પાકિસ્તાનમાં ચૂંટણી પહેલા પોલીસ સ્ટેશન પર આતંકી હુમલો, ૧૦ પોલીસકર્મીઓ શહીદ

Share this story

પાકિસ્તાનમાં ૮મી ફેબ્રુઆરીએ સામાન્ય ચૂંટણી યોજાવાની છે, જે પહેલા આતંકવાદી ગતિવિધિઓ વધી ગઈ છે. ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના ડેરા ઈસ્માઈલ ખાનમાં એક પોલીસ સ્ટેશન પર આતંકી હુમલો થયો છે, જેમાં ૧૦ પોલીસકર્મીઓના મોત થયા છે.

પોલીસના જણાવ્યા અનુસાર ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના ડેરા ઈસ્માઈલ ખાન જિલ્લામાં પોલીસ સ્ટેશન પર થયેલા હુમલામાં ઓછામાં ઓછા ૧૦ પોલીસકર્મીઓ માર્યા ગયા છે અને છ અન્ય ઘાયલ થયા છે, જેમને DHQ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આતંકવાદીઓએ જિલ્લાના તહસીલ દરબનમાં પોલીસ સ્ટેશન પર ચારે બાજુથી ગ્રેનેડ ફેંક્યા અને જોરદાર ગોળીબાર કર્યો હતો. સરકારી એજન્સીએ કહ્યું કે પોલીસે જવાબી કાર્યવાહી કરી, પરંતુ આતંકવાદીઓ ત્યાંથી ભાગી ગયા હતા. સ્થાનિક સમાચાર એજન્સીના અહેવાલ અનુસાર, વિસ્ફોટક સામગ્રી એક શોપિંગ બેગમાં રાખવામાં આવી હતી. ચૂંટણી પંચે આ મામલે જિલ્લા મોનિટરિંગ ઓફિસર અને વરિષ્ઠ પોલીસ અધિક્ષક (SSP) દક્ષિણ પાસેથી રિપોર્ટ માંગ્યો હતો.

ડેરા ઈસ્માઈલ ખાને જિલ્લાના એક પોલીસ સ્ટેશન પર મોડી રાત્રે હુમલો કર્યો હતો. જેમાં ૧૦ પોલીસકર્મીઓ માર્યા ગયા અને છ અન્ય ઘાયલ થયા હતા. ઘાયલોને ડેરા ઈસ્માઈલ ખાન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું હતું કે આતંકવાદીઓએ જિલ્લાના તહસીલ દરબનામાં પોલીસ સ્ટેશન પર સવારે ૩ના સુમારે ઘણા હથિયારો સાથે હુમલો કર્યો હતો. આ હુમલા બાદ આતંકીઓ તેમના કેટલાક સાથીઓને છોડાવવામાં પણ સફળ રહ્યા હતા.તેમજ પરત જતી વખતે તેઓએ પોલીસ સ્ટેશનમાં રાખેલા હથિયારો પણ લૂંટી લીધા હતા. આ હુમલા બાદ હવે એ પ્રશ્ર્ન થાય છે કે જ્યાં પોલીસ સુરક્ષિત નથી ત્યાં સામાન્ય પ્રજા કેવી રીતે સુરક્ષિત રહી શકે છે.

હુમલા બાદ તરત જ દક્ષિણ વઝીરિસ્તાન ટ્રાઇબલ ડિસ્ટ્રિક્ટ ટેન્ક અને ડેરા ગાઝી ખાન તરફ જતા રસ્તાઓ પર વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો. પોલીસની ઘણી ટીમો મોટા પાયે આતંકવાદીઓને શોધી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ હુમલા પાછળ તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન જૂથનો હાથ હોઈ શકે છે, જો કે હજુ સુધી કોઈ આતંકવાદી જૂથે તેની જવાબદારી લીધી નથી. પાકિસ્તાનમાં ચૂંટણી પહેલા આવા આતંકવાદી હુમલાઓએ સુરક્ષા વ્યવસ્થાને ખુલ્લી પાડી દીધી છે. પાકિસ્તાનનો ખૈબર પખ્તુનખ્વા પ્રાંત આતંકવાદીઓનું પ્રિય સ્થળ છે.