- સુરત શહેરના જુદા જુદા વિસ્તારમાંથી સાયકલો ચોરી કરી ઓડિશા ખાતે વેચવાની ફિરાકમાં રહેલા ત્રણ આરોપીઓને સુરત એસઓજી દ્વારા અમરોલી કોસાડ આવાસ ખાતેથી ઝડપી પાડી ચોરીની 42 જેટલી સાયકલો સહીત એક ઓટો રીક્ષા કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
આરોપીઓ રાત્રી દરમ્યાન ઓટો રિક્ષામાં નીકળતા હતા. મોંઘીદાટ સહિતની સાયકલોની ચોરી કરી ફરાર થઈ જતા હતા. આરોપીઓ પાસેથી એસઓજી દ્વારા 2.64 લાખની મત્તાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.
શહેરમાં છેલ્લા ઘણા સમયથી સાયકલ ચોરીની અનેક ફરિયાદો ઉઠવા પામી હતી. આ મામલે શહેરના જુદા જુદા પોલીસ મથકોમાં સાયકલ ચોરીની અનેક ફરિયાદો પણ નોંધાઈ છે. જે ફરિયાદોના પગલે શહેર એસઓજીની ટીમ દ્વારા સાયકલ ચોરી કરતી ગેંગને ઝડપી પાડવા ભારે કમર કસવામાં આવી હતી.
જે અંતર્ગત સુરત એસઓજીની ટીમ દ્વારા અંદાજીત 450 જેટલા સીસીટીવી ફૂટેજના આધારે સાયકલ ચોરી કરતી ગેંગનું પગેરું મેળવવાની દિશામાં તજવીજ હાથ ધરી હતી. સુરત એસઓજી ની તપાસમાં કેટલાક શંકમંદ ઈસમો કેદ થયા હતા. સુરત એસઓજીની ટીમે આ શંકમંદ ઈસમોને સુરતના અમરોલી કોસાડ આવાસ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યા હતા. જે આરોપીઓની આકરીઢબે પૂછપરછ કરતા સાયકલ ચોરીના એક બાદ એક ગુના ઉકેલાતા ગયા હતા.
સુરત એસઓજી ની તપાસમાં ચોકાવનારી હકીકતે સામે આવી હતી કે આરોપીઓ દ્વારા હમણાં સુધી 42 જેટલી સાયકલો ચોરી કરવામાં આવી હતી. જે સાયકલો શહેરના જુદા જુદા વિસ્તારમાંથી ચોરી કરવામાં આવી હતી. એટલું જ નહીં પરંતુ આ તમામ સાયકલો એક સ્થળે એકત્ર કરી ઓડિશા ખાતે વેચવાની ફિરાકમાં હતા. સુરત એસઓજીની તપાસમાં રાંદેર, અમરોલી, સિંગણપોર, ઉત્રાણ પોલીસ મથકમાં નોંધાયેલા કુલ પાંચ ગુનાઓના ભેદ ઉકલાઈ ગયા હતા.
મૂળ ઓડિશા ગંજામ જિલ્લાના વતની પંચું સુદર્શન સુબુધી, સનિયા સુદર્શન સ્વાઈ અને ગૌતમ ઉર્ફે રામ અમૂલ્યપ્રધાનની વધુ પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આરોપીઓ રાત્રિના સમયે ઓટો રીક્ષા લઇ શહેરના જુદા જુદા વિસ્તારમાં રેકી કરી સાયકલોની ચોરી કરતા હતા. જેમાં મુખ્યત્વે મોંઘીદાટ કિંમતની સાયકલોની ચોરી કરવામાં આ ગેંગ વધુ માહિર હોવાનું બહાર આવ્યું છે.
હાલ તો આ તમામ આરોપીઓ પાસેથી 2.64 લાખથી વધુ ની કિંમત નો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ એસઓજી દ્વારા હાથ ધરવામાં આવી છે. મહત્વનું છે કે આરોપીઓ પાસેથી કબજે કરવામાં આવેલી 42 જેટલી ચોરીની સાયકલને લઈ અલગ અલગ પોલીસ મથકોમાં આગામી દિવસોમાં ફરિયાદ દાખલ કરવા અંગેની તજવીજ પણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો :-