Home Blog Page 73

વિશ્વ પર્યાવરણ દિવસે સુરત બન્યું ગ્રીન સિટીનું મોડેલ, PM મોદીના કાર્યક્રમમાં ઝીરો પ્લાસ્ટિક પહેલનું આકર્ષણ

વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુરત આગમનને લઈને આયોજિત કાર્યક્રમમાં શહેરે પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ વિકાસનો અનોખો સંદેશ આપ્યો છે. સ્વચ્છતા અને નવીન પ્રયોગો માટે જાણીતા સુરતે આ સમગ્ર કાર્યક્રમને ઇકો-ફ્રેન્ડલી અને સસ્ટેનેબલ થીમ પર આધારિત બનાવી પ્લાસ્ટિક તથા થર્મોકોલ મુક્ત આયોજનનું સફળ મોડેલ રજૂ કર્યું છે.

વડાપ્રધાનના ‘મિશન લાઇફ’ અને પર્યાવરણ સંવર્ધનના વિઝનને ધ્યાનમાં રાખી કાર્યક્રમમાં ગ્રીન પ્રોટોકોલનું કડક પાલન કરવામાં આવ્યું છે. સિંગલ યુઝ પ્લાસ્ટિકનો સંપૂર્ણ બહિષ્કાર કરીને કાપડ, માટી અને વાંસ જેવા પર્યાવરણમિત્ર વિકલ્પોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. કાર્યક્રમ દરમિયાન પ્લાસ્ટિકની બોટલો, પાણીના પાઉચ તેમજ ફ્લેક્સ બેનરોના ઉપયોગને સંપૂર્ણપણે ટાળવામાં આવ્યો છે.

હાથ બનાવટના ભારતના નકશાનું વિશાળ વોલપીસ

કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ સુરતના યુવા કલાકારો દ્વારા તૈયાર કરવામાં આવેલું વિશાળ ‘ગ્રીન બેકડ્રોપ’ બન્યું છે. કાપડ, વાંસ અને આભલાની કલાત્મક કારીગરીથી તૈયાર કરાયેલા આ બેકડ્રોપમાં ભારતના નકશાને વિશિષ્ટ રીતે રજૂ કરવામાં આવ્યો છે. આ કૃતિ માત્ર પર્યાવરણ જાગૃતિનો સંદેશ જ નથી આપતી, પરંતુ ગુજરાતની સમૃદ્ધ હસ્તકલા અને સર્જનાત્મકતાનું પણ પ્રતીક બની છે.

લોકોને પીવાના પાણી માટે માટલાની વ્યવસ્થા કરાઈ

પર્યાવરણમિત્ર આયોજનના ભાગરૂપે કાર્યક્રમ સ્થળ, આસપાસના વિસ્તારો અને પાર્કિંગ ઝોનમાં પીવાના પાણી માટે અંદાજે 150 પરંપરાગત માટીના માટલાં મૂકવામાં આવ્યા છે. દરેક માટલાની ક્ષમતા આશરે 20 લીટર છે. આ પહેલ દ્વારા એક તરફ લોકોને ગરમીથી રાહત મળશે તો બીજી તરફ પ્લાસ્ટિકના ઉપયોગમાં ઘટાડો લાવી પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન મળશે.

ચિત્રકારોએ કેનવાસ ઉપર તૈયાર કરેલા

કાર્યક્રમમાં સ્થાનિક ચિત્રકારો અને કલાકારોએ કેનવાસ પર પર્યાવરણ સંરક્ષણ, સ્વચ્છતા અને ટકાઉ વિકાસને કેન્દ્રમાં રાખી અનેક સર્જનાત્મક કૃતિઓ તૈયાર કરી છે. આ કૃતિઓ મુલાકાતીઓને પર્યાવરણ પ્રત્યે વધુ જવાબદાર બનવાનો સંદેશ આપે છે અને કુદરતના સંવર્ધન માટે પ્રેરિત કરે છે.

આ સમગ્ર આયોજનનો મુખ્ય હેતુ નાગરિકોમાં પ્લાસ્ટિક પ્રદૂષણ સામે જાગૃતિ લાવવાનો અને પર્યાવરણમિત્ર જીવનશૈલીને પ્રોત્સાહન આપવાનો છે. સ્વચ્છતામાં દેશભરમાં આગવું સ્થાન ધરાવતા સુરતે હવે ‘ઝીરો પ્લાસ્ટિક’ મોડેલ દ્વારા ગ્રીન અને ક્લીન ઇન્ડિયાના નિર્માણ માટે એક નવી દિશા દર્શાવી છે.

વિશ્વ પર્યાવરણ દિવસે PM મોદી સુરતમાં: L&T પ્લાન્ટની મુલાકાત સાથે દક્ષિણ ગુજરાતને ₹18,778 કરોડની વિકાસ ભેટ

વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ડાયમંડ સિટી સુરતની મહત્વપૂર્ણ મુલાકાતે આવી રહ્યા છે. તેઓ બપોરે 2:00 વાગ્યે સુરત એરપોર્ટ પર પહોંચશે અને ત્યારબાદ સીધા હજીરા સ્થિત લાર્સન એન્ડ ટુબ્રો (L&T)ના અત્યાધુનિક પ્લાન્ટની મુલાકાત લેશે. હજીરા ખાતે તેઓ ‘મેક ઇન ઇન્ડિયા’ અભિયાન હેઠળ તૈયાર થઈ રહેલા સંરક્ષણ અને ગ્રીન એનર્જી ક્ષેત્રના મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કરશે.

L&Tના ચેરમેન અને ટોચના અધિકારીઓ સાથે બેઠક પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન સાંજે 4:15 વાગ્યે સુરતના ઐતિહાસિક ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આયોજિત જાહેર કાર્યક્રમમાં હાજરી આપશે. અહીં તેઓ ડિજિટલ માધ્યમથી દક્ષિણ ગુજરાતના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સાંજે આશરે 6:15 વાગ્યે તેઓ દમણ માટે રવાના થશે, જ્યાં રૂ. 3000 કરોડથી વધુના વિકાસકાર્યોને લીલી ઝંડી આપવામાં આવશે.

દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાઓ માટે રૂ. 18,778 કરોડનો વિકાસ ઉત્સવ

‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવા માટે વડાપ્રધાનની આ મુલાકાત ઐતિહાસિક માનવામાં આવી રહી છે. સુરત, નવસારી, ભરૂચ, વલસાડ, તાપી, ડાંગ અને નર્મદા સહિતના સાત જિલ્લાઓ માટે અંદાજે રૂ. 18,778 કરોડના 24 વિકાસ પ્રકલ્પોની ભેટ આપવામાં આવશે. તેમાં રૂ. 13,926 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે, જ્યારે રૂ. 4,852 કરોડના પાંચ નવા પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ પ્રોજેક્ટ્સથી દક્ષિણ ગુજરાતમાં ઔદ્યોગિક, શહેરી અને જાહેર સુવિધાઓને નવી ગતિ મળશે.

L&T પ્રિસિઝન એન્જિનિયરિંગમાં ‘જોરાવર લાઈટ ટેન્ક’નું શક્તિપ્રદર્શન

હજીરા સ્થિત L&Tના પ્રિસિઝન એન્જિનિયરિંગ એન્ડ સિસ્ટમ્સ યુનિટમાં વડાપ્રધાન ‘જોરાવર લાઈટ ટેન્ક’નું નિરીક્ષણ કરશે. સંપૂર્ણ સ્વદેશી ટેક્નોલોજીથી વિકસાવવામાં આવેલી આ લાઈટ ટેન્ક ખાસ કરીને લદ્દાખ અને LAC જેવા ઊંચાઈવાળા દુર્ગમ વિસ્તારોમાં કામગીરી માટે તૈયાર કરવામાં આવી છે. પ્રખ્યાત ડોગરા યોદ્ધા જનરલ જોરાવરસિંહના નામ પરથી ઓળખાતી આ ટેન્કનું વજન માત્ર 25 ટન છે, જેના કારણે તેને સરળતાથી એરલિફ્ટ કરી શકાય છે. ભારતીય સેનાની ક્ષમતામાં વધારો કરનારી આ ટેન્ક ‘મેક ઇન ઇન્ડિયા’ અભિયાનનું મહત્વપૂર્ણ પ્રતીક માનવામાં આવે છે.

અત્યાધુનિક ‘કે9 વજ્ર’ હોવિત્ઝર ગન ફેસિલિટીની મુલાકાત

વડાપ્રધાન હજીરામાં આવેલી ‘કે9 વજ્ર’ હોવિત્ઝર ગન મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીની પણ મુલાકાત લેશે. ભારતીય સેનામાં ઉપયોગમાં લેવાતી આ 155 મીમી, 52 કેલિબરની સ્વ-સંચાલિત તોપ તેની સચોટતા અને લાંબા અંતર સુધી પ્રહાર કરવાની ક્ષમતા માટે જાણીતી છે. અત્યંત કઠિન પરિસ્થિતિઓમાં પણ ઝડપથી કામગીરી કરવાની તેની વિશેષતા તેને ભારતીય સેનાનું મહત્વપૂર્ણ હથિયાર બનાવે છે. ગુજરાતની ધરતી પર તેનું ઉત્પાદન થવું રાજ્ય માટે ગૌરવની બાબત માનવામાં આવે છે.

PM મોદીના સુરત પ્રવાસે ટ્રાફિક વ્યવસ્થામાં મોટો ફેરફાર: 12 સિટી બસ રૂટ બંધ, BRTSના 2 રૂટ ડાયવર્ટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરત પ્રવાસને ધ્યાનમાં રાખીને તેમની સુરક્ષા અને શહેરની ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રહે તે માટે સુરત મહાનગરપાલિકાએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ટ્રાફિક પોલીસની સૂચના અનુસાર 5 જૂન, 2026ના રોજ સિટી બસના 12 રૂટ સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યા છે, જ્યારે BRTSના 2 રૂટને ડાયવર્ટ કરવામાં આવ્યા છે. રોજિંદા બે લાખથી વધુ મુસાફરોને અસર કરતા આ નિર્ણય હેઠળ વડાપ્રધાનના સત્તાવાર રૂટ પર આવતી બસ સેવાઓને અન્ય માર્ગો પર વાળવામાં આવી છે અને બાકીના રૂટ પર પણ બસોની ફ્રિકવન્સી ઘટાડવામાં આવી છે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તમામ બસ સેવાઓ ફરીથી પૂર્વવત કરવામાં આવશે.

વાહનવ્યવહાર વિભાગે જણાવ્યા મુજબ BRTS રૂટ નં. 12 (ONGC કોલોની–સરથાણા નેચર પાર્ક) હવે માત્ર સોમેશ્વર જંક્શનથી સરથાણા નેચર પાર્ક સુધી જ દોડશે. જ્યારે રૂટ નં. 14 (ONGC કોલોની–કોસાડ EWS H2) હવે પાલ RTOથી કોસાડ EWS H2 વચ્ચે સંચાલિત થશે. ઉપરાંત સિટી બસના રૂટ નં. 136, 206, 658, 658B, 706, 106R, 153R, 216B, 216K, 226J, 716 અને 126R સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યા છે. આ રૂટો રેલવે સ્ટેશન, એરપોર્ટ, અડાજણ, ઇચ્છાપોર, ઇસ્કોન સર્કલ, VNSGU, ઉમરા, કાપોદ્રા, ભીમપોર, કોસાડ અને જહાંગીરપુરા જેવા મહત્વપૂર્ણ વિસ્તારોને જોડે છે.

વડાપ્રધાનના પ્રવાસને લઈને સમગ્ર સુરત શહેરમાં કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સુરક્ષા વ્યવસ્થામાં શહેરના 6 હજારથી વધુ પોલીસ જવાનો ઉપરાંત બહારથી આવેલા 6 DCP કક્ષાના અધિકારીઓ અને SRPની 5 કંપનીઓને તૈનાત કરવામાં આવી છે.

NSG અને SPGના અધિકારીઓ તથા કમાન્ડો પણ સુરક્ષા વ્યવસ્થાની દેખરેખ રાખી રહ્યા છે. ગુરુવારે સુરત એરપોર્ટથી હજીરા સ્થિત L&T કંપની અને ઈન્ડોર સ્ટેડિયમ સુધીના રૂટ પર સુરક્ષા કાફલાનું સફળ રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું.

તંત્ર દ્વારા મુસાફરોને વૈકલ્પિક રૂટોનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે અને કાર્યક્રમ પૂર્ણ થયા બાદ બસ સેવાઓને ફરી નિયમિત કરવામાં આવશે.

આજે સુરતમાં PM મોદીના હસ્તે ₹12,421 કરોડના હાઈવે પ્રોજેક્ટ્સનું લોકાર્પણ, NH-56 બનશે વિકાસની નવી ધમની

0

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 5 જૂન, 2026 એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસના રોજ ગુજરાતમાં સુરતની મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ દક્ષિણ ગુજરાત વિસ્તારને 12,421 કરોડના રાષ્ટ્રીય ધોરીમાર્ગના પ્રકલ્પોની ભેટ આપશે. તેમના હસ્તે વડોદરા-મુંબઈ એક્સપ્રેસવેના બે પેકેજનું લોકાર્પણ કરવામાં આવશે તેમજ અન્ય ચાર મહત્વપૂર્ણ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. રાષ્ટ્રીય ધોરીમાર્ગના આ પ્રકલ્પોથી દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં કનેક્ટિવિટીમાં વધારો થશે તેમજ સ્થાનિક આર્થિક વિકાસને પણ વેગ મળશે.

વડાપ્રધાનના હસ્તે વડોદરા મુંબઈ એક્સપ્રેસવે પર 36 કિલોમીટર લાંબા કીમ-એના સેક્શન (પેકેજ VI) અને 27.50 કિલોમીટર લંબાઇના ગણદેવાથી એના સેક્શન (પેકેજ VII)નું લોકાર્પણ કરવામાં આવશે. ₹ 7689 કરોડના ખર્ચે આ બન્ને પેકેજનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ બન્ને પેકેજમાં મેજર બ્રિજ, માઇનર બ્રિજ, રેલ રોડ બ્રિજ, ફ્લાયઓવર્સ અને વ્હીકલ અંડરપાસનું વ્યાપક નેટવર્ક તૈયાર કરવામાં આવ્યું છે.

સ્થાનિકોની સગવડતા માટે બન્ને પેકેજમાં કુલ 70 અંડરપાસ અને બે ઇન્ટરચેન્જનું નિર્માણ કરવામાં આવ્યું છે. 8 લેનના માર્ગની શરૂઆત થવાથી આ વિસ્તારમાં કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે અને ઝડપી પરિવહન શક્ય બનશે. ડ્રાઇવરોની સુરક્ષા અને સગવડમાં વધારો કરવા માટે આ બન્ને પેકેજ પર કુલ સાત સુવિધાસભર રેસ્ટ એરિયા બનાવવામાં આવશે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર આ બે પેકેજ શરૂ થવાથી આગામી સમયમાં માલસામાનની અવરજવર વધુ ઝડપી બનશે અને ભારતમાલા પરિયોજનાના લક્ષ્ય અનુસાર સ્થાનિક ઉદ્યોગો માટે લૉજિસ્ટિક્સનો ખર્ચો ઘટાડવામાં મદદ મળશે.

આ ઉપરાંત, ₹4732 કરોડના ખર્ચે NHAIના અન્ય 4 પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે, જેમાં NH-56 (પેકેજ 4) ના ધમાસીયાથી બિટાડા / મોવીનું ફોર લેનિંગ, NH-56 (પેકેજ 6) ના નસરપોરથી મલોથાનું ફોર લેનિંગ, સુરત હજીરા નેશનલ હાઇવે (NH-53) પર 6 લેન VUP એટલે કે વ્હીકલ અંડરપાસ (રિલાયન્સ) અને VUP કમ ફ્લાયઓવરનો સમાવેશ થાય છે.

ગુજરાતમાં NH-56ના અપગ્રેડેશન હેઠળ ધમાસીયા–બિટાડા અને નસારપોર–મલોથા સેક્શનને ફોર-લેન બનાવવાથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી તેમજ આ વિસ્તારના આદિજાતિ જિલ્લાઓ (નર્મદા, તાપી, વલસાડ, છોટા ઉદેપુર) સુધી કનેક્ટિવિટીમાં વધારો થશે. આ ફોર લેન માર્ગો ખેડૂતો, ઉદ્યોગો અને ટ્રેડ રૂટને જોડીને સ્થાનિક વિકાસમાં યોગદાન આપશે. 107.67 કિલોમીટરની કુલ લંબાઈના આ ફોર લેન માર્ગના નિર્માણથી મુસાફરીના સમયમાં 40 મિનિટ સુધી ઘટાડો થશે અને સરેરાશ ગતિમાં 75 ટકાનો વધારો જોવા મળશે. આ ફોર લેન ફાર્મા, મેડિકલ ક્લસ્ટર તેમજ ફિશીંગ સી-ફુડ ક્લસ્ટર, આ વિસ્તારના આદિજાતિ જિલ્લાઓ અને લૉજિસ્ટિક્સ નોડ્સ (એક એરપોર્ટ, 2 રેલવે સ્ટેશન અને 2 બંદરો)ને જોડશે.

રાષ્ટ્રીય ધોરીમાર્ગ 53ના હજીરા બંદર-સુરત વિભાગ પર લગભગ ₹149 કરોડના બે મહત્વપૂર્ણ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. નવા 6-લેન ફ્લાયઓવર અને અંડરપાસનું નિર્માણ હજીરા પોર્ટ અને ઔદ્યોગિક વિસ્તારો માટે ભારે માલવાહક ટ્રાફિકની અવરોધમુક્ત અને ઝડપી અવરજવર સુનિશ્ચિત થઈ શકશે. તેનાથી દરિયાઈ વેપાર અને ઔદ્યોગિક વિકાસની સાથોસાથ સુરતના સ્થાનિક નાગરિકો માટે સલામત અને ટ્રાફિકની ભીડથી મુક્ત મુસાફરીની સુવિધા મળશે. આ ફ્લાયઓવર અને અંડરપાસના નિર્માણથી હજીરા બંદર નજીકના ભારે ઔદ્યોગિક વિસ્તારની ભીડ ઓછી થશે અને સુગમ પરિવહન સુનિશ્ચિત થશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સુરતના પ્રવાસે આવશે, ₹21 હજાર કરોડથી વધુના વિકાસ કાર્યોની આપશે ભેટ

0

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવતી કાલે શુક્રવાર 5 જૂન 2026ના રોજ સુરત અને દમણની મુલાકાતે આવે તેવી શક્યતા છે. તેમના સંભવિત આગમનને ધ્યાનમાં રાખીને શહેર ભાજપ અને વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જો કે, વડાપ્રધાન કાર્યાલય તરફથી સત્તાવાર કાર્યક્રમ હવે પછી જાહેર કરાશે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દમણમાં એરપોર્ટના ઉદ્ઘાટન સહિતની વિવિધ વિકાસલક્ષી યોજનાઓના લોકાર્પણ કાર્યક્રમોમાં હાજરી આપવા આવવાના છે.

વડાપ્રધાન દિલ્હીથી સુરત એરપોર્ટ પર આવ્યા બાદ હેલિકોપ્ટરથી દમણ જશે. સુરતમાં વડાપ્રધાનના સંભવિત કાર્યક્રમ માટે ઇન્ડોર સ્ટેડિયમને પસંદ કરવામાં આવે તેવી ચર્ચા રાજકીય અને વહીવટી વર્તુળોમાં ચાલી રહી છે. વડાપ્રધાનની મુલાકાતને લઈને ભાજપના કાર્યકરો અને વિવિધ સંગઠનોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ સુરત શહેર પોલીસ, મહાનગરપાલિકા અને અન્ય સરકારી વિભાગો દ્વારા પણ જરૂરી વ્યવસ્થાઓ અંગેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળે છે. તાજેતરમાં સુરત મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ ઐતિહાસિક જીત મેળવી છે જેમાં 120 માંથી 115 બેઠકો પર વિજય મેળવ્યો હતો.

વડાપ્રધાનના આ પ્રવાસ દરમિયાન સંઘપ્રદેશને બે સૌથી મહત્વાકાંક્ષી અને મોટા પ્રોજેક્ટ્સની ભેટ મળવાની છે, જેમાં ‘નમો મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ’ અને ‘નમો એરપોર્ટ’નું ભવ્ય લોકાર્પણ સામેલ છે. દમણમાં શરૂ થનારી આ અત્યાધુનિક નમો હોસ્પિટલ માત્ર સંઘપ્રદેશ જ નહીં, પરંતુ ગુજરાતના સરહદી જિલ્લા વલસાડ, વાપી અને મહારાષ્ટ્રના અંતરિયાળ ગામડાઓના ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે પણ આશીર્વાદરૂપ સાબિત થશે. જ્યારે નમો એરપોર્ટના કારણે પ્રદેશના પ્રવાસન અને સ્થાનિક ઉદ્યોગોને એક નવો વેગ મળશે.

સુરતમાં 200 બેડની ESIC હોસ્પિટલનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે. આ હોસ્પિટલમાં આધુનિક આરોગ્ય સુવિધાઓ, 24 કલાક ઇમરજન્સી સેવા અને ટ્રોમા કેર ઉપલબ્ધ રહેશે. આ ઉપરાંત વીજ ટ્રાન્સમિશન નેટવર્કના વિસ્તરણ, વલસાડમાં સુધારણા આધારિત વીજ વિતરણ યોજના, દહેજ PCPIR અને જંબુસર બલ્ક ડ્રગ પાર્ક જેવી અનેક મહત્વપૂર્ણ ઔદ્યોગિક અને જાહેર ઉપયોગિતાની યોજનાઓનું ઉદ્ઘાટન તથા શિલાન્યાસ થશે.

વડાપ્રધાનની સુરત મુલાકાતને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા હોવાથી સ્થાનિક વહીવટી તંત્ર, કોર્પોરેશન અને પોલીસ વિભાગ સંપૂર્ણ એક્શન મોડમાં આવી ગયા છે. સુરત શહેરમાં સુરક્ષા વ્યવસ્થાને લોખંડી બનાવવા માટે પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સતત બેઠકોનો દોર ચાલી રહ્યો છે.

પીએમ મોદીના રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત, ટ્રાફિક ડાયવર્ઝન અને પ્રોટોકોલ જાળવવા માટે વિવિધ વિભાગોને કડક સૂચનાઓ આપી દેવામાં આવી છે. તંત્ર દ્વારા આગામી 1-2 દિવસમાં પીએમ મોદીના સમગ્ર રૂટ અને મિનિટ-ટુ-મિનિટ કાર્યક્રમની સત્તાવાર જાહેરાત કરવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે. પીએમ મોદી સૌપ્રથમ દમણમાં કેન્દ્રશાસિત પ્રદેશના મહત્વકાંક્ષી એરપોર્ટ પ્રોજેક્ટ અને અન્ય વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવાના છે, જેની સીધી સકારાત્મક અસર પડોશી જિલ્લા વલસાડ અને સમગ્ર દક્ષિણ ગુજરાત પર પણ પડશે.

બંધારણના મહાન વિદ્વાન ડૉ. સુભાષ કશ્યપનું નિધન, 97 વર્ષની ઉંમરમાં લીધા અંતિમ શ્વાસ

0

ભારતીય બંધારણ, સંસદીય પરંપરાઓ અને લોકશાહી સંસ્થાઓના પ્રખ્યાત વિદ્વાન ડૉ. સુભાષ સી. કશ્યપનું 97 વર્ષની વયે તેમના નિવાસસ્થાને અવસાન થયું છે. મળતી માહિતી અનુસાર, તેમનું મૃત્યુ કાર્ડિયો-પલ્મોનરી અરેસ્ટ (હૃદયરોગના હુમલા)ના કારણે થયું છે. ડૉ. કશ્યપ દેશના અગ્રણી બંધારણીય નિષ્ણાત, રાજકીય વિશ્લેષક અને સંસદીય બાબતોના અગ્રગણ્ય એક્સપર્ટ હતા. તેમના નિધનથી દેશના રાજકીય, સંસદીય અને શૈક્ષણિક જગતમાં શોકની લહેર છે.

10 મે, 1929ના રોજ જન્મેલા ડૉ. સુભાષ કશ્યપે ભારતીય સંસદ સાથે જોડાયેલી અનેક મહત્ત્વપૂર્ણ જવાબદારીઓ ખૂબ જ નિષ્ઠાપૂર્વક નિભાવી હતી. તેમણે વર્ષ 1953માં સંસદ સચિવાલયથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને લગભગ 37 વર્ષ સુધી સીધા સંસદ સાથે જોડાયેલા રહ્યા હતા. તેઓ વર્ષ 1984થી 1990 દરમિયાન 7મી, 8મી અને 9મી લોકસભાના મહાસચિવ (સેક્રેટરી જનરલ) રહ્યા હતા. આ ત્રણેય લોકસભાના કાર્યકાળ દરમિયાન સંસદીય કામકાજના સંચાલનમાં અને સંસદીય સંસ્થાઓને મજબૂત બનાવવામાં તેમણે અજોડ ભૂમિકા ભજવી હતી. વૈશ્વિક સ્તરે પણ તેમણે જિનીવા સ્થિત ઇન્ટરનેશનલ સેન્ટર ફોર પાર્લામેન્ટ્રી ડોક્યુમેન્ટેશન (IPU)નું નેતૃત્વ કર્યું હતું.

ડૉ. સુભાષ કશ્યપ ભારતીય બંધારણ અને સંસદીય પ્રક્રિયાઓના એટલા મોટા જ્ઞાની હતા કે તેમણે પોતાના જીવનકાળ દરમિયાન 100થી વધુ પુસ્તકો અને 500થી વધારે રિસર્ચ પેપર્સ લખ્યા હતા. તેઓ ભારત સરકાર માટે પંચાયતી રાજ કાયદા અને સંસ્થાઓના માનદ બંધારણીય સલાહકાર પણ રહી ચૂક્યા હતા. આ ઉપરાંત, તેઓ લાંબા સમય સુધી ભારતીય રાષ્ટ્રીય બાર એસોસિએશન (INBA)ના પ્રમુખ તરીકે પણ કાર્યરત રહ્યા હતા. જાહેર બાબતો અને દેશના બંધારણીય માળખાને મજબૂત કરવામાં આપેલા અમૂલ્ય યોગદાન બદલ ભારત સરકાર દ્વારા વર્ષ 2015માં તેમને દેશના પ્રતિષ્ઠિત નાગરિક સન્માન ‘પદ્મ ભૂષણ’થી નવાજવામાં આવ્યા હતા.

પોતાના જીવનના અંતિમ વર્ષોમાં પણ તેઓ નવી દિલ્હી સ્થિત ‘સેન્ટર ફોર પોલિસી રિસર્ચ’ (CPR)માં માનદ સંશોધન પ્રોફેસર તરીકે સેવા આપી રહ્યા હતા. ડૉ. કશ્યપ બંધારણના કામકાજની સમીક્ષા માટે રચાયેલા રાષ્ટ્રીય આયોગના સભ્ય હતા અને તેની ડ્રાફ્ટિંગ તેમજ એડિટોરિયલ (સંપાદકીય) સમિતિના અધ્યક્ષ પણ રહ્યા હતા. એટલું જ નહીં, દેશમાં ચર્ચાસ્પદ બનેલા ‘વન નેશન, વન ઇલેક્શન’ (એક દેશ, એક ચૂંટણી)ની સંભાવનાઓ પર વિચાર કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા જે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી હતી, તેના મુખ્ય સભ્યોમાં પણ તેમનો સમાવેશ થતો હતો. બંધારણીય બાબતો, કાયદાકીય વિષયો અને સંસદીય પરંપરાઓમાં તેમનું પ્રદાન દેશ હંમેશા યાદ રાખશે.

દેશમાં ચોમાસાની એન્ટ્રી સાથે હવામાન વિભાગનું એલર્ટ, 19 રાજ્યોમાં આંધી-વરસાદનું એલર્ટ

0

દેશમાં હવે ચોમાસાના આગમન સાથે હવામાન વિભાગે તાજું એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આવતીકાલે એટલે કે 5 જૂને ઉત્તર પ્રદેશ, બિહાર સહિત 19 રાજ્યોમાં ભારે વરસાદ અને આંધીની ચેતવણી આપવામાં આવી છે. વરસાદ સાથે 70 થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાવાની સંભાવના છે. સૌથી વધુ મુશ્કેલીઓ પૂર્વીય રાજ્યોમાં વધવાની શક્યતા છે. અહીં આંધી, વીજળી અને વજ્રપાત કહેર વરસાવી શકે છે.

પહાડી વિસ્તારોમાં કરા પડવાની શક્યતા
પહાડી રાજ્યોના કેટલાક જિલ્લાઓમાં મોટા કદના કરા પડવાની ચેતવણી આપવામાં આવી છે. પશ્ચિમી વિક્ષેપ હાલમાં પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને આસપાસના વિસ્તારોમાં નીચલા તથા મધ્ય ક્ષોભમંડળ સ્તરે ચક્રવાતી પરિભ્રમણ તરીકે સક્રિય છે. આ ઉપરાંત પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર અને તેની આસપાસના કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ઉપરવાસીય ચક્રવાતી પરિભ્રમણ સર્જાયું છે. ચાલો જાણીએ કે 5 જૂને દેશના વિવિધ રાજ્યોમાં હવામાન કેવું રહેશે.

19 રાજ્યોમાં વરસાદ અને આંધીનું એલર્ટ: હવામાન વિભાગ અનુસાર 5 જૂને ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી, રાજસ્થાન, હરિયાણા, ઉત્તરાખંડ, પંજાબ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, ઝારખંડ, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, કેરળ, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક અને આસામમાં ભારે વરસાદ અને આંધીની ચેતવણી આપવામાં આવી છે. આ દરમિયાન 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. પૂર્વીય રાજ્યોના અનેક જિલ્લાઓમાં કરા પડવાની પણ શક્યતા છે.

દિલ્હી (5 જૂન – વરસાદ અને આંધીની ચેતવણી): હવામાન વિભાગના અનુમાન મુજબ દિલ્હીમાં 5 જૂને ભારે વરસાદ અને આંધીનું એલર્ટ જાહેર કરાયું છે. પવનની ઝડપ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાક રહી શકે છે. દિલ્હીમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે.

ઉત્તર પ્રદેશ (5 જૂન – ભારે વરસાદ અને આંધીનું એલર્ટ): મેરઠ, મુઝફ્ફરનગર, આગ્રા, મથુરા, લખનૌ, કાનપુર, બિજનૌર, બરેલી, હરદોઈ, ફર્રુખાબાદ, સીતાપુર, શાહજહાંપુર, બદાયૂં, રામપુર, પીલીભીત, બારાબંકી, ઉન્નાવ, કન્નૌજ, ફિરોઝાબાદ અને ઔરૈયામાં ભારે વરસાદ અને આંધીની ચેતવણી આપવામાં આવી છે. આ દરમિયાન 70 થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાઈ શકે છે. લખનૌમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે.

બિહાર (5-6 જૂન – ભારે વરસાદ અને આંધીની ચેતવણી): પટના, ગયા, બક્સર, સીવાન, સારણ, ભોજપુર, વૈશાલી, મુઝફ્ફરપુર, સમસ્તીપુર, દરભંગા, મધુબની, પૂર્ણિયા, કિશનગંજ, કટિહાર, ભાગલપુર, મુંગેર, ખગડિયા અને અરરિયામાં ભારે વરસાદ અને આંધીની ચેતવણી આપવામાં આવી છે. 70 થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આંધી ફૂંકાવાની સંભાવના છે. પટનામાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ રહેશે.

ઝારખંડ (5-7 જૂન – ભારે વરસાદ અને તોફાનનું એલર્ટ): રાંચી, સાહેબગંજ, દુમકા, જામતાડા, ધનબાદ, ગિરિડીહ, બોકારો, સરાઈકેલા, પાલામૂ, પશ્ચિમ સિંહભૂમ અને પૂર્વી સિંહભૂમમાં વરસાદ અને આંધીની ચેતવણી આપવામાં આવી છે. 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. કેટલાક જિલ્લાઓમાં કરા પડવાની પણ શક્યતા છે. રાંચીમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ રહેશે.

ઉત્તરાખંડ (5-6 જૂન – વરસાદ અને આંધીની ચેતવણી): બાગેશ્વર, અલ્મોડા, ચંપાવત, નૈનીતાલ, દેહરાદૂન, પિથોરાગઢ, ચમોલી, હરિદ્વાર, રુદ્રપ્રયાગ અને ઋષિકેશમાં ભારે વરસાદ અને આંધીની ચેતવણી આપવામાં આવી છે. આ દરમિયાન 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. દેહરાદૂનમાં મહત્તમ તાપમાન 31 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી સેલ્સિયસ રહેશે.

હિમાચલ પ્રદેશ (5-6 જૂન – વરસાદ અને તોફાનનું એલર્ટ): મંડી, કુલ્લુ, શિમલા, સોલન, બિલાસપુર, લાહૌલ-સ્પીતી, ચંબા અને કાંગડામાં ભારે વરસાદ અને આંધીની ચેતવણી આપવામાં આવી છે. 70 થી 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. મનાલીમાં મહત્તમ તાપમાન 10 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 3 ડિગ્રી સેલ્સિયસ રહેશે.

શહેરમહત્તમ તાપમાન (5 જૂન)ન્યૂનતમ તાપમાન (5 જૂન)
દિલ્હી37°સે27°સે
મુંબઈ33°સે.32°સે
ચેન્નાઈ37°સે29°સે
કોલકાતા37°સે28°સે
લખનૌ39°સે30°સે
પટના39°સે27°સે
રાંચી36°સે26°સે
ભોપાલ35°સે26°સે
જયપુર36°સે26°સે
શિમલા25°સે17°સે.
નૈનિતાલ27°સે20°C

આવતીકાલે પશ્ચિમ બંગાળમાં હવામાન કેવું રહેશે?

જમ્મુ-કાશ્મીર (5-7 જૂન – ભારે વરસાદ અને આંધીની શક્યતા): અનંતનાગ, ડોડા, જમ્મુ, પૂંછ, બારામુલા, ગાંદરબલ, ઉધમપુર, કિશ્તવાડ, રિયાસી અને કઠુઆમાં ભારે વરસાદ અને આંધીની ચેતવણી આપવામાં આવી છે. શ્રીનગરમાં મહત્તમ તાપમાન 22 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી સેલ્સિયસ રહેશે.

પશ્ચિમ બંગાળ (5-7 જૂન – ભારે વરસાદ અને આંધીની ચેતવણી): અલીપુરદ્વાર, જલપાઈગુડી, બાંકુરા, બિરભૂમ, દુર્ગાપુર, માલદા, કૂચબિહાર, મુર્શિદાબાદ અને કાલિમ્પોંગમાં ભારે વરસાદની આગાહી છે. 60 થી 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. કોલકાતામાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ રહેશે.

પંજાબ (5-6 જૂન – ભારે વરસાદ અને તોફાનનું એલર્ટ): સંગરુર, પટિયાલા, લુધિયાણા, બઠિંડા, પઠાણકોટ, અમૃતસર, બરનાલા, માનસા, ગુરદાસપુર, હોશિયારપુર, જલંધર અને એસ.એ.એસ.નગરમાં ભારે વરસાદ અને આંધીની ચેતવણી આપવામાં આવી છે.

રાજસ્થાન (5-7 જૂન – ભારે વરસાદ અને આંધીનું એલર્ટ): હનુમાનગઢ, ચુરુ, જયપુર, ઝુંઝુનૂ, દૌસા, ભરતપુર, અજમેર, કરૌલી, નાગૌર, પાળી અને ચિત્તોડગઢમાં ભારે વરસાદ અને આંધીની ચેતવણી આપવામાં આવી છે. 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જયપુરમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ રહેશે.

મધ્ય પ્રદેશ (5-6 જૂન – ભારે વરસાદ અને તોફાનની શક્યતા): ભોપાલ, શિવપુરી, સાગર, દમોહ, વિદિશા, ખંડવા, હોશંગાબાદ, રાયસેન, અશોકનગર, મંદસૌર, નીમચ, આગર-માલવા, કટની અને ઇન્દોરમાં ભારે વરસાદની આગાહી છે. 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ભોપાલમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ રહેશે.

આસામ (5-6 જૂન – ભારે વરસાદ અને તોફાનનું એલર્ટ): ગૌહાટી, બરપેટા, માજુલી, ધુબરી, હોજાઈ, જોરહાટ, ડિબ્રૂગઢ, કોકરાઝાર, લખીમપુર અને હૈલાકાંડીમાં ભારે વરસાદ અને તોફાનની ચેતવણી આપવામાં આવી છે. 70 થી 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આંધી ફૂંકાઈ શકે છે.

કેરળ (5-7 જૂન – ચોમાસાના ભારે વરસાદની ચેતવણી): કોઝિકોડ, ઇડુક્કી, મલપ્પુરમ, વાયનાડ, કન્નૂર, એર્નાકુલમ, કાસરગોડ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ અને તોફાનની આગાહી કરવામાં આવી છે. 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.

તમિલનાડુ (5-6 જૂન – ભારે વરસાદની ચેતવણી): નીલગિરી, રાણીપેટ, ચેન્નાઈ, કન્યાકુમારી, કોયમ્બતુર, કાંચીપુરમ, ચેંગલપટ્ટુ, ધર્મપુરી, મદુરાઈ, નામક્કલ અને નાગપટ્ટિનમમાં ભારે વરસાદ અને આંધીની ચેતવણી આપવામાં આવી છે. 60 થી 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.

ઝારખંડના રાજહરા સ્ટેશન પાસે માલગાડીના 8 ડબ્બા પાટા પરથી ઉતર્યા, અનેક ટ્રેનો પ્રભાવિત

0

ઝારખંડના પલામૂ જિલ્લામાં આવેલા રાજહરા રેલવે સ્ટેશન નજીક ગુરુવારે એક મોટો રેલ અકસ્માત સર્જાયો હતો. કોલસાથી ભરેલી એક માલગાડીના આઠ ડબ્બા પાટા પરથી ઉતરી જતા અપ લાઇન પર રેલવે ટ્રાફિક સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો અને ટ્રેન વ્યવહાર ઠપ થઈ ગયો હતો.

રાહત અને બચાવ કામગીરી શરૂ
ઘટનાની જાણ થતાં જ રેલવે તંત્ર હરકતમાં આવ્યું હતું અને તાત્કાલિક રાહત તથા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. વરિષ્ઠ રેલવે અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. રેલવેના હાજીપુર ઝોનને પણ સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવી છે.

અનેક ટ્રેનો રદ અને રૂટ ડાયવર્ટ થવાની શક્યતા
અધિકારીઓ દ્વારા ઘટનાસ્થળે પહોંચીને નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. ત્યારબાદ ટ્રેનોને ડાયવર્ટ કરવા કે કેટલીક ટ્રેનો રદ કરવા અંગે નિર્ણય લેવામાં આવશે.

ટોરીથી મુગલસરાય જઈ રહી હતી માલગાડી
મળતી માહિતી મુજબ, કોલસાથી ભરેલી માલગાડી ટોરીથી મુગલસરાય તરફ જઈ રહી હતી. તે દરમિયાન રાજહરા રેલવે સ્ટેશન નજીક માલગાડીના આઠથી દસ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ ઘટનાના કારણે સમગ્ર રેલવે વ્યવહાર પર ગંભીર અસર પડી છે. માલગાડીના ડબ્બા પાટા પરથી ઉતરતા અનેક ટ્રેનોનું સંચાલન પ્રભાવિત થયું છે. અનેક માલગાડીઓ અને મુસાફર ટ્રેનોને અલગ-અલગ રેલવે સ્ટેશનો પર રોકી દેવામાં આવી છે.

મહત્વના ઔદ્યોગિક રેલવે રૂટ પર અસર
રાજહરા રેલવે સ્ટેશન ધનબાદ રેલવે ડિવિઝન હેઠળ આવે છે અને આ વિસ્તાર સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ કોરિડોરનો મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે. માલગાડી અકસ્માતને કારણે આ રૂટ પર ટ્રેનોની અવરજવર અટકી ગઈ છે. રાજહરા રેલવે સ્ટેશન પરથી દરરોજ આશરે 100થી 110 મુસાફર અને માલગાડીઓ પસાર થાય છે, જેમાં લગભગ ત્રણ ડઝન જેટલી પેસેન્જર ટ્રેનોનો સમાવેશ થાય છે. આ અકસ્માતના કારણે હજારો મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

માલવીય નગર અગ્નિકાંડ: 21 મોત બાદ ચોંકાવનારા ખુલાસા, 30 પાસપોર્ટ અને ડઝનો ફોન મળ્યા

0

રાજધાની દિલ્હીના માલવીય નગર સ્થિત એક ગેસ્ટ હાઉસમાં એક દિવસ અગાઉ લાગેલી ભીષણ આગની તપાસ દરમિયાન સુરક્ષા વ્યવસ્થાની અનેક ગંભીર ખામીઓ સામે આવી છે. આ દુર્ઘટનામાં 21 લોકોના મોત થયા હતા. ગુરુવારે સૂત્રોએ જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસ મુજબ મોટાભાગના લોકોના મોત આગમાં દાઝવાથી નહીં પરંતુ ગૂંગળામણ અને ધુમાડાના કારણે થયા હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ઘટના બાદ પોલીસે ગેસ્ટ હાઉસના દરેક રૂમની તલાશી લીધી હતી અને ત્યાંથી આશરે 50થી 60 મોબાઇલ ફોન જપ્ત કર્યા હતા. તલાશી દરમિયાન લગભગ 30 પાસપોર્ટ પણ મળી આવ્યા હતા. સૂત્રોએ જણાવ્યું કે આગ પર કાબૂ મેળવ્યા બાદ પણ ગેસ્ટ હાઉસના રૂમ લાંબા સમય સુધી અત્યંત ગરમ રહ્યા હતા, જે આગની તીવ્રતા અને ઈમારતની અંદર ગરમી તથા ધુમાડાની ગંભીર અસર દર્શાવે છે.

તપાસકર્તાઓએ અત્યાર સુધીમાં પાંચ મૃતકોની ઓળખ કરી લીધી છે, જ્યારે બાકીના મૃતકોની ઓળખ પ્રક્રિયા હજુ પણ ચાલુ છે. તમામ મૃતદેહોના પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યા છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, મૃતકોના શરીર પર ગંભીર દાઝવાના નિશાન જોવા મળ્યા નહોતા. પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે મોટાભાગના લોકોના મોત ગૂંગળામણ અને ઝેરી ધુમાડાના સંપર્કમાં આવવાથી થયા હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ગેસ્ટ હાઉસમાં રોકાયેલા મોટાભાગના વિદેશી નાગરિકો મેડિકલ વિઝા પર ભારતમાં આવ્યા હતા. દર મહિને આશરે 80 જેટલા વિદેશી નાગરિકો આ ગેસ્ટ હાઉસમાં રોકાતા હતા. નિયમો અનુસાર વિદેશી મહેમાનો માટે C-ફોર્મ નિયમિત રીતે ભરવામાં આવતું હતું અને તેને ફોરેન રિજનલ રજિસ્ટ્રેશન ઓફિસ (FRRO)માં જમા કરાવવામાં આવતું હતું. ત્યારબાદ તેમની વિગતો દિલ્હી પોલીસની સિસ્ટમમાં પણ નોંધવામાં આવતી હતી.

તપાસ દરમિયાન અધિકારીઓને ઈમારતની સુરક્ષા વ્યવસ્થામાં અનેક ગંભીર ખામીઓ પણ મળી આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈમારતની બારીઓ અને કાચની પેનલો સંપૂર્ણપણે સીલ કરેલી હતી, જેના કારણે ધુમાડો બહાર નીકળવાનો કોઈ રસ્તો નહોતો.

તપાસકર્તાઓએ વધુમાં જાણવા મળ્યું કે ઈમારતના બેઝમેન્ટનો પ્રવેશદ્વાર બંધ હતો. બેઝમેન્ટનો દરવાજો ખોલવામાં આશરે 10 મિનિટનો સમય લાગ્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ, બેઝમેન્ટનો દરવાજો અંદરથી બંધ હતો અને બાદમાં ત્યાંથી 6થી 7 લોકોને જીવતા બચાવવામાં આવ્યા હતા.

આ પ્રાથમિક તપાસમાં સામે આવેલી ગંભીર બેદરકારી અને સુરક્ષા ખામીઓએ અગ્નિકાંડને વધુ ભયાનક બનાવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. તપાસ એજન્સીઓ સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

100 તોલા સોનું અને કરોડોની ભેટો છતાં દુઃખદ અંત, વકીલ યુવતીના આપઘાતથી ખળભળાટ

0

વકીલ કવિતા નાગાર્જૂનના લગ્નના ખાલી 3 મહિનાની અંદર થયેલા મોતને લઈ વિવાદ ઊભો થઈ ગયો છે. મૃતકના પિતા દક્ષિણમૂર્તિએ જબલપુર જિલ્લા કોર્ટમાં ફરિયાદ દાખલ કરી આરોપ લગાવ્યો છે કે તેમની દીકરીનું મોત પ્રાકૃતિક નહીં પણ દહેજ પ્રતાડના અને કાવતરાથી કરેલી હત્યાનું પરિણામ છે. ફરિયાદમાં પતિ મેજર ઓમ નાગાર્જૂન, સસરા અને અન્ય સાસરિયા પક્ષના સભ્યો પર ગંભીર આરોપ લગાવ્યા છે. પિતાનું કહેવું છે કે પોલીસને ફરિયાદ આપવા છતાં FIR નોંધી નથી. જે બાદ તેમને કોર્ટમાં આવવું પડ્યું.

ફરિયાદમાં જણાવ્યા અનુસાર લગ્નના સમયે સાસરિયા પક્ષની માગ પર લગભગ 100 તોલા સોનું, 3 કરોડ રૂૂપિયા રોકડા, 20 લાખ રૂૂપિયાનો હીરાનો હાર, એક XUV-700 કાર અને લગભગ 12 લાખ રૂૂપિયાનો ઘરેલૂ સામાન આપવામાં આવ્યો હતો. તેમ છતાં પણ દહેજની માગ પૂરી જ ન થઈ. આરોપ છે કે સેનામાંથી કર્નલના પદથી નિવૃત સસરાએ હોસ્પિટલ ખોલવા માટે 50 લાખ રૂૂપિયાની માગ કરી, જેને પણ અમે પૂરી કરી. તેમ છતાં કવિતાને સતત હેરાન કરતા અને લગ્ન બાદ વધારાના 2 કરોડ રૂૂપિયાની માગ કરવા લાગ્યા. પરિવારનો આરોપ છે કે દહેજની સાથે સાથે તેની શારીરિક બનાવટને લઈ પણ તેને અપમાન કરતા હતા.

મૃતકના પિતાએ ફરિયાદમાં દાવો કર્યો કે કવિતાના માથા પર બે ગંભીર ઈજાના નિશાન હતા અને તેમાંથી એક ઈજા તો પ્રાણઘાતક હતી. તેમણે આરોપ લગાવ્યો કે ઘટનાના દિવસે મેજર ઓમ નાગાર્જૂન કવિતાને જબલપુરની જેએકે આરઆરસી મેસમાંથી સવારના લગભગ 10 વાગે લઈને નીકળ્યા હતા. પણ થોડી જ મિનિટોના અંતરે આવેલી સૈન્ય હોસ્પિટલમાં પહોંચવામાં તેમને લગભગ 3 કલાક જેવો સમય લાગ્યો. પરિવારે આરોપ લગાવ્યો છે કે આ દરમ્યાન કવિતા સાથે મારપીટ કરવામાં આવી હતી અને બાદમાં તેને બેભાન અવસ્થામાં હોસ્પિટલમાં પહોંચાડી કાર્ડિયક અરેસ્ટ ગણાવવાનો પ્રયાસ કર્યો હતો.

પરિવારે કાર્ડિયક અરેસ્ટની થ્યોરી પર પણ સવાલો ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે 25 એપ્રિલ 2025ના રોજ ચેન્નાઈની રાજીવ ગાંધી નેશનલ મેડિકલ હોસ્પિટલમાં કવિતાના વિસ્તૃત સ્વાસ્થ્ય પરિક્ષણ કરાવ્યું હતું, જેમાં હૃદય સંબંધિત કોઈ સમસ્યા જોવા મળી નથી. આવા સમયે લગભગ દોઢ મહિના બાદ અચાનક કાર્ડિયક અરેસ્ટથી મોત થવાનો દાવો શંકાસ્પદ લાગ્યો. પિતાએ કોર્ટ પાસે આ કેસમાં નિષ્પક્ષ તપાસની માગ કરી આરોપીઓ વિરુદ્ધ કડકમાં કડક સજાની માગ કરી છે. વળી મામલામાં લગાવેલા તમામ આરોપ પરિવારમાં વર્ણવેલા તથ્યો પર આધારિત છે, જેની પુષ્ટિ તપાસ અને ન્યાયિક પ્રક્રિયા બાદ જ થઈ શકશે.