Wednesday, May 27, 2026

China AI: AI ટેલેન્ટ પર ચીનનો કડક કંટ્રોલ, હવે વિદેશ જવા પહેલાં લેવી પડશે સરકારની મંજૂરી

2 Min Read

ચીનની AI રેસ હવે માત્ર અન્ય દેશોથી આગળ નીકળવાની જ રહી નથી. હવે ચીન એવા લોકો પર પણ નિયંત્રણ વધારી રહ્યું છે, જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. Metaને Manus AI ખરીદતા રોક્યા બાદ હવે ચીન પોતાના ટોચના AI ટેલેન્ટ પર પકડ વધુ મજબૂત બનાવી રહ્યું છે. Bloombergની એક રિપોર્ટ અનુસાર, ચીની અધિકારીઓ હવે Alibaba Group અને DeepSeek જેવી ખાનગી કંપનીઓમાં કામ કરતા જાણીતા AI પ્રોફેશનલ્સને વિદેશ પ્રવાસ કરતા રોકી રહ્યા છે.

રિપોર્ટ અનુસાર, સરકારી એજન્સીઓએ એડવાન્સ્ડ AI રિસર્ચ અને ડેવલપમેન્ટ સાથે જોડાયેલા લોકો માટે મુસાફરી પર પ્રતિબંધ લગાવવાની પ્રક્રિયા શરૂ કરી છે. દેશ સ્ટાર્ટઅપ ફાઉન્ડર, રિસર્ચર અને એક્ઝિક્યુટિવ્સને વિદેશ જતાં રોકી રહ્યું છે. હવે આ લોકોને વિદેશ જવા પહેલાં અધિકારીઓ પાસેથી મંજૂરી લેવી ફરજિયાત બનશે.

આ પહેલાં પણ ચીનમાં કેટલાક AI એન્જિનિયરોને વિદેશ જતાં પહેલાં પોતાની મુસાફરીની યોજના અંગે અધિકારીઓને જાણ કરવી પડતી હતી. પરંતુ નવા નિર્ણય હેઠળ હવે AI પ્રોફેશનલ્સની મુસાફરી પર વધુ સીધું નિયંત્રણ લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

રિસર્ચરો પર પણ અધિકારીઓની નજર
ખાસ વાત એ છે કે આ પ્રતિબંધો માત્ર હોદ્દા કે સિનિયરિટી આધારે લગાવવામાં આવી રહ્યા નથી. Bloombergની રિપોર્ટ મુજબ, ચીની અધિકારીઓ એવા લોકોને પણ ઓળખી રહ્યા છે, જે દેશની ટેક્નોલોજીકલ મહત્ત્વાકાંક્ષાઓ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સરળ શબ્દોમાં કહીએ તો, શક્તિશાળી અને ગંભીર AI પ્રોજેક્ટ્સ પર કામ કરતા રિસર્ચરો પણ હવે સરકારની નજર હેઠળ આવી શકે છે.

ચીન માટે આ કોઈ નવી વાત નથી. અહેવાલો મુજબ, અધિકારીઓ અમેરિકી રોકાણકારોને રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલી ટેક્નોલોજીમાં ભાગીદારી લેતા રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે. એટલું જ નહીં, ચીને મોટા AI સ્ટાર્ટઅપ્સને સરકારની મંજૂરી વગર અમેરિકી ફંડિંગ સ્વીકારતા પણ રોકી દીધા છે.

ચીન માટે આ રીત નવી નથી
ચીન અગાઉ પણ મહત્વપૂર્ણ વ્યક્તિઓ પર મુસાફરી પ્રતિબંધ મૂકી ચૂક્યું છે, જેમાં પરમાણુ વૈજ્ઞાનિકો અને મોટી યુનિવર્સિટીના સંશોધકોનો સમાવેશ થાય છે. Bloombergની રિપોર્ટમાં જણાવાયું છે કે ચીનની કેટલીક સરકારી કંપનીઓ પોતાના વરિષ્ઠ અધિકારીઓ અને કમ્યુનિસ્ટ પાર્ટીના નેતાઓના પાસપોર્ટ પણ પોતાની પાસે જ રાખે છે।

Share This Article