આ વખતે આદિવાસીઓ ભાજપની અપેક્ષિત જીત માટે નિર્ણાયક પુરવાર થશે

Share this story

This time the tribals will be the decisive

  • વડાપ્રધાન મોદીએ ગુજરાતનાં છેવાડાના અને આદિવાસીઓની મોટી વસ્તી ધરાવતા નાનાપોંઢા ખાતેથી ચૂંટણી પ્રચારનાં શ્રીગણેશની સુચક શરૂઆત કરી; ૨૬ બેઠકો કબજે કરવાનું આસાન બની રહેશે.
  • ભાજપનાં આંતરકલહ નુકસાન પહોંચાડી શકે, પાટીદારોને પણ પૂર્ણ સંતોષ નથી તો સામે પક્ષે કોંગ્રેસમાં બખેડાનો પાર નથી, નેતૃત્ત્વનાં કોઈ ઠેકાણા નથી, કોંગ્રેસની હાલત ધણી વગરનાં… જેવી છે; હજુ ઘણાં લોકો તબેલામાંથી ભાગી જશે.
  • અમદાવાદ પછીનું સૌથી મોટું મહાનગર ગણાતા સુરતમાં કોંગ્રેસનું પોતાનું કાર્યાલય પણ નથી, ગણ્યા ગાંઠ્યા નેતાઓ કફનીમાં હાથ નાંખીને ફરે છે, કદીર પીરઝાદા જેવા આધ્યાત્મિક ગાદીપતિ હોવા છતાં હજુ નેતાગીરી કરવાનો મોહ છૂટતો નથી.
  • કોંગ્રેસ ભલે વેરવિખેર છે, પરંતુ આમ આદમી પાર્ટીનો ગુજરાતમાં પ્રવેશ ભાજપ માટે સૌથી વધુ ચિંતાજનક; ‘આપ’ની સરકાર બનવાની નથી, પરંતુ એકાદ, બે બેઠકો લઈ જશે તો પણ ભાજપ માટે પડકારરૂપ બની રહેશે.
  • પાછલી ત્રણ ચૂંટણીઓમાં ભાજપે સતત બેઠકો ઓછી કરી છે, છેલ્લી ચૂંટણીમાં શંકરસિંહ આડા ફાટ્યા ન હોત તો ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બની હોત, ત્યાર પછી ભાજપે કોંગ્રેસનાં ધારાસભ્યો તોડી લાવવાનું શરૂ કર્યું હતું પરંતુ ખરીદ-વેચાણથી ક્યાં સુધી સરકાર ટકાવી શકાય.

આ વખતે ગુજરાત વિધાનસભાની (Gujarat Assembly) ચૂંટણીઓ કશ્મકશભરી બની રહેશે. અત્યાર સુધી ભાજપ-કોંગ્રેસ (BJP-Congress) વચ્ચે લડાતી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનું (Aam Aadmi Party) પરિબળ ઉમેરાવા ઉપરાંત ભાજપનો આંતરિક અસંતોષ પણ ચરમસીમાએ છે. બહારથી બધુ સમુસુથરુ દેખાય છે, પરંતુ ભાજપનાં આગલી હરોળનાં નેતાઓમાં અસંતોષનો લાવા ખદબદી રહ્યો છે. કોઈ ભાજપ છોડવા માંગતુ નથી, પરંતુ પોતાના કરતાં આગળ નીકળી ગયેલા લોકોને પછાડવાની જબરજસ્ત ટાંટીયા ખેંચની બિમારી ભાજપને ભરડો લઈ રહી છે. આ સ્થિતિ સમગ્ર ગુજરાત ભાજપનાં એકમમાં હોવાથી ઉમેદવારો ફાઈનલ (Candidates Final) થયા પછી સ્થિતિ વધુ વકરવાનો ભય દેખાઈ રહ્યો છે. જેના કારણે ટોચની નેતાગીરી વધુ ચિંતામાં છે.

આગામી ૨૦૨૪નાં વર્ષમાં લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે. આવા સંજોગોમાં ભાજપને ગુજરાતની ચૂંટણીનું પરિણામ નબળુ આવે એ હવે પરવડે તેમ નથી. ગત ચૂંટણીઓમાં પણ માંડમાંડ સત્તા ટકાવી રાખવામાં સફળ રહ્યાં બાદ કોંગ્રેસમાં તોડફોડ કરીને કેટલાંક ધારાસભ્યો ભાજપમાં લઈ આવ્યા હતા, પરંતુ માણસો ખરીદવાનું ક્યાં સુધી પરવડી શકે? વળી માણસો ખરીદવાની પ્રવૃત્તિ પણ આખરે તો નૈતિક મૂલ્યોનું ધોવાણ કહી શકાય. પરંતુ ભાજપનાં નેતૃત્ત્વ માટે સત્તા ટકાવી રાખવા માટે જે કંઈ પણ કરવું પડે તે યથાયોગ્ય છે.

આ તરફ ગુજરાત કોંગ્રેસનું માળખુ વેરવિખેર હાલતમાં છે. ખરેખર તો લોકોમાં કોંગ્રેસ જીવે છે. મતલબ હજુ પણ કોંગ્રેસની વિચારધારામાં માનનારા લોકો છે. પરંતુ કોંગ્રેસનું નેતૃત્ત્વ સાવ તળિયે જઈને બેઠું છે. ગુજરાતનાં મુખ્ય મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ભાવનગર શહેરમાં કોંગ્રેસની હાલત અત્યંત દયાજનક છે. કોંગ્રેસ કાર્યાલયોમાં કોઈ નવિનતા જોવા મળતી નથી. થોડા લોકોના નવરા ટોળા બેઠા હોય છે. પરંતુ નવો વિચાર કે કોંગ્રેસને બેઠી કરવાના કોઈ જ પ્રયાસો જોવા મળતા નથી. ગુજરાતમાં અમદાવાદ પછી બીજા ક્રમનું મહાનગર ગણાતા અને લગભગ ૭૦ લાખની વસ્તી ધરાવતા સુરત મહાનગરમાં કોંગ્રેસ પાસે પોતાનુ કહી શકાય એવું કાર્યાલય પણ નથી. છાશવારે એક માત્ર નૈષધ દેસાઈનાં નિવાસ સ્થાને બેઠકો કરવામાં આવે છે. ઘણાં લોકોને તો એ પણ ખબર નહીં હોય કે સુરત શહેર કોંગ્રેસનાં પ્રમુખ કોણ છે?

આવી દયનીય હાલતમાં પણ કોંગ્રેસીઓ ટિકિટ મેળવવા માટે બખાડા કરતાં જોવા મળે છે. અલબત્ત ટિકિટ મેળવવા પાછળનું ગણિત સામાન્ય નાગરિકને નહીં સમજાય પણ રાજકારણને નજીકથી ઓળખતા લોકો ચોક્કસ કોંગ્રેસીઓની ટિકિટ મેળવવા પાછળની મુરાદને સમજી જતાં હશે. ખરેખર જોવા જઈએ તો સુરત કોંગ્રેસમાં ‘હું તું અને મગનિયો’ જેવી હાલત છે. કોઈ નવા ચહેરા નથી. કોઈ નવો વિચાર નથી અને જે કોઈ ચહેરા અથડાયા કરે છે એ ચહેરાથી લોકો અને કાર્યકરો પણ થાકી ગયા હશે.

એક સજ્જન વ્યક્તિ તરીકે કદીર પીરઝાદાને અલગ તારવી શકાય. કદીર પીરઝાદા એક ધાર્મિક સ્થળનાં ગાદીપતિ હોવા છતાં તેમનો રાજકારણનો મોહ હજુ છુટતો નથી અને છાશવારે નેતાઓને મળવા દોડી આવે છે. તેઓ હજુ પણ એવા વહેમમાં છે કે, તેઓ જ કોંગ્રેસનાં સુકાની છે. ખરેખર તો કોંગ્રેસનાં બદલાયેલા ‘કુળ’ને જોતા કદીર પીરઝાદાએ રાજકારણને તિલાંજલિ આપીને પીરાણાની ગાદી સંભાળી લઈને તેમના અનુયાયીઓને કલ્યાણનો માર્ગ બતાવવો જોઈએ. પણ એક ધાર્મિક સંસ્થાનાં ગાદીપતિ કદીર પિરઝાદાને આ વાત કોણ સમજાવે?

ખેર, પાછલી વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો જોવામાં આવે તો છેલ્લી ચાર ચૂંટણીઓમાં ભાજપે બેઠકોનું સતત નુકસાન કર્યું છે. નરેન્દ્ર મોદી ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારે ૨૦૦૨નાં વર્ષમાં ભાજપને ૧૨૭ અને કોંગ્રેસને ૫૧ બેઠકો મળી હતી. ત્યાર બાદ ૨૦૦૭માં ભાજપની બેઠકો ઘટીને ૧૧૭ થઈ ગઈ હતી અને કોંગ્રેસને ૫૯ બેઠકો મળી હતી. અને નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યાર પહેલાં ૨૦૧૨માં પણ ભાજપે સતત નુકસાન કર્યું હતું અને બે બેઠકોનાં નુકસાન સાથે ભાજપને ૧૧૫ અને કોંગ્રેસને ૬૧ બેઠકો મળી હતી.

જ્યારે ૨૦૧૭ની છેલ્લી ચૂંટણીમાં ભાજપની સ્થિતિ અત્યંત બદ્દતર હતી. શંકરસિંહ બાપુએ કોંગ્રેસનો ખેલ બગાડ્યો ન હોત તો કદાચ આજે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર હોત અને ભાજપ વિપક્ષની પાટલી ઉપર બેઠો હોત.

મત ગણતરીનાં દિવસે ભાજપ નેતાગીરીનાં શ્વાસ અધ્ધર થઈ ગયા હતા અને ભાજપની બેઠકોનો આંકડો ૧૦૦ અંકને પાર કરી શક્યો નહોત અને ૯૯ બેઠકો ઉપર આવીને અટકી ગયો હોત. જ્યારે કોંગ્રેસને ૭૭ બેઠકો મળી હતી. મતલબ ખુબ જ પાતળી સરસાઈથી ભાજપ સરકાર બની હતી. ૨૦૧૭માં એક ફાયદો હતો કે, એક તરફ પાટીદાર આંદોલનકારીઓ હતા અને બીજી તરફ કોંગ્રેસ હતી.

પરંતુ આ વખતે ચિત્ર જુદુ જ છે. કોંગ્રેસ પાસે સબળ નેતૃત્ત્વ નથી અને આર્થિક સ્થિતિ પણ સારી હોય એવું લાગતુ નથી. વળી દેશનાં ઉદ્યોગગૃહો પણ ભાજપનાં ડરથી કોંગ્રેસને આર્થિક મદદ કરવાની હિંમત કરે એવું પણ લાગતુ નથી. એટલે કે, ભાજપ માટે કોંગ્રેસ મોટો ચિંતાનો વિષય નથી, પરંતુ પંજાબમાં સરકાર બનાવવામાં અપેક્ષા બહાર સફળતા મળતા ‘આમ આદમી પાર્ટી’નાં સંયોજક અને દિલ્હીનાં મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ હવે ગુજરાતમાં પગદંડો જમાવવા માંગે છે. અલબત્ત અરવિંદ કેજરીવાલને પણ ચોક્કસ ખ્યાલ હશે જ કે, ગુજરાતમાં ‘આપ’ની સરકાર બનવાની નથી. પરંતુ ગણતરીની બેઠકો સાથે ગુજરાત વિધાનસભામાં ‘આપ’ના ધારાસભ્યોની હાજરી ખુબ જ મહત્ત્વની બની રહેશે. આ ઉપરાંત વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનાં ગૃહરાજ્યમાં આમ આદમીનો પ્રવેશ દેશભરનાં રાજકીયક્ષેત્રે મહત્ત્વનો બની રહેશે. ભાજપનાં સદ્નસીબે આપ અને કોંગ્રેસ વચ્ચે મનમેળ નથી. બંને હાથ મીલાવે એ શક્યતા દૂરદૂર સુધી પણ દેખાતી નથી. અન્યથા ભાજપ માટે ગુજરાતમાં ઘરઆંગણે મુશ્કેલીનો પહાડ ઊભો થઈ શકે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતનાં બદલાયેલા રાજકીય સમીકરણોને બરાબર ઓળખી ગયા છે અને એટલે ગુજરાતની ચૂંટણીની બાગડોર બંનેએ હાથમાં લીધી છે. અમિત શાહનો સતત ગુજરાતમાં પડાવ અને વડાપ્રધાન મોદીની રાજ્યભરનાં ખૂંણે ખૂંણે ઉપરાછાપરી જાહેરસભાઓનો દોર જોતા ગુજરાત આખુ ધમરોળી નાંખ્યુ છે અને ચૂંટણી જંગ જીતવા જે કંઈ કરવું પડે તે કરવાની તૈયારીઓ કરી લીધી છે. શામ, દામ, દંડ, ભેદની નીતિ અનુસાર કોંગ્રેસી નેતાઓને ભાજપમાં આવકારવા દરવાજા મોકળા મુકવામાં આવ્યાં છે. તો સામાજિક પ્રભુત્ત્વ ધરાવતા આગેવાનોને અડધી રાતે મળવા વડાપ્રધાન મોદી અને અમિત શાહ આતુરતા બતાવી રહ્યાં છે. આ ઘટનાઓનો દોર જોતાં મતદાનનો દિવસ આવતા સુધીમાં લગભગ બધુ થાળે પાડી દેવાયું હશે.

આ ઉપરાંત સૌથી મહત્ત્વની બાબત એ છે કે, ગુજરાતમાં લગભગ ૨૭ વર્ષથી ભાજપનું શાસન છે. પરંતુ રાજ્યનાં આદિવાસી વિસ્તારોને ભાજપે મતો માટે લક્ષ્યાંક બનાવ્યા નથી અને પરિણામે આદિવાસી વિસ્તારોમાં કોંગ્રેસની વિચારધારા આજે પણ પ્રભાવિત છે. ગુજરાતનાં માઉન્ટ આબુ એટલે કે, અંબાજી યાત્રા ધામથી શરૂ કરીને દ‌િક્ષણ ગુજરાતનાં વલસાડ અને ધરમપુરનાં મહારાષ્ટ્રને જોડતા આદિવાસી પટ્ટામાં વિધાનસભાની કુલ ૨૬ બેઠકો છે. આ બેઠકો જ આ વખતે ભાજપ માટે તારણહાર પુરવાર થશે. ૨૬ બેઠકો પૈકી ૧૪ બેઠકો કોંગ્રેસ પાસે અને ૦૯ બેઠકો ભાજપ પાસે છે અને બે બેઠકો ભરૂચ જિલ્લાનાં છોટુ વસાવાની પાર્ટી ‘બીટીપી’ પાસે છે અને મોરવાહડફની એક બેઠક ખાલી પડી છે.

ગુજરાત વિધાનસભાના ૨૦૨૨ના કટોકટીભર્યા જંગમાં સૌરાષ્ટ્ર પંથકમાં ભાજપ માટે ચિંતાજનક સ્થિતિ છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી જુથનો અસંતોષ અને ભાજપ અધ્યક્ષ સામેની નારાજગી ચૂંટણીનાં મતદાન ઉપર ચોક્કસ પ્રભાવ પાડશે. કોઈ ઝંડો લઈને વિરોધ કરવા નહીં નીકળે, પરંતુ ભૂર્ગભમાં નિષ્ક્રિયતા દાખવશે તો પણ ભાજપને નુકસાન થઈ શકે. મોટુ નહીં પરંતુ એકાદ બે બેઠકનું નુકસાન પણ આ વખતે ભાજપને પાલવે તેમ નથી. વળી પાટીદારોની ભૂર્ગભ નારાજગી પણ એક પરિબળ ગણી શકાય. ખોડલધામનાં નરેશ પટેલ સહિત આગેવાનો વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહને મળ્યા પરંતુ ‘અહંમ્’ સંતોષાયો હોય એવું લગાતુ નથી. ભાજપ સત્તામાં છે એટલે સીધા ‘શિંગડા’ નહીં ભરવે. પરંતુ ભાજપને નુકસાન થાય એવી ભાવના ચોક્કસ આકાર લઈ રહી હશે.

ખેર, નરેન્દ્ર મોદીએ ગુજરાતની ચૂંટણીનો જંગ જીતવા હવે જવાબદારી પોતાના માથે લઈ જ લીધી છે અને વ્યૂહરચનાનાં ભાગરૂપે જ ગુજરાતનાં છેક છેવાડાનાં અને આદિવાસીઓની વસ્તી ધરાવતા વલસાડ જિલ્લાનાં નાનાપોંઢા ખાતેથી ચૂંટણી પ્રચારનાં શ્રીગણેશ કરીને ચૂંટણી જંગનો પ્રારંભ કરાવ્યો હતો અને વડાપ્રધાનની ગણતરી પાર પડશે તો આ વખતે ગુજરાતનાં આદિવાસી મતદારો ભાજપનો પ્રભાવ અને વિશ્વાસ વધારવામાં નિર્ણાયક પુરવાર થશે. વડાપ્રધાન મોદીએ પણ તેમના વક્તવ્ય દરમિયાન ઘણી સુચક વાતો કરી હતી અને પાછલી ચૂંટણીનાં તમામ રેકોર્ડ તોડીને ભાજપને ભવ્ય જીત અપાવવા લોકોને અનુરોધ કર્યો હતો. વડાપ્રધાન મોદીએ આદિવાસીઓ સાથેનાં તેમના જુના સંબંધો તાજા કર્યા હતા અને આદિવાસી આગેવાન રત્નુભાઈને પણ યાદ કર્યા હતા તથા નાનાપોંઢાનાં તારકેશ્વર મહાદેવને યાદ કરીને લોકોની લાગણીઓ જીતવાનો પ્રયાસ કર્યો હતો.

છેલ્લે તેમણે ઉમેદવારને ઓળખીને નહીં પરંતુ ભાજપનાં ‘કમળ’ને ઓળખીને જંગી મતદાન કરવા અપીલ કરી હતી. વડાપ્રધાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારની પણ ભરપેટ સરાહના કરી હતી.

આ પણ વાંચો :-