કર્ણાટકના ગૃહ મંત્રી જી. પરમેશ્વર EDના રડાર પર છે. કેન્દ્ર સરકારની એજન્સીએ તેમના ઠેકાણાંઓ પર દરોડા પાડ્યા છે. એક દિવસ પહેલાં જ ગૃહ મંત્રી સાથે જોડાયેલી શૈક્ષણિક સંસ્થાઓ પર EDની ટીમ પહોંચી હતી. અભિનેત્રી રાન્યા રાવના સોનાની તસ્કરી સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં ED રેડ કરી રહી છે. EDએ જી. પરમેશ્વર સાથે જોડાયેલી શૈક્ષણિક સંસ્થાઓ સહિત કર્ણાટકનાં અનેક સ્થળોએ દરોડા પાડી છે. તેમણે જણાવ્યું કે પ્રિવેન્શન મની લોન્ડરિંગ એક્ટ હેઠળ રાજ્યનાં 16 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે.
સૂત્રોએ જણાવ્યું કે દરોડામાં હવાલા ઓપરેટરો અને અન્ય ઓપરેટરોને લક્ષ્ય બનાવીને પાડવામાં આવ્યા છે, જેમણે રાવનાં ખાતાંઓમાં કથિત રીતે ખોટી નાણાકીય લેવડદેવડ કરી હતી. તપાસ એજન્સીએ થોડા મહિના પહેલા રાવના કેસ સહિત ભારતના મોટા સોનાની તસ્કરી રેકેટના સંદર્ભમાં CBI અને આવક ગુપ્તચર નિર્દેશાલય (DRI)ની ફરિયાદ પર ધ્યાનમાં રાખીને PMLAનો કેસ નોંધ્યો હતો.
કોંગ્રેસના મિડિયા ઇન્ચાર્જ જનરલ સચિવ જયરામ રમેશે જણાવ્યું હતું કે ભાજપ છેલ્લાં બે વર્ષમાં કર્ણાટક સરકારની સિદ્ધિઓથી સ્પષ્ટ રીતે ગભરાઈ ગઈ છે. X પર એક પોસ્ટમાં રમેશે જણાવ્યું હતું કે કોંગ્રેસ કર્ણાટકના ગૃહ મંત્રી પર EDના દરોડાની કડક શબ્દોમાં નિંદા કરે છે. ડો. જી પરમેશ્વર દેશના સૌથી વરિષ્ઠ રાજકીય નેતાઓમાંના એક છે, જેમણે શિક્ષણ ક્ષેત્રમાં ખાસ કરીને સમાજના નબળા વર્ગ માટે મોટા પ્રમાણમાં યોગદાન આપ્યું છે.