Home Blog Page 81

કેનેડામાં આણંદની 22 વર્ષીય વિદ્યાર્થિનીની ચપ્પુના ઘા મારી હત્યાથી પરિવાર સ્તબ્ધ

કેનેડાથી ગુજરાતી યુવતીની હત્યાની ઘટના સામે આવી છે. આણંદ જિલ્લાના બોરસદની 22 વર્ષીય વિધી કલ્પેશભાઈ મેઘાની કેનેડામાં ચપ્પુના ઘા મારીને હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી ગઈ છે. યુવતીના મોતના સમાચાર મળતા જ બોરસદમાં રહેતા તેના પરિવાર અને સગાસંબંધીઓમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.

મળતી માહિતી અનુસાર, મૃતક વિધી મેઘા છેલ્લા ચાર વર્ષથી કેનેડાના નાયગ્રા રીજન વિસ્તારમાં રહેતી હતી. તે ત્યાં અભ્યાસ કરવાની સાથે-સાથે પોતાનું ગુજરાન ચલાવવા માટે નોકરી પણ કરતી હતી. અન્ય ભારતીય વિદ્યાર્થીઓની જેમ તે પણ પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે કેનેડા ગઈ હતી. આ હત્યાની ઘટના ગત 15મી મેના રોજ અમેરિકની સરહદ નજીક આવેલા વિસ્તારમાં બની હતી. વિધી પર કોઈ અજ્ઞાત કારણોસર ચપ્પુ વડે ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં ગંભીર ઈજાઓ થવાના કારણે તેનું મોત નિપજ્યું હતું.

ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસે સમગ્ર મામલે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. હુમલાખોર કોણ હતો અને હત્યા પાછળનું ચોક્કસ કારણ શું હતું તે જાણવા માટે કેનેડાની પોલીસ વિવિધ દિશામાં તપાસ ચલાવી રહી છે. હાલ આ કેસમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

વિધીના મોતના સમાચાર બોરસદમાં પહોંચતા જ પરિવાર પર આભ તૂટી પડયું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. સગાસંબંધીઓ અને ઓળખીતાઓ પરિવારને સાંત્વના આપવા પહોંચી રહ્યા છે. વિદેશમાં ગુજરાતીઓની સુરક્ષા મુદ્દે ફરી એકવાર ચર્ચાઓ શરૂ થઈ છે.

અમદાવાદમાં રિટાયર્ડ DySPએ કર્યો ગોળીબાર, આખો પરિવાર ગયો જેલમાં

અમદાવાદના સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફાયરિંગ કેસને લઈને ભારે હોબાળો અને હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. નિવૃત્ત ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણની ધરપકડ બાદ પોલીસ સ્ટેશનમાં તણાવપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો. મીડિયા સામે આવવા દેવામાં ન આવતા અશોકસિંહ ચૌહાણે સ્થાનિક પોલીસ પર ગંભીર આક્ષેપો કરતા હોબાળો મચાવ્યો હતો. સ્થિતિ કાબૂ બહાર જતા બે પોલીસ કોન્સ્ટેબલોએ તેમને જબરજસ્તી પકડી ધક્કા મારી લોકઅપમાં પુર્યા હતા.

પોલીસ કાર્યવાહી દરમિયાન નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણનો ગુસ્સો અને દબદબો બંને જોવા મળ્યા હતા. પોલીસ સાથેની બોલાચાલી દરમિયાન તેમને જોરજબરદસ્તીથી લોકઅપમાં ધકેલી દેવામાં આવ્યા હતા. આ મામલે તેમની દીકરી અને દીકરાની પણ પોલીસે ધરપકડ કરી છે.

અશોકસિંહ ચૌહાણે પોલીસ પર આક્ષેપ કરતાં કહ્યું હતું કે, સ્થાનિક પોલીસની સાઠગાંઠથી ગુંડાઓને તેમની માલિકીની જમીનમાં ઘૂસાડવામાં આવ્યા હતા. તેમણે સમગ્ર ઘટનાને કાવતરું ગણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે અમદાવાદના નહેરુનગર વિસ્તારમાં ઝાંસીની રાણી બસ સ્ટેન્ડ પાછળ ગઈકાલે સાંજે લગભગ 5 વાગ્યે જમીનના દસ્તાવેજો અને ભાડાના નાણાં પરત માંગવાના વિવાદમાં નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણે પોતાના અંગત હથિયારથી પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાનો આરોપ છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નહોતી.

ઘટનાની ગંભીરતા જોતા સેટેલાઈટ પોલીસ તેમજ ક્રાઈમ બ્રાન્ચના ACP સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે નિવૃત્ત અધિકારીનું હથિયાર કબજે કરીને પૂછપરછ શરૂ કરી છે. સમગ્ર મામલે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

સુરત મહાનગરપાલિકાના નવા કર્ણધારો

રાજ્યની વિવિધ મહાનગરપાલિકાઓમાં નવા પદાધિકારીઓની જાહેરાત બાદ સૌથી વધુ ચર્ચા સુરત મહાનગરપાલિકાને લઈને જોવા મળી હતી. ચૂંટણી પરિણામોને લગભગ એક મહિનો પૂર્ણ થયા બાદ ભાજપ દ્વારા મનપાના નવા હોદ્દેદારોની વરણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. 26 મેના રોજ રાજ્યની આઠ મહાનગરપાલિકાઓમાં પદાધિકારીઓના નામ જાહેર કરવામાં આવ્યા હતા, જ્યારે આજે વડોદરા, રાજકોટ, ભાવનગર, સુરેન્દ્રનગર, વાપી અને આણંદ-કરમસદ સહિતના વિસ્તારોમાં પણ નવી ટીમની જાહેરાત થઈ ગઈ હતી.

જોકે સમગ્ર રાજ્યની નજર સુરત મનપા પર ટકેલી હતી. કારણ કે અન્ય તમામ મનપાઓની સરખામણીએ સુરતમાં પદાધિકારીઓના નામ જાહેર કરવામાં ભારે મોડું થયું હતું. ભાજપના આંતરિક સમીકરણો અને અલગ-અલગ જૂથો વચ્ચે ચાલી રહેલી ચર્ચાઓને કારણે લગભગ ત્રણ કલાક સુધી નામોની સત્તાવાર જાહેરાત અટકી રહી હતી.

આ તરફ અંતે બપોરે સુરત મહાનગરપાલિકાના નવા હોદ્દેદારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં મેયર તરીકે માયાબેન માવાણી, ડેપ્યુટી મેયર તરીકે સુધાકર ચૌધરી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે રાજન પટેલ, શાસક પક્ષના નેતા તરીકે અલ્પા મહેતા અને દંડક તરીકે ઊર્મિલા ત્રિપાઠીની પસંદગી કરવામાં આવી છે.

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓ જાહેર

  • મેયર-રાકેશભાઈ રાઠોડ
  • ડેપ્યુટી મેયર-સ્મિતાબેન રાવલ
  • સ્ટેન્ડિંગ ચેરમેન-નીખિલભાઈ ચાંપાનેરી
  • દંડક- સ્વાતિબેન માંડલિયા
  • શાસક પક્ષના નેતા પિન્ટુબેન અસાણીયા

ભાવનગર મનપાના નવા પદાધિકારીઓ જાહેર

  • મેયર : ઉષાબેન તલરેજા
  • ડેપ્યુટી મેયર: અશોક બારૈયા
  • સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન: કિશન મહેતા
  • શાસક પક્ષના નેતા : લાલભા મનુભા વાળા
  • દંડક: રિંકુબેન માંગુકિયા

વડોદરા કોર્પોરેશનના નવા પદાધિકારીઓના નામ ભાજપે જાહેર કર્યા

  • મેયર – ગીતા મકવાણા
  • ડે. મેયર – આદિત્ય પટેલ
  • સ્ટેન્ડિંગ ચેરમેન – વર્ષાબહેન વ્યાસ
  • દંડક – વિજય ચૌહાણ
  • શાસક પક્ષના નેતા – શ્વેતા માછી

રાજકોટમાં મેયર સહિતના પદાધિકારીઓના નામ જાહેર

  • મેયર : નેહલ શુક્લ
  • સ્ટેન્ડિંગ ચેરમેન : પરેશ પીપળીયા
  • ડે.મેયર: દક્ષાબેન વસાણી

મોંઘવારીનો વધુ એક માર, હવે ખાવા-પીવાની વસ્તુઓ અને પર્સનલ કેર પ્રોડક્ટ્સ થશે મોંઘી

0

આવનારા દિવસોમાં સામાન્ય લોકોના ખિસ્સા પર વધુ ભાર પડી શકે છે. રોજિંદા વપરાશની ખાવા-પીવાની વસ્તુઓ અને પર્સનલ કેર પ્રોડક્ટ્સના ભાવમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સિસ્ટમેટિક્સ રિસર્ચના તાજેતરના રિપોર્ટ અનુસાર, કાચા માલની સતત વધી રહેલી કિંમતોને કારણે કંપનીઓ ભારે દબાણ હેઠળ આવી ગઈ છે અને હવે તેઓ ઉત્પાદનોના ભાવ વધારવાનો માર્ગ અપનાવી શકે છે.

છેલ્લા બે મહિનામાં 3% થી 7% સુધી ભાવ વધારો
રિપોર્ટ મુજબ, અલગ-અલગ કેટેગરીની ઘણી કંપનીઓએ છેલ્લા એકથી બે મહિનામાં પોતાની પ્રોડક્ટ્સની કિંમતોમાં સરેરાશ 3% થી 7% સુધીનો વધારો કરી દીધો છે. તેનું મુખ્ય કારણ કાચા માલના ખર્ચમાં થયેલો વધારો છે. કંપનીઓની રો મટિરિયલ બાસ્કેટની કુલ કિંમતમાં સરેરાશ લગભગ 10% નો વધારો નોંધાયો છે.

રિટેલ મોંઘવારી 3.48% સુધી પહોંચી
દેશમાં રિટેલ મોંઘવારી પણ સતત વધી રહી છે. એપ્રિલ મહિનામાં રિટેલ ઇન્ફ્લેશન વધીને 3.48% પર પહોંચી ગયું છે, જ્યારે માર્ચમાં આ આંકડો 3.40% હતો. ખાસ કરીને ખાદ્ય વસ્તુઓના ભાવમાં વધારો થવાથી ફૂડ ઇન્ફ્લેશન એપ્રિલમાં વધીને 4.20% સુધી પહોંચી ગયું છે. માર્ચમાં તે 3.87% હતું.

કંપનીઓ ‘ગ્રામ કટ’નો રસ્તો અપનાવી શકે
વધતા ખર્ચની ભરપાઈ કરવા માટે કંપનીઓ માત્ર ભાવ વધારો જ નહીં કરે, પરંતુ ‘ગ્રામ કટ’ એટલે કે પેકેટનું વજન ઘટાડવાનો રસ્તો પણ અપનાવી શકે છે. એટલે કે ગ્રાહકોને ઓછી માત્રામાં પ્રોડક્ટ વધુ કિંમતે મળી શકે છે.

પામ ઓઇલ, ક્રૂડ અને પેકેજિંગ મટિરિયલ મોંઘા થયા

રિપોર્ટ અનુસાર કેટલીક કેટેગરીમાં ખર્ચમાં ભારે વધારો થયો છે.

  • શેમ્પૂ બોટલ, ડિટર્જન્ટ કન્ટેનર અને ફ્લેક્સિબલ પેકેજિંગમાં વપરાતા HDPE પ્લાસ્ટિકના ભાવમાં 56% સુધીનો વધારો નોંધાયો છે.
  • પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવના કારણે બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવમાં 32% સુધી ઉછાળો આવ્યો છે.
  • પામ ઓઇલના ભાવમાં પણ 11%નો વધારો નોંધાયો છે.
  • કંપનીઓના નફા અને માર્જિન પર અસર

કાચા માલની મોંઘવારીની અસર હવે કંપનીઓના નફા પર પણ દેખાવા લાગી છે. માર્ચ ક્વાર્ટર (Q4FY26) દરમિયાન ઘણી મોટી કંપનીઓના ગ્રોસ માર્જિનમાં ઘટાડો નોંધાયો હતો. વાર્ષિક ધોરણે તેમાં લગભગ 0.50% નો ઘટાડો થયો છે.

નિષ્ણાતોનું માનવું છે કે નાણાકીય વર્ષ 2027ના પ્રથમ છ માસિક ગાળામાં (H1FY27) આ અસર વધુ સ્પષ્ટ જોવા મળશે. ખર્ચમાં થયેલા વધારાને સંતુલિત કરવા કંપનીઓ સતત ભાવ વધારો કરી રહી છે, છતાં માર્જિન પર દબાણ યથાવત રહેવાની શક્યતા છે.

કમાણી વધી શકે, પરંતુ વપરાશ ઘટવાની આશંકા
રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે વધતી રિટેલ મોંઘવારીના કારણે આગામી સમયમાં લોકોના વપરાશ પર નકારાત્મક અસર પડી શકે છે. જો ભાવમાં સતત વધારો થશે તો સામાન્ય લોકો ખરીદીમાં ઘટાડો કરી શકે છે, જેના કારણે બજારમાં કુલ વપરાશ અને વેચાણ પર અસર જોવા મળી શકે છે.

કર્ણાટકમાં નેતૃત્વ બદલાવની અટકળો તેજ, સિદ્ધારમૈયાના રાજીનામાની ચર્ચા વચ્ચે ડી.કે. શિવકુમાર આગળ?

0

કર્ણાટકના રાજકારણમાંથી આ સમયના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયા આજે પોતાના પદ પરથી રાજીનામું આપવા જઈ રહ્યા છે, જ્યારે તેમના સ્થાને હવે ડી.કે. શિવકુમાર કર્ણાટકના નવા મુખ્યમંત્રી બનશે. સિદ્ધારમૈયાએ આજે સવારે પોતાના નિવાસસ્થાને કેબિનેટ મંત્રીઓ સાથે બ્રેકફાસ્ટ મીટિંગ યોજીને સરકારના ત્રણ વર્ષના કામકાજનો રિપોર્ટ કાર્ડ રજૂ કર્યો હતો અને તમામ સહયોગીઓનો આભાર માનીને રાજીનામું આપવાની જાહેરાત કરી દીધી હતી. તેમણે આગામી મુખ્યમંત્રી તરીકે ડી.કે. શિવકુમારના નામનો પ્રસ્તાવ પણ મૂક્યો છે. સિદ્ધારમૈયા આજે બપોરે 3 વાગ્યે રાજભવન (લોકભવન) પહોંચીને પોતાનું રાજીનામું સોંપશે.

આ બેઠક નિર્ધારિત સમય કરતાં એક કલાક મોડી શરૂ થઈ હતી. ડેપ્યુટી સીએમ ડી. કે. શિવકુમાર દિલ્હીથી સીધા જ એરપોર્ટથી સીએમ આવાસ પહોંચ્યા હતા. સીએમ હાઉસમાં સિદ્ધારામૈયા અને ડી.કે. શિવકુમારે એકબીજાને ગળે લગાવીને પાર્ટીમાં એકતાનો મોટો સંદેશ આપ્યો હતો. આ દરમિયાન શિવકુમારે સિદ્ધારામૈયાના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ પણ લીધા હતા. બેઠકમાં સંતોષ લાડ, બી. સુરેશ, એમ.બી. પાટીલ અને રામલિંગા રેડ્ડી સહિતના તમામ દિગ્ગજ મંત્રીઓ અને ધારાસભ્યો હાજર રહ્યા હતા.

સિદ્ધારામૈયા સવારે 11 વાગ્યે રાજભવન જઈને રાજીનામું સોંપવાના હતા, પરંતુ આ દરમિયાન એક નવો વળાંક આવ્યો છે. રાજ્યપાલ થાવરચંદ ગેહલોત પરિવારમાં મેડિકલ ઈમરજન્સીના કારણે અચાનક બેંગલુરુ છોડીને ઈન્દોર રવાના થઈ ગયા છે. રાજ્યપાલની ગેરહાજરીને કારણે થોડીવાર માટે અસમંજસ ઊભી થઈ હતી કે રાજીનામું કોણ સ્વીકારશે?

મુખ્યમંત્રીના રાજીનામાની જાહેરાત બાદ હવે કર્ણાટક કોંગ્રેસમાં આંતરિક રાજકારણ ગરમાયું છે. ધારાસભ્યોના એક મોટા જૂથે સિદ્ધારમૈયાના અનુગામીની પસંદગી કરવા માટે કોંગ્રેસ વિધાયક દળ (CLP) ની બેઠક બોલાવવાની માંગ કરી છે. જોકે જો આ બેઠક બોલાવવામાં ડી કે શિવકુમારને નુકસાન થઇ શકે એવી અટકળો છે. ધારાસભ્યોનું એક મોટું જુથ ડી કે શિવકુમારને સીએમ તરીકે જોવા નથી ઇચ્છતું.

કર્ણાટક મુખ્યમંત્રી કાર્યાલય (CMO) એ સત્તાવાર પુષ્ટિ કરી છે કે, “મુખ્યમંત્રી સિદ્ધારામૈયા આજે જ પોતાના પદ પરથી રાજીનામું આપશે. જો રાજ્યપાલ બેંગલુરુમાં ઉપલબ્ધ નહીં હોય, તો પણ મુખ્યમંત્રીનું રાજીનામું સીધું જ રાજ્યપાલના કાર્યાલય (રાજભવનના વિશેષ સચિવ) ને સોંપી દેવામાં આવશે.” કોંગ્રેસ હાઈકમાન્ડના આદેશ બાદ હવે સિદ્ધારામૈયા દિલ્હી જશે અને આગામી સમયમાં રાજ્યસભાના સાંસદ બને તેવી પૂરેપૂરી સંભાવના છે. જ્યારે શુક્રવારે મળનારી વિધાનસભ્ય પક્ષની બેઠકમાં નવા મુખ્યમંત્રી તરીકે ડી.કે. શિવકુમારના નામની સત્તાવાર જાહેરાત થઈ શકે છે.

કર્ણાટક પોલિટિક્સ: ટૂંકી પણ મહત્વની ટાઈમલાઇન

  • મે 2023 (સત્તાની ફોર્મ્યુલા): કર્ણાટકમાં કોંગ્રેસની જીત બાદ સિદ્ધારમૈયા સીએમ અને ડી.કે. શિવકુમાર ડેપ્યુટી સીએમ બન્યા. પક્ષમાં ‘અઢી-અઢી વર્ષ’ ની સત્તા વહેંચણીની ગુપ્ત ફોર્મ્યુલા નક્કી થઈ હતી.
  • મે 2026 (દિલ્હીનું દબાણ): નિર્ધારિત સમયગાળો પૂરો થતાં રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેએ પક્ષના જૂના વચનનું સન્માન કરવા માટે સિદ્ધારમૈયા પર પદ છોડવા દબાણ કર્યું.
  • 28 મે 2026 (સવારે ભાવુક ક્ષણો): બેંગલુરુમાં નાસ્તાની બેઠક દરમિયાન ડેપ્યુટી સીએમ ડી.કે. શિવકુમારે સીએમ સિદ્ધારમૈયાના ચરણસ્પર્શ કરી આશીર્વાદ લીધા.
  • 28 મે 2026 (બપોરે રાજીનામું): મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સત્તાવાર રીતે રાજ્યપાલને મળીને પોતાનું રાજીનામું સોંપશે.
  • આગામી વળાંક (નવા સીએમની રેસ): સીએમ પદ માટે ડી.કે. શિવકુમારનું નામ રેસમાં છે, પરંતુ સિદ્ધારમૈયા જૂથ દ્વારા ગૃહમંત્રી જી. પરમેશ્વરન નું નામ આગળ ધરાતા નવો વળાંક આવ્યો છે.

ગુજરાતના વહીવટી તંત્રમાં મોટો ફેરફાર, 36 સેક્શન અધિકારીઓની બદલી અને 81 DySOને બઢતી

ગુજરાત રાજ્ય સરકારના વહીવટી તંત્રમાં ફરી એકવાર મોટાપાયે ફેરબદલ કરવામાં આવ્યો છે. તાજેતરમાં આઈએએસ અધિકારીઓની બદલી બાદ હવે સામાન્ય વહીવટી વિભાગ (GAD) દ્વારા સેક્શન અધિકારીઓ અને નાયબ સેક્શન અધિકારીઓને લઈને મહત્વપૂર્ણ આદેશો જાહેર કરવામાં આવ્યા છે.

સરકાર દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર આદેશ મુજબ વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા કુલ 36 સેક્શન અધિકારીઓ (SO)ની બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત સચિવાલય કેડરના 81 નાયબ સેક્શન અધિકારીઓ (DySO)ને બઢતી આપીને સેક્શન અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને તેમને અલગ-અલગ વિભાગોમાં નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે.

27 મે, 2026ના રોજ મોડીરાત્રે જાહેર કરાયેલા આ આદેશ હેઠળ સચિવાલયના અનેક મહત્વપૂર્ણ અને સંવેદનશીલ વિભાગોમાં અધિકારીઓની જવાબદારીઓમાં ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના ઉચ્ચ સ્તરે લેવામાં આવેલા આ નિર્ણય પાછળ વહીવટી કામગીરીમાં વધુ ઝડપ લાવવી અને વિભાગીય કાર્યક્ષમતામાં વધારો કરવાનો મુખ્ય હેતુ માનવામાં આવી રહ્યો છે.

બઢતી મેળવનારા તેમજ બદલી કરાયેલા તમામ અધિકારીઓને તાત્કાલિક અસરથી પોતાના નવા વિભાગોમાં ચાર્જ સંભાળી લેવા સૂચના આપવામાં આવી છે.

બિહારમાં ગંગા નદીમાં હોડી ડૂબી જતાં 2 લોકોના મોત, 5 લોકો લાપતા

0

બિહારના બાઢ જિલ્લાના પ્રસિદ્ધ ઉમાનાથ ગંગા ઘાટ પર આજે વહેલી સવારે એક મોટી અને દર્દનાક હોડી દુર્ઘટના સર્જાઈ છે. ઉમાનાથ ઘાટથી દિયારા વિસ્તાર તરફ જઈ રહેલી એક હોડી અચાનક ગંગા નદીમાં ડૂબી ગઈ હતી. આ હોડી પર કુલ 14 લોકો સવાર હતા, જેમાંથી અત્યાર સુધીમાં 7 લોકોને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા છે, જ્યારે 2 લોકોના મોત થયા છે અને તેમના મૃતદેહ પણ મળી આવ્યા છે. બાકીના 5 લાપતા લોકોની શોધખોળ માટે નદીમાં યુદ્ધના ધોરણે રેસ્કયૂ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

મળતી માહિતી મુજબ, આજે વહેલી સવારે લોકો ખેતીકામ કે અન્ય કામ અર્થે ઉમાનાથ ગંગા ઘાટ પરથી હોડીમાં સવાર થઈને દિયારા વિસ્તાર તરફ જવા નીકળ્યા હતા. હોડી હજુ નદીની વચ્ચે પહોંચી જ હતી કે અચાનક સંતુલન બગડવાના કારણે તે પલટી ગઈ. જોતજોતામાં હોડી પર સવાર તમામ 14 લોકો ગંગા નદીના પાણીમાં ડૂબવા લાગ્યા અને ઘાટ પર બુમરાણ મચી ગઈ હતી. નદી કિનારે હાજર કેટલાક લોકોએ તાત્કાલિક પાણીમાં કૂદીને 7 લોકોને તરત જ બહાર કાઢી લીધા, જેના કારણે તેમનો જીવ બચી ગયો હતો.

મૃતકોની ઓળખ
નીલમ કુમારી (૩૦) બારહ પોલીસ સ્ટેશન
કાશી કુમાર (૧૫) બારહ પોલીસ સ્ટેશન

આ ઘટનાની ગંભીરતાને જોતાં સ્થાનિક વહીવટીતંત્ર તાત્કાલિક એક્શનમાં આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ બાઢના એસડીઓ (SDO) ગરિમા લોહિયા અને એસડીપીઓ (SDPO) રામકૃષ્ણ ભારે પોલીસ કાફલા સાથે ઉમાનાથ ગંગા ઘાટ પર પહોંચી ગયા છે અને ત્યાં જ કેમ્પ કરીને રાહત કામગીરી પર નજર રાખી રહ્યા છે.

સ્થાનિક ડાઇવર્સ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો નદીમાં સતત સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. જેથી બાકીના 5 લોકોને વહેલી તકે શોધી શકાય. હાલમાં ગંગા ઘાટ પર સ્થાનિક લોકો અને પીડિતોના પરિવારોની ભારે ભીડ એકઠી થઈ ગઈ છે, અને પરિજનોનું રોઈ-રોઈને ખરાબ હાલત છે.

અજમેરમાં ભયાનક કાર અકસ્માત, 2 પૂર્વ સરપંચ સહિત 4 લોકો જીવતા ભુંજાયા

0

રાજસ્થાનના અજમેર જિલ્લામાં આજે ગુરુવારે સવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. બોરાડા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા શ્રીરામપુરા ગામ પાસે એક ચાલતી કારમાં અચાનક આગ લાગી હતી. આ અકસ્માતમાં ભૂતપૂર્વ સરપંચ સહિત ચાર લોકોના દુઃખદ મોત થયા છે. જિલ્લા પરિષદ સભ્ય પૂસી દેવી ગંભીર રીતે દાઝી ગયા હતા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ બાદમાં તેમનું મોત નીપજ્યું. આ ઘટના સવારે 5:30 કલાકની આસપાસ બની હોવાનું જાણવા મળે છે.

શ્રીરામપુરા ગામના રહેવાસી ભૂતપૂર્વ સરપંચ રામ સિંહ ચૌધરી તેમની માતા, જિલ્લા પરિષદ સભ્ય પૂસી દેવીને છાતીમાં દુ:ખાવાની ફરિયાદ બાદ હોસ્પિટલ લઈ જઈ રહ્યા હતા. તેમની પત્ની, ભૂતપૂર્વ સરપંચ સૂર્યન દેવી અને ભત્રીજી મહિમા પણ કારમાં હતા. એવું કહેવાય છે કે, બધા ઝડપથી હોસ્પિટલ પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે અચાનક કારમાંથી ધુમાડો નીકળવા લાગ્યો અને થોડી જ વારમાં વાહન આગના ગોળામાં ફેરવાઈ ગયું.

થોડી જ વારમાં આખી કાર આગની લપેટમાં આવી ગઈ. આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ કે કારમાં સવાર લોકોને સ્વસ્થ થવાનો મોકો પણ ન મળ્યો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આખી કાર આગમાં લપેટાઈ ગઈ હતી. અકસ્માતમાં રામ સિંહ ચૌધરી, તેમની પત્ની સૂર્યજ્ઞાન દેવી અને ભત્રીજી મહિમા કારમાંથી બહાર નીકળી શક્યા ન હતા અને જીવતા બળી ગયા હતા. સ્થાનિક લોકોએ કોઈક રીતે પૂસી દેવીને બહાર કાઢ્યા, પરંતુ તે ગંભીર રીતે દાઝી ગઈ. સારવાર દરમિયાન તેણીનું પણ મૃત્યુ થયું.

ઘટનાની માહિતી મળતાં, બોરાડા પોલીસ સ્ટેશનની પોલીસ અને વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા. સ્થાનિક ગ્રામજનોની મદદથી આગ પર કાબુ મેળવ્યો. પોલીસે તમામ મૃતદેહોનો કબજો લીધો અને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા. અકસ્માત બાદ ઘટનાસ્થળે મોટી ભીડ એકઠી થઈ ગઈ અને સમગ્ર ગામમાં શોક ફેલાયો.

ફોરેન્સિક ટીમ પહોંચી ઘટનાસ્થળે
પ્રારંભિક તપાસમાં એવું લાગી રહ્યું છે કે, આગ શોર્ટ સર્કિટ અથવા કારમાં ટેકનિકલ ખામીને કારણે લાગી હતી. જોકે, પોલીસ તમામ દ્રષ્ટિકોણથી આ મામલાની તપાસ કરી રહી છે. આગનું ચોક્કસ કારણ જાણવા માટે ફોરેન્સિક ટીમને પણ ઘટનાસ્થળે બોલાવવામાં આવી છે. અજમેરના પોલીસ અધિક્ષક હર્ષવર્ધન અગ્રવાલા પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે અકસ્માતના કારણની તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટના બાદ શ્રીરામપુરા ગામ સહિત આસપાસના વિસ્તારોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

China AI: AI ટેલેન્ટ પર ચીનનો કડક કંટ્રોલ, હવે વિદેશ જવા પહેલાં લેવી પડશે સરકારની મંજૂરી

ચીનની AI રેસ હવે માત્ર અન્ય દેશોથી આગળ નીકળવાની જ રહી નથી. હવે ચીન એવા લોકો પર પણ નિયંત્રણ વધારી રહ્યું છે, જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. Metaને Manus AI ખરીદતા રોક્યા બાદ હવે ચીન પોતાના ટોચના AI ટેલેન્ટ પર પકડ વધુ મજબૂત બનાવી રહ્યું છે. Bloombergની એક રિપોર્ટ અનુસાર, ચીની અધિકારીઓ હવે Alibaba Group અને DeepSeek જેવી ખાનગી કંપનીઓમાં કામ કરતા જાણીતા AI પ્રોફેશનલ્સને વિદેશ પ્રવાસ કરતા રોકી રહ્યા છે.

રિપોર્ટ અનુસાર, સરકારી એજન્સીઓએ એડવાન્સ્ડ AI રિસર્ચ અને ડેવલપમેન્ટ સાથે જોડાયેલા લોકો માટે મુસાફરી પર પ્રતિબંધ લગાવવાની પ્રક્રિયા શરૂ કરી છે. દેશ સ્ટાર્ટઅપ ફાઉન્ડર, રિસર્ચર અને એક્ઝિક્યુટિવ્સને વિદેશ જતાં રોકી રહ્યું છે. હવે આ લોકોને વિદેશ જવા પહેલાં અધિકારીઓ પાસેથી મંજૂરી લેવી ફરજિયાત બનશે.

આ પહેલાં પણ ચીનમાં કેટલાક AI એન્જિનિયરોને વિદેશ જતાં પહેલાં પોતાની મુસાફરીની યોજના અંગે અધિકારીઓને જાણ કરવી પડતી હતી. પરંતુ નવા નિર્ણય હેઠળ હવે AI પ્રોફેશનલ્સની મુસાફરી પર વધુ સીધું નિયંત્રણ લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

રિસર્ચરો પર પણ અધિકારીઓની નજર
ખાસ વાત એ છે કે આ પ્રતિબંધો માત્ર હોદ્દા કે સિનિયરિટી આધારે લગાવવામાં આવી રહ્યા નથી. Bloombergની રિપોર્ટ મુજબ, ચીની અધિકારીઓ એવા લોકોને પણ ઓળખી રહ્યા છે, જે દેશની ટેક્નોલોજીકલ મહત્ત્વાકાંક્ષાઓ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સરળ શબ્દોમાં કહીએ તો, શક્તિશાળી અને ગંભીર AI પ્રોજેક્ટ્સ પર કામ કરતા રિસર્ચરો પણ હવે સરકારની નજર હેઠળ આવી શકે છે.

ચીન માટે આ કોઈ નવી વાત નથી. અહેવાલો મુજબ, અધિકારીઓ અમેરિકી રોકાણકારોને રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલી ટેક્નોલોજીમાં ભાગીદારી લેતા રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે. એટલું જ નહીં, ચીને મોટા AI સ્ટાર્ટઅપ્સને સરકારની મંજૂરી વગર અમેરિકી ફંડિંગ સ્વીકારતા પણ રોકી દીધા છે.

ચીન માટે આ રીત નવી નથી
ચીન અગાઉ પણ મહત્વપૂર્ણ વ્યક્તિઓ પર મુસાફરી પ્રતિબંધ મૂકી ચૂક્યું છે, જેમાં પરમાણુ વૈજ્ઞાનિકો અને મોટી યુનિવર્સિટીના સંશોધકોનો સમાવેશ થાય છે. Bloombergની રિપોર્ટમાં જણાવાયું છે કે ચીનની કેટલીક સરકારી કંપનીઓ પોતાના વરિષ્ઠ અધિકારીઓ અને કમ્યુનિસ્ટ પાર્ટીના નેતાઓના પાસપોર્ટ પણ પોતાની પાસે જ રાખે છે।

ફ્રાન્સ-બ્રિટનમાં કાળઝાળ ગરમીનો કહેર, હીટવેવથી 7 લોકોના મોત

પશ્ચિમી યુરોપ હાલમાં તેજ હીટવેવની ઝપેટમાં છે. ફ્રાન્સ અને યુકેમાં મે મહિનામાં અત્યાર સુધીનું સૌથી વધુ તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગે પણ ચેતવણી આપી છે અને ફ્રાન્સમાં તો ગરમીના લીધે સાતના મોત થયા છે. અહેવાલ મુજબ ઉત્તર આફ્રિકાથી યુરોપ તરફ આવેલી ગરમ હવાના કારણે આ સ્થિતિ સર્જાઈ છે. તેના કારણે કેટલાય સ્થળે તાપમાન એટલું વધ્યું છે કે હીટડોમ કહેવાય છે.

બ્રિટનમાં વિક્રમજનક ગરમી પડી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ સોમવારે દક્ષિણ-પશ્ચિમ લંડનમાં તાપમાન 34.8 ડિગ્રી સુધી પહોંચ્યું હતું. આ મે મહિનાનું અત્યાર સુધીનું સૌથી વધુ તાપમાન છે. જૂના રેકોર્ડથી બે ડિગ્રી વધારે છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે આટલી ગરમી સામાન્ય રીતે ઉનાળાના દિવસો દરમિયાન જોવા મળે છે. જ્યારે મેમાં લંડનનું સરેરાશ તાપમાન ૧૭થી ૧૮ ડિગ્રી સેલ્સિયસ રહે છે.હવામાન વિભાગે એમ પણ જણાવ્યું કે મંગળવારની રાત મે મહિનાની સૌથી ગરમ રાત તરીકે રેકોર્ડ કરવામાં આવી.

ફ્રાન્સમાં પણ સ્થિતિ ગંભીર છે. દેશની હવામાન એજન્સી મેટિયો ફ્રાન્સે જણાવ્યું હતું કે સોમવારનો દિવસ મે મહિનાનો સૌથી ગરમ દિવસ રહ્યો હતો. ઉત્તર-પશ્ચિમ ફ્રાન્સ માટે ઓરેન્જ હીટવેવ એલર્ટ જારી કરવામાં આવ્યું હતું, જે ચેતવણીનું બીજા નંબરનું સ્તર છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ કેટલાય વિસ્તારોમાં તાપમાન ૩૬ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. પેરિસમાં શનિવારનું તાપમાન ૩૧.૯ ડિગ્રી નોંધાયું હતું.

આ વર્ષે પેરિસમાં પહેલી વખત તાપમાન 30 ડિગ્રીના ઉપર ગયું. હીટવેવથી જર્મની, સ્પેન અને ઇટાલી પણ બાકાત રહી શક્યા ન હતા. જર્મનીમાં આ વર્ષે પહેલી વખત તાપમાન 30 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં તાપમાન વધી શકે છે. સ્પેનમાં પણ સ્થિતિ ગંભીર છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ સ્પેનમાં આગામી દિવસોમાં તાપમાન 40 ડિગ્રીને સ્પર્શી શકે છે. ઇટાલીમાં તો ગરમીના લીધે કેટલાય વિસ્તારોમાં ખુલ્લામાં કામ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ગયા વર્ષે પણ આવો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હાતો, પરંતુ આ વર્ષે ગરમી વહેલા શરૂ થઈ ગઈ છે.