Wednesday, Mar 19, 2025

મુખ્યમંત્રી પદથી રાજીનામા બાદ મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ

3 Min Read

મણિપુરમાં બિરેન સિંહના મુખ્યમંત્રી પદથી રાજીનામા બાદ હવે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દેવામાં આવ્યું છે. મણિપુરમાં મેઇતી અને કુકી સમુદાય વચ્ચેની હિંસાના કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ગંભીર બની રહી છે. ગયા રવિવારે બિરેન સિંહે રાજ્યપાલ અજય કુમાર ભલ્લાને મળીને મુખ્યમંત્રી પદથી રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ નવા મુખ્યમંત્રીના નામ પર મોહર લગાવવા માટે ભાજપના નેતાઓની બેઠક શરૂ થઈ હતી. મણિપુરના પ્રભારી સંબિત પાત્રા ભાજપના પ્રભુત્વ ધરાવતા નેતાઓ સાથે બેઠક કરી રહ્યા હતા. જોકે, હવે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દેવામાં આવ્યું છે.

ITLFએ કહ્યું- અમારી માગ અલગ વહીવટનીકુકી સમુદાયના ITLF સંગઠનના પ્રવક્તા ગિન્જા વૂલજોંગે જણાવ્યું હતું કે, બિરેન સિંહે મણિપુર વિધાનસભામાં અવિશ્વાસ પ્રસ્તાવમાં હારના ડરથી રાજીનામું આપી દીધું છે. તાજેતરમાં તેમની એક ઓડિયો ટેપ લીક થઈ હતી, જેની સુપ્રીમ કોર્ટે નોંધ લીધી છે. આવી સ્થિતિમાં, ભાજપ માટે પણ તેમને બચાવવા મુશ્કેલ લાગે છે.બિરેન સિંહ મુખ્યમંત્રી રહે કે ન રહે, અમારી માગ અલગ વહીવટની છે. મૈતેઈ સમુદાયે અમને અલગ કરી દીધા છે. હવે આપણે પીછેહઠ કરી શકીએ નહીં. ઘણું લોહી વહી ગયું છે. ફક્ત રાજકીય ઉકેલ જ આપણી સમસ્યાઓનો ઉકેલ લાવી શકે છે. કુકી સમુદાય હજુ પણ અલગ વહીવટની માગ પર અડગ છે.

રાષ્ટ્રપતિ શાસન લાગુ થવાનો પ્રભાવ

કોઈપણ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થતાં, રાજ્યની શાસકીય વ્યવસ્થા પર અનેક ફેરફારો થાય છે. રાજ્યનું સંચાલન રાષ્ટ્રપતિના નિયંત્રણ હેઠળ આવી જાય છે. રાષ્ટ્રપતિ તેમના પ્રતિનિધિ તરીકે રાજ્યપાલને રાજ્યની વ્યવસ્થા સંભાળવાની જવાબદારી સોંપે છે, અને રાજ્યપાલ કેન્દ્ર સરકારના નિર્દેશો પ્રમાણે શાસન ચલાવે છે.

રાજ્યના કાયદાઓ પર શું અસર પડે છે?

સામાન્ય રીતે, રાજ્યોની વિધાનસભા કાયદા બનાવે છે. પરંતુ રાષ્ટ્રપતિ શાસન લાગુ થયા પછી, રાજ્ય માટે કાયદા સંસદ બનાવે છે. જો સંસદનું સત્ર ન ચાલી રહ્યું હોય, તો રાષ્ટ્રપતિ ઓર્ડિનન્સ (અધ્યાદેશ) બહાર પાડી શકે છે. રાષ્ટ્રપતિ શાસન મહત્તમ 6 મહિના માટે લાગુ કરવામાં આવે છે, પરંતુ સંસદની મંજૂરીથી તેને 3 વર્ષ સુધી લંબાવી શકાય છે.

કઈ પરિસ્થિતિઓમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થાય છે?

કોઈપણ રાજ્યમાં ત્યારે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવે છે, જ્યારે રાજ્ય સરકાર બંધારણની જોગવાઈઓનું પાલન કરવામાં અસમર્થ રહે. કાયદો અને વ્યવસ્થા ધ્વસ્ત થવાથી પણ રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે. તે ઉપરાંત, જો સરકાર બહુમત ગુમાવે અથવા સ્થિર સરકાર ન બની શકે, તો પણ રાષ્ટ્રપતિ શાસન લાદી શકાય છે. ભ્રષ્ટાચાર, બળવો, આપત્તિ કે અન્ય કોઈ પણ કારણસર સરકાર નિષ્ફળ જાય, ત્યારે પણ રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી શકાય છે.

Share This Article