Home Blog Page 905

સીરિયામાં ઈરાન સાથે સંકળાયેલા સ્થળો પર અમેરિકાનો હવાઈ હુમલો, ૯નાં મોત

0

ઇઝરાઇલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન, પૂર્વી સીરિયામાં સ્થિત અમેરિકી સૈન્ય મથકો પર ઈરાન સમર્થિત જૂથ દ્વારા હુમલો કરવામાં આવી રહ્યો છે. આ હુમલાના જવાબમાં અમેરિકાએ બુધવારના રોજ સીરિયા પર હવાઈ હુમલો કર્યો, જેમાં ઈરાન સમર્થિત જૂથના કુલ ૯ લોકો માર્યા ગયા હતા. અમેરિકાએ આ હુમલો ઈરાન સમર્થિત મિલિશિયા દ્વારા ઉપયોગમાં લેવાતા હથિયારોના વેરહાઉસ પર કર્યો હતો.

ઇઝરાઇલ-હમાસ યુદ્ધને અમેરિકા ખુલ્લેઆમ સમર્થન આપી રહ્યું છે. અમેરિકા પણ આડકતરી રીતે આ યુદ્ધમાં કૂદી પડ્યું છે, બુધવારે અમેરિકાએ પૂર્વ સીરિયામાં હમાસને ટેકો આપતા ઈરાન સાથે જોડાયેલા હથિયારોના સંગ્રહ કેન્દ્ર પર હુમલો કર્યો હતો અને બે અઠવાડિયામાં આ બીજી વખત છે જયારે અમેરિકાએ સીરિયામાં કોઈ સ્થળને નિશાન બનાવ્યું હોય. આ હુમલામાં ૯ લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે.

યુએસ આર્મીએ સીરિયામાં બે હથિયારો અને સામાનના વેરહાઉસ પર હુમલો કર્યો હતો, જેનો ઉપયોગ IRGC અને સંલગ્ન જૂથો દ્વારા કરવામાં આવતો હોવાનો આરોપ હતો. જોકે, આ હુમલાઓમાં કોઈ જાનહાનિ થઈ ન હતી.  ઈરાન સમર્થિત જૂથ દ્વારા ૧૭ ઓક્ટોબરથી અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૪૦ એવા હુમલા કરવામાં આવ્યા છે જેમાં અમેરિકન સૈન્ય મથકોને નિશાન બનાવવામાં આવ્યા છે. અમેરિકા ઈરાન અને તેના સાથી દેશોને ઇઝરાઇલ-હમાસ સંઘર્ષને પ્રાદેશિક યુદ્ધમાં ફેરવતા અટકાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેના કારણે તે ઈરાની સમર્થિત લક્ષ્યો પર હુમલો કરી તેનું નિયંત્રણ કરી રહ્યું છે.

હવે જ્યારથી ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થયું છે ત્યારથી અમેરિકન સૈનિકો પર હુમલા વધી ગયા છે. જણાવી દઈએ કે ૭ ઓક્ટોબરના રોજ આતંકી સંગઠન હમાસે ગાઝાથી એક સાથે ૫ હજાર રોકેટ છોડીને ઈઝરાયેલમાં તબાહી મચાવી હતી. આ હુમલાઓમાં ૧૪૦૦થી વધુ લોકો માર્યા ગયા હતા. ત્યારપછી ઈઝરાયલની સેના પણ ગાઝા પટ્ટીમાં હમાસને જડબાતોડ જવાબ આપી રહી છે. આ હુમલાઓમાં અત્યાર સુધીમાં ગાઝાના ૧૦,૫૦૦થી વધુ લોકો માર્યા ગયા છે. આ માહિતી હમાસના સ્વાસ્થ્ય મંત્રાલયે આપી છે.

જણાવી દઈએ કે ઈસ્લામિક સ્ટેટ જૂથને ફરી વધતા રોકવાના પ્રયાસોના ભાગરૂપે લગભગ ૨૫૦૦ અમેરિકન સૈનિકો ઈરાકમાં અને લગભગ ૯૦૦ અમેરિકન સૈનિકો સીરિયામાં તૈનાત છે.

આ પણ વાંચો :-

અમદાવાદના બગોદરા હાઈવે પર મોટી અકસ્માત, ૨ યુવકોના મોત, ૨ લોકો થયા ઈજાગ્રસ્ત

0

અમદાવાદમાં ફરી એકવાર દર્દનાક અકસ્માતની ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, રાત્રે ચાર મિત્રો કાર લઈને જમવા નીકળ્યા બાદ અકસ્માત સર્જાતાં બે યુવકના મોત થયા છે. વિગતો મુજબ કારને અજાણ્યા વાહને અડફેટે લેતા આ અકસ્માત સર્જાયો હતો. અન્ય વાહનની ટક્કરથી સર્જાયેલ આ અકસ્માત એટલો દર્દનાક હતો કે બે યુવકોના તો ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા. આ તરફ અન્ય બે યુવકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

અમદાવાદ-બગોદરા હાઇવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. ગઈકાલે રાત્રિના સમયે બગોદરા હાઇવે પર રોયકા ચોકડી પર અકસ્માત સર્જાયો હતો. જેમાં કારને અજાણ્યા વાહને અડફેટે લેતા અકસ્માત થતાં ૨ યુવકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. આ તરફ અકસ્માતમાં અન્ય ૨ યુવકો ઈજાગ્રસ્ત થતાં એકને સોલા સિવિલ અને એકને બાવળા સિવિલમાં ખસેડાયો છે.

પ્રાથમિક વિગતો મુજબ મૂળ બાવળા ગ્રામ્ય વિસ્તારના રહેવાસી ચાર મિત્રો કાર લઈને રાત્રિના સમયે જમવા નીકળ્યા હતા. આ દરમિયાન કોઈ અજાણ્યા વાહનને તેમની કારને અડફેટે લીધી હતી. જેમાં ગંભીર ઇજાઓને કારને બે યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. જોકે અન્ય બે યુવકોને પણ ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ તરફ ઘટનાને લઈ બગોદરા પોલીસે અકસ્માતે મોત નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો :-

૦૯, નવેમ્બર ૨૦૨૩/ ગુમાવેલા અવસર પાછા આવશે, પૈસાની તંગી પર પૂર્ણ વિરામ લાગશે, આ રાશિના જાતકોને ગુરુવાર થશે ચારેબાજુથી લાભ, જુઓ આજનું રાશિ ભવિષ્ય

0

મેષઃ

આવક ઓછી થવાના કારણે માનસિક અસ્વસ્થતા જણાય. ઉપરાંત તબિયત પણ થોડી અસ્વસ્થ રહે. શરદી-ખાંસી થાક લાગવાની તકલીફો સહન કરવી પડે. નોકરી-ધંધામાં પ્રગતિ થતી જણાય. માન સન્માનમાં વધારો થાય.

વૃષભઃ

આદ્યાત્મિકતામાં વધારો થતો જણાય. સિધ્ધાંતવાદી વલણ રહે. સંતાનો તરફથી વિશેષ આનંદ મળતો જણાય. સંતાનની પ્રગતિથી દીલ હરખાય. નવું જાણવાનો યોગ બને છે. ભાગ્ય સારૂ છે. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય.

મિથુનઃ

વાહન સુખ, મકાન-મિલકતના સુખમાં વૃધ્ધિ થાય. નવા વાહનની ખરીદી શક્ય બને. માતાની તબિયતમાં સુધારો જણાય. માતૃપક્ષ તરફથી લાભ મળતો જણાય. ધંધામાં પરિસ્થિતિ સુધરતાં આવકમાં વૃધ્ધિ થાય. ભાગ્ય સારૂ રહે.

કર્કઃ

આજે શરૂ કરવામાં આવેલા તમામ કાર્યો સફળ થતાં જણાય. પરિવારમાં આનંદ-ઉત્સાહમાં વધારો થાય. શુભ પ્રસંગનું આયોજન થાય. આરોગ્ય સંબંધી થોડી ચિંતા રહે. હિત શત્રુઓથી સાવધ રહેવું.

સિંહઃ

આનંદ, ઉત્સાહ, ઉમંગમાં વધારો થાય. કાર્યમાં સફળતા મળતી જણાય. નવા કપડાંની ખરીદી શક્ય બને દામ્પત્ય જીવનમાં મધુરતા જણાય. પ્રેમી પાત્રનું મિલન શક્ય બને. આરોગ્ય સારૂ જળવાશે.

કન્યાઃ

માનસિક આનંદ વધતો જણાય. ખર્ચમાં અણધાર્યો વધારો થાય. ઉખ્ણવાતની શરદીનો પ્રકોપ રહે. સુકી ખાંસી, માથાનો દુઃખાવો, માઈગ્રેનથી પરેશાની વધે. માતાની તબિયતની કાળજી રાખવી. અગત્યના રોકાણો મુલતવી રાખવા.

તુલાઃ

સંઘર્ષથી સફળતા મળતી જણાય. આવક અંગે અસંતોસ રહે, ઉપરાંત ખર્ચમાં વધારો થતો જણાય, માતૃપક્ષ તરફી ચિંતા રહે. પરિવારમાં ઉચાટ ભર્યું વાતાવરણ રહે. સ્વાસ્થ્ય અંગેની સુખાકારી જળવાય.

વૃશ્ચિકઃ

આજે આપના મિત્રોને કારણે આપને આનંદનો અનુભવ થશે. મિત્રોનો સાથ મળતો જણાય. લક્ષ્મીની વખતસર હેરફેર શક્ય બને. પરિવારમાં સુખ-શાંતિ-સમૃધ્ધિ જળવાય. સ્થાવર-જંગમ મિલકતથી લાભ મેળવી શકાય.

ધનઃ

નોકરી-ધંધામાં સફળતા. નવી નોકરી મળવાના યોગ બને છે. ધંધામાં સફળતા-યશ મળતો જણાય. આવક જાવકનું પલ્લુ સરભર થતું જણાય. સાસરા પક્ષ તરફથી લાભ. આરોગ્ય સારૂ રહેશે. ભાગ્યનો સાથ મળતો જણાય.

મકરઃ

આજે ભાગ્ય બળવાન છે. ઓછી મહેનતે કાર્યમાં સફળતા મળે. યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. પરિવારમાં મનમેળ રહે. નવા કાર્યો હાથ પર લઈ શકાય. જુની ઉઘરાણી છુટી થતી જણાય. પરિણામે નાણાંમાં વૃધ્ધિ થાય.

કુંભઃ

દિવસ દરમ્યાન માનસિક પરિપાત રહે. નકારાત્મક વિચારો મન ઉપર હાવી થતા જણાય અને પરિણામે જેવા વિચારો તેવું ફળ પ્રાપ્ત થાય. આથી હકારાત્મક વિચારો કરવાની સલાહ છે. નોકરી- ધંધામાં દિવસ શાંતિથી પસાર કરી દેવો.

મીનઃ

શેખચલ્લી જેવા વિચારો ટાળવા. મીઠાઈ-ઠંડાપીણાનો શોખ વધતો જણાય. વાણિજ્ય, દુરસંચાર, જળ આધારિત કાર્યો તથા સુગંધિત દ્રવ્યો, ચાંદી, રબ્બરના વેપારવાળાને લાભ. પત્નિ સાથે પ્રેમ જળવાશે. આરોગ્ય સારૂ રહેશે. આંખની કાળજી રાખવી.

આ પણ વાંચો :-

 

• ગુજરાતમાં ૧૩૨૭ ડૉક્ટરની અછત, ૫૪૬ ડૉક્ટરોએ છોડી દીધી સરકારી નોકરી, જાણો કેમ

ચીનને ટક્કર આપવા અમેરિકા લેશે અદાણીનો સહારો, જાણો આ પ્રોજેક્ટમાં અબજો ડોલરનું રોકાણ કરશે

0

ભારત અને અમેરિકા બંને ટાપુ દેશમાં ચીનના વ્યૂહાત્મક પ્રભાવને ઘટાડવા માંગે છે. આ સંદર્ભમાં આ નિર્ણય મહત્વપૂર્ણ છે. ચીને શ્રીલંકાને મોટા પાયે લોન આપી છે અને તેનો પ્રભાવ પણ મજબૂત થયો છે.

શ્રીલંકામાં ચીનના વધતા પ્રભાવને ઘટાડવા માટે અમેરિકા પણ ભારત સાથે રણનીતિ બનાવવામાં વ્યસ્ત છે. આ અંતર્ગત અમેરિકાએ શ્રીલંકાની રાજધાની કોલંબોમાં ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી દ્વારા બનાવવામાં આવી રહેલા પોર્ટમાં 553 મિલિયન ડોલરનું રોકાણ કરવાનો નિર્ણય લીધો છે. ભારત અને અમેરિકા બંને ટાપુ દેશમાં ચીનના વ્યૂહાત્મક પ્રભાવને ઘટાડવા માંગે છે. આ સંદર્ભમાં આ નિર્ણય મહત્વપૂર્ણ છે. ચીને શ્રીલંકાને મોટા પાયે લોન આપી છે. તેની લોનથી અનેક પોર્ટ અને હાઈવે પ્રોજેક્ટ બનાવવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં ભારત અને અમેરિકા બંને શ્રીલંકામાં પોતાનું રોકાણ વધારવા માંગે છે જેથી ડ્રેગનનો પ્રભાવ ઓછો કરી શકાય.

અમેરિકન રોકાણ ગૌતમ અદાણીની કંપનીઓને મોટી તાકાત આપશે, અદાણી જૂથની કંપનીઓના શેર તૂટ્યા હતા અને અબજો ડોલરનું નુકસાન થયું હતું. યુએસ સરકારે છેલ્લે કોલંબોમાં ટર્મિનલમાં રોકાણ કર્યું હતું. તે પછી, હવે તે ગૌતમ અદાણીના પ્રોજેક્ટમાં પૈસા રોકવાની તૈયારી કરી રહ્યો છે. અદાણીના પ્રોજેક્ટમાં નાણાંનું રોકાણ કરવાથી અમેરિકાને ફાયદો થશે? અમેરિકન અધિકારીએ જણાવ્યું કે શ્રીલંકાના પોર્ટમાં આ રોકાણ ઇન્ડો પેસિફિક ક્ષેત્ર પ્રત્યે આપણા દેશની પ્રતિબદ્ધતા દર્શાવે છે. ચીને ગયા વર્ષે શ્રીલંકા બિલિયનનું રોકાણ કર્યું હતું, જે અન્ય કોઈપણ દેશ કરતાં વધુ હતું. અમેરિકા શ્રીલંકાની સતત ટીકા કરી રહ્યું છે કે તે ચીન પાસેથી મોટા પાયે લોન લઈ રહ્યું છે. અમેરિકન અધિકારીઓ કહી રહ્યા છે કે શ્રીલંકા ચીનના દેવાના દુષ્ટ ચક્રમાં ફસાઈ ગયું છે અને તેના કારણે તે આર્થિક સંકટમાં આવી ગયું છે.

આ પણ વાંચો :-

ગાઝીયાબાદમાં કુમાર વિશ્વાસના કાફલા પર હુમલો

0

પ્રખ્યાત કવિ કુમાર વિશ્વાસના કાફલા પર હુમલો થયાના સમાચાર સામે આવ્યા છે. ગાઝીયાબાદથી અલીગઢ જતા સમયે કુમાર વિશ્વાસના કાફલા સાથે આ પ્રકારનો બનાવ બન્યો હતો. કોઈ અજાણ્યા કાર સવાર વ્યક્તિએ આજે બપોરે આ ઘટનાને અંજામ આપ્યો હતો. આ મામલે પોલીસે એ રીપોર્ટ મેળવી લીધી છે. આ ઘટના અંગેની જાણકારી કુમાર વિશ્વાસે ટ્વીટ દ્વારા આપી હતી.

આજે અલીગઢ જતા સમયે વસુંધરા સ્થિત ઘરેથી જયારે નીકળ્યો ત્યારે હિંડોનના કિનારે  એક કાર ચાલકે તેની સાથે મુસાફરી કરી રહેલા સુરક્ષાકર્મીઓની કારને બંને બાજુથી ટક્કર મારીને હુમલો કરવાનો પ્રયાસ કર્યો. જ્યારે સુરક્ષાકર્મીઓ નીચે આવ્યા અને તે વ્યક્તિને પૂછપરછ માટે રોક્યો તો તેણે માત્ર યુપી પોલીસ કોન્સ્ટેબલ જ નહીં પરંતુ કેન્દ્રીય દળોના સુરક્ષાકર્મીઓ પર પણ હુમલો કર્યો. આ અંગે પોલીસેને રીપોર્ટ સોંપી દીધો છે. હજુ સુધી કોઈ કારણ જાણવા મળ્યું નથી કે આ હુમલો શા માટે કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :-

નીતિશ કુમારની ‘ગંદી વાત’ પર PM મોદીનો પલટવાર

0

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર વિધાનસભામાં યૌન સંબંધ પર પોતાની ટિપ્પણીને લઈને ભારે વિવાદમાં ફસાયા છે. માફી માગ્યા બાદ પણ ભારતીય જનતા પાર્ટી  તેમના પર પ્રહારો કરી રહી છે. બિહાર વિધાનસભામાં થયેલા હોબાળા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ નીતિશ કુમાર પર નિશાન સાધ્યું છે.

મધ્યપ્રદેશમાં એક રેલી દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે શું આવા નેતાઓ માતા અને બહેનોનું ભલું કરી શકે છે? એમપીના ગુનામાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતા પીએમ મોદીએ નામ લીધા વગર નીતિશ કુમાર પર આકરા પ્રહારો કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે, “જે લોકો દેશની વર્તમાન સરકારને ઉથલાવવા માટે વિવિધ રમતો રમી રહેલાં INDIA Allianceના ઝંડા સાથે ફરી રહ્યાં છે, તેઓ વિધાનસભામાં આવી ભાષામાં વાત કરે તેવી કોઇ કલ્પના પણ ન કરી શકે જેમાં માતા-બહેનો પણ હાજર હતી. તેમને આવું કહેતા શરમ નથી આવતી.

નીતિશના આ નિવેદન પર કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી પાર્ટીઓની ચુપ્પી પર પણ પીએમ મોદીએ સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે મહિલાઓના અપમાન પર એક પણ શબ્દ કહેવામાં આવ્યો નથી. ઈન્ડીયા ગઠબંધનનો એક પણ નેતા આપણી માતાઓ અને બહેનોના ભયંકર અપમાન સામે એક પણ શબ્દ બોલવા તૈયાર નથી. માતા અને બહેનો પ્રત્યે આ વલણ ધરાવતા લોકો શું તમે તમારું ભલું કરી શકો છો અને તમારું સન્માન કરી શકો છો? શું તે તમારો આદર કરી શકે છે, શું તે તમને ગર્વ આપી શકે છે? આ દેશનું કેવું દુર્ભાગ્ય છે. તેઓ કેટલી હદ સુધી નીચે જશે. પીએમે એમ પણ કહ્યું કે, તેઓ મહિલાઓનું સન્માન કરવામાં ક્યારેય પીછેહઠ નહીં કરે.

આ પણ વાંચો :-

શુભમન ગિલ બન્યો નંબર-૧ ODI બેટ્સમેન, ૯૫૦ દિવસ બાદ બાબર આઝમનું શાસન છીનવાઈ ગયું

0

૯૫૦ દિવસ બાદ પાકિસ્તાનના સુકાની બાબર આઝમે આખરે ICC ODI બેટિંગ રેન્કિંગમાં પોતાનું શાસન ગુમાવ્યું છે. શુભમન ગિલ નંબર-૧ ODI બેટ્સમેન બની ગયો છે, જ્યારે બાબર આઝમ બીજા સ્થાને સરકી ગયો છે.

તાજેતરની ICC ODI બેટ્સમેન રેન્કિંગમાં પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમનું શાસન છીનવાઈ ગયું છે. 950 દિવસ સુધી નંબર-1 પર રહ્યા બાદ, બાબરે આખરે તેનું નંબર-૧ સ્થાન ગુમાવ્યું છે અને ટીમ ઈન્ડિયાના યુવા ઓપનિંગ બેટ્સમેન શુભમન ગીલે તેની પાસેથી તે છીનવી લીધું છે. ICC વર્લ્ડ કપ 2023ની શરૂઆત પહેલા જ ગિલ અને બાબર વચ્ચેનું અંતર ઘણું ઓછું થઈ ગયું હતું. જો કે, ICC ODI બેટ્સમેનની રેન્કિંગમાં બાબર અને ગિલ વચ્ચે રેટિંગ પોઈન્ટ્સમાં બહુ ફરક નથી. ગિલના ૮૩૦ રેટિંગ પોઈન્ટ છે જ્યારે બાબરના ૮૨૪ રેટિંગ પોઈન્ટ છે.

ધોની પ્રથમ ૩૮ ઇનિંગ્સમાં જ નંબર-૧ ODI બેટ્સમેન બની ગયો હતો, પરંતુ ૪૧ ઇનિંગ્સ રમીને ગિલને નંબર-૧ ODI બેટ્સમેનનું સિંહાસન મળ્યું. આ ઉપરાંત, ગિલ ODI આંતરરાષ્ટ્રીય બેટ્સમેનોની રેન્કિંગમાં નંબર-૧ સ્થાન હાંસલ કરનાર માત્ર ચોથો ભારતીય બેટ્સમેન છે. તેના પહેલા આ કારનામું સચિન તેંડુલકર એમએસ ધોની અને વિરાટ કોહલી કરી ચુક્યા છે. ગીલે ૨૦૨૩માં ૬૩ની એવરેજથી કુલ ૧૪૪૯ રન બનાવ્યા છે, જેમાં પાંચ સદી અને સાત અડધી સદીનો સમાવેશ થાય છે ગિલે ૧૦૩.૭૨ના સ્ટ્રાઈક રેટથી આ રન બનાવ્યા છે.

શુભમન ગિલની વાત કરીએ તો તેણે વર્લ્ડ કપ ૨૦૨૩ની ૬ ઇનિંગ્સમાં બે અડધી સદી સાથે કુલ ૨૧૯ રન બનાવ્યા છે. તેની એવરેજ ૩૬.૫૦ રહી છે, જ્યારે તેણે ૩૦ ફોર અને ૫ સિક્સર ફટકારી છે. બાબર આઝમે આ વર્લ્ડ કપમાં ૮ ઇનિંગ્સમાં ૪ અડધી સદીની મદદથી કુલ ૨૮૨ રન બનાવ્યા છે. બાબરના બેટમાંથી ૨૬ ચોગ્ગા અને ૪ છગ્ગા આવ્યા હતા. આ ટૂર્નામેન્ટમાં બાબરનો સ્ટ્રાઈક રેટ ૮૨.૩૯ છે, જ્યારે શુભમન ગિલનો સ્ટ્રાઈક રેટ ૯૬.૯૦ છે.

આ પણ વાંચો :-

હાર્દિક પટેલની કેશ મુક્તિની અરજી ગ્રામ્ય કોર્ટે ફગાવી

0

પાટીદાર આંદોલન દરમિયાન આમરણાંત ઉપવાસ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, આ કેસના આરોપી અને ભાજપના વિરમગામ વિધાનસભાના ધારાસભ્ય હાર્દિક પટેલને કોઈ રાહત મળી નથી. ધારાસભ્ય હાર્દિક પટેલે આ મામલે કેસમુક્ત થવા અરજી કરી હતી. જોકે ગ્રામ્ય કોર્ટે તમામ દલીલોને અંતે ચુકાદો આપ્યો છે.

ગુજરાતમાં પાટીદાર આંદોલન દરમિયાન વર્ષ ૨૦૧૮માં હાર્દિક પટેલ સહિત કુલ ૯ લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી. ઉપવાસ મામલે પોલીસ સાથે ગેરવર્તણૂકની ફરિયાદ નોંધાયા બાદ હવે આ મામલે એક મોટા સમાચાર સામે આવ્યા છે. કેસમાં હાર્દિક પટેલે ગ્રામ્ય કોર્ટમાં કેસમુક્ત થવા અરજી કરી હતી. જોકે તમામ દલીલોને અંતે કોર્ટે હાર્દિક પટેલને કોઈ રાહત આપી નથી. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે હાલ કેસ મુક્તિ અરજી મામલે મૌખિક હુકમ કર્યો છે. મહત્વનું છે કે, હવે આગામી દિવસોમાં હાર્દિક પટેલ સેશન્સ કોર્ટમાં અરજી કરી શકે છે.

નિકોલમાં ૨૦૧૮માં આ સમગ્ર કેસ નોંધાયો હતો. હાર્દિક પટેલ સહિત કુલ ૯ લોકો સામે આ ગુનો નોંધાયો હતો. આ કેસની ટ્રાયલ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ચાલી રહી છે. અગાઉ પાટીદાર આંદોલનમાં જોડાયેલા નેતા અને હાલના ધારાસભ્ય હાર્દિક પટેલે આ કેસમાંથી મુક્ત થવા માટે અરજી કરી હતી. આ કેસમાં લાંબા સમયથી દલીલો બાદ આજે અરજી ચુકાદા પર એટલે કે ઓર્ડર પર હતી. ત્યારે ગ્રામ્ય કોર્ટે આ કેસમાં હુકમ કર્યો છે.

હાર્દિક પટેલની અરજીને લઈ તેમને આ કેસમાં રાહત મળી નથી. એટલે કે સ્પષ્ટપણે પાટીદાર આંદોલન સમયનો આમરણાંત ઉપવાસ દરમિયાન પોલીસ સાથે ગેરવર્તણૂકનો કેસ આગળ પણ ચાલુ રહેશે. હાર્દિક પટેલ માટે હજુ સેશન્સ કોર્ટ અને ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખુલ્લા છે, પરંતુ ગ્રામ્ય કોર્ટમાંથી ટ્રાયલમાંથી મુક્ત કરવાની કોઇપણ વાત સ્વીકારવામાં આવી નથી.

આ પણ વાંચો :-

નીતિશ કુમારને મહિલા પંચે કેમ આપી નોટિસ વિગતે જાણો

0

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે વિધાનસભામાં સેક્સ એજ્યુકેશન પર આપેલા ભાષણને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, ગઈકાલે વિવાદિત નિવેદન આપ્યા બાદ હવે નીતિશ કુમારે કહ્યું કે, મેં મહિલા શિક્ષણની વાત કરી હતી. આ વાત આકસ્મિક રીતે કહી છે, જો કોઈને દુઃખ થયું હોય તો હું માફી માંગુ છું. આ પછી સીએમ નીતિશે ગૃહમાં માફી પણ માંગી લીધી છે. ગૃહમાં બોલતા નીતિશે કહ્યું કે અમે મહિલા શિક્ષણ પર ભાર મુકીએ છીએ. જો મારાથી કોઈને પણ દુઃખ થયું હોય તો હું મારા શબ્દો પાછા લઉં છું. હું મારી જાતને નિંદા કરું છું. હું માત્ર શરમ અનુભવી રહ્યો નથી પરંતુ દુઃખ પણ વ્યક્ત કરી રહ્યો છું. આ દરમિયાન વિપક્ષના ધારાસભ્યોએ ગૃહમાં હોબાળો મચાવ્યો હતો.

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ગૃહમાં નિવેદન આપ્યા બાદ ચારેબાજુથી તેનો વિરોધ શરુ થયો હતો અને પટનાથી લઈને દિલ્હી સુધી હોબાળો મચી ગયો હતો. ભાજપે આ નિવેદનની આકરી ટીકા કરી હતી, જો કે તેજસ્વી યાદવે નીતિશ કુમારનો બચાવ કર્યો હતો ત્યારે હવે નીતીશ કુમારે આજે તેમના નિવેદન પર માફી માંગતા કહ્યું હતું કે ‘મેં માત્ર મહિલા શિક્ષણની વાત કરી હતી, ‘જો મેં કંઈપણ ખોટું કહ્યું હોય તો હું માફી માંગુ છું.

દરમિયાન બુધવારે બિહાર વિધાનસભાની અંદર વિપક્ષી નેતાઓના વિરોધ દરમિયાન સીએમ નીતિશે પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. તેણે કહ્યું કે હું મારા શબ્દો પાછા લઉં છું. જો મારા શબ્દોથી લોકોને કોઈ પ્રકારનું દુઃખ થયું હોય તો હું માફી માંગુ છું. મેં જે કહ્યું તે પાછું લઉં છું. મેં શિક્ષણની ભૂમિકા અને વસ્તી નિયંત્રણમાં મહિલાઓની ભૂમિકા સમજાવવા માટે આવી ભાષાનો ઉપયોગ કર્યો

આ પણ વાંચો :-

 

સુરતના પૂર્વ આઈજી બન્યા CBIમાં જોઈન્ટ ડાયરેક્ટર

0

ગુજરાત કેડરના IPS અધિકારીની આગામી પાંચ વર્ષ માટે CBIમાં નિમણૂક કરવામાં આવી છે. તેઓ CBIમાં જોઈન્ટ ડાયરેક્ટર તરીકે કામ કરશે. ચંદ્રશેખર આ પહેલા કેન્દ્રીય તપાસ એજન્સીમાં પણ કામ કરી ચુક્યા છે. ચંદ્રશેખર હાલમાં સુરત રેન્જના આઈજી હતા.

ગુજરાત કેડરના IPS અધિકારી વી.ચંદ્રશેખરને CBIમાં જોઈન્ટ ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ચંદ્રશેખર અગાઉ પણ સીબીઆઈમાં કામ કરી ચૂક્યા છે. ચંદ્રશેખર હાલમાં સુરત રેન્જ આઈજી તરીકે કાર્યરત હતા. તાજેતરમાં સુરતના કડોદરા અપહરણ કેસની તપાસ તેમના નેતૃત્વમાં પૂર્ણ થઈ હતી. આ મામલે આઈજી પરિવારના સભ્યોને મળ્યા હતા. ખંડણી ન મળતા અપહરણકારોએ કિશોરીની હત્યા કરી નાખી હતી. વી ચંદ્રશેખર એક ધારદાર અધિકારી તરીકે ઓળખાય છે.

ચંદ્રશેખર સીબીઆઈમાં પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ અને ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ તરીકે પણ કામ કરી ચૂક્યા છે. કર્મચારી મંત્રાલયના આદેશમાં આ માહિતી આપવામાં આવી છે. કે ચંદ્રશેખર ૨૦૦૦, ૨૦૦૦ બેચના અધિકારી, સીબીઆઈમાં જોઈન્ટ ડાયરેક્ટર તરીકે કામ કરશે. કેબિનેટની નિમણૂક સમિતિએ પાંચ વર્ષના સમયગાળા માટે તેમની નિમણૂકને મંજૂરી આપી છે, એમ આદેશમાં જણાવાયું છે. મૂળ તમિલનાડુના વી ચંદ્રશેખરે એગ્રીકલ્ચરમાં પીજીની ડિગ્રી મેળવી છે. તેઓ અગાઉ ગુજરાતના અનેક જિલ્લાઓમાં કામ કરી ચૂક્યા છે. તેઓ થોડા સમય માટે અમદાવાદ રેન્જ આઈજી તરીકે પણ કામ કરી ચૂક્યા છે. તાજેતરમાં ગુજરાતના IPSની કામગીરીમાં મોટો ફેરફાર જોવા મળ્યો હતો. ત્યારબાદ વી ચંદ્રશેખરને સુરત રેન્જ આઈજીની કમાન સોંપવામાં આવી હતી. અગાઉ જ્યારે તેઓ CIIમાં પોસ્ટેડ હતા ત્યારે તેઓ હૈદરાબાદ ઓફિસમાં બેસતા હતા.

આ પણ વાંચો :-