ગુજરાતમાં 24 કલાકમાં 1785 નાગરિકોનુ રેસ્ક્યુ, 13183 નાગરિકોનુ કરાયું સ્થળાંતર

Share this story

ગુજરાતમાં ભારે વરસાદને કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં કટોકટીની પરિસ્થિતિ સર્જાઈ હતી. વરસાદથી પ્રભાવિત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી મિશન મોડમાં ચાલી રહી છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા પ્રાપ્ત માહીતી મુજબ આજે તા.29મી ઑગસ્ટ સવારે 10 કલાકની સ્થિતિ એ છેલ્લા 24 કલાકમાં 1785 નાગરિકોને રેસ્ક્યુ તથા 13183 નાગરિકોનુ સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. રાજ્યમાં રાહત બચાવ કામગીરી માટે એન.ડી.આર.એફની 17 તેમજ એસ. ડી. આર. એફની 25 ટીમો ઉપરાંત આર્મીની 9 કોલમ ડિપ્લોય કરવામાં આવી છે.

રાજ્યમાં ભારે વરસાદમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ રાહત અને બચાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા છે, ત્યારે લોકોના જાનમાલનું રક્ષણ કરવા જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ, માર્ગ અને મકાન, આરોગ્ય સહિતના તમામ વિભાગો ખડેપગે ફરજો બજાવી રહ્યા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના મેઘપર ટીટોડી ગામમાં ભારે વરસાદના કારણે ચાર નાગરિકો ફસાયા હતાં. જિલ્લા વહીવટી તંત્રની સતર્કતા મદદથી હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરી સલામત સ્થળે સફળતાપૂર્વક ખસેડવામાં આવ્યા હતા. ધોધમાર વરસાદ અને વિકટ પરિસ્થિતિમાં પોતાનું ઘર છોડી જિલ્લા આરોગ્ય તંત્રની સતત દેખરેખ અને કાળજી વચ્ચે વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં એક મહિલાની સફળ પ્રસૂતિ કરાઈ હતી.

છેલ્લા 24 કલાકમાં 238 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ દ્વારકાના ભાણવડમાં 12 ઈંચ વરસાદ ખાબક્યો છે. કચ્છના અબડાસામાં 11 ઈંચ વરસાદ વરસ્યો છે. દ્વારકાના કલ્યાણપુરમાં 10.5 ઈંચ વરસાદ વરસ્યો છે. કચ્છના લખપતમાં 9 ઈંચ વરસાદ વરસ્યો છે. દ્વારકાના ખંભાળિયામાં 9 ઈંચ વરસાદ ખાબક્યો છે. જામજોધપુરમાં 9 ઈંચ, દ્વારકામાં 8.5 ઈંચ, કચ્છના નખત્રાણામાં 8 ઈંચ, માંડવીમાં 7.2 ઈંચ, જામનગરના કાલાવડમાં 6.9 ઈંચ, જામનગરના લાલપુરમાં 7.2 ઈંચ, 9 તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ, 9 તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ, 8 તાલુકામાં 2 ઈંચથી વધુ, 35 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.

આ પણ વાંચો :-