The Prime Minister overwhelmed Surat
- મોદીની સુરતની મુલાકાત બાદ લોકોનાં મન જરૂર બદલાશે, પરંતુ ભાજપ તરફી મજબૂત પરિણામ લાવવા નેતાગીરીએ મથામણ કરવી પડશે.
- ઉચ્ચ શિક્ષણમાં પાટીદાર વિદ્યાર્થીઓ સાથે થઈ રહેલાં અન્યાય સામે આંદોલન કરી રહેલા યુવાનોનો રાજકીય ઉપયોગ કરીને કોણે ફેંકી દીધા હતા?
- આગેવાનોએ આંદોલનકારી યુવાનોનો ભાજપ અને સરકારનું નાક દબાવવા ઉપયોગ કર્યો પરંતુ રાજકારણમાં આવે એ પસંદ નહોતું.
- પાટીદાર આંદોલનના નામે અનેક રાજકીય ખેલ ખેલાઇ ગયા ઘણાએ પોતાનું ધાર્યુ કરાવી લીધુ પરંતુ આંદોલનકારીઓ રખડી ગયા અને એમાંથી જ ‘આપ’નો ઉદય થયો; હજુ પણ મોડું થયું નથી, વડાપ્રધાન મોદી અને અમિત શાહ બાજી સંભાળી લેશે તો ૮મી ડિસેમ્બરે ભાજપ વધુ મજબૂત બનીને ઉભરી આવશે.
- ભાજપ નેતૃત્ત્વ પણ યુવાનોમાં ઉભરાતા ઝનૂનને ઓળખી શક્યું નહોતુ, આ યુવાનોને સમયસર ભાજપમાં સમાવી લીધા હોત તો ‘આપ’ને તક જ મળી નહોત.
-
પાટીદાર અનામત આંદોલન વખતે કોણ ફાયનાન્સ કરતું હતું? સત્ય બધા જાણે છે પરંતુ કહેવાની હિંમત નથી.
ગુજરાત વિધાનસભાની (Gujarat Election) પ્રથમ તબક્કાની ચૂંટણીનાં મતદાન આડે હવે માત્ર ત્રણ દિવસ બાકી રહ્યાં છે. ચૂંટણી પ્રચારનાં અંતિમ ચરણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) આજે સુરતમાં સૌરાષ્ટ્રવાસી પાટીદાર પ્રભાવિત વિસ્તારમાં સભા કરી હતી. મોદીનું ભાષણ પ્રભાવક રહ્યું હતું. તેમણે સુરતીઓને ઉપસાવ્યા હતા અને ભૂતકાળને વાગળ્યો હતો. ઉપરાંત સુરતનાં ડાયમંડ (Diamonds of Surat), ટેક્સટાઈલ ઉદ્યોગનાં વિકાસની દિશા પણ બતાવી હતી.
વડાપ્રધાન મોદીએ સમગ્ર વક્તવ્ય દરમિયાન આમ આદમી પાર્ટીનો ક્યાંય પણ ઉલ્લેખ કર્યાં વગર આમ આદમી પાર્ટીની દેશ વિરોધી વિચારધારા સામે લોકોને ચેતવ્યા હતા. વડાપ્રધાન નજીકનાં ભૂતકાળમાં સુરત આવ્યા હતા, પરંતુ પાટીદાર પ્રભાવિત વરાછા વિસ્તારથી હંમેશા અંતર રાખતા આવ્યા હતા. પરંતુ આ વખતની ચૂંટણીમાં સુરતનાં બદલાયેલા રાજકીય ચિત્ર વચ્ચે વડાપ્રધાને પાટીદાર પ્રભાવિત વિસ્તારમાં જંગી જાહેરસભા કરી હતી. પરંતુ તેમના સમગ્ર વક્તવ્ય દરમિયાન તેઓ શબ્દો તોલી તોલીને બોલતા હતા.
૨૦૦૭માં કેશુબાપાએ ભાજપમાં બળવો કર્યો ત્યારે સુરત એપી સેન્ટર રહ્યું હતું. પરંતુ એ વખતે સુરત જ નરેન્દ્ર મોદીની પ્રચંડ જીત માટે સહયોગી પુરવાર થયું હતું. પરંતુ ૨૦૦૭ અને ૨૦૨૨નાં વિતેલા સમયમાં ઘણું બદલાયું છે. ગુજરાતની અત્યાર સુધીની ચૂંટણીઓ મુખ્યત્વે ભાજપ અને કોંગ્રેસ બે પક્ષો લડતા આવ્યા છે. પરંતુ આ વખતે ‘આમ આદમી પાર્ટી’ નામનાં ત્રીજા રાજકીય પરિબળનો ઉમેરો થયો છે. ગુજરાતનો અત્યાર સુધીનો ઈતિહાસ છે કે, ગુજરાત બહારનાં એક પણ રાજકીય પક્ષો ગુજરાતમાં સફળ પુરવાર થયા નથી અને લોકોએ પણ સ્વીકાર્યા નથી. પરંતુ ગુજરાતનાં જ લોકોની અને ખાસ કરીને પાટીદાર સમાજનાં આગેવાનોની પોતાનું વર્ચસ્વ ટકાવી રાખવાની વૃત્તિને કારણે જ ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો પગ પેસારો થયો છે એવું ચોક્કસ કહી શકાય અને આમ આદમી પાર્ટીને થોડી ઘણી બેઠકો મળી જશે તો ‘જમ’ ઘર ભાળી ગયા જેવો ઘાટ થશે.
સુરતનો વિસ્તાર અને વસ્તી બંને વધ્યા છે અને વિતેલા દાયકા દરમિયાન ઘણું ઘણું બદલાયું છે. પાટીદાર સમાજમાં પણ અનેક જુથ ઉભા થયા છે પાટીદાર આગેવાનોનો આતંરીક ગજગ્રાહ હવે ખાનગી રહ્યો નથી. કેશુબાપાનો સમય જુદો હતો કેશુબાપા માત્ર પાટીદારોના જ નહીં સર્વ સમાજના સ્વીકૃત નેતા હતા. ઉપરાંત એ સમયે સમગ્ર પાટીદાર સમાજ પણ અકબંધ હતો પરંતુ બદલાતા રાજકીય સમીકરણો અને નવી પેઢીના ઉદય સાથે ઘણું બધું બદલાયું છે. ખાસ કરીને સૌરાષ્ટ્રવાસી પાટીદાર આગેવાનોની સમીક્ષા કરવામાં આવે તો કદાચ ઉપરથી એક દેખાતા હશે પરંતુ અંદરથી ખૂબ મોટો વિખવાદ જોવા મળશે. કારણ આગેવાનોની આર્થિક સધ્ધરતા વધવાની સાથે સાથે સત્તાની નજીક રહેવાની પણ હરીફાઈ ચાલી રહી છે અને સત્તાની નજીક રહેવા માટે પોતીકા ઉપર પગ મુકવામાં પણ વાંધો નથી.
સુરત શહેરની ૧૦ અને સુરતને સ્પર્શતી અન્ય બે બેઠકો મળીને સુરતમાં ૧૨ બેઠકો માટે ચૂંટણી લડાઇ રહી છે. આ ૧૨ બેઠકો પૈકી પાંચ બેઠકો સિવાયની બાકીની બેઠકના ઉમેદવારો કોણ છે એ કદાચ ભાજપના લોકોને પણ ખબર નહીં હોય! કામરેજ, વરાછા, કરંજ, કતારગામ અને ઓલપાડ આ બેઠકો ઉપર પાટીદાર આંદોલનકારી યુવાનો ‘આપ’ના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. આ એજ યુવાનો છે જેમણે પાટીદાર યુવાનોને મેડિકલ, એન્જિનિયરિંગ સહિતના ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ સામે થતા અન્યાય સામે સરકાર સામે બંડ પોકાર્યું હતું. સરકારને ઉથલાવવા ઉપરાંત પાટીદારોને અનામત અપાવવા માટે સરકારને ફરજ પાડી હતી. આંદોલનમાં લગભગ ૧૪ યુવાનો શહીદ પણ થઈ ગયા હતા.
પરંતુ ખરી હકીકત પાટીદાર આંદોલન સમાપ્ત થયા બાદ શરૂ થઈ હતી. એક હકીકત એવી પણ છે કે આ આંદોલનકારીઓને કોણ ફંડ પૂરું પાડતું હતું એ કહેવાની જરૂર નથી. ઉપરાંત આંદોલન તોડી પાડવા પોતીકા લોકોએ જ ભૂમિકા ભજવી હતી એ પણ હવે ખાનગી રહ્યું નથી. પરંતુ રાજકીય ક્ષેત્રે સક્રિય અને પોતાની જાત ને જ નિર્ણાયક ગણાતા આગેવાનોએ જ વખત આવ્યે. આંદોલનકારી પાટીદાર યુવાનોને કોરાણે મુકી દીધા હતા. ગોપાલ ઇટાલિયા, અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવિયા, હાર્દિક પટેલ, મનોજ સોરઠિયા, રામ ધડૂક વગેરે એવા યુવાનો છે કે જેઓ આંદોલનને કારણે જાહેર જીવનમાં પ્રવેશી ચૂક્યા હતા. ખરેખર તો આ યુવાનો પૈકીના કેટલાક યુવાનોને ભાજપે પોતાની ટીમમાં સમાવી લીધા હોત તો કદાચ ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો ઉદય જ થયો ન હોત. આમાના ઘણા યુવાનો ભાજપ સાથે જ સંકળાયેલા હતા.
પરંતુ ભાજપની નેતાગીરી આગેવાનોના કહેવાથી ભ્રમિત થઈ ગઈ હતી અને આંદોલનકારી યુવાનોને અસામાજિક તત્વો, ગુંડાઓ વગેરે રીતે ચિતરવામાં આવ્યા હતા. કારણ કે આગેવાનોને એ વાતનો ડર હતો કે આ યુવાનો ભાજપમાં આવી જશે તો પોતાનું પતુ કપાઇ જશે. આવા જ કારણોને લઇને આંદોલનકારીઓની અવગણના કરવામાં આવતા યુવાનોમાં ઉભરાતુ ઝનુન પહેલા કોંગ્રેસ તરફ અને ત્યારબાદ આમ આદમી પાર્ટી તરફ વળી ગયું હતું અને સુરત મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના બેનર હેઠળ એક નહીં ૨૭ કોર્પોરેટરો ચૂંટાઇ આવ્યા હતા!
આ ઘટના જ ભાજપ નેતાગીરી માટે ઇશારો હતી પરંતુ ત્યાર પછી પણ બાજી સંભાળી લેવાને બદલે ‘આપ’ સાથે સંકળાયેલા યુવાનો પ્રત્યે સતત નફરત ભાવ વ્યક્ત કરવામાં આવતા. રાજકીય ઝખમ વધુ વકર્યું હતુ અને કેજરીવાલને વાયા સુરત ગુજરાતમાં પગ મુકવાની જગ્યા મળી ગઈ હતી અને આજે સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી પગ જમાવવાની કોશીષ કરી રહી છે અને વિધાનસભામાં થોડી ઘણી બેઠકો મળશે તો પણ આમ આદમી પાર્ટી માટે ગૌરવ રૂપ ઘટના ગણાશે અને આમ આદમી પાર્ટીનો કદાચ ઉદય થશે તો તેના માટે બીજુ કોઇ નહીં સુરતનું પાટીદાર નેતૃત્વ જવાબદાર ગણાશે.
વાત હાથમાંથી સરકી ગયા પછી હવે વડાપ્રધાન મોદી-ગૃહપ્રધાન અમિત શાહ લીપાપોતી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અલબત હજુ છેલ્લા દિવસોમાં પણ ચિત્ર બદલી શકાય પરંતુ તેના માટે હવે બીજા કોઇએ નહીં ખુદ વડાપ્રધાન મોદીએ દોર હાથમાં લેવાની જરૂર છે. અન્યથા ગૃહરાજ્ય ગુજરાતમાં જ વડાપ્રધાને રાજકીય નુકસાની વેઠવાનો સમય આવશે. ગુજરાતની ચૂંટણીના પરિણામો બદલવા માટે ઘણા એવા ક્ષેત્રો છે કે જેની સતત અવગણના કરવામાં આવી છે. આ એવા લોકો છે જેઓ જાહેરમાં મંચ ઉપર આવતા નથી પરંતુ રાજ્ય અને દેશની આર્થિક કરોડરજ્જુના મણકા બરાબર છે. ઉપરાંત આ લોકો જ ભાજપના પ્રચારક છે અને ભાજપના લોક પ્રતિનિધિઓની આર્થિક જરૂરિયાતો પણ પુરી કરી રહ્યા છે. પરંતુ આવા લોકો માટે વડાપ્રધાન કાર્યાલય અને ભાજપ કાર્યાલયના દરવાજા કાયમ માટે બંધ રહે છે. મુલાકાત માટે હજારો વખત રિકવેસ્ટ કરવા છતા વડાપ્રધાનની મુલાકાત મળતી નથી કારણ કે આ મુલાકાતોમાં જાણી જોઇને કેટલાક લોકો દ્વારા અવરોધ ઉભા કરવામાં આવે છે.
કારણ કે પોતાનું અસ્તીત્વ ટકાવી રાખવા માટે પણ વડાપ્રધાનની મુલાકાતો થવા દેવામાં આવતી નથી. આ વાતના કોઇ પુરાવા નથી પરંતુ પોતીકા વિશ્વાસુ લોકોને વડાપ્રધાન બોલાવીને સાંભળશે તો ઘણું બધું સત્ય બહાર આવશે.
પરંતુ હવે ભાજપની ધરી ક્રમશઃ નબળી પડી રહી છે તેમ છતાં હજુ પણ મોડું થયું નથી. વડાપ્રધાન ગુજરાતમાં પડાવ નાંખીને થોડી રાતના ઉજાગરા કરશે તો આગામી ૮મી ડિસેમ્બરે ભાજપ વધુ મજબૂત બનીને ઉભરી આવશે. લોકોમાં મુરઝાઇ રહેલી ભાજપ તરફની ભાવના ફરી ખીલી ઉઠશે.
લોકો આજે પણ વડાપ્રધાન મોદીને ‘પ્રેમ’ કરે છે અને એક વાત ચોક્કસ છે કે જેને રાજકીય ખટપટો સાથે નિસબત નથી અને રોજનું કમાઇને રોજ ખાનારો ખૂબ મોટો વર્ગ આજે પણ ભાજપને નહીં નરેન્દ્ર મોદીને ઓળખીને મત આપી રહ્યો છે અને એટલે જ ભાજપ સરકાર અડીખમ છે પરંતુ જે દિવસે ગરીબ અને મધ્યમવર્ગના લોકોની નજરમાં નરેન્દ્ર મોદીની છબી ધુંધળી થઈ જશે તે દિવસે ભાજપની ઇમારતને ધસી પડતા કોઇ રોકી નહીં શકે.
આ પણ વાંચો :-