રાજ્યમાં વધુ એક સમુહ લગ્નમાં છેતરપિંડીનો બનાવ બન્યો છે. મળતા અહેવાલ પ્રમાણે રાજકોટમાં 27 એપ્રિલ, 2025ના રોજ શિવાજી સેના દ્વારા આયોજિત 555 દીકરીઓના સમૂહ લગ્નમાં છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે. આયોજકોએ વર-કન્યાઓને અસલી દાગીનાને બદલે નકલી દાગીના આપ્યા હોવાનું બહાર આવતાં લખતરના એક પરિવારે કુવાડવા પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે.
કોળી સમાજના આગેવાન વિક્રમ સોરાણી તથા કુવાડવાના કારખાનેદાર પીન્ટુ પટેલ, અક્ષય ધાડવી તથા રાહુલ સિસા સામે અરજી કરવામાં આવી છે. ત્યારે અગાઉ પણ રાજકોટમાં ઋષિવંશી ગ્રુપ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં 28 નવદંપત્તિ લગ્નના તાંતણે બંધાવાના હતા. જોકે જ્યારે લગ્ન સ્થળે પહોંચ્યા ત્યારે ત્યા કોઈ વ્યવસ્થા જોવા મળી ન હતી. કન્યા પક્ષ અને વર પક્ષે આરોપ લગાવ્યો છે કે, અમારી પાસેથી 15-15 હજાર રૂપિયા ઉઘરાવવામા આવ્યા હતાં અને એન.વી ઈવેન્ટ ગ્રુપ નામથી રસીદ પણ આપવામાં આવી હતી.
કરિયારમાં આપવામાં આવેલા દાગીના ખોટા નીકળતા પરિવારમાં ભારે રોષનો મોહાલ જોવા મળ્યો હતો. જેથી આ પરિવારોએ સર્વજ્ઞાતિ સમૂહલગ્નના આયોજકો સામે કાર્યવાહી કરવા માટે પોલીસ માંગ કરી છે. જેથી પોલીસે પણ ઘટનાને ગંભીરતાથીને તપાસ શરૂ કરી દીધી છે. નોંધનીય છે કે, કરિયાવરમાં આપવામાં આવેલા દાગીના નકલી હોવાનું બહાર આવતા અનેક પરિવારોમાં રોષની લાગણી ફેલાઈ છે.
આ સર્વજ્ઞાતિ સમુહલગ્નના આયોજક અને શિવાજી સેનાના પ્રમુખ વિક્રમ સોરાણીનું આ મામલે નિવેદન પ્રકાશમાં આવ્યું છે. વિક્રમ સોરાણીએ કહ્યું કે, આ દાગાની તેમના દ્વારા નહીં પરંતુ દાતાઓ દ્વારા આપવામાં આવ્યાં છે. અને જો તેમાં કોઈ ખોટી વસ્તુ આવી હોય તો તે બદલી આપવા માટે તૈયાર છે, તેવું પણ જણાવ્યું હતું. વિક્રમ સોરાણીએ એવું પણ કહ્યું કે, કરિયાવરમાં સોનાની તો માત્ર એક ચૂક આપવામાં આવી હતી, અન્ય કોઈ વસ્તુ સોનાની આપવામાં આવી નથી. જે ચૂક ખોટી જોય તો સર્વજ્ઞાતિ સમુહલગ્નના આયોજકે તેને બદલી આપવાની ખાત્રી આપી છે.