સલમાન ખાનના ઘર બહાર ફાયરિંગ કરનાર બંને આરોપી ભુજમાંથી ઝડપાયા

Share this story

ફિલ્મ કલાકાર સલમાન ખાનના મુંબઈ સ્થિત ઘરની બહાર ફાયરિંગ કરીને ભાગી જનારા લોકોને પોલીસે કચ્છમાંથી પકડ્યા છે. વિક્કી અને સાગર નામના યુવાનો કચ્છમાં માતાના મઢના મંદિરે પહોંચ્યા હતા. પરંતુ પોલીસને તેમના વિશે માહિતી મળી જવાના કારણે તેમને દબોચી લેવામાં આવ્યા છે. હવે તેમની આગળ પૂછપરછ કરવામાં આવશે.

મુંબઇ પોલીસની તપાસમાં આ વાત સામે આવી કે સલમાન ખાનના ઘર પર ફાયરિંગનું ષડયંત્ર પહેલાથી રચવામાં આવ્યું હતું. સુત્રો અનુસાર બન્ને હુમલાખોર એક મહિનાથી પનવેલમાં રહેતા હતા. રાધાકૃષ્ણ એપાર્ટમેન્ટ હરિગ્રામ વિસ્તારમાં આવેલા એક ફ્લેટને આરોપીઓએ ભાડે લીધો હતો. ષડયંત્રને અંજામ આપવા માટે હુમલાખોરોએ સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની ચાર વખત રેકી કરી હતી. આરોપીઓએ ફાયરિંગ પહેલા પુરી રીતે ગેલેક્સી એપાર્ટમેન્ટની રેકી કરી હતી.

તે બાદ બન્ને આરોપી વિક્કી અને સાગર બાઇક પર સવાર થઇને રવિવાર સવારે બાંદ્રા સ્થિત ગેલેક્સી એપાર્ટમેન્ટ સામે પહોંચ્યા હતા અને ત્યા થોડી વાર રોકાયા બાદ ફાયરિંગ કરી હતી અને ત્યાથી ફરાર થઇ ગયા હતા. સૂત્રો અનુસાર ફાયરિંગમાં ઉપયોગમાં લેવામાં આવેલી બાઇક રાયગઢમાંથી સેકન્ડ હેન્ડ ખરીદવામાં આવી હતી.

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા હુમલાખોર પુરા વિસ્તારથી કેટલી સારી રીતે જાણીતા હતા તેનો અંદાજો આ વાત પરથી લગાવી શકાય કે તેમણે ફરાર થવા માટે કેટલાક રસ્તાનો ઉપયોગ કર્યો હતો. પોલીસ અનુસાર, ફાયરિંગ કરનારા બન્ને આરોપી બાઇક પર બાંદ્રા સ્થિત માઉન્ટ મેરી ચર્ચ પહોંચ્યા હતા અને ત્યા પોતાની બાઇક મુકી દીધી હતી અને પછી ચાલતા નીકળી ગયા હતા.

તે બાદ આરોપીઓએ બાંદ્રા રેલ્વે સ્ટેશન માટે એક રિક્ષા લીધી હતી અને તે બાદ બન્ને આરોપી બોરીવલી તરફ જતી ટ્રેનમાં ચઢી ગયા હતા અને સાંતાક્રૂઝ રેલ્વે સ્ટેશન પર ઉતરીને બહાર જતા રહ્યાં હતા. પોલીસને આ જાણકારી સીસીટીવી ફૂટેજમાં મળી હતી. પોલીસે જ્યારે આ તમામ જગ્યાઓના સીસીટીવી તપાસવામાં આવ્યા તો આ જગ્યાના ફૂટેજમાં આરોપી જોવા મળ્યા હતા. તે બાદ પોલીસ વધુ સીસીટીવી ફૂટેજની તપાસમાં લાગી હતી.

પોલીસને જે સીસીટીવી ફૂટેજ મળ્યા હતા તેમાં આરોપીનો ચહેરો સ્પષ્ટ દેખાતો હતો. આ તસવીર ગુરુગ્રામના ગેન્ગસ્ટર વિશાલ ઉર્ફ કાલુની હતી જે ગેન્ગસ્ટર રોહિત ગોદારા માટે કામ કરે છે, જેને તાજેતરમાં રોહતકમાં એક બુકીની હત્યા કરી હતી. લોકેશન ટ્રેક કરવા પર બન્ને આરોપી સાન્તાક્રૂઝથી ગુજરાત જતી ટ્રેનમાં બેસ્યા હતા અને બચતા બચતા મુંબઇથી ૮૫૦ કિલોમીટર દૂર ભુજ પહોંચીને અંડરગ્રાઉન્ડ થઇ ગયા હતા. જેવી જ પશ્ચિમી કચ્છ ક્રાઇમ બ્રાન્ચને તેની જાણ થઇ તો તુરંત તેમણે તપાસ હાથ ધરી હતી અને બન્ને આરોપી વિક્કી તથા સાગરની ધરપકડ કરી હતી.

આ હુમલાની જવાબદારીને લઇને એક ફેસબુક પોસ્ટ વાયરલ થઇ હતી જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ગેન્ગસ્ટર લોરેન્સ બિશ્નોઇનો ભાઇ અનમોલ બિશ્નોઇએ સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરાવી છે. પોલીસને ખબર પડી કે ગોળીબારીની જવાબદારી લેવાનો દાવો કરનાર ફેસબુક પોસ્ટનો IP (ઇન્ટરનેટ પ્રોટોકૉલ) પોર્ટુગલનો છે. પોલીસને શંકા છે કે જેલમાં બંધ ગેન્ગસ્ટર લોરેન્સ બિશ્નોઇના ભાઇ અનમોલ બિશ્નોઇ દ્વારા કથિત રીતે ફેસબુક પોસ્ટ અપલોડ કરવા માટે વીપીએનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.