ક્રાઈમ બ્રાંચની ટીમ બીજા દિવસે નોટિસ લઈને કેજરીવાલના ઘરે પહોંચી

Share this story

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ મુશ્કેલીમાં વધારો થતો દેખાઈ રહ્યો છે. દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચની ટીમ શનિવારે સતત બીજા દિવસે નોટિસ લઈને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચી હતી. આમ આદમી પાર્ટીના કન્વીનરે કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી તેમના ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ કરી રહી છે. આ આરોપોની તપાસ કરવા દિલ્હી પોલીસ પહોંચી છે.કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા આમ આદમી પાર્ટીએ કહ્યું કે, ‘મોદીજીનો ઉદ્દેશ્ય કેજરીવાલની ધરપકડ કરવાનો છે અને આમ કરીને તેઓ દિલ્હી સરકારને પછાડવા માગે છે. અમે આવું ક્યારેય નહીં થવા દઈએ.

અગાઉ, EDએ ૧૭ જાન્યુઆરી, ૩ જાન્યુઆરી, ૨૧ ડિસેમ્બર અને ૨ નવેમ્બરે દિલ્હીના મુખ્યમંત્રીને સમન્સ મોકલ્યા હતા, પરંતુ તેઓ હાજર થયા ન હતા. ED દ્વારા સતત સમન્સ જારી કરવામાં આવ્યા બાદ આમ આદમી પાર્ટીએ દાવો કર્યો હતો કે આ તમામ પ્રક્રિયા અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવા માટે કરવામાં આવી રહી છે. ED તેને પૂછપરછના બહાને બોલાવીને તેની ધરપકડ કરવા માંગે છે. AAPનું કહેવું છે કે જો ED પૂછપરછ કરવા માંગે છે, તો તે તેના પ્રશ્નો લખીને કેજરીવાલને મોકલી શકે છે.

કેજરીવાલ અને આમ આદમી પાર્ટી નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે ભાજપ દિલ્હીમાં ઓપરેશન લોટસ ૨.૦ ચલાવવાનો પ્રયાસ કરી રહી છે. જેમાં AAPના ૭ ધારાસભ્યોને ૨૫ કરોડ રૂપિયાની લાલચ આપીને દિલ્હી સરકારને તોડી પાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ભાજપે આ આરોપોની તપાસ માટે દિલ્હી પોલીસ કમિશનરને ફરિયાદ કરી હતી. જે બાદ આ કેસની તપાસની જવાબદારી ક્રાઈમ બ્રાન્ચને આપવામાં આવી હતી.

દિલ્હી પોલીસ અરવિંદ કેજરીવાલને નોટિસ આપી ચૂકી છે. શુક્રવારે ક્રાઈમ બ્રાંચની ટીમ નોટિસ આપવા માટે સીએમ કેજરીવાલ અને મંત્રી આતિશીના ઘરે પણ ગઈ હતી. દિલ્હીના કેબિનેટ મંત્રી આતિશીએ આરોપ લગાવ્યો હતો કે ભાજપ ધારાસભ્યોને ૨૫ કરોડ રૂપિયાની ઓફર કરી રહી છે. ભાજપે આમ આદમી પાર્ટીના આરોપોને સ્પષ્ટપણે ફગાવી દીધા હતા.

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સવાલ ઉઠાવ્યા કે લોકસભા ચૂંટણી પહેલા જ તેમને શા માટે સમન્સ મોકલવામાં આવ્યા છે. તપાસ તો બે વર્ષથી ચાલી રહી છે તો લોકસભા ચૂંટણી પહેલા જ કેમ બોલાવવામાં આવી રહ્યા છે? CBIએ ૮ મહિના પહેલા મને બોલાવ્યો હતો. હું પણ ગયો હતો અને જવાબો પણ આપ્યા હતા. હવે જ્યારે મને લોકસભાની ચૂંટણી પહેલા બોલાવવામાં આવી રહ્યા છે ત્યારે તેનો ઉદ્દેશ્ય મારી પૂછપરછ કરવાનો નથી. તે લોકો મને બોલાવીને મારી ધરપકડ કરવા માંગે છે. જેથી હું પ્રચાર ન કરી શકું. નેતાઓને પોતાની પાર્ટીમાં સામેલ કરવા માટે ભાજપ ED અને CBIનો ઉપયોગ કરી રહી છે.

આ પણ વાંચો :-