બાબા રામદેવને લાગ્યો મોટો ઝટકો, કહ્યું કે અમારાથી ભૂલ થઈ અમે જનતાની માફી માંગીશું

Share this story

બાબા રામદેવને આજે મંગળવારે પણ ભ્રામક જાહેરાતના મામલામાં પતંજલિ આયુર્વેદ સામેની અવમાનના બદલ સુપ્રીમ કોર્ટમાંથી માફી મળી નથી. તેમણે ૨૩ એપ્રિલે ફરી કોર્ટમાં હાજર થવું પડશે. સુપ્રીમ કોર્ટે બાબા રામદેવને વધુ એક અઠવાડિયાનો સમય આપ્યો છે. યોગગુરુ બાબા રામદેવ અને તેમના સહયોગી બાલકૃષ્ણ આજે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા. આ મામલો ભ્રામક જાહેરાતો અને કોરોનાની સારવારના દવાઓના સંબંધમાં પતંજલિ આયુર્વેદ સામે તિરસ્કાર સાથે સંબંધિત છે. જસ્ટિસ હિમા કોહલીએ બાબા રામદેવને પૂછ્યું કે, શું તેમણે જે પણ કર્યું છે તેને માફ કરી દેવું જોઈએ. જેના જવાબમાં બાબા રામદેવે કહ્યું કે, અમારાથી ભૂલ થઈ છે જેથી અમે જનતાની માફી માંગીશું. હું કહેવા માંગુ છું કે અમે જે પણ ભૂલ કરી છે તેના માટે અમે બિનશરતી માફી માંગીશું.

સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થયા બાદ બાબા રામદેવના વકીલ મુકુલ રોહતગીએ કહ્યું- અમે બિનશરતી માફી માગીએ છીએ.’ આના પર જસ્ટિસ હિમા કોહલીએ બાબા રામદેવને પૂછ્યું કે, ‘શું તમે જે પણ કર્યું છે તેને માફ કરી દેવું જોઈએ.’ જવાબમાં બાબા રામદેવે કહ્યું કે, ‘હું કહેવા માંગુ છું કે અમે જે પણ ભૂલ કરી છે તેના માટે અમે બિનશરતી માફી માંગીએ છીએ.’

કોર્ટે કહ્યું કે, “તમને શું લાગ્યું કે કોર્ટના આદેશ છતાં તમે જાહેરાતો આપી અને ભાષણ આપ્યું કે આયુર્વેદએ મહર્ષિ ચરકના સમયથી ચાલી રહ્યું છે. તમે તમારી પોતાની પદ્ધતિ માટે બીજાની પદ્ધતિને રદ્દ કરવાની વાત કેમ કરી?” જેના પર બાબા રામદેવે કહ્યું કે, “અમારો એવો કોઈ ઈરાદો નથી. અમે ૫૦૦૦થી વધુ સંશોધનો કર્યા. આયુર્વેદમાં અમે મેડિસિનના સ્તર સુધી સંશોધન કર્યું.” જેના પર જજે કહ્યું કે, “અમે તમારા વલણ વિશે વાત કરી રહ્યા છીએ. તમે અમારા આદેશનો અનાદર કર્યો હોવાથી તમને બોલાવવામાં આવ્યા છે અને તમે બીજી દવાને ખરાબ કહી છે. લાઇલાજ(કોઈ નિદાન ન હોય) રોગો માટેની દવાઓની જાહેરાત પર પ્રતિબંધ છે. જેના પર બાબા રામદેવે કહ્યું કે, અમારે આવું ન કરવું જોઈતું હતું, અમે હવેથી ધ્યાનમાં રાખીશું. કોર્ટે કહ્યું કે, તમે બેજવાબદારીથી કામ કર્યું છે.

ઈન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા બાબા રામદેવ અને પતંજલિ પર ભ્રામક જાહેરાતો બતાવવા અને જારી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ૧૭ ઓગસ્ટ ૨૦૨૨ના રોજ એક અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજીને ગંભીરતાથી લેતા સુપ્રીમ કોર્ટે ૨૧ નવેમ્બર ૨૦૨૩ના રોજ પતંજલિને કોઈપણ ઉત્પાદનની ભ્રામક જાહેરાતો ન આપવાનો નિર્દેશ આપ્યો હતો. આદેશો છતાં જાહેરાતો બતાવવામાં આવી ત્યારે સુપ્રીમ કોર્ટે ૨૭ ફેબ્રુઆરી ૧૦૧૪ના રોજ પતંજલિને ફટકાર લગાવી.