છોટા ઉદેપુરમાં જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગના સેલના દરોડ, ભાજપના નેતા નીકળ્યા માલિક

Share this story
  • છોટાઉદેપુર જિલ્લાના નસવાડીના આનંદપુરીમાં આંકડા બદલવાના અડ્ડા પર સ્ટેટ મોનેટરીંગ સેલની રેડ પડી હતી. જેમાં આ જુગારના અડ્ડાનો મૂળ માલિક નર્મદા ભાજપ લઘુમતિ મોર્ચા ઉપપ્રમુખ સાદિક રાઠોડ હોવાનુ બહાર આવ્યું છે.

નસવાડી નજીક આનંદપુરી પુરી ગામે આંક ફરકનો અડ્ડો ધમધમતો હોવાની બાતમી સ્ટેટ મોનેટરીંગ સેલને મળતા તેઓએ રેડ કરતા લીમડાના ઝાડ નીચે આંક ફરક લખતા લોકો ઝડપ્યા હતા. જેમાં તેમની પાસેથી ૧૮,૨૭૦ રૂ. રોકડા તેમજ ૫ નંગ મોબાઈલ કિંમત ૧૩૦૦૦ અને ૪ બાઈક કિંમત ૭૦,૦૦૦ એમ કુલ મળી ૧,૦૧,૪૭૦ નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. આંક ફરકના આંકડા લખનાર અને લખાવનાર ૧૦ લોકો અડ્ડા ઉપરથી ઝડપી પાડી તમામ લોકોને નસવાડી પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા.

આ આંક ફરકનો અડ્ડો નર્મદા જીલ્લા ભાજપ લઘુમતી મોરચાના ઉપપ્રમુખ અને હાલમાં નર્મદા જિલ્લા સુરક્ષા સેતુ સોસાયટીમાં નિમણૂક પામેલ સાદીક રાઠોડનો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. સ્ટેટ મોનેટરીંગ સેલના અધિકારીઓએ પકડાયેલા લોકોની પુછપરછ હાથ ધરતા અડ્ડા મુળ માલિક તરીકે સાદિક.એ.રાઠોડ અને સોહીલ અહેમદ રાઠોડ હોવાનું આંક લખનાર ઈસમોએ પોલીસને જણાવ્યું હતું.

અત્રે એ ઉલ્લેખનીય છે કે સાદિક.એ.રાઠોડ હાલમાં નર્મદા જીલ્લા ભાજપ લઘુમતિ મોર્ચાના ઉપપ્રમુખ છે અને એમની હાલમાં જ નર્મદા જિલ્લા સુરક્ષા સેતુ સોસાયટીમાં બિન સરકારી સભ્ય તરીકે નિમણૂક થઈ હતી. ત્યારે જોવું રહ્યું કે જિલ્લા ભાજપ આગામી સમયમાં તેની સામે શું પગલાં લે છે.

આ પણ વાંચો :-