Tuesday, Jun 16, 2026

કર્ણાટકમાં નેતૃત્વ બદલાવની અટકળો તેજ, સિદ્ધારમૈયાના રાજીનામાની ચર્ચા વચ્ચે ડી.કે. શિવકુમાર આગળ?

3 Min Read

કર્ણાટકના રાજકારણમાંથી આ સમયના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયા આજે પોતાના પદ પરથી રાજીનામું આપવા જઈ રહ્યા છે, જ્યારે તેમના સ્થાને હવે ડી.કે. શિવકુમાર કર્ણાટકના નવા મુખ્યમંત્રી બનશે. સિદ્ધારમૈયાએ આજે સવારે પોતાના નિવાસસ્થાને કેબિનેટ મંત્રીઓ સાથે બ્રેકફાસ્ટ મીટિંગ યોજીને સરકારના ત્રણ વર્ષના કામકાજનો રિપોર્ટ કાર્ડ રજૂ કર્યો હતો અને તમામ સહયોગીઓનો આભાર માનીને રાજીનામું આપવાની જાહેરાત કરી દીધી હતી. તેમણે આગામી મુખ્યમંત્રી તરીકે ડી.કે. શિવકુમારના નામનો પ્રસ્તાવ પણ મૂક્યો છે. સિદ્ધારમૈયા આજે બપોરે 3 વાગ્યે રાજભવન (લોકભવન) પહોંચીને પોતાનું રાજીનામું સોંપશે.

આ બેઠક નિર્ધારિત સમય કરતાં એક કલાક મોડી શરૂ થઈ હતી. ડેપ્યુટી સીએમ ડી. કે. શિવકુમાર દિલ્હીથી સીધા જ એરપોર્ટથી સીએમ આવાસ પહોંચ્યા હતા. સીએમ હાઉસમાં સિદ્ધારામૈયા અને ડી.કે. શિવકુમારે એકબીજાને ગળે લગાવીને પાર્ટીમાં એકતાનો મોટો સંદેશ આપ્યો હતો. આ દરમિયાન શિવકુમારે સિદ્ધારામૈયાના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ પણ લીધા હતા. બેઠકમાં સંતોષ લાડ, બી. સુરેશ, એમ.બી. પાટીલ અને રામલિંગા રેડ્ડી સહિતના તમામ દિગ્ગજ મંત્રીઓ અને ધારાસભ્યો હાજર રહ્યા હતા.

સિદ્ધારામૈયા સવારે 11 વાગ્યે રાજભવન જઈને રાજીનામું સોંપવાના હતા, પરંતુ આ દરમિયાન એક નવો વળાંક આવ્યો છે. રાજ્યપાલ થાવરચંદ ગેહલોત પરિવારમાં મેડિકલ ઈમરજન્સીના કારણે અચાનક બેંગલુરુ છોડીને ઈન્દોર રવાના થઈ ગયા છે. રાજ્યપાલની ગેરહાજરીને કારણે થોડીવાર માટે અસમંજસ ઊભી થઈ હતી કે રાજીનામું કોણ સ્વીકારશે?

મુખ્યમંત્રીના રાજીનામાની જાહેરાત બાદ હવે કર્ણાટક કોંગ્રેસમાં આંતરિક રાજકારણ ગરમાયું છે. ધારાસભ્યોના એક મોટા જૂથે સિદ્ધારમૈયાના અનુગામીની પસંદગી કરવા માટે કોંગ્રેસ વિધાયક દળ (CLP) ની બેઠક બોલાવવાની માંગ કરી છે. જોકે જો આ બેઠક બોલાવવામાં ડી કે શિવકુમારને નુકસાન થઇ શકે એવી અટકળો છે. ધારાસભ્યોનું એક મોટું જુથ ડી કે શિવકુમારને સીએમ તરીકે જોવા નથી ઇચ્છતું.

કર્ણાટક મુખ્યમંત્રી કાર્યાલય (CMO) એ સત્તાવાર પુષ્ટિ કરી છે કે, “મુખ્યમંત્રી સિદ્ધારામૈયા આજે જ પોતાના પદ પરથી રાજીનામું આપશે. જો રાજ્યપાલ બેંગલુરુમાં ઉપલબ્ધ નહીં હોય, તો પણ મુખ્યમંત્રીનું રાજીનામું સીધું જ રાજ્યપાલના કાર્યાલય (રાજભવનના વિશેષ સચિવ) ને સોંપી દેવામાં આવશે.” કોંગ્રેસ હાઈકમાન્ડના આદેશ બાદ હવે સિદ્ધારામૈયા દિલ્હી જશે અને આગામી સમયમાં રાજ્યસભાના સાંસદ બને તેવી પૂરેપૂરી સંભાવના છે. જ્યારે શુક્રવારે મળનારી વિધાનસભ્ય પક્ષની બેઠકમાં નવા મુખ્યમંત્રી તરીકે ડી.કે. શિવકુમારના નામની સત્તાવાર જાહેરાત થઈ શકે છે.

કર્ણાટક પોલિટિક્સ: ટૂંકી પણ મહત્વની ટાઈમલાઇન

  • મે 2023 (સત્તાની ફોર્મ્યુલા): કર્ણાટકમાં કોંગ્રેસની જીત બાદ સિદ્ધારમૈયા સીએમ અને ડી.કે. શિવકુમાર ડેપ્યુટી સીએમ બન્યા. પક્ષમાં ‘અઢી-અઢી વર્ષ’ ની સત્તા વહેંચણીની ગુપ્ત ફોર્મ્યુલા નક્કી થઈ હતી.
  • મે 2026 (દિલ્હીનું દબાણ): નિર્ધારિત સમયગાળો પૂરો થતાં રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેએ પક્ષના જૂના વચનનું સન્માન કરવા માટે સિદ્ધારમૈયા પર પદ છોડવા દબાણ કર્યું.
  • 28 મે 2026 (સવારે ભાવુક ક્ષણો): બેંગલુરુમાં નાસ્તાની બેઠક દરમિયાન ડેપ્યુટી સીએમ ડી.કે. શિવકુમારે સીએમ સિદ્ધારમૈયાના ચરણસ્પર્શ કરી આશીર્વાદ લીધા.
  • 28 મે 2026 (બપોરે રાજીનામું): મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સત્તાવાર રીતે રાજ્યપાલને મળીને પોતાનું રાજીનામું સોંપશે.
  • આગામી વળાંક (નવા સીએમની રેસ): સીએમ પદ માટે ડી.કે. શિવકુમારનું નામ રેસમાં છે, પરંતુ સિદ્ધારમૈયા જૂથ દ્વારા ગૃહમંત્રી જી. પરમેશ્વરન નું નામ આગળ ધરાતા નવો વળાંક આવ્યો છે.
Share This Article