દિલ્હી લિકર કૌભાંડ કેસમાં મનીષ સિસોદિયાને કોર્ટનો ઝટકો, કસ્ટડી લંબાવાઇ

Share this story

આમ આદમી પાર્ટીના નેતા અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ભૂતપૂર્વ કેબિનેટ સહયોગી અને દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને મોટો આંચકો લાગ્યો છે. દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટે તેમને હાલ રાહત આપી નથી. તેમની ન્યાયિક કસ્ટડી ૨૨ ફેબ્રુઆરી સુધી લંબાવવામાં આવી છે. ગેરરીતિઓનો પર્દાફાશ થયા બાદ દિલ્હી એક્સાઈઝ પોલિસીને રદ્દ કરવામાં આવી હતી. કેજરીવાલ કેબિનેટના ઘણા નેતાઓ આ મામલે તપાસ હેઠળ છે.

દિલ્હીની રદ કરાયેલી દારૂની નીતિ સાથે જોડાયેલા ભ્રષ્ટાચારના મામલામાં કોર્ટે તપાસ એજન્સીને મુખ્ય નિર્દેશો આપ્યા છે. રાઉઝ એવન્યુ કોર્ટે સીબીઆઈને તપાસનો વિગતવાર સ્ટેટસ રિપોર્ટ સીલબંધ કવરમાં દાખલ કરવા જણાવ્યું છે. આ કેસની આગામી સુનાવણી રાઉઝ એવન્યુ કોર્ટમાં ૨૨ ફેબ્રુઆરીએ થશે. સીબીઆઈએ કહ્યું કે, “આ કેસમાં હજુ તપાસ ચાલી રહી છે. તપાસ હજુ મહત્વના તબક્કામાં છે. આ કેસમાં કેટલાક શંકાસ્પદ લોકો સામે તપાસ ચાલી રહી છે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા વારંવાર સમન્સ મોકલવા અને તેને અવગણવાથી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ વધી શકે છે. આ મામલે EDએ મોટું પગલું ભર્યું છે. EDએ શનિવારે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો. દિલ્હી લિકર પોલિસી કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ઈડીએ અરવિંદ કેજરીવાલને પાંચ વખત સમન્સ જારી કર્યા છે, પરંતુ તેઓ એક વખત પણ ઈડી સમક્ષ હાજર થયા નથી. તે એક યા બીજા બહાને સમન્સ પર હાજર થવાનું સતત ટાળી રહ્યો છે.

આ પણ વાંચો :-