અમેરિકા: અમેરિકામાં 13 નવેમ્બરે હવાઈ મુસાફરી વ્યવસ્થા ખોરવાઈ જતાં ભારે અફરાતફરી સર્જાઈ હતી. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) દ્વારા દેશભરના એરપોર્ટ પરથી ઉડાન ભરનારી તમામ ફ્લાઇટ્સને અસ્થાયી રૂપે રોકવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ આદેશ જાહેર થયો ત્યારે 4,042થી વધુ વિમાનો અમેરિકાના વિવિધ એરપોર્ટ તરફ હવામાં ઉડી રહ્યાં હતાં.
રિપોર્ટ અનુસાર, એર ટ્રાફિક કંટ્રોલ સેન્ટરોમાં ટેલિકોમ્યુનિકેશન અને સંચાર વ્યવસ્થામાં ખામી સર્જાતા FAAએ સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો હતો. આ દરમિયાન હવામાં રહેલા વિમાનોને સુરક્ષિત રીતે લેન્ડિંગ કરવાની મંજૂરી આપવામાં આવી હતી, જ્યારે જમીન પર રહેલા વિમાનોની ટેકઓફ અટકાવી દેવામાં આવી હતી.
ચાર કલાકથી વધુ સમય સુધી ફ્લાઇટ્સ પર અસર
આ અચાનક નિર્ણયને કારણે અમેરિકાના અનેક મોટા એરપોર્ટ પર મુસાફરો ફસાઈ ગયા હતા. ફ્લાઇટ ટ્રેકિંગના આંકડા અનુસાર, 10 હજારથી વધુ ફ્લાઇટ્સ મોડી પડી હતી, જ્યારે 4,700થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. લગભગ ચાર કલાક બાદ FAAએ પ્રતિબંધ હટાવ્યો હતો અને ફ્લાઇટ્સનું સંચાલન ફરી શરૂ કરવાની મંજૂરી આપી હતી. જોકે, ફ્લાઇટ્સનું સમયપત્રક સામાન્ય થવામાં હજુ સમય લાગી શકે છે.
સાયબર એટેકની આશંકા અંગે શું કહ્યું?
અમેરિકાના હોમલેન્ડ સિક્યુરિટી સેક્રેટરી માર્કવેન મુલિને જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં આ ઘટનામાં કોઈ સાયબર એટેક કે જાણીજોઈને કરવામાં આવેલી ગતિવિધિના પુરાવા મળ્યા નથી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, તમામ હવામાં રહેલા વિમાનોની સ્થિતિ પર નજર રાખવામાં આવી હતી અને મુસાફરો સુરક્ષિત હતા.
સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો
આ સમગ્ર ઘટનાનો ટાઇમલેપ્સ વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. તેમાં અમેરિકાના આકાશમાં એકસાથે મોટી સંખ્યામાં વિમાનો ઉડતાં જોવા મળે છે. FAAના આદેશ સમયે 4,042 વિમાનો અમેરિકાના એરપોર્ટ તરફ આગળ વધી રહ્યાં હતાં, જે આ ઘટનાની ગંભીરતા દર્શાવે છે.








