ભારતમાં પાઇપવાળા કુદરતી ગેસ (PNG)ના ઉપયોગમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. માર્ચથી અત્યાર સુધીમાં 5.01 લાખથી વધુ નવા PNG કનેક્શન આપવામાં આવ્યા છે, જ્યારે આશરે 5.68 લાખ લોકોએ નવા કનેક્શન માટે નોંધણી કરાવી છે. વધતી માંગ દર્શાવે છે કે લોકો હવે ગેસ માટે વધુ સુવિધાજનક અને સ્થિર વિકલ્પ તરફ વળી રહ્યા છે.
આ વધારો એવા સમયમાં નોંધાયો છે જ્યારે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી તંગદિલીને કારણે LPGના પુરવઠા અંગે ચિંતા વ્યક્ત થઈ રહી છે. સંભવિત વિક્ષેપોને ધ્યાનમાં રાખીને સરકાર ઉદ્યોગો અને ઘરેલુ વપરાશકારોને PNG અપનાવવા પ્રોત્સાહિત કરી રહી છે, કારણ કે તેની સપ્લાય પર વૈશ્વિક પરિસ્થિતિઓનો ઓછો પ્રભાવ પડે છે.
સરકારે એવા વપરાશકારોને પણ સૂચના આપી છે જેમણે PNG કનેક્શન લીધું છે પરંતુ તેનો ઉપયોગ કરતા નથી, તેઓએ LPG પરની નિર્ભરતા ઘટાડીને PNGનો ઉપયોગ શરૂ કરવો જોઈએ. સાથે જ PNG પાઇપલાઇન બિછાવવા માટેની મંજૂરી પ્રક્રિયા ઝડપી બનાવવા માટે પણ પગલાં લેવામાં આવી રહ્યા છે.
પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માના જણાવ્યા મુજબ, 19 એપ્રિલ સુધીમાં લગભગ 39,400 ગ્રાહકોએ પોતાનું LPG કનેક્શન સરેન્ડર કરી દીધું છે. તેમ છતાં, સરકારએ સ્પષ્ટ કર્યું છે કે ઘરેલુ LPGનો પુરવઠો હાલ સ્થિર છે અને દેશમાં ગેસની કોઇ અછત નથી.