમાં બે ગેસના બાટલા પણ હાજર હતા, જેના કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની શકતી હતી.

આ દુર્ઘટનાએ ફરી એકવાર રહેણાંક વિસ્તારોમાં સલામતીના નિયમો અને જ્વલનશીલ સામગ્રીના સંગ્રહ અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. ખાસ કરીને જ્યાં ઘર અને કામ બંને એક જ જગ્યાએ ચાલે છે, ત્યાં વધુ સાવચેતી રાખવાની જરૂર છે. મૃતકોમાં શહેનાઝ બેગમ અબ્દુલ કલામ અંસારી (65), હુસા બેગમ અબ્દુલ કલામ અંસારી (18), શુભાન રમઝાન અલી અંસારી (4), શબીનાં રમઝાન અલી અંસારી (28) અને પરવીન અબ્દુલ કલામ અંસારી (19)નો સમાવેશ થાય છે.

Share This Article