- સામાન્ય રીતે કોઈ વ્યક્તિને કોઈ લોકેશન પર પહોંચવું હોઈ તો તે ગૂગલ મેપનો સહારો લેતું હોય છે અને હવે તો ગૂગલ મેપ અજાણી જગ્યાએ જ્યારે આપણે મુસાફરી કરતા હોય ત્યારે મોટાભાગે એક માત્ર સહારો બની ગયું છે.
મોટી મોટી ફેકટ્રી માલિકો કે નાના નાના વેપારીઓ પોતાની ફેકટ્રી કે દુકાન ક્યાં આવેલી છે તે બતાવવા માટે ગૂગલ મેપ પર લોકેટ થાય તે પ્રમાણે કામ કરતા થયા છે. જેની પાછળનું કારણ એ કે પોતાના ગ્રાહકો કોઈ પણ અડચણ વગર ત્યાં પહોંચી શકે. હળવદના દેશી દારૂ વેચનારા પણ જાણે આધુનિક બન્યા છે. તેઓએ પણ ગૂગલ મેપ પર પોતાનું નામ અંકિત કર્યું છે. જેના કારણે ગુજરાતમાં પ્રતિબંધિત દેશી દારૂનું કારખાનું ક્યાં આવેલું છે તે લોકો સરળતાથી શોધી શકે તેવો ઘાટ ઘડાયો છે. જેને લઈને એક બાજુ પોલીસનું જ નાક વઢાતું હોય તેવું દેખાઈ રહ્યું છે.
ક્યાં છે આ લોકેશન ?
તમને આ વાંચીને વિશ્વાસ નહીં આવે કે આવું પણ હોતું હશે. જો ગૂગલ મેપ પર કોઈ વ્યક્તિ દેશી દારૂના કારખાનું શોધીને પહોંચી શકતું હોઈ તો પોલીસ પણ ત્યાં પહોચી શકે અને તે બંધ કરાવી શકે. આ લોકેશન પર સામાન્ય માણસ પણ ગૂગલ મેપના સહારે પહોંચી શકે તો પણ પોલીસ કેમ પહોંચી શકતી નહીં હોય તે મોટો સવાલ છે. તમે ગૂગલ મેપ ખોલીને તેમાં ગુજરાતીમાં દેશી દારૂના કારખાના સર્ચ કરશો તો તમારી સામે એક લોકેશન આવી જશે. આ લોકેશન હળવદના સુંદરગઢ નજીક આવેલી બ્રાહ્મણી નદીના કાંઠે આવેલું છે. આ જોતા એવું લાગી રહ્યું છે કે દેશી દારૂના ધંધાર્થીઓ પણ હવે આધુનિક યુગ સાથે કદમ મેળવીને પોતાનો ધંધો વિકસાવી રહ્યા છે.
જાણકારોનું માનવું છે કે હળવદ પંથકમાં ખુલ્લેઆમ દેશી દારૂના કારખાનાઓ ધમધમી રહ્યા છે. તેમ છતાં પોલીસને આ નજરે ચઢતા નથી. ગુગલ મેપ પણ જાણે છે કે દેશી દારૂના કારખાના ક્યાં છે પણ હળવદ પોલીસ કદાચએ બાજુ જવાનો રસ્તો જાણતી નહીં હોય. પોલીસ રસ્તો જાણતી ન હોય તો કોઈ વાંધો નહીં તમે ગૂગલ મેપમાં સર્ચ કરીને આસાનીથી એ લોકેશન પર પહોંચી શકે છે.
હળવદમાં દેશી દારુનું દૂષણ :
ગુજરાત એટલે ગાંધીનું ગુજરાત. ગુજરાતમાં દારૂ બંધી છે પરંતુ આ પ્રકારે ગૂગલ મેપ પર દારૂનું લોકેશન જોઈને દારૂ બંધી માત્ર નામની હોઈ તેવું વધુ એક વખત સ્પષ્ટ થાય છે. હળવદ પંથકમાં ઘણા લાંબા સમયથી દેશી દારૂની ભઠીઓ ધમધમી રહી છે. તેમ છતાં પોલીસ સબ સલામત હોય તેમ બે ચાર રેડ કરીને મન માનવી લે છે. આ તેમની આળસ છે કે પછી બીજો કોઈ લાભ? કદાચ પોલીસ સ્થળ પર પણ પહોંચી જશે અને બધું સગેવગે કરીને કોઈ એ માત્ર ટીખળ કરવા માટે ગૂગલ મેપ પર આવું કર્યું હતું તેવું પણ સાબિત થઈ શકે છે પરંતુ હળવદ અને આસપાસના ગામના લોકો ખૂબ સારી રીતે જાણે છે કે, હળવદ પંથકમાં દેશી દારૂનું દૂષણ કેટલી હદે ફુલ્યું ફાલ્યું છે.
આ પણ વાંચો :-