Home Blog Page 95

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 3 રૂપિયાનો વધારો

0

ચૂંટણી પૂરી થયા બાદ પેટ્રોલ- ડીઝલના ભાવ વધશે જ એવી અટકળો હતી જ અને એ સાચી પડી છે. હવે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લિટર દીઠ 3 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ ભાવ વધારા સાથે જ અન્ય ચીજોના ભાવ પણ વધશે જ અને મોંઘવારી વિકરાળ બનશે. જો કે જે રીતે ક્રૂડના ભાવમાં વધારા બાદ પેટ્રોલિયમ કંપનીઓને ભારે ખોટ ભોગવવી પડી રહી છે, એ જોતાં આ વધારો છેલ્લો નહીં જ હોય. હજુ થોડા થોડા કરીને ભાવ વધારો થતો રહેશે.

દિલ્હીમાં, પેટ્રોલ હવે લિટરે 94.77 ને બદલે 97.77 રૂપિયાના ભાવે મળશે. જ્યારે ડીઝલના ભાવ લિટરે 87.67 થી વધીને 90.67 રૂપિયા થયા છે. નવા ભાવ આજથી, 15 મેના રોજ અમલમાં આવ્યા છે.

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાનું મુખ્ય કારણ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં વધઘટ છે. ઈરાન અને અમેરિકા વચ્ચેના યુદ્ધ પહેલા ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ 70 ડોલર હતા, જે હવે વધીને બેરલે 100 ડોલર થઈ ગયા છે. જો કે કોરોનાના સમયે ક્રૂડના ભાવ સાવ ઓછા થઈ ગયા હતા, એમ છતાં પેટ્રોલિયમ કંપનીઓએ ઊંચા ભાવે જ આપણને પેટ્રોલ અને ડીઝલ વેચ્યા હતા, ત્યારે હવે તેઓ લાંબા સમય સુધી કેમ ખોટ સહન કરી શકતી નથી ?

ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થવાને કારણે તેલ કંપનીઓ દબાણ હેઠળ હતી. તેથી, કંપનીઓએ તેમના નુકસાનને પહોંચી વળવા માટે આ પગલું ભર્યું છે. જો લાંબા સમય સુધી ક્રૂડ ઓઇલના ભાવ ઊંચા રહેશે, તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધુ વધારો થઈ શકે છે.

LPG સપ્લાય વધારવા સરકારનો મોટો નિર્ણય, 40 હજાર કરોડના મેગા પ્લાનને મંજૂરી

0

મધ્ય પૂર્વમાં અમેરિકા-ઈરાન યુદ્ધને કારણે હોર્મુઝ સ્ટ્રેટ બ્લોક થતા ભારતમાં ગેસ તંગી સર્જાઇ છે. જોકે ભવિષ્યમાં આવી સમસ્યાઓને રોકવા માટે કેન્દ્ર સરકારે એક યોજના બનાવી છે જે અમલમાં મુકાય તો હોર્મુઝ સ્ટ્રેટની જરૂરિયાત પડશે નહી અને ગેસ ટેન્કરની ટેંશન દૂર થશે. ચાલો જાણીએ કે ભારત સરકારની યોજના શું છે.

મોદી સરકારે દેશની ઉર્જા સુરક્ષા માટે રૂપિયા 40,000 કરોડના ડ્રીમ પ્રોજેક્ટ પર કામ ઝડપી બનાવ્યું છે. ભારત ગલ્ફ દેશોમાંથી અવિરત ગેસ પુરવઠો સુનિશ્ચિત કરવા માટે સમુદ્રની નીચે ઊભી પાઇપલાઇન નાખવાની યોજના પર વિચારી રહ્યુ છે. પેટ્રોલિયમ મંત્રાલયના અધિકારીઓ પાસેથી આ માહિતી પ્રાપ્ત થઈ છે અને ઓમાનથી ભારત સુધી ગેસ પાઇપલાઇનનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.

ઓમાનથી ભારત સુધી પ્રસ્તાવિત મધ્ય પૂર્વ ભારત ડીપવોટર પાઇપલાઇન (MEIDP) પ્રોજેક્ટનો ખર્ચ આશરે ₹40,000 કરોડ થવાનો અંદાજ છે. આ પાઇપલાઇન 2,000 કિલોમીટર લાંબી હશે અને સમુદ્રની નીચે 3,450 મીટરની ઊંડાઈએ નાખવામાં આવશે. આ પાઇપલાઇન બનાવવામાં 5 થી 7 વર્ષનો સમય લાગી શકે છે અને તે ઓમાનને ગુજરાતના દરિયાકાંઠા સાથે સીધી રીતે જોડશે.

પ્રોજેક્ટ મુજબ પાઇપલાઇન ઓમાનથી ભારતમાં દરરોજ 31 મિલિયન સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર કુદરતી ગેસ સપ્લાય કરશે. ભારતની કુદરતી ગેસની માંગ પણ સતત વધી રહી છે. વર્તમાન ગેસનો વપરાશ 190-195 મિલિયન સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર છે, જે 2030 સુધીમાં વધીને 290-300 મિલિયન થવાનો અંદાજ છે. આ પ્રોજેક્ટ આ માંગને પૂર્ણ કરી શકે છે.

કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રાલય જાહેર ક્ષેત્રની કંપનીઓ GAIL, એન્જિનિયર્સ ઇન્ડિયા (EIL) અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC) ને પ્રોજેક્ટ પર કામ આગળ વધારવા માટે ડ્રાફ્ટ રિપોર્ટ તૈયાર કરવા નિર્દેશ આપવા જઈ રહ્યું છે. પાણીની અંદર ગેસ પાઇપલાઇન સાઉથ એશિયા ગેસ એન્ટરપ્રાઇઝના પૂર્વ-શક્યતા સંશોધન પર આધારિત છે. SAGE એ ડેમો પાઇપલાઇન બિછાવીને સંશોધન કર્યુ છે.

ઉત્તર પ્રદેશમાં આંધી-વાવાઝોડાનો કહેર: 96 લોકોના મોત, 38 જિલ્લામાં યલો એલર્ટ

0

ઉત્તર પ્રદેશમાં ભીષણ વાવાઝોડા, વરસાદ અને કરા પડવાને કારણે ભારે તબાહી મચી છે. રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં ઝાડ પડવા, દીવાલ ધરાશાયી થવી, વીજળી પડવી અને ટીન શેડ ઉડવા જેવી ઘટનાઓમાં અત્યાર સુધીમાં અંદાજે 96 લોકોના મોત થયા છે, જ્યારે હજારો લોકો ઘાયલ થયા છે. હવામાન વિભાગે રાજ્યના 38 જિલ્લાઓમાં વાવાઝોડું, વરસાદ અને વીજળી પડવા અંગે યલો એલર્ટ જાહેર કર્યું છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ પશ્ચિમ ઉત્તર પ્રદેશ પર બનેલી ચક્રવાત સિસ્ટમ અને દક્ષિણ રાજસ્થાનથી આવતા પૂર્વીય પવનોની અસરને કારણે રાજ્યમાં અનેક સ્થળોએ 80 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. બુધવારે બપોર પછી શરૂૂ થયેલો હવામાનનો આ ફેરફાર સાંજ સુધીમાં મોટા વાવાઝોડામાં ફેરવાઈ ગયો હતો.

UPના અનેક જિલ્લાઓમાં મોટી જાનહાનિ થઈ છે. ભદોહીમાં 10, પ્રયાગરાજ મંડળમાં 10, ફતેહપુરમાં 8, ઉન્નાવમાં 7, બદાયુમાં 6, બરેલીમાં 4, સીતાપુરમાં 2 અને રાયબરેલીમાં 1 મૃત્યુ નોંધાયું છે. આ સિવાય હરદોઈ, ઝાંસી, કાનપુર દેહાત, સંભલ, પ્રતાપગઢ અને અન્ય જિલ્લાઓમાં પણ લોકોએ જીવ ગુમાવ્યા છે. બરેલીમાં ભારે પવનના કારણે એક યુવક ટીનશેડ સાથે 50 ફુટ ઉંચે ઉડયો હતો અને 100 મીટર દૂર પટકાયો હતો.

ઉન્નાવ જિલ્લામાં ભારે વાવાઝોડા અને વરસાદ દરમિયાન અલગ-અલગ ઘટનાઓમાં ત્રણ લોકોના મોત થયા છે. દહી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આંબાનું ઝાડ પડવાથી 70 વર્ષીય ખેડૂત રામ આશ્રયનું મોત થયું હતું. જ્યારે આસીવન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નીલગિરીનું ઝાડ પડવાથી 9 વર્ષના અંશનું મોત નીપજ્યું હતું. અન્ય બે લોકો ગંભીર રીતે ઘાયલ છે અને તેમની સારવાર લખનઉ ટ્રોમા સેન્ટરમાં ચાલી રહી છે.

અચાનક આવેલા ભયંકર વાવાઝોડાને કારણે સેંકડો ઝાડ અને વીજળીના થાંભલા પડી ગયા છે. અનેક જિલ્લાઓમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો અને રસ્તાઓ પર વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો. કેટલીક જગ્યાએ કાર અને મકાનોને પણ નુકસાન થયું છે. હવામાન વિભાગે લખનઉ, ઉન્નાવ, સીતાપુર, પ્રયાગરાજ, જોનપુર, પ્રતાપગઢ, બાંદા સહિત 38 જિલ્લાઓમાં આગામી કેટલાક કલાકો માટે ભારે વરસાદ, વીજળી પડવા અને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની ચેતવણી જાહેર કરી છે.

લખનઉ હવામાન કેન્દ્ર મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે આગામી એક-બે દિવસ હવામાન આવું જ રહેશે. ત્યારબાદ 15 મેથી તાપમાનમાં 6 થી 8 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે અને ઘણા જિલ્લાઓમાં પારો 45 ડિગ્રી સેલ્સિયસને પાર કરી શકે છે. મુખ્યમંત્રી કાર્યાલયે તમામ અસરગ્રસ્ત જિલ્લાઓના કલેકટરને રાહત અને બચાવ કાર્ય તેજ કરવા, ઘાયલોને શ્રેષ્ઠ સારવાર પૂરી પાડવા અને મૃતકોના પરિવારજનોને તાત્કાલિક સહાય આપવા સૂચના આપી છે.

ઓમાનના દરિયામાં સલાયાનું જહાજ ડૂબ્યું, 14 ખલાસીઓનો ચમત્કારિક બચાવ

આંતરરાષ્ટ્રીય જળસીમામાં વધી રહેલા તણાવની અસર હવે ગુજરાતના શિપિંગ ઉદ્યોગ પર પણ જોવા મળી રહી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા બંદરનું વધુ એક માલવાહક જહાજ ‘હાજી અલી’ (MSV HAJI ALI BDI 1492) ઓમાનના દરિયામાં દુર્ઘટનાનો ભોગ બની ગરકાવ થઈ ગયું છે. પ્રાથમિક માહિતી મુજબ, હોર્મુઝ સ્ટ્રેટ વિસ્તારમાં ઈરાન અને અમેરિકા વચ્ચે સર્જાયેલી યુદ્ધ જેવી સ્થિતિના કારણે આ ઘટના બની હોવાનું મનાઈ રહ્યું છે.

માહિતી અનુસાર, MSV HAJI ALI જહાજ બરબરા બંદરથી શારજાહ તરફ લાઈવ સ્ટોક લઈને જઈ રહ્યું હતું. 13 મેના રોજ વહેલી સવારે અંદાજે 3:30 વાગ્યે ઓમાનના લિમાહ નજીકથી પસાર થતી વખતે અચાનક કોઈ અજાણ્યો વિસ્ફોટક પદાર્થ, સંભવતઃ ડ્રોન અથવા મિસાઈલ, જહાજ સાથે અથડાયો હતો. અથડામણ બાદ જહાજમાં વિકરાળ આગ ફાટી નીકળી હતી અને થોડી જ વારમાં જહાજ દરિયામાં ડૂબવા લાગ્યું હતું.

જહાજ પર સવાર 1 ટંડેલ અને 13 ખલાસીઓ સહિત કુલ 14 સભ્યોએ સમયસૂચકતા દાખવી હતી. તમામ લોકોએ તાત્કાલિક લાઈફબોટનો સહારો લઈને પોતાનો જીવ બચાવ્યો હતો. બાદમાં ઓમાન કોસ્ટગાર્ડે ઝડપી કાર્યવાહી કરીને તમામ ખલાસીઓને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી ડીબા બંદર સુધી પહોંચાડ્યા હતા.

સલાયામાં ઇન્ડિયન સેલિંગ વેસલ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી આદમ ભાયાએ જણાવ્યું હતું કે આ દુર્ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. તમામ 14 ખલાસીઓ સુરક્ષિત છે અને તેમના જરૂરી દસ્તાવેજો પણ સલામત હોવાનું જાણવા મળ્યું છે. ખલાસીઓને પરત લાવવા માટે ભારત સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

માત્ર એક અઠવાડિયાના ટૂંકા ગાળામાં સલાયા બંદરનું આ બીજું જહાજ આંતરરાષ્ટ્રીય જળસીમામાં અકસ્માતનો ભોગ બન્યું છે. સતત બની રહેલી આવી ઘટનાઓને કારણે સલાયા સાથે જોડાયેલા શિપિંગ વ્યવસાયકારોમાં ચિંતા અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલ ઓમાન પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે અને આ હુમલો કોના દ્વારા કરવામાં આવ્યો હતો તે જાણવા પ્રયાસ ચાલી રહ્યો છે.

અશ્લીલ એપ્સ સામે હાઈ કોર્ટ કડક: ગૂગલ-એપલને તરત એપ હટાવવાનો આદેશ

0

ગૂગલ-એપલને વેશ્યાવૃત્તિ, અશ્લીલતાને પોષતી એપ તાત્કાલિક હટાવવા હાઈ કોર્ટે ફરમાન કર્યું છે. દિલ્હી હાઈ કોર્ટે કડક નિર્દેશ આપતાં કહ્યું કે, પ્લે સ્ટોર અને એપ સ્ટોર પર વેશ્યાવૃત્તિ, અશ્લીલતા તથા અન્ય ગુનાહિત ગતિવિધિને પ્રોત્સાહન આપતી મોબાઈલ એપ સામે તાત્કાલિક કાર્યવાહી કરો.

દિલ્હી હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય અને જસ્ટિસ તેજસ કારિયાની ખંડપીઠે આ મામલે સુનાવણી કરતી વખતે અત્યંત કડક અને ચિંતાજનક ટિપ્પણી કરી હતી. ખંડપીઠે કંપનીઓને ફટકાર લગાવતા કહ્યું હતું કે, અમે આ દેશની આખી પેઢીને બરબાદ થતા જોઈ શકીએ નહીં. કોર્ટે જણાવ્યું હતું કે મોબાઈલ એપ્સની પહોંચ આજે ઘર-ઘર સુધી થઈ ગઈ છે. નાના બાળકો અને યુવાનો કોઈપણ રોકટોક વગર સરળતાથી આ એપ્સ સુધી પહોંચી જાય છે, જેની સીધી અને વિનાશક અસર આપણા સમાજ અને ખાસ કરીને આપણી યુવા પેઢીની માનસિકતા પર પડી રહી છે. કોર્ટે કંપનીઓને સંપૂર્ણ સાવચેતી રાખવાની સલાહ આપી હતી.

કંપનીઓની પણ છે જવાબદારી
કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે ગૂગલ અને એપલ તેઓ માત્ર એક હોસ્ટ અથવા પ્લેટફોર્મ છે તેવું કહીને પોતાની જવાબદારીમાંથી છટકી શકે નહીં. કોર્ટે જણાવ્યું હતું કે માહિતી ટેકનોલોજી નિયમો, 2021 હેઠળ આ કંપનીઓની એ વૈધાનિક અને નૈતિક જવાબદારી છે કે તેઓ તેમના પ્લેટફોર્મ પર કોઈપણ પ્રકારના ગેરકાયદેસર અને વાંધાજનક કન્ટેન્ટને ફેલાતા અટકાવે. અદાલતે આ ટેક જાયન્ટ્સને એ સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો છે કે ભવિષ્યમાં આવી ગેરકાયદેસર એપ્સ તેમની નજર હેઠળ પ્લે સ્ટોર કે એપ સ્ટોર પર અપલોડ જ ન થઈ શકે.

કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પર એવી અનેક એપ્સ ઉપલબ્ધ છે જે પોર્નોગ્રાફિક સામગ્રી, અનૈતિક તસ્કરી, વેશ્યાવૃત્તિ, નશીલા પદાર્થોનો દુરુપયોગ, ગેરકાયદેસર હથિયારોની હેરફેર અને સંગઠિત ગુનાખોરીને પ્રોત્સાહન આપે છે.

અરજીકર્તાના વકીલે જણાવ્યું હતું કે આ એપ્સ આવા ગુનાહિત કાર્યો દ્વારા કરોડો ડોલરની કમાણી કરી રહી છે. કેન્દ્ર સરકાર વતી એડિશનલ સોલિસિટર જનરલ ચેતન શર્માએ પણ આ અરજીને સમર્થન આપ્યું હતું. તેમણે કોર્ટમાં રજૂઆત કરી હતી કે સરકાર એકલી વિશ્વભરમાં બધું જ બ્લોક કરી શકે નહીં, તેથી આ બાબતે મધ્યસ્થીઓની ભૂમિકા અત્યંત મહત્વની બની રહે છે.

કોર્ટે ગૂગલ, એપલ અને ભારતીય કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમને તેઓ આવી એપ્સના પ્રસારને તાત્કાલિક રોકે અને 2021 ના આઈટી (IT) નિયમોનું ચુસ્તપણે પાલન કરે તેવો નિર્દેશ આપ્યો હતો. ઉપરાંત કોર્ટે આ કંપનીઓને આગામી સુનાવણી સુધીમાં કરવામાં આવેલી કામગીરીનો રિપોર્ટ દાખલ કરવા પણ જણાવ્યું હતું.

કચ્છના દરિયાકાંઠે ફરી ચરસનો જથ્થો મળ્યો, 12 દિવસમાં 70.50 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

0

કચ્છની સંવેદનશીલ દરિયાઈ સરહદ પરથી બિનવારસી હાલતમાં કેફી દ્રવ્યો મળવાનો સિલસિલો યથાવત્ રહ્યો છે. ગત બુધવારે જખૌ મરીન પોલીસ અને એસઓજીની ટીમને પેટ્રોલિંગ દરમિયાન વધુ 20 ચરસના બિનવારસુ પેકેટો મળી આવ્યા છે. છેલ્લા ૧૨ દિવસમાં વિવિધ એજન્સીઓએ કુલ 141 કિલો ચરસ ઝડપી પાડ્યું છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત અંદાજે રૂા. 70.50 કરોડ આંકવામાં આવી રહી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, કોઠારા પોલીસ અને એસઓજીના કર્મચારીઓ ખુઅડાના દરિયાકિનારે પેટ્રોલિંગમાં હતા ત્યારે ૧૦ માદક પદાર્થના પેકેટ મળી આવ્યા હતા, જયારે જખૌ મરીન પોલીસ, એસઓજી અને સ્ટેટ આઈબીની ટીમે સૈયદ સુલેમાન પીર ટાપુ પર બાઈક પેટ્રોલિંગ દરમિયાન અન્ય 10 પેકેટ કબજે કર્યા હતા.

અત્રે નોંધનીય છે કે, 1લી તારીખથી શરૂ થયેલા સર્ચ ઓપરેશન દરમ્યાન જખૌ પોલીસને ખિદરત ટાપુ પરથી 10, શિયાળબારા ટાપુ પરથી 10 અને રાપર ગઢમાંથી 2 ચરસના પેકેટ મળ્યાં હતા. જયારે સીમા સુરક્ષા દાળને મોટા પીર બેટ પરથી ૭, સુગર બેટ પરથી 20 અને અતિ દુર્ગમ શિયાળ ક્રીક પરથી 10 જેટલા પેકેટ મળ્યાં હતા. આ ઉપરાંત કોસ્ટગાર્ડને પેટ્રોલિંગ દરમ્યાન શેખરણપીરમાંથી 20 અને બોયા ટાપુ પરથી 20 પેકેટ હાથ લાગ્યાં હતા.જયારે માંડવી 7, નલિયા 10, અને નારાયણ સરોવર પોલીસને 3 બિનવારસુ ચરસના પેકેટ મળી આવ્યાં હતા.

પાકિસ્તાનને અડીને આવેલો કચ્છનો દરિયાકાંઠો અને ક્રીક વિસ્તાર ડ્રગ્સ સ્મગલિંગ માટે સોફ્ટ ટાર્ગેટ બની રહ્યો છે. સામાન્ય રીતે આંતરરાષ્ટ્રીય જળસીમામાં પકડાઈ જવાની બીકે સ્મગલરો દ્વારા દરિયામાં ફેંકી દેવાયેલો જથ્થો ભરતીના પાણી સાથે કિનારે તણાઈ આવતો હોય છે. વારંવાર મળી રહેલા આ પેકેટો પાછળ કયું આંતરરાષ્ટ્રીય નેટવર્ક સક્રિય છે, તે શોધવા માટે કેન્દ્રીય અને રાજ્યની એજન્સીઓએ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. હાલમાં સમગ્ર દરિયાઈ પટ્ટી પર સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન સર્ચ ઓપરેશન શરૂ રાખવામાં આવ્યું છે.

મુખ્યપ્રધાન બન્યા બાદ વિજય એક્શનમાં! તમિલનાડુમાં 717 દારૂની દુકાનો બંધ કરવાનો આદેશ

0

તમિલનાડુના મુખ્યપ્રધાન બન્યા બાદ વિજય એક્શનમાં આવી ગયા છે. મંગળવારે તેમણે એક મહત્વનો નિર્ણય લેતા ધાર્મિક સ્થળો, શૈક્ષણિક સંસ્થાઓ અને બસ સ્ટેશનોથી 500 મીટરની અંદર આવેલી 717 દારૂની દુકાનો બંધ કરવાનો આદેશ આપ્યો હતો. અધિકારીઓને બે અઠવાડિયાની અંદર આ આદેશનું પાલન કરવાનું જણાવવામાં આવ્યું છે.

આજે મંગળવારે જાહેર કરવામાં આવેલા એક સરકારી આદેશ મુજબ, “તમિલનાડુ સ્ટેટ માર્કેટિંગ કોર્પોરેશન દ્વારા હાલમાં 4,765 દારૂની છૂટક દુકાનો ચલાવવામાં આવી રહી છે. તમિલનાડુના મુખ્ય પ્રધાન, એસ જોસેફ વિજયે, ધાર્મિક સ્થળો, શૈક્ષણિક સંસ્થાઓ અને બસ સ્ટેશનોથી 500 મીટરના વિસ્તારમાં આવેલી દુકાનોની નોંધ લેવા માટે ઓડિટ કરવાનો આદેશ આપ્યો હતો.”

આદેશ અનુસાર, દારૂની કુલ છૂટક 717 દુકાનો કાર્યરત હોવાનું જણવા મળ્યું છે. ધાર્મિક સ્થળોની નજીક 276 દુકાનો, શૈક્ષણિક સંસ્થાઓની નજીક 186 દુકાનો અને બસ સ્ટેશનની નજીક 255 દુકાનો બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે દારૂની દુકાનો કડક નિયમન રાખવાના હેતુ સાથે આ પગલા ભરવામાં આવી રહ્યા છે. સંવેદનશીલ જાહેર સ્થળોની નજીક TASMACની દુકાનોની ચિંતાઓનો વિષય છે, જેને બંધ કરવામાં આવી રહી છે.

નોંધનીય છે કે ચૂંટણી પહલે તમિલગા વેત્રી કઝગમ (TVK) દ્વારા જાહેર કરવામાં આવેલા મેનિફેસ્ટોમાં, એવું વચન આપવામાં આવ્યું હતું કે તે તમિલનાડુને ડ્રગ મુક્ત બનાવવામાં મદદ કરશે, જેના અંતર્ગત આ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. 10 મેના રોજ વિજયે તમિલનાડુના મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા, જેના બે દિવસ પછી જ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

કેરલમના મુખ્યમંત્રી તરીકે કોંગ્રેસ નેતા વી.ડી. સતીશનનું નામ જાહેર, વેણુગોપાલ રેસમાંથી બહાર

0

કેરલમના મુખ્યમંત્રીને લઈને સસ્પેન્સનું અંત આવ્યું છે. કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ કરી જાહેરાત કરી છે કે વી.ડી. સતીશન નવા મુખ્યમંત્રી બનશે. રાહુલ ગાંધીના નજીકના અને કોંગ્રેસના દિગ્ગજ નેતા તથા મહાસચિવ કે.સી.વેણુગોપાલને કેરલમના સીએમ બનવાનો ચાન્સ નથી મળ્યો. વેણુગોપાલનું પત્તું કપાઈ ગયું છે.

કોંગ્રેસ દ્વારા ચૂંટણી સમાપ્ત થયા બાદ આખરે સીએમ અંગે જાહેરાત કરી દેવામાં આવી છે. છેલ્લા ઘણાં દિવસોથી આ મામલે મડાગાંઠની સ્થિતિ યથાવત્ હતી. ગુરુવારે જ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગેએ કેરળના મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત પહેલા પાર્ટીના ટોચના નેતાઓ સાથે અંતિમ ચર્ચા કરી હતી. ખડગે સાથેની ચર્ચા બાદ એઆઈસીસીના મહાસચિવ ઈન્ચાર્જ દીપા દાસમુંશી અને બે વરિષ્ઠ પર્યવેક્ષક અજય માકન અને મુકુલ વાસનિકે પ્રેસ કોન્ફરન્સ કરી આ જાહેરાત કરી હતી.

કેરલમ વિધાનસભા ચૂંટણીના પરિણામ 4 મેના રોજ જાહેર થયા હતા પણ 11 દિવસ બાદ કોંગ્રેસે મુખ્યમંત્રીના ઉમેદવારનું નામ જાહેર કર્યું છે. રાહુલ ગાંધીએ પણ આ મામલે ગઇકાલે લગભગ અડધો કલાક બેઠક કરી હતી.

વી.ડી. સતીશન કોણ છે?
61 વર્ષીય વી.ડી. સતીશન વર્ષ 2001 થી એર્નાકુલમ જિલ્લાની પરવૂર (Paravur) વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. તેઓ અગાઉ કેરલમ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે સેવા આપી ચૂક્યા છે. વ્યવસાયે વકીલ એવા સતીશને તિરુવનંતપુરમની સરકારી લો કોલેજમાંથી કાયદાનો અભ્યાસ કર્યો છે. કેરલમમાં UDF ને 140 માંથી 102 બેઠકો સાથે બહુમતી મળ્યાના 10 દિવસ બાદ આ જાહેરાત કરવામાં આવી હતી. મુખ્યમંત્રી પદની રેસમાં કે.સી. વેણુગોપાલ અને રમેશ ચેન્નીથલા જેવા દિગ્ગજ નેતાઓના નામ પણ ચર્ચામાં હતા, પરંતુ અંતે હાઈકમાન્ડ દ્વારા સતીશન પર પસંદગી ઉતારવામાં આવી છે.

તેમનો જન્મ 31 મે 1964 ના રોજ કોચ્ચિના નેટ્ટુરમાં એક નાયર પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ દામોદરા મેનન અને માતાનું નામ વી.વિલાસિની હતુ. તેમણે પોસ્ટ ગ્રેજ્યુએશન સોશિયલ સાયન્સમાં કર્યું છે. તિરુવનંતપુરમથી તેમણે માસ્ટર ઓફ લૉની ડિગ્રી લીધી હતી. 1986-87માં તેઓ મહાત્મા ગાંધી યુનિવર્સિટી યુનિયનના અધ્યક્ષ બન્યા હતા. તે રાષ્ટ્રીય વિદ્યાર્થી સંઘના સચિવ તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે.

1996માં તેમની રાજકીય કારકિર્દી શરૂ થઇ હતી. પહેલીવાર કેરલમની વિધાનસભા ચૂંટણીમાં તેઓ સીપીઆઈના ઉમેદવાર સામે હારી ગયા હતા. ત્યારબાદ સતીશન પહેલીવાર 2001માં કેરલમ વિધાનસભામાં ધારાસભ્ય તરીકે ચુંટાયા હતા. તેઓ તે સમયે હાઈકોર્ટમાં વકીલ તરીકે પ્રેક્ટિસ કરી રહ્યા હતા. જોકે 2021 માં તેઓ પરાવુર વિસ્તારથી સતત પાંચમી વખત ધારાસભ્ય તરીકે ચુંટાયા હતા.

મધ્યપ્રદેશના દેવાસમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ, 10 લોકોના મોત, 20થી વધુ ઈજાગ્રસ્ત

0

મધ્યપ્રદેશના દેવાસ જિલ્લામાં ફટાકડાની એક ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટની ઘટના બની છે, જેમાં 10 લોકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ, ફેક્ટરીમાં અચાનક થયેલા વિસ્ફોટ બાદ આગ ફાટી નીકળી હતી, જેના કારણે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં 20થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ગંભીર રીતે ઈજાગ્રસ્ત 7 લોકોને વધુ સારવાર માટે ઈન્દોર રિફર કરવામાં આવ્યા છે.

વિસ્ફોટ એટલો જોરદાર હતો કે આસપાસના વિસ્તારોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. ઘટનાના ફોટો અને વીડિયોમાં જોઈ શકાય છે કે સ્થાનિક લોકો ઘાયલોને પોતાના હાથમાં ઉઠાવીને ફેક્ટરી સાઈટથી દૂર લઈ જઈ રહ્યા હતા અને મદદ કરી રહ્યા હતા. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ઘટનાની જાણ થતા જ પોલીસ, સ્થાનિક વહીવટીતંત્રના અધિકારીઓ અને બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હાલમાં રાહત અને બચાવ કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે. વિસ્ફોટનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. સત્તાવાળાઓ દ્વારા બચાવ કામગીરી પૂર્ણ થયા બાદ આ મામલે સઘન તપાસ શરૂ કરવામાં આવશે તેવી અપેક્ષા છે. જોકે, સત્તાવાર રીતે હજુ સુધી મૃત્યુઆંક અથવા ઘાયલોની ચોક્કસ સંખ્યાની પુષ્ટિ કરવામાં આવી નથી.

હવે ભારતમાંથી ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂકાયો

સોના-ચાંદી પર આયાત ડ્યુટી વધારવાના આદેશ બાદ હવે સરકારે ભારતમાંથી ખાંડની નિકાસ ઉપર પ્રતિબંધ મૂક્યો છે. આ નિકાસ પ્રતિબંધ સપ્ટેમ્બર 2026 ના અંત સુધી અથવા આગામી આદેશો સુધી ચાલુ રહેશે.

આ પહેલાં ખાંડની સ્થાનિક ઉત્પાદનમાં વધારો થવાની અપેક્ષાઓના આધારે મર્યાદિત ખાંડ નિકાસને મંજૂરી આપવામાં આવી હતી. કેન્દ્ર સરકારે સ્થાનિક બજારોમાં ખાંડની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા અને વધતા જતા ફુગાવાને રોકવા માટે એક મોટું પગલું ભર્યું છે. સરકારે તાત્કાલિક અસરથી કાચી, સફેદ અને શુદ્ધ ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) દ્વારા જારી કરાયેલા એક જાહેરનામા અનુસાર, આ પ્રતિબંધ 30 સપ્ટેમ્બર, 2026 સુધી અમલમાં રહેશે. આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે વૈશ્વિક પુરવઠા શૃંખલાઓ અને બળતણ બજારો અસ્થિર રહે છે.

ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડે બુધવારે એક જાહેરનામું બહાર પાડ્યું હતું જેમાં પુષ્ટિ કરવામાં આવી હતી કે આ નિકાસ પ્રતિબંધ સપ્ટેમ્બર 2026 ના અંત સુધી અથવા આગામી આદેશો સુધી ચાલુ રહેશે. આ જાહેરાત અગાઉના વલણથી સ્પષ્ટ પરિવર્તન દર્શાવે છે જેમાં સ્થાનિક ઉત્પાદનમાં વધારો થવાની અપેક્ષાઓના આધારે મર્યાદિત ખાંડ નિકાસને મંજૂરી આપવામાં આવી હતી. અધિકારીઓ હવે માને છે કે અનિશ્ચિત વૈશ્વિક પરિસ્થિતિઓ અને વધતા ફુગાવાના જોખમોને કારણે વધુ કડક હસ્તક્ષેપની જરૂર છે.