ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં લાગી આગ, ડ્રેસિંગ રૂમને થયું સૌથી વધુ નુકસાન

Share this story
  • Fire in Eden Gardens Kolkata : ભારતમાં વન-ડે વર્લ્ડકપ શરૂ થવાને ૨ મહિનાથી પણ ઓછો સમય બાકી છે.

ભારતમાં ૫ ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા વન-ડે વર્લ્ડકપને ૨ મહિનાથી પણ ઓછો સમય બાકી છે. દરમિયાન કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં મેગા ઈવેન્ટ માટે ચાલી રહેલા રિનોવેશનના કામ દરમિયાન ભયાનક આગ લાગી હતી.  આ આગને કારણે સ્ટેડિયમનો ડ્રેસિંગ રૂમ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો હતો. આ આગ ઓલવવામાં ફાયર બ્રિગેડના જવાનોને ૧ કલાકથી વધુ સમય લાગ્યો હતો. આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું કહેવાય છે.

ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં ૯ ઓગસ્ટે રાત્રે લગભગ ૧૧.૫૦ વાગ્યે આગ લાગી હતી. ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ ફાયર બ્રિગેડની ૨ ગાડીઓ પણ તાત્કાલિક આગના સ્થળે પહોંચી ગઈ હતી. આ આગ ડ્રેસિંગ રૂમની ફોલ્સ સીલિંગમાં લાગી હતી જ્યાં ક્રિકેટરોના સાધનો રાખવામાં આવ્યા હતા. જેના કારણે ત્યાં હાજર ખેલાડીઓનો આખો સામાન બળી ગયો હતો. હવે આ આગના કારણે સ્ટેડિયમમાં વર્લ્ડકપની મેચો પહેલા એક મહત્વનો પ્રશ્ન પણ સૌની સામે ઉભો થયો છે.

વર્લ્ડકપ ૨૦૨૩માં કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં કુલ ૫ મેચ રમાવાની છે. જેમાં સેમિફાઈનલ મેચનો સમાવેશ થાય છે. ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ (CAB) એ સ્ટેડિયમમાં આગ લાગવાના કારણની તપાસ કરવાનું કહ્યું છે. સ્ટેડિયમમાં ચાલી રહેલા રિનોવેશનનું કામ ૧૫ સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

વાસ્તવમાં પશ્વિમ બંગાળ ક્રિકેટ અસોસિયેશન વર્લ્ડકપ પહેલા મેનેજમેન્ટમાં કોઈ ભૂલ કરવા માંગતું નથી. રાત્રે આગ લાગવાના સમાચાર મળતા જ જોઈન્ટ સેક્રેટરી દેવબ્રત દાસ ત્યાં પહોંચ્યા હતા. તેમણે આગની ઘટના અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે આ મામલાની તપાસ કરવામાં આવશે અને આગ કેવી રીતે લાગી તે જોવામાં આવશે.

આ પણ વાંચો :-