વેપાર-ઉદ્યોગમાં વણસતી જતી સ્થિતિ, આગામી દિવસોમાં ભયાનક ઘટનાઓ બનવાનો ભય

Share this story
  • નોટબંધી, જીએસટી અને કોરોનાએ પાયમાલ કરી નાંખેલું માનવજીવન અને વેપાર-ઉદ્યોગ હજુ બેઠા થયા નથી.
  • ઉપરથી ભલે રૂપાળું દેખાતું હોય, પરંતુ ગરીબો, શ્રમજીવીઓ, મધ્યમવર્ગીઓ, વેપારીઓ, ઉદ્યોગકારોની આર્થિક સ્થિતિ સારી નથી.
  • ઝેર પીને આપઘાતનો પ્રયાસ કરનાર નરેશ અગ્રવાલ મોટા ગજાનાં અને પરિસ્થિતિનો સામનો કરી શકે એવું વ્યક્તિત્વ છે છતાં તેમણે ગત દિવાળીનાં દિવસોમાં કંઈક અમંગળ થવાના સંકેત આપ્યા હતા.
  • મોદી સરકાર કોરોનાકાળથી દેશનાં ૮૦ કરોડ લોકોને મફતમાં અનાજ પૂરું પાડે છે, સરકારે આ વ્યવસ્થા કરી ન હોત તો કેટલાય ગરીબો ભૂખ અને ખાલી પેટનાં કારણે મરી ગયા હોત.

રિઅલ એસ્ટેટનાં ધંધામાં મંદી, વ્યાજનું ચક્કર અને તકસાધુઓ દ્વારા વિશ્વાસઘાતની ઘટનાઓને પગલે સુરતમાં વીતેલા વર્ષમાં અનેક જાણીતા લોકોએ આત્મહત્યાઓ કરી લીધી હતી. પરંતુ થોડા દિવસોની અરેરાટી અને સહાનુભૂતિની વાતો વચ્ચે સમસ્યાનાં ઉકેલ માટે કોઈ જ પગલાં ભરાયા નથી. સરકાર પક્ષે પણ અસહ્ય નાણાંભીડ ભોગવતા બિલ્ડર્સ તેમજ વેપાર, ઉદ્યોગને રાહત મળે એવા કોઈ જ પગલાં ભરવામાં આવ્યા નથી.

બલ્કે એકાદ બે હપ્‍તા ચૂકી જવાય એટલે બેંકોની નોટિસોનો મારો શરૂ થઈ જાય છે અને ખાનગી ફાયનાન્સરોનાં ત્રાસને શબ્દોમાં વર્ણવુનું શક્ય નથી. સુરતમાં રોજના સરેરાશ ચારથી પાંચ આત્મહત્યાના બનાવો બનતા હશે. આ પૈકી આર્થિક સંકડામણને કારણે આપઘાત કરનારાઓની સંખ્યા ખૂબ મોટી હશે. આમાં ફૂટપાથ ઉપર વેપાર કરતા શ્રમજીવીથી શરૂ કરીને અનેક ઉદ્યોગકારોએ આપઘાત કર્યા હશે.

ભારત બચત ઉપર જીવનારો દેશ છે, પરંતુ મોદી સરકારે કોઈ જ દેખીતા કારણ વગર ‘નોટબંધી’નો કાયદો લાવીને લાખો પરિવારોએ સાચવી રાખેલી મૂડી રાતોરાત ખેંચી લીધી હતી. સરકાર નહીં સ્વીકારે પરંતુ નોટબંધીને કારણે જ લાખો ગરીબોની બચત વેરવિખેર થઈ ગઈ હતી અને ત્યારબાદ કેન્દ્ર સરકારે મોટો મીર માર્યો હોય એમ રાતોરાત જીએસટીનો પઠાણી કાયદો લાગુ કરવા સાથે વેપાર-ઉદ્યોગ માટે અનેક સમસ્યાઓ ઊભી કરી હતી. કાયદાની પૂરેપૂરી સમજ નહીં ધરાવતા લોકોએ કાયદાના ડરથી ધંધા ઉપર બ્રેક મારી દીધી હતી. નિષ્ણાંત ચાર્ટડ એકાઉન્ટન્ટ પણ જીએસટીનાં આટાપાટાને સમજી શક્યા નહોતા. કદાચ આજે પણ ઘણાં લોકોને જીએસટીનાં કાયદાની સમજ નહીં હોય.

જીએસટી બાદ બાકી હતું તો કુદરતે ‘કોરોના’નો માર માર્યો હતો. નોટબંધી અને જીએસટીનાં મારથી બચેલા લોકો કોરોનાની બીમારીમાં સાવ પાયમલ થઈ ગયા હતા. લાખો પરિવારોને પેટ ભરવા માટે અનાજ પણ બચ્યું નહોતુ. બીજી તરફ ખિસ્સામાં પૈસા નહોતા. પરિણામે અનેક પરિવારોની હાલત અનિચ્છાએ પણ ભીખ માંગવા જેવી થવા પામી હતી.

ખેર, આ બધી નજીકનાં ભૂતકાળની કડવી વાસ્તવિકતા છે, પરંતુ રાજકીય ગરાસની લડાઈમાં વેપાર-ઉદ્યોગ અને પ્રજા ભુલાઈ ગયા છે. કોઈપણ પરિવાર, સંસ્થા પાંચ-પાંચ વરસ સુધી આવક વગર કઈ રીતે ટકી શકે? ચારે તરફથી લાચાર થઈ ચૂકેલી વ્યક્તિ આપઘાત માટે વિચારે એ સ્વાભાવિક છે. ઝેરી દવા ગટગટાવનાર સુરતનાં જાણીતા બિલ્ડર અને ભલા માણસ નરેશ અગ્રવાલ પાછલાં ઘણાં લાંબા સમયથી આર્થિક તંગ સ્થિતિનો સામનો કરી રહ્યા છે.

ગત દિવાળીના અરસામાં સુરતના જ એક જાણીતા બિલ્ડરે આત્મહત્યા કરી ત્યારે નરેશ અગ્રવાલે પણ પોતાની સ્થિતિનું વર્ણન કરતો એક સંદેશો ફરતો કર્યો હતો અને આ સંદેશામાં લેણદારોને ધીરજ રાખવા અનુરોધ કરવા સાથે વધુ તંગ સ્થિતિનું નિર્માણ થશે તો આપઘાત કરવાનો સંકેત પણ આપ્યો હતો. પરંતુ ત્યાર પછી નરેશ અગ્રવાલની સ્થિતિમાં કોઈ જ સુધારો થયો નહોતો. મિલકતો હતી પરંતુ ખરીદદાર કોઈ નહોતું અને વેચેલી મિલકતોનાં નાણાં ફસાઈ ગયાં હતા.

Naresh-Agarwal

નરેશ અગ્રવાલનાં કથિત ઓડિયો સંદેશામાં તેમણે કહેલી વાતોમાં કેટલું તથ્ય છે એ પોલીસ તપાસ દરમિયાન જ બહાર આવશે, પરંતુ એક હકીકત છે કે વેપાર-ઉદ્યોગ સાથે સંકળાયેલા અનેક લોકોની હાલત નરેશ અગ્રવાલ જેવી જ હશે અને એટલે જ ડર લાગી રહ્યો છે કે, આગામી દિવાળીના દિવસોમાં કોઈના જીવનનો ભોગ ન લેવાય એવી ઈશ્વરને પ્રાર્થના કરવા સિવાય કોઈ માર્ગ નથી.

સુરતનાં જીવાદોરી સમાન હીરા અને કાપડ બંને ઉદ્યોગોમાં અસહ્ય મંદી હોવાથી આવનારા દિવસોમાં વધુ સ્થિતિ વણસવાનો ભય સતાવી રહ્યો છે. કદાચ કલ્પના બહારની ઘટનાઓ બની શકે.

આ પણ વાંચો :-