ધોરાજી નજીક ટાયર ફાટતાં કાર પુલ નીચે ખાબકતા ૪ લોકોના મોત

Share this story

ધોરાજી નજીક આજે સવારે એક દર્દનાક અકસ્માતની ઘટના સામે આવી છે. વાત જાણે એમ કે, આજે સવારના સમયે ધોરાજી નજીકથી પસાર થઈ રહેલ એક કાર અચાનક નદીના પુલ ઉપરથી નીચે પટકાઈ હતી. આ ઘટનામાં ૪ લોકોના મોત થયાનું સામે આવતા પંથકમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક વિગતો મુજબ ચાલકે કાર પર કાબૂ ગુમાવ્યા બાદ આ અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. ઘટનાને લઈ મૃતકોના પરિજનોમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે.

આ અકસ્માતને લઈને ધોરાજી સરકારી હોસ્પિટલમાં મૃતકનાં પરિવારજનો તથા સ્થાનિક ભાજપનાં અગ્રણીઓ તથા તુલસી ચેરીટેબલ ટ્રસ્ટનાં હોદ્દેદારો હોસ્પિટલે દોડી ગયા હતા. તેમજ ધોરાજી સરકારી હોસ્પિટલમાં લોકોનાં ટોળેટોળા ઉમટી પડ્યા હતા. આ ગોઝારા અકસ્માતને લઈ મૃતકોના પરિવારની સાથે સાથે સમગ્ર ધોરાજી પંથક અને આસપાસના ગામોમાં પણ શોકનો માહોલ છવાયો છે. હાલ પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા અનુસાર મૃતકના નામ ૫૪ વર્ષીય સંગીતાબેન કોયાણી, ૫૨ વર્ષીય લીલાવંતીબેન ઠુમ્મર, ૫૫ વર્ષીય દિનેશભાઈ ઠુમ્મર અને ૨૨ વર્ષીય હાર્દિકાબેન ઠુંમ્મર હોવાનું સામે આવ્યું છે. આ કાર માંડાસણથી ધોરાજી તરફ જઈ રહી હતી. ત્યારે જ કોઈ કારણોસર કાર ભાદર ડેમમાં પડી જતા અકસ્માત સર્જાયો હતો. મૃતકો ધોરાજીનાં જેતપુર રોડ નજીકના રહેવાસી હોવાનું તેમજ પ્રાથમિક તબક્કે કારનું ટાયર ફાટ્યું હોવાને કારણે અકસ્માત થયો હોવાનું જાણવા મળ્યું છે.