દેશની આઝાદીના અમૃતકાળ પછી પણ આજે પ્રત્યેક પરિવારને દીકરીની સલામતીની કેમ ચિંતા થાય છે, માસૂમ બાળકોને હવસખોરીથી બચાવવા કોઈ જ કાયદો નથી ?

Share this story
  • માસૂમ બાળકીઓને હવસનો શિકાર બનાવતા હવસખોરોને જાહેરમાં ફાંસીના માંચડે લટકાવવા જેવી સજા કરવામાં નહી આવે ત્યાં સુધી આવી ઘટનાઓ બનતી જ રહેશે.
  • એકલા રહેતા ગરીબ શ્રમજીવી પરિવારોના ભૂલકાઓ સાથે આચરવામાં આવતી હવસખોરી જેવી ઘટનાઓની કદાચ નોંધ લેવામાં નહી આવતી હોય.
  • થોડા દિવસ પહેલા સુરત નજીકના પલસાણામાં માસૂમ બાળકીને ખેતરમા ખેંચી જઈને બળાત્કાર ગુજારાયો હતો જ્યારે સચિનમાં ૪૪ વર્ષના હવસખોરે માત્ર ૭ વર્ષની બાળકી ઉપર દિવસો સુધી બળાત્કાર ગુજાર્યો હતો, આ જ વિસ્તારમાં સામૂહિક બળાત્કારનો ભોગ બનેલી સગીરા ઉપર વધુ એક હવસખોરે બળાત્કાર ગુજાર્યો હતો.

પાછલા કેટલાક સમયથી જાણે બળાત્કારીઓ હેવાન બની ગયા છે. ઉપરાછાપરી બળાત્કારની બનતી ઘટનાઓએ સમાજ વ્યવસ્થાના લીરેલીરા ઉડાવી દીધા છે. અનેક બળાત્કારીઓની ધરપકડનો દોર અને કોર્ટ દ્વારા આકરી સજા ફટકારવામાં આવવા છતાં હવસખોરી કાબૂમાં આવતી નથી અને હવે વળી હવસખોરો બાળકીની વયમર્યાદાને પણ ગણકારતા નથી અને તાજી જન્મેલી જેવી બે-પાંચ વર્ષની બાળકી સાથે પણ હેવાનિયત આચરવામાં આવી હોવાથી ઘટનાઓ નોંધાતી રહે છે. વળી કેટલાક કિસ્સામાં માસૂમ બાળકીઓ ઉપર બળાત્કાર બાદ નિર્દય બનીને મારી નાંખવાની અત્યંત ક્રૂર ઘટનાઓ સામે આવે છે ત્યારે ધ્રુજી જવાય છે.

રોજરોજ અખબારો-પ્રચાર માધ્યમોમાં બાળકીઓ સાથે બનતી ઘટનાઓની હારમાળાના સમાચારો પાને-પાને વાંચવા મળે છે વખતોવખત કાયદામાં આકરા સુધારા કરવામાં આવ્યા પછી પણ માસૂમ બાળકીઓ-યુવતીઓ હવસનો શિકાર બનતી રહે છે. આ વિકૃતિ ક્યા રસ્તે જઇ રહી છે અને ક્યાં જઇને અટકશે એનો કોઇ જ અંદાજ નથી. ભલભલા સમાજશાસ્ત્રીઓ, સમાજસુધારકો પણ હવસખોરીની ઘટનાઓ રોકવામાં સફળ થયા નથી. બલ્કે માસૂમ બાળકીઓના પરિવારો વધુ ભયભીત બની રહ્યા છે. દીકરી, શાળા-કોલેજથી પરત નહીં આવે ત્યાં સુધી પરિવારનો જીવ તાળવે ચોંટેલો રહે છે. જ્યારે નોકરી, ધંધો કરતા શ્રમજીવી પરિવારોના સંતાનો સાવ ભગવાન ભરોસે જીવતા હોય છે.

બની શકે કે હવસખોરીની ઘટનાઓ માટે મોબાઇલ ફોનમાં પીરસવામાં આવતી ‘પોર્ન ફિલ્મ’ જવાબદાર હોઈ શકે. શહેરની વસાહતોમાં એકલવાયું જીવન જીવતા શ્રમજીવી યુવકો કે અદ્યતન સોસાયટીઓમાં ઐયાશીભર્યું જીવન જીવતા નબીરાઓની સળવળી ઊઠતી વાસનાઓ નિર્દોષ બાળકીને હવસનો ભોગ બનાવતી હોવાની ઘટનાઓ રોજબરોજ પોલીસ દફ્તરે નોંધાતી રહે છે. વળી કેટલીય ઘટનાઓ સમાજમાં ઇજ્જત જવાના ડરથી ચાર દીવાલોની વચ્ચે દબાઈ જતી હશે.

શું કાયદામાં આવી ઘટનાઓ રોકવા માટે કોઈ જ સત્તા નથી ?

ઘટના ભલે ખાનગીમાં બનતી હોય પરંતુ જાહેર થયા પછી ગુનેગારને ફાંસીએ લટકાવવા જેવી સજા કેમ ફટકારવામાં આવતી નથી. સહમતીથી બંધાયેલા સંબંધોને અલગ રાખીને માસૂમ ભૂલકાઓને હવસનો શિકાર બનાવતા વરૂઓને કઇ રીતે માફ કરી શકાય? કાયદો ઘડવાનું સરકારનું કામ છે અને ગુનેગારને સજા ફટકારવાનું કોર્ટનું કર્તવ્ય છે. માસૂમ બાળકો સાથે નિર્દયતાપૂર્વક બળાત્કાર આચરનારા ગુનેગારો પણ કાયદાની છટકબારીનો ગેરલાભ લઇને છૂટી જતા હોવાથી હવસખોરોના મનનો ભય દૂર થઈ જતો હશે એવું માની શકાય. શાળાઓમાં ભણતા માસૂમ ભૂલકાઓને ‘‘ગુડ ટચ,બેડ ટચ’’ની સમજણ આપવામાં આવે એ સારી વાત છે, પરંતુ અચાનક જ હવસનો શિકાર બનતા માસૂમ બાળકોને આવી સમજથી કઈ રીતે બચાવી શકાય?

મ‌હિલાઓને પુરૂષ સમાંતર અધિકારો આપવાની વાત કરતા આપણા શાસકો ભલે ગર્વ લેતા હોય પરંતુ માસૂમ ભુલકાઓના શોષણને રોકવામાં કે આકરો કાયદો ઘડવામાં સરકારો ધરાર નિષ્ફળ નીવડી છે. આપણા નરેન્દ્ર મોદીની સરકાર આઝાદી પછીની અત્યાર સુધીની સરકારોમાં નિર્ણાયક સરકાર માનવામાં આવે છે. પરંતુ નરેન્દ્ર મોદીની સરકારે પણ માસૂમ ભુલકાઓના શારીરિક સહિતના શોષણ રોકવા ગુનેગારોને ભય લાગે એવો કોઇ જ કાયદો બનાવ્યો નથી. પરિણામે મોટાભાગના કેસમાં ગુનેગારો છટકી જાય છે.

દિલ્હી, મુંબઈ, પટના, કોલકાતા સહિત દેશભરમાં નિર્દોષ બાળકીઓ-યુવતીઓનું શોષણ, બળાત્કાર અને હત્યાની સેંકડો ઘટનાઓ અવારનવાર બનતી રહે છે પરંતુ આવી અત્યંત હીન ઘટનાઓમાં ગુનેગારોને જાહેરમાં ફાંસીના માચડે લટકાવ્યાની એક પણ ઉદાહરણરૂપ ઘટના બનવા પામી નથી. અપવાદરૂપ કેસમાં ફાંસી આપવામા આવી હશે પરંતુ મનમાં હવસખોરી લઈને ફરતા ગુનેગારો હવસખોરી આચરવાનો વિચાર કરતા પહેલાં ફફડી ઊઠે એવો કોઇ કાયદો કે સજા કરવામાં આવ્યા નથી.

હજુ થોડા દિવસ પહેલા જ સુરત નજીકના હાઈ-વે ઉપરના પલસાણા વિસ્તારમાં એક મજૂર પરિવારની માસૂમ બાળકીને શેરડીના ખેતરમાં ઘસડી જઈને હવસખોરે બળાત્કાર ગુજાર્યો હતો. આ ઘટનાનો આઘાત ભુલાય ત્યાર પહેલા સુરતના સચિન વિસ્તારમાં ૪૪ વર્ષના અનવર હુસેન નામના હવસખોરે પોતાના આશરે રહેતી આસામના પરિવારની માત્ર સાત વર્ષની બાળકીને દિવસો સુધી બળાત્કારનો શિકાર બનાવી હતી!! અને જ્યારે માસૂમ બાળકીએ પડોશીઓને આ વાત કરી ત્યારે અનવર હુસેનની હવસખોરીની ઘટના બહાર આવી હતી.

આવી જ હવસખોરીની વધુ એક શરમજનક ઘટનામાં સચિન વિસ્તારમાં સામૂહિક બળાત્કારનો ભોગ બનેલી ૧૫ વર્ષની સગીરાને પપ્પુ ચૌધરી નામના હવસખોરે શિકાર બનાવી હતી. આ સગીરા અગાઉ સામૂહિક બળાત્કારનો ભોગ બનતા સગર્ભા પણ બની હતી અને કોર્ટની મંજૂરી બાદ ગર્ભપાત કરાવવામાં આવ્યો હતો.

આ ઘટનાઓ માત્ર ઉદાહરણરૂપ છે, પરંતુ હકીકત એ છે કે આજે પ્રત્યેક દીકરીનાં માતા-પિતા દીકરીની સલામતિને લઇને અજ્ઞાત ભય અનુભવતા હશે શાળા, કોલેજ કે નોકરીએ ગયેલી દીકરીની સલામતિ અંગે દિવસમાં દસ વખત પૃચ્છા કરી લેતા હશે. કારણ દરેકને દિકરી સલામતીનો ભય સતાવી રહ્યો છે. દીકરીઓની સલામતી અંગે જ્યાં સુધી હાથ-કાંડા કાપી નાંખવા જેવી અને જાહેરમાં ફાંસીએ લટકાવવા જેવી આકરી સજાની જોગવાઈ કરવામાં નહીં આવે ત્યાં સુધી માસૂમ ભુલકાઓ દીકરીઓને હવસખોરી અને ગુનેગારોની ચુંગાલમાંથી બચાવવાનું મુશ્કેલ થઈ પડશે. હવસખોરોના મનમાં હવસખોરી આકાર લેતી હોય ત્યારે જ આકરી સજાનો ભય નહીં દેખાય ત્યાં સુધી હવસખોરીની ભયાનક ઘટનાઓ આકાર પામતી રહેશે.

આ પણ વાંચો :-