જેલમાં જ લાઈફ-પાર્ટનર સાથે એકાંત માણી શકશે કેદી, વંશ વધારવા માટે કોર્ટે આપી સ્પેશ્યલ મંજૂરી

Share this story

Prisoner can enjoy solitude with life-partner

  • પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે નિર્ણય લીધો છે કે હવે જેલમાં પણ કેદી પોતાના વંશને આગળ વધારી શકશે. આ માટે જેલમાં અલગ રૂમ પણ બનાવવામાં આવશે. જાણો વિગતવાર

જેલ પણ હવે વંશ વધારવાની સાક્ષી બનશે. જેલમાં કેદ પતિ અથવા પત્ની (Imprisoned husband or wife) પોતાના લાઈફ પાર્ટનરને (Life partner) એકાંતમાં મળી શકશે. આ પહેલ પંજાબ સરકારે (Punjab Govt) કરી છે અને આનું કારણ છે પંજાબ તથા હરિયાણા હાઇકોર્ટમાં (Haryana High Court) આ વર્ષે પહોંચેલા મામલાઓ. આ કેવી રીતે શક્ય થયું એ પહેલા જાણી લઈએ કે કઈ કઈ દલીલો સાથે આવી પેટીશન પહોંચી.

પહેલો મામલો :

માર્ચ 2022મા ગુરુગ્રામની એક મહિલા પંજાબ તથા હરિયાણા હાઇકોર્ટ પહોંચી હતી. તેની પેટીશન બીજા કેસ કરતાં થોડી અલગ હતી. મહિલાએ જેલમાં કેદ પતિ સાતે શારીરિક સંબંધ બનાવવાની મંજૂરી માંગી. મહિલાએ દલીલ કરી કે તે જેલમાં કેદ પતિ સાથે પોતાના વંશને આગળ વધારવા માંગે છે. તેણે કહ્યું કે તેના પતિને ગુરુગ્રામ કોર્ટે હત્યા અને અન્ય અપરાધોનો દોશી ઠેરવ્યો છે. 2018 બાદથી જ તે ભોંડસી જિલ્લાની કેન્દ્રીય જેલમાં કેદ છે.

બીજો મામલો  :

આ પહેલા જાન્યુઆરી 2022નાં રોજ પંજાબ એન્ડ હરિયાણા હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં પત્નીએ પોતાના પતિથી અલગ રૂમમાં મળવાનો સમય માંગ્યો હતો. તેણે બંધારણનાં આર્ટીકલ 21નો સહારો લીધો. જેમાં તેને આ અધિકાર આપવામાં આવ્યો છે.

ત્રીજો મામલો :

જસવીર સિંહે અરજી દાખલ કરી હતી કે તે પોતાનો વંશ આગળ વધારવા માંગે છે. પત્ની ગર્ભવતી થવા સુધી તેને પણ જેલમાં રહેવાની મંજૂરી આપવામાં આવે. હાઇકોર્ટે આ માંગને રદ્દ કરી હતી.

હાઇકોર્ટનો નિર્ણય  :

આ જ જસવીર સિંહ તથા પંજાબ સરકાર વચ્ચેના કેસમા હાઇકોર્ટે હરિયાણા, પંજાબ અને ચંદીગઢની જેલ રીફોર્મ્સ કમિટી બનાવીને આ વિશે નીતિ બનાવવા કહ્યું હતું.

પંજાબની ચાર જેલોમાં સુવિધા મળી :

પંજાબ સરકારે માહત્વની પહેલ કરી. અહીંની જેલના કેદીઓને જીવનસાથી સાથે એકાંતમાં થોડો સમય વિતાવવાની મંજૂરી આપી દીધી. આ માટે જેલમાં અલગ રૂમ બનાવવામાં આવ્યો છે. હાલમાં આ સુવિધા ઈંદવાલ સાહિબ, નાભા, લુધિયાણા અને બઠિંડા જેલમાં શરૂ થઈ ચૂકી છે. આ સુવિધા બધી જ જેલોમાં શરૂ કરવાની તૈયારીઓ ચાલી રહી છે.

સુવિધા ગેંગસ્ટર અને યૌન અપરાધીઓ માટે નહીં  :

આ સુવિધા દરેક અપરાધી માટે નથી. કુખ્યાત અપરાધી, ગેંગસ્ટર અને યૌન અપરાધો સાથે જોડાયેલા મામલાઓમાં સજા ભોગવી રહેલા કેદીઓને આ સુવિધા નહીં મળે. જેલ અધિકારીએ જણાવ્યું કે આ માટે કેદી પહેલા જેલ પ્રશાસનને એપ્લિકેશન આપી શકે છે.

અરજી મંજૂર થયા બાદ સારા આચરણવાળા કેદીઓને બે કલાક સુધી પોતાના જીવનસાથી સાથે રહેવાની મંજૂરી આપવામાં આવશે. આ માટે જેલ પ્રશાસને અલગ રૂમ તૈયાર કર્યા છે, જેમાં અલગ ડબલ બેડ, ટેબલ અને અટેચ બાથરૂમ પણ હશે.

મેડિકલ ટેસ્ટ ફરજિયાત  :

આવી મુલાકાત પહેલા પંજાબ સરકારે કેટલાક નિયમોની યાદી પણ તૈયાર કરી છે. સૌ પ્રથમ લગ્નનું પ્રમાણપત્ર છે. આ માટે તમારે પહેલા પતિ-પત્ની હોવાનું મેરેજ સર્ટિફિકેટ બતાવવું પડશે. આ પછી બીજું સૌથી મોટું પ્રમાણપત્ર તબીબી પ્રમાણપત્ર હશે. જેમાં એચઆઈવી, સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ (એસટીડી), કોરોના સંક્રમણ અને આવી કોઈ અન્ય બીમારી ન હોવી જોઈએ. આ પછી, જેલ પ્રશાસન બે કલાક આપશે, જેના પર પતિ-પત્ની એકલા સમય પસાર કરી શકશે.

આ પણ વાંચો :-