ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે પરષોત્તમ રૂપાલાએ રાજકોટથી નોંધાવી ઉમેદવારી

Share this story

ગુજરાતમાં પરશોત્તમ રૂપાલાના નિવેદનને લઈને રાજકારણ ગરમાયું છે અને ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે ત્યારે સોમવારે મોડી રાતે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી નિવાસ્થાને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક મળી હતી. આ બેઠક બે કલાક સુધી ચાલી હતી. બેઠકમાં ક્ષત્રિય સમાજના આગેવાનોએ રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ કરી હતી અને કહ્યું હતું કે સમગ્ર સમાજની એક જ માગ છે. ક્ષત્રિય સમાજના આગેવાને બેઠક બાદ પત્રકારોને જણાવ્યું હતું કે બેઠક બાદ કોઈ સમાધાન કરવામાં આવ્યું નથી. અમે અમારી માગ પર અડગ છીએ અને રૂપાલાની ટિકિટ રદ થાય તે સિવાય કોઈ વાત ચલાવી લેવામાં આવશે નહીં.

રૂપાલાએ રામ રામ સાથે જણાવ્યું હતું કે, નેતાઓની સાથે ઉદ્યોગપતિઓ તેમજ શાળા સંચાલકો સહિતનાઓનો આભાર વ્યક્ત કરુ છું. ક્ષત્રિય સમાજના સાથ સહકારની જરૂર છે. ભાજપ જે વાયદાઓ કરે છે તે પુરા કરે છે, મોરબીના ગઈકાલના કાર્યક્રમથી ખૂબ જ ખુશ છું. જે આવ્યાં છે તે તો મત આપશે જ, પણ આખા મલકને કહેજો કે ભાજપને મત આપે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૭૦ વર્ષથી વધુના લોકોને આયુષ્યમાન કાર્ડની જાહેરાત કરી તેના માટે મત આપવો જોઈએ. દેશમાં ભાજપ સરકાર બનશે અને તેના પ્રથમ ૧૦૦ દિવસમા શું કરવાનું તેનુ પ્લાનિંગ સચિવાલય કરી રહ્યું છે. બધાને ૧૦૦ ટકા મતદાન કરવાની અપીલ પણ કરી છે.

લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોતમ રૂપાલાએ આજે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું છે. તેમણે યાજ્ઞિક રોડ પરના જાગનાથ મંદિરે ભગવાન શંકર સમક્ષ શીશ ઝુકાવી રેલી સ્વરૂપે બહુમાળી ભવન ચોક ખાતે પહોંચ્યા હતા. બહુમાળી ચોક ખાતે જંગી સભાને સંબોધી હતી. રેલી દરમિયાન તેમના સમર્થનમાં હજારો કાર્યકરો ઉમટી પડ્યા હતા.રૂપાલા સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરા સહિતનાં પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.