Home Blog Page 40

ટેલિગ્રામ પર સરકારની મોટી કાર્યવાહી! પાયરેટેડ ફિલ્મો-વેબ સિરીઝ પર તાત્કાલિક પ્રતિબંધ

0

દેશમાં વધતી ડિજિટલ પાયરસી સામે કેન્દ્ર સરકારે કડક વલણ અપનાવ્યું છે. માહિતી અને પ્રસારણ મંત્રાલય (I&B Ministry)એ Telegramને નોટિસ ફટકારીને તેના પ્લેટફોર્મ પરથી પાયરેટેડ ફિલ્મો, વેબ સિરીઝ અને OTT કન્ટેન્ટને તાત્કાલિક દૂર કરવા માટે આદેશ આપ્યો છે. સાથે જ આગામી 15 દિવસમાં કરવામાં આવેલી કાર્યવાહીનો વિગતવાર અહેવાલ પણ સરકાર સમક્ષ રજૂ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

સરકારના આ પગલાને ફિલ્મ ઉદ્યોગ અને OTT પ્લેટફોર્મ માટે મહત્ત્વપૂર્ણ રાહત તરીકે જોવામાં આવી રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં નવી ફિલ્મો અને વેબ સિરીઝ રિલીઝ થયાના કલાકોમાં જ ટેલિગ્રામ સહિત વિવિધ ઓનલાઈન પ્લેટફોર્મ પર ગેરકાયદેસર રીતે શેર થવા લાગી છે, જેના કારણે નિર્માતાઓ અને કન્ટેન્ટ સર્જકોને કરોડો રૂપિયાનું નુકસાન સહન કરવું પડે છે.

OTT પ્લેટફોર્મની ફરિયાદો બાદ સરકાર હરકતમાં
મંત્રાલયને અનેક OTT પ્લેટફોર્મ અને કન્ટેન્ટ માલિકો તરફથી સતત ફરિયાદો મળી રહી હતી કે ટેલિગ્રામ પર તેમની મંજૂરી વગર ફિલ્મો અને વેબ સિરીઝ શેર કરવામાં આવી રહી છે. આ ફરિયાદોના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી.

તપાસ દરમિયાન સરકારે આશરે 3,142 ટેલિગ્રામ ચેનલોની ઓળખ કરી છે, જ્યાં કથિત રીતે પાયરેટેડ ફિલ્મો અને OTT કન્ટેન્ટનું વિતરણ કરવામાં આવતું હતું. આ જ કારણસર ટેલિગ્રામને સત્તાવાર નોટિસ પાઠવવામાં આવી છે.

IT Act હેઠળ નોટિસ તમામ ગેરકાયદેસર કન્ટેન્ટ હટાવવાનો આદેશ
સરકારે આ કાર્યવાહી Information Technology Act, 2000 હેઠળ કરી છે. નોટિસમાં સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે પ્લેટફોર્મ પર ઉપલબ્ધ તમામ ગેરકાયદેસર કન્ટેન્ટને તાત્કાલિક દૂર કરવામાં આવે અને ભવિષ્યમાં આવી પ્રવૃત્તિ અટકાવવા માટે વધુ કડક વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવે. આ ઉપરાંત 2021ના IT Rules મુજબ, કોઈપણ ઓનલાઈન પ્લેટફોર્મને સરકાર અથવા કોર્ટના આદેશ બાદ ગેરકાયદેસર કન્ટેન્ટ દૂર કરવું ફરજિયાત છે.

ફિલ્મ અને ડિજિટલ ઇન્ડસ્ટ્રીને મોટું આર્થિક નુકસાન
પાયરેટેડ કન્ટેન્ટના કારણે ભારતીય ફિલ્મ ઉદ્યોગ અને OTT પ્લેટફોર્મને દર વર્ષે મોટું આર્થિક નુકસાન થાય છે. ફિલ્મ અથવા વેબ સિરીઝ રિલીઝ થતાં જ તેની ગેરકાયદેસર નકલો સોશિયલ મીડિયા અને મેસેજિંગ એપ્સ પર વાયરલ થઈ જાય છે. પરિણામે સિનેમા, OTT સબ્સ્ક્રિપ્શન અને અધિકૃત સ્ટ્રીમિંગમાંથી થતી આવક પર સીધી અસર પડે છે. સરકારનું માનવું છે કે પાયરસી પર નિયંત્રણ લાવવાથી કન્ટેન્ટ સર્જકો, ફિલ્મ નિર્માતાઓ અને ડિજિટલ એન્ટરટેઇનમેન્ટ ઉદ્યોગને યોગ્ય ન્યાય મળશે.

યુઝરનેમ ફીચર પર પણ સરકારની નજર
પાયરસી ઉપરાંત સરકાર હવે મેસેજિંગ એપ્સના યુઝરનેમ ફીચરની પણ તપાસ કરી રહી છે. Ministry of Electronics and Information Technologyએ Telegram અને Signalને નોટિસ મોકલીને યુઝરનેમ સિસ્ટમ અંગે માહિતી માંગી છે.

સરકારને આશંકા છે કે યુઝરનેમ ફીચરનો ઉપયોગ ઓળખ ચોરી, ફેક એકાઉન્ટ બનાવવા અને ઓનલાઈન છેતરપિંડી જેવી પ્રવૃત્તિઓ માટે થઈ શકે છે. અગાઉ WhatsAppના સમાન ફીચરને લઈને પણ આવી જ ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી હતી.

કંપનીઓ પાસેથી માંગ્યો સુરક્ષા વ્યવસ્થાનો જવાબ
સરકારે મેસેજિંગ એપ્સને પૂછ્યું છે કે તેઓ યુઝરનેમ સિસ્ટમમાં કયા પ્રકારના સુરક્ષા ઉપાયો અપનાવે છે અને દુરુપયોગ રોકવા માટે કયા મિકેનિઝમ કાર્યરત છે. આગામી દિવસોમાં સરકાર તરફથી ઓનલાઈન પાયરસી અને ડિજિટલ સુરક્ષાને લઈને વધુ કડક નિયમો જાહેર થઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સરકારનો સ્પષ્ટ સંદેશ
કેન્દ્ર સરકારનું કહેવું છે કે ડિજિટલ પાયરસી સામે હવે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવશે. ગેરકાયદેસર રીતે ફિલ્મો, વેબ સિરીઝ અને OTT કન્ટેન્ટ શેર કરનારા પ્લેટફોર્મ તેમજ સંબંધિત ચેનલો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે, જેથી કન્ટેન્ટ સર્જકોના હકોનું રક્ષણ થઈ શકે.

સૌરાષ્ટ્રવાસીઓ માટે ખુશખબર: વેરાવળથી હરિદ્વાર સ્પેશિયલ ટ્રેન દોડશે

0

વેરાવળ: ગુજરાતથી દેવભૂમિ ઉત્તરાખંડની મુસાફરી કરનાર રેલવેના મુસાફરો માટે એક મહત્વના સમાચાર છે. હવે ગુજરાતથી હરિદ્વારની યાત્રા કરવા માટે રેલ સેવાનો લાભ મળી રહેવાનો છે. પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ દ્વારા વેરાવળથી હરિદ્વાર માટેની સ્પેશિયલ ટ્રેનની જાહેરાત કરવામાં આવી છે.

મળતી વિગતો અનુસાર, પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને જુલાઈ 2026માં વેરાવળ અને હરિદ્વાર વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન ચલાવવાની જાહેરાત કરવામાં આવી છે. ટ્રેન નંબર 09203 વેરાવળ-હરિદ્વાર જુલાઈ મહિનાની 7, 14 મ 21 અને 28 તારીખે દર મંગળવારે સાંજે 16:05 કલાકે વેરાવળથી ઉપડશે. તેવી જ રીતે, વળતી મુસાફરી માટે ટ્રેન નંબર 09204 હરિદ્વાર-વેરાવળ જુલાઈ મહિનાની 8, 15, 22 અને 29 તારીખે (દર બુધવારે) રાત્રે 21:30 કલાકે હરિદ્વારથી ઉપડશે.

આ વિશેષ ટ્રેનમાં મુસાફરો માટે સેકન્ડ કમ થર્ડ એસી, સ્લીપર અને જનરલ કોચની સુવિધા ઉપલબ્ધ રહેશે. મુસાફરી દરમિયાન આ ટ્રેન બંને દિશામાં જૂનાગઢ, જેતલસર, ઢસા, ધોળા, બોટાદ, ધંધુકા, ધોળકા, ગાંધીગ્રામ, મહેસાણા, પાલનપુર, આબુરોડ, અજમેર, રેવાડી, દિલ્હી, ગાઝિયાબાદ, મેરઠ અને રૂરકી સહિતના અન્ય મુખ્ય સ્ટેશનો પર રોકાણ કરશે. ટ્રેન નંબર 09203 વેરાવળ-હરિદ્વાર માટેનું એડવાન્સ બુકિંગ આજથી રોજથી શરૂ કરી દેવામાં આવ્યું છે.

આ ઉપરાંત હવે અમદાવાદથી દેવભૂમિ ઉત્તરાખંડમાં જનારા મુસાફરોને વધુ એક સેવાનો લાભ મળી રહેશે અને તે પણ હવે આધુનિક અને અપગ્રેડ કરેલા ‘અમૃત ભારત’ ટ્રેન સેવાનો લાભ મળી રહેશે. કારણ કે પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળ દ્વારા મુસાફરોની સુવિધા અને ભારે માંગને ધ્યાનમાં રાખીને સાબરમતી-હરિદ્વાર સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવવાનો એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ ટ્રેન હવે આધુનિક અને અપગ્રેડ કરેલા ‘અમૃત ભારત’ રેક (Amrit Bharat Rake) સાથે દોડશે, જેમાં સ્લીપર ક્લાસ (Sleeper Class) અને જનરલ ક્લાસ (General Class) કોચની સુવિધા ઉપલબ્ધ રહેશે. ટ્રેન નંબર 09425 સાબરમતી-હરિદ્વાર સ્પેશિયલના ફેરા 27 જુલાઈ 2026 સુધી લંબાવવામાં આવ્યા છે, જે 6 જુલાઈથી 27 જુલાઈ 2026 દરમિયાન અમૃત ભારત રેક સાથે ચાલશે. જ્યારે પરત ફરતા સમયે ટ્રેન નંબર 09426 હરિદ્વાર-સાબરમતી સ્પેશિયલના ફેરા 28 જુલાઈ 2026 સુધી લંબાવવામાં આવ્યા છે, જે 7 જુલાઈથી 28 જુલાઈ 2026 સુધી અમૃત ભારત રેક સાથે સેવા આપશે.

સતત છઠ્ઠા દિવસે ‘Welcome To The Jungle’નો દબદબો, 10 ફિલ્મોને છોડી પાછળ

અક્ષય કુમારની ફિલ્મ “વેલકમ ટુ ધ જંગલ” ને આજે હજુ એક દિવસ બાકી છે. ફિલ્મ સારી કમાણી કરી શકે છે, કારણ કે સપ્તાહના દિવસોમાં ઓછા લોકો થિયેટરોમાં જાય છે, તેથી કોઈને ખબર નથી કે કમાણી કેટલી વધશે. મંગળવારે ફિલ્મની કમાણીમાં વધારો થયો હતો, જ્યારે બુધવારે છઠ્ઠા દિવસે કમાણીમાં 35.1 ટકાનો ઘટાડો થયો હતો. અક્ષય કુમારની ફિલ્મે છઠ્ઠા દિવસે ભારતીય બોક્સ ઓફિસ પર રૂ. 6 કરોડ (આશરે 1.6 બિલિયન ડોલર)ની કમાણી કરી હતી.

જે અગાઉના દિવસે રૂ. 9.25 કરોડ (આશરે 1.9 બિલિયન ડોલર) હતી. કુલ શોની સંખ્યા 9,851 હતી, જેમાં 15% ઓક્યુપન્સી હતી. આ સાથે, અક્ષય કુમારની “વેલકમ ટુ ધ જંગલ” એ ભારતમાંથી રૂ. 87.50 કરોડ (આશરે 1.8 બિલિયન ડોલર)ની કમાણી કરી છે. એવી અપેક્ષા છે કે આગામી સપ્તાહના અંતે, ફિલ્મ ફક્ત ભારતમાંથી રૂ.100 કરોડ (આશરે 1.0 બિલિયન ડોલર)ની કમાણી કરશે.

હવે, SACNILCનો એક રિપોર્ટ પણ બહાર પાડવામાં આવ્યો છે, જે મુજબ, “વેલકમ ટુ ધ જંગલ” નું કુલ કલેક્શન રૂ. 104.25 કરોડ (આશરે 1.04 બિલિયન ડોલર) સુધી પહોંચી ગયું છે. ફિલ્મની ચોખ્ખી કમાણી રૂ. 87.50 કરોડ છે. ફિલ્મે ગઈકાલે વિદેશમાં રૂ.2 કરોડની કમાણી કરી હતી, જે તેની કુલ વિદેશમાં કમાણી લગભગ રૂ. 24.95 કરોડ સુધી પહોંચી ગઈ છે, જે સતત લોકપ્રિયતા દર્શાવે છે. તેણે વિશ્વભરમાં રૂ. 129.20 કરોડની કમાણી કરી છે.

અક્ષયની ફિલ્મે તેનું બજેટ પાછું મેળવ્યું
અક્ષય કુમારની મલ્ટી-સ્ટારર ફિલ્મ “વેલકમ ટુ ધ જંગલ” નું કુલ બજેટ લગભગ રૂ. 125 કરોડ હોવાનું જાણવા મળ્યું છે. વિશ્વવ્યાપી કલેક્શન રૂ. 129 કરોડ સુધી પહોંચી ગયું છે, એટલે કે ફિલ્મે માત્ર છ દિવસમાં તેનું બજેટ પાછું મેળવ્યું છે. હવે, ફિલ્મ હિટ કેટેગરીમાં પ્રવેશી છે; તે કેટલી વધુ કમાણી કરી શકે છે તે જોવાનું બાકી છે. હકીકતમાં, તેનું અત્યાર સુધીનું સૌથી ઓછું કલેક્શન છઠ્ઠા દિવસે હતું, જે ફક્ત રૂ.6 કરોડની કમાણી કરી હતી. ફિલ્મની શરૂઆત રૂ. 3.75 કરોડ સાથે થઈ હતી, જે પેઇડ પ્રીવ્યૂમાંથી છે. ત્યારબાદ, તેણે પહેલા દિવસે રૂ. 15.25 કરોડ, બીજા દિવસે રૂ. 20 કરોડ, ત્રીજા દિવસે રૂ. 24.75 કરોડ અને ચોથા દિવસે રૂ.8.50 કરોડનો વ્યવસાય કર્યો. પાંચમા દિવસનું કલેક્શન રૂ.9.25 કરોડ હતું.

આ 10 ફિલ્મોને પાછળ છોડી દીધી
‘વેલકમ ટુ ધ જંગલ’ એ છઠ્ઠા દિવસે રૂ.6 કરોડનો વ્યવસાય કર્યો. આજે, અમે એવી ફિલ્મોના નામ પણ જાહેર કરીશું જેણે તેમના પહેલા બુધવારે તેનાથી પણ ઓછી કમાણી કરી. આ યાદીમાં આલિયા ભટ્ટની ‘રાઝી’, અજય દેવગણની ‘દે દે પ્યાર દે’, રણવીર સિંહની ’83’, રણબીર કપૂરની ‘તુ ઝૂઠી મેં મક્કર’, ઋત્વિક રોશનની ‘વોર 2’, સલમાન ખાનની ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ અને શાહરૂખ ખાનની ‘ઝીરો’નો સમાવેશ થાય છે. વધુમાં, ‘મુજ્યા’, સની દેઓલની ‘જાટ’ અને ‘પુષ્પા’ એ પણ આ હિન્દી ફિલ્મ કરતા ઓછી કમાણી કરી. આ બધી ફિલ્મો અક્ષયની ‘વેલકમ 3’ કરતાં પાછળ છે.

પાકિસ્તાનના 23 નાગરિકોને UAPA હેઠળ આતંકવાદી જાહેર, ગૃહ મંત્રાલયનું મોટું એક્શન

0

ભારત સરકારે પાકિસ્તાન સામે વધુ એક કડક કાર્યવાહી કરતાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પાકિસ્તાનમાં રહેતા 23 નાગરિકોને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (રોકથામ) અધિનિયમ (UAPA) હેઠળ સત્તાવાર રીતે આતંકવાદી જાહેર કર્યા છે. સરકારના નોટિફિકેશન મુજબ, આ તમામ વ્યક્તિઓ જૈશ-એ-મોહમ્મદ (JeM), લશ્કર-એ-તૈયબા (LeT) તેમજ અન્ય આતંકવાદી સંગઠનો સાથે સંકળાયેલા છે અને ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા હતા.

જમ્મુ-કાશ્મીરમાં આતંકી પ્રવૃત્તિઓમાં સંડોવણીનો આરોપ
ગૃહ મંત્રાલયના જણાવ્યા મુજબ, આ તમામ લોકો પર જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓ માટે યુવાનોની ભરતી કરવી, આતંકીઓની ઘૂસણખોરી કરાવવી, તાલીમ આપવી, ડ્રોન મારફતે હથિયારો પહોંચાડવા તેમજ આતંકવાદી હુમલાના કાવતરાં ઘડવાના ગંભીર આરોપો છે. જાહેર કરાયેલા 23 આતંકવાદીઓમાંથી ત્રણ લોકો લશ્કર-એ-તૈયબાના સ્થાપક હાફિઝ સઈદના નજીકના સાથી હોવાનું જણાવાયું છે. ઉપરાંત ત્રણ લોકો વર્ષ 2016માં નાગરોટા સ્થિત સેનાના કેમ્પ પર થયેલા આતંકી હુમલા અને બે લોકો વર્ષ 2018માં સુન્જવાન મિલિટરી સ્ટેશન પર થયેલા હુમલામાં સંડોવાયેલા હોવાનું પણ કહેવામાં આવ્યું છે.

નોટિફિકેશનમાં શું કહેવામાં આવ્યું?
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જાહેર કરેલા નોટિફિકેશનમાં અબ્દુલ રઊફ, હાફિઝ ખાલિદ વલીદ અને રાણા ઇફ્તિખારને હાફિઝ સઈદના નજીકના સહયોગી તરીકે ઓળખાવ્યા છે.

નોટિફિકેશન મુજબ 54 વર્ષીય રાણા ઇફ્તિખાર વિવિધ જેહાદી સંગઠનો વચ્ચે સંકલન સ્થાપિત કરે છે, યુવાનોને આતંકવાદી પ્રવૃત્તિઓ માટે ઉશ્કેરે છે અને હાફિઝ સઈદનો વિશ્વાસુ સાથી માનવામાં આવે છે.

52 વર્ષીય અબ્દુલ રઊફ લશ્કર-એ-તૈયબા અને જમાત-ઉદ-દાવા સાથે સંકળાયેલો છે. તે આતંકવાદી પ્રવૃત્તિઓનું આયોજન, સંકલન અને ફંડ એકત્ર કરવાની કામગીરીમાં સક્રિય રહ્યો હોવાનું જણાવાયું છે. તે હાફિઝ સઈદના સીધા માર્ગદર્શન હેઠળ કાર્યરત મુખ્ય આતંકવાદીઓમાંનો એક હોવાનું પણ નોટિફિકેશનમાં ઉલ્લેખ છે.

તે જ રીતે 51 વર્ષીય હાફિઝ ખાલિદ વલીદ હાફિઝ સઈદની સુરક્ષા સાથે જોડાયેલો છે અને અનેક આતંકવાદી પ્રવૃત્તિઓને અંજામ આપવા માટે સક્રિય રહ્યો છે. અનેક આતંકી હુમલાઓનો માસ્ટરમાઇન્ડ પણ તેને ગણાવવામાં આવ્યો છે.

NIAને મળશે વધુ સત્તા
આ 23 લોકોના નામ આતંકવાદીઓની સત્તાવાર યાદીમાં ઉમેરાયા બાદ હવે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ને તેમની સંપત્તિ જપ્ત કરવા, તેમના નાણાકીય સ્ત્રોતો પર પ્રતિબંધ મૂકવા તેમજ હથિયારોના નેટવર્કને ખતમ કરવા માટે વધુ કાનૂની સત્તા મળશે.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2019માં UAPAમાં કરાયેલા સુધારા બાદ વ્યક્તિગત આતંકવાદીઓને પણ આતંકવાદી જાહેર કરવાની જોગવાઈ કરવામાં આવી હતી. તે પહેલાં માત્ર આતંકવાદી સંગઠનોને જ પ્રતિબંધિત જાહેર કરી શકાયતા હતા.

આતંકવાદીઓની સંખ્યા હવે 80 થઈ
શનિવારે જાહેર કરાયેલા આદેશ બાદ પાકિસ્તાનમાં રહેતા વધુ 23 આતંકવાદીઓના નામ યાદીમાં ઉમેરાયા છે. તેમાં જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળો પર થયેલા અનેક આતંકી હુમલાઓમાં સંડોવાયેલા લોકોનો પણ સમાવેશ થાય છે. આ સાથે ભારત સરકાર દ્વારા સત્તાવાર રીતે જાહેર કરાયેલા આતંકવાદીઓની કુલ સંખ્યા હવે 80 થઈ ગઈ છે.

જૈશ-એ-મોહમ્મદના આ આતંકવાદીઓનો સમાવેશ
કેન્દ્ર સરકારે મસૂદ ઇલિયાસ કાશ્મીરી, મોહમ્મદ મુસાદિક ઉર્ફે ડોક્ટર, મુફ્તી મોહમ્મદ અસગર ખાન ઉર્ફે અબૂ સાદ, હાફિઝ અબ્દુલ શકૂર ઉર્ફે કારી જર્રાર, અબ્દુલ્લા જેહાદી, ગુલામ ફરીદ, મૌલાના ઇમદાદ ઉલ્લાહ મક્કી અને વસીમ નૂર જટને આતંકવાદીઓની યાદીમાં સામેલ કર્યા છે.

લશ્કર-એ-તૈયબાના આ આતંકવાદીઓ પણ જાહેર
લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા ફિરદૌસ અહમદ ભટ, હારૂન રશીદ ગનાઈ, બિલાલ અહમદ મીર, આબિદ કય્યૂમ લોન, નઝીર અહમદ ગુજ્જર, અબ્દુલ રઊફ ઉર્ફે હાફિઝ અબ્દુલ રઊફ, અશફાક અહમદ, હાફિઝ ખાલિદ વલીદ, મૌલાના સૈફુલ્લા ખાલિદ, મોહમ્મદ યાકૂબ, મૌલાના યુસુફ તૈબી, ઓવૈસ ફારૂક, કારી યાકૂબ શેખ, રાણા ઇફ્તિખાર તેમજ મોહમ્મદ શાહિદ ફૈસલ (જે અલ-કાયદા અને ISIS સાથે પણ સંકળાયેલો હોવાનું જણાવાયું છે)ને પણ આતંકવાદીઓની સત્તાવાર યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે.

24 કલાકમાં 22 ઇંચ વરસાદનો કહેર! ગુજરાતનું આ શહેર બન્યું જળબંબાકાર

ગુજરાતમાં ટ્રફ, શિયર ઝોન, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, સીઝનલ ટ્રફ અને લો-પ્રેશર સહિતની વરસાદી સિસ્ટમો એકસાથે સક્રિય થતાં ચોમાસું જોર પકડી રહ્યું છે. જેના કારણે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગની શરૂઆત કરી દીધી છે. સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતમાં વરસાદમનમુકીને વરસી રહ્યો છે. સાંબેલાધાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જૂનાગઢના માંગરોળમાં સૌથી વધુ 22.24 ઇંચ વરસાદ ખાબક્યો હતો. માળીયા હાટીનામાં 14 ઇંચ, મેંદરડા અને કેશોદમાં 13-13 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જૂનાગઢ જિલ્લામાં કુલ 60 ઇંચથી વધુ વરસાદ પડતાં ચારેબાજુ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.

ક્યાં કેટલો વરસાદ
સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટર, ગાંધીનગર મુજબ આજે સવારે 6 વાગે પૂરા થયેલા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ વરસ્યો છે. એક તાલુકામાં 22 ઇંચથી વધારે, ચાર તાલુકામાં 13 ઇંચથી વધારે, બે તાલુકામાં 12 ઇંચથી વધારે, એક તાલુકામાં 11 ઇંચથી વધારે, ચાર તાલુકામાં 9ઇંચથી વધારે, ત્રણ તાલુકામાં 8 ઇંચથી વધારે, એક તાલુકામાં 7 ઇંચથી વધારે, એક તાલુકામાં 6 ઇંચથી વધારે, ચાર તાલુકામાં 5 ઇંચથી વધારે, સાત તાલુકામાં 4 ઇંચથી વધારે, 11 તાલુકામાં 3 ઇંચથી વધારે, 22 તાલુકામાં 2 ઇંચથી વધારે, 45 તાલુકામાં 1 ઇંચથી વધારે તથા 117 તાલુકામાં 1 ઇંચથી ઓછો વરસાદ વરસ્યો હતો.

માંગરોળમાં 22 ઇંચથી જળબંબાકાર
માંગરોળમાં 22.24 ઇંચ, માળીયા હાટીનામાં 14.09 ઇંચ, વઘઈમાં 13.43 ઇંચ, સુબીરમાં 13.23 ઇંચ, અંબિકામાં 13.19 ઇંચ, કેશોદમાં 12.8 ઇંચ, મેંદરડામાં 12.56 ઇંચ, ડોલવણમાં 11.65 ઇંચ, વાંસદામાં 9.8 ઇંચ, ચીખલીમાં 9.61 ઇંચ, વાલોદમાં 9.17 ઇંચ, ડાંગમાં 9.09 ઇંચ, પાટણ વેરાવળમાં 8.5 ઇંચ, ગણદેવીમાં 8.39 ઇંચ, વલસાડમાં 8.15 ઇંચ, વ્યારામાં 7.24 ઇંચ, ખેરગામમાં 6.61 ઇંચ, ધોરાજીમાં 5.94 ઇંચ, માંગરોળ(સુરત)માં 5.89 ઇંચ, મહુવા(સુરત)માં 5.79 ઇંચ, પાટણમાં 5.12 ઇંચ, માંડવીમાં 5 ઇંચ, સરસ્વતીમાં 4.96 ઇંચ, બારડોલીમાં 4.61 ઇંચ, કપરાડામાં 4.33 ઇંચ, નાનાપોંઢામાં 4.25 ઇંચ, સૂત્રાપાડામાં 4.25 ઇંચ, કડીમાં 4.17 ઇંચ, હાલોલમાં 4.06 ઇંચ, વંથલીમાં 3.98 ઇંચ, ધરમપુરમાં 3.98 ઇંચ, જોટાણામાં 3.9 ઇંચ, ધંધુકામાં 3.78 ઇંચ, કામરેજમાં 3.7 ઇંચ, પારડીમાં 3.7 ઇંચ, વાલિયામાં 3.5 ઇંચ, ઉમરપાડામાં 3.43 ઇંચ, પલસાણામાં 3.43 ઇંચ, કાલોલમાં 3.11 ઇંચ, વાપીમાં 3.11 ઇંચ, હાંસોટમાં 2.95 ઇંચ, નવસારીમાં 2.91 ઇંચ, જલાલપોરમાં 2.87 ઇંચ, સોનગઢમાં 2.87 ઇંચ,જેતપુરમાં 2.8 ઇંચ, અંકલેશ્વરમાં 2.72 ઇંચ, ઉપલેટામાં 2.64 ઇંચ, વિરપુરમાં 2.6 ઇંચ, ખાનપુરમાં 2.56 ઇંચ, નડીયાદમાં 2.52 ઇંચ વરસાદ વરસ્યો હતો.

આજે ક્યાં છે વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. ભાવનગર, સુરત, તાપી, નવસારી, ડાંગ, દમણ, વલસાડ, દાદરા અને નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે જૂનાગઢ, અમરેલી, ગીર-સોમનાથ, દીવ, ભરૂચ, વડોદરા, નર્મદા, છોટા ઉદેપુર, દાહોદમાં ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. ઉપરાંત પોરબંદ, રાજકોટ, બોટાદ, આણંદ, પંચમહાલ, મહીસાગરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

સુરતમાં પ્રથમ વરસાદે ખોલી મનપાની પોલ! 300 ભૂવા, 24 રસ્તા બેસી ગયા

ગુજરાતમાં મોડે મોડે પણ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લામાં પડેલા અનરાધાર વરસાદે પાણી પાણી કરી નાખ્યું છે. હાલ રાજ્ય પણ પાંચ સિસ્ટમ સર્જાય છે અને તેના કારણે પડી રહેલા વરસાદમાં સિસ્ટમની પોલ છતી થઈ ગઈ છે. કારણ કે આ પહેલા જ વરસાદમાં ડાયમંડ સિટી સુરતમાં રસ્તાઓની હાલત એટલી કથળી ગઈ કે તંત્રની કામગીરી પર અનેક પ્રશ્નો ઊભા થઈ ગયા છે.

મળતી વિગતો અનુસાર, સુરત સીટીમાં આજે વહેલી સવારથી વરસાદ પડી રહ્યો છે. પહેલા જ વરસાદમાં સુરત મનપાની પ્રી મોન્સૂન એક્ટિવિટી સામે પ્રશ્નો ઊભા થયા હતા. કારણ કે શહેરના અનેક માર્ગો પર ખાડાઓનું સામ્રાજ્ય ખડું થઈ ગયું છે. શહેરના રસ્તાઓ પર અંદાજે 300 જેટલા ખાડાઓ પડ્યા હોવાની માહિતી મળી રહી છે. તો આ સાથે જ શહેરના 24 જેટલા રોડ બેસી ગયા હોવાના પણ અહેવાલ છે. રસ્તાઓની કથળી ગયેલી હાલતની સીધી અસર ટ્રાફિક પર જોવા મળી રહી છે અને વાહન ચાલકોને હેરાન થવાની નોબત આવી છે.

આજે રાજ્યના અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે 1 વાગ્યા સુધીમાં રાજ્યના 8 જિલ્લામાં રેડ એલર્ટ નાઉકાસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં વલસાડ, નવસારી, ડાંગ, સુરત તેમજ ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રના ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ અને પોરબંદર જિલ્લામાં તેમજ દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, ડાંગ, સુરતમાં અતિભારે વરસાદની આગાહી હોઇ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ડાંગ, તાપી, નર્મદા,છોટા ઉદેપુર, વડોદરા, અમરેલી અને રાજકોટ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર મુજબ આજે સવારે 6 કલાકે પૂરા થયેલા 24 કલાકમાં રાજ્યના 172 તાલુકામાં વરસાદ વરસ્યો છે. બે તાલુકામાં 12 ઇંચથી વધારે, બે તાલુકામાં 10 ઇંચથી વધારે, બે તાલુકામાં 9 ઇંચથી વધારે, એક તાલુકામાં 8 ઇંચથી વધારે, એક તાલુકામાં 7 ઇંચથી વધારે, બે તાલુકામાં 5 ઇંચથી વધારે, એક તાલુકામાં 4 ઇંચથી વધારે, 8 તાલુકામાં 3 ઇંચથી વધારે, 12 તાલુકામાં 2 ઇંચથી વધારે, 36 તાલુકામાં 1 ઇંચથી વધારે તથા 100 તાલુકામાં એક ઇંચથી ઓછો વરસાદ નોંધાયો હતો.

ગુજરાત- મધ્ય પ્રદેશ ATSએ જૈશ-એ મોહમ્મદના 8 આતંકીઓ ઝડપાયા

0

દેશની આંતરિક સુરક્ષાને પ્રભાવિત કરવાના એક મોટા આતંકી ષડયંત્રનો પર્દાફાશ થયો છે. ગુજરાત ATSની ટીમે ઓપરેશન હાથ ધરીને ગુજરાત અને મધ્ય પ્રદેશના વિવિધ જિલ્લાઓમાંથી પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે સંકળાયેલા 8 આતંકીઓની ધરપકડ કરી છે. આ ઓપરેશનને પગલે બંને રાજ્યોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવી દેવામાં આવી છે.

ગુજરાતમાં આતંકી પ્રવૃત્તિઓ વધારવાનો હતો મનસૂબો
અહેવાલો અનુસાર, પકડાયેલા તમામ આરોપીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના સક્રિય સભ્યો છે અને લાંબા સમયથી સંગઠન વતી ગુપ્ત રીતે કામ કરી રહ્યા હતા. તે આતંકવાદી સંગઠનના સંપર્કમાં રહીને ગુજરાત રાજ્યમાં સંગઠનના નેટવર્કને મજબૂત કરવા તેમજ આતંકવાદી પ્રવૃત્તિઓ અને દેશવિરોધી કૃત્યોને આગળ ધપાવવા માટે સક્રિય હતા.

ધરપકડ કરાયેલા આતંકીઓના નામ

  • 19 વર્ષીય અહેમદ અબ્દુલ્લા ગાજીવાલા (રહે. ભાગળ, પાલનપુર, બનાસકાંઠા)
  • 30 વર્ષીય ઈબ્રાહીમ મોહમ્મદ હુસેન ઘાઘા (રહે. ભાગળ, પાલનપુર, બનાસકાંઠા)
  • 22 વર્ષીય મુદસ્સીર અબ્દુલ્લા ગાઝીવાલા (રહે. ભાગળ, પાલનપુર, બનાસકાંઠા)
  • 21 વર્ષીય ઝકરિયા દુરાની મોહમ્મદ અમ્મર ઘાઘા (રહે. ખાડિયાસણી, સિદ્ધપુર, પાટણ)
  • 40 વર્ષીય મુફ્તી ફૌજાન ઈસ્માઈલ દાઉવા (રહે. ખાડિયાસણી, સિદ્ધપુર, પાટણ)
  • 21 વર્ષીય મોહમ્મદ અમીન શેરા(રહે. ખાડિયાસણી, સિદ્ધપુર, પાટણ)
  • 22 વર્ષીય મોહમ્મદ અબ્દુલ રહેમાન સાવદી (રહે. અંભેટા, ચીખલી, નવસારી)
  • 18 વર્ષીય બિલાલ દુરાની મોહમ્મદ અમ્મર ઘાઘા (રહે. વારસી નગર, દેવાસ, મધ્ય પ્રદેશ)

આતંકીઓના આ મોડ્યુલ અંગે ગુજરાત ATSની ટીમને માહિતી મળી હતી. જેના આધારે ટેકનિકલ સર્વેલન્સ ગોઠવીને ગુજરાત અને મધ્ય પ્રદેશના અલગ-અલગ શંકાસ્પદ ઠેકાણાઓ પર એકસાથે દરોડા પાડવામાં આવ્યા હતા. આ સર્ચ ઓપરેશન દરમિયાન 8 આરોપીઓ ઝડપાઈ ગયા હતા.

ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ

રાજ્યમાં ચોમાસું જામ્યુ છે, હવામાન વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતમાં આગામી ત્રણ કલાક માટે હળવાથી લઈને અતિભારે વરસાદની ભારે આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ મોસમી ફેરફાર પવનની તીવ્ર ગતિ અને વાતાવરણમાં સર્જાયેલા ભારે દબાણના કારણે સર્જાયો છે. આજે સવારથી જ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોમાં કુદરતી આફત જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

હવામાન વિભાગના અહેવાલ અનુસાર, દરિયાકાંઠાના વિસ્તારોમાં પ્રચંડ વેગે પવન ફૂંકાવા સાથે ગાજવીજ અને તીવ્ર વરસાદી સિસ્ટમ સક્રિય થવાને લીધે વ્યાપક નુકસાનની આશંકા સેવાઈ રહી છે, જેને પગલે વહીવટી તંત્રને સાબદું કરી દેવામાં આવ્યું છે.

હવામાન વિભાગ અનુસાર, આગામી ત્રણ કલાકમાં દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લાઓમાં આકાશમાં વીજળીના ભયાનક કડાકા-ભડાકા સાથે તોફાની વરસાદ ત્રાટકશે. આ દરમિયાન પવનની ગતિ સામાન્ય કરતાં ઘણી વધારે એટલે કે 62 થી 87 કિલોમીટર પ્રતિ કલાકની પ્રચંડ ઝડપે ફૂંકાવાની શક્યતા છે, જે વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરી શકે છે. આ ઉપરાંત કેન્દ્રશાસિત પ્રદેશ દાદરાનગર હવેલી અને દમણમાં પણ મુશળધારથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

બીજી તરફ, સૌરાષ્ટ્ર અને તેની આસપાસના વિસ્તારોમાં પણ મેઘરાજા રૌદ્ર સ્વરૂપ ધારણ કરશે. અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ભારે પવન સાથે વરસાદી માહોલ જામશે. જ્યારે જુનાગઢ, સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં મધ્યમથી હળવો વરસાદ પડવાની સંભાવના છે. કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં પણ ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી છે, જ્યાં પવનની ગતિ 41 થી 61 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાનો અંદાજ છે. ખરાબ હવામાનને જોતા નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને માછીમારોને દરિયો ન ખેડવાની કડક સૂચના આપવામાં આવી છે.

અરબી સમુદ્રમાં માં ઈમરજન્સી લેન્ડિંગ દરમ્યાન US નેવી હેલિકોપ્ટર ક્રેશ, એક ક્રૂ મેમ્બર ગુમ

અમેરિકી નેવીનું MH-60S સી હોક હેલિકોપ્ટર અરબી સમુદ્રમાં ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે. આ અકસ્માતમાં હેલિકોપ્ટરમાં સવાર ચાર ક્રૂ સભ્યોમાંથી ત્રણને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે એક ક્રૂ સભ્ય હજુ પણ લાપતા છે. અમેરિકી સેનાએ બુધવારે આ ઘટનાની સત્તાવાર પુષ્ટિ કરી હતી.

અમેરિકી નૌકાદળની 5મી ફ્લીટના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટના કોઈ દુશ્મન દેશના હુમલાના કારણે થઈ નથી. દુર્ઘટનાગ્રસ્ત હેલિકોપ્ટર USS George H.W. Bush એરક્રાફ્ટ કેરિયર પર તૈનાત હતું. સ્થાનિક સમય અનુસાર 1 જુલાઈના રોજ સવારે અંદાજે 3:30 વાગ્યે આ અકસ્માત સર્જાયો હતો. હેલિકોપ્ટરમાં કુલ ચાર ક્રૂ સભ્યો હતા, જેમાંથી ત્રણને ઈજાઓ સાથે સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે એક સભ્યની શોધખોળ હજુ પણ ચાલુ છે.

લાપતા ક્રૂ સભ્યની શોધખોળ યથાવત
અમેરિકી નેવીએ લાપતા ક્રૂ સભ્યની ઓળખ જાહેર કરી નથી. નેવીના જણાવ્યા મુજબ અરબ સાગરમાં સર્ચ એન્ડ રેસ્ક્યૂ ઓપરેશન યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. વિશેષ બચાવ ટીમો અને નૌકાદળના જહાજોને શોધખોળ માટે તૈનાત કરવામાં આવ્યા છે. સાથે જ અકસ્માતના કારણોની પણ વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી છે.

MH-60S સી હોક હેલિકોપ્ટરની ખાસિયતો
MH-60S સી હોક એક આધુનિક ટ્વીન-એન્જિન સૈન્ય હેલિકોપ્ટર છે, જેનો ઉપયોગ સર્ચ એન્ડ રેસ્ક્યૂ, વિશેષ સૈન્ય અભિયાન, એન્ટી-સબમરીન ઓપરેશન અને માલસામાનના પરિવહન માટે થાય છે.

અમેરિકી સેનાએ UH-60 બ્લેક હોક હેલિકોપ્ટરને વર્ષ 1979માં પોતાના કાફલામાં સામેલ કર્યું હતું. ત્યારબાદ અમેરિકી નેવીને 1983માં SH-60B સી હોક અને 1988માં SH-60F વર્ઝન મળ્યા હતા. MH-60Sનું પ્રથમ ઓપરેશનલ સ્ક્વાડ્રન ‘હેલિકોપ્ટર કોમ્બેટ સપોર્ટ સ્ક્વાડ્રન-5’ હતું, જેનું મુખ્ય મથક ગુઆમમાં આવેલું છે.

સુપરસોનિક વિમાનો અંગે અમેરિકાની મોટી તૈયારી
આ દરમિયાન અમેરિકા પાંચ દાયકાથી વધુ સમયથી લાગુ રહેલા સુપરસોનિક વિમાનોના સંચાલન પરના પ્રતિબંધમાં રાહત આપવાની દિશામાં પણ આગળ વધી રહ્યું છે. અમેરિકાના પરિવહન વિભાગે નવા નિયમોનો પ્રસ્તાવ તૈયાર કર્યો છે, જેમાં સુપરસોનિક વિમાનો માટે અવાજ આધારિત નવા ધોરણો નક્કી કરવામાં આવ્યા છે.

આ પહેલ અમેરિકી અંતરિક્ષ એજન્સી NASAના પ્રાયોગિક X-59 સુપરસોનિક વિમાનના સફળ પરીક્ષણ બાદ કરવામાં આવી છે. જો નવા નિયમોને મંજૂરી મળશે, તો ભવિષ્યમાં વધુ ઝડપી અને આધુનિક સુપરસોનિક વિમાનોના સંચાલનનો માર્ગ મોકળો બનશે.

ડાંગમાં મેઘરાજાનો મહાકહેર! 8 કલાકમાં વઘઈમાં 12.94 ઈંચ વરસાદ, આહવામાં 7.47 ઈંચ વરસાદ

રાજ્યના સૌથી વનાચ્છાદિત અને આદિવાસી વિસ્તાર એવા ડાંગ જિલ્લામાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. સતત વરસી રહેલા વરસાદને કારણે સમગ્ર જિલ્લામાં જનજીવન પ્રભાવિત બન્યું છે. ભારે વરસાદને પગલે અનેક માર્ગો બંધ થઈ ગયા છે, જ્યારે વહીવટી તંત્ર સંપૂર્ણ સતર્ક બનીને પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.

જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ, આજે તા. 3 જુલાઈ, 2026ના રોજ સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીના માત્ર 6 કલાકમાં જિલ્લામાં સરેરાશ 165 મિ.મી. વરસાદ નોંધાયો છે. આ સાથે ચાલુ ચોમાસાની કુલ વરસાદની સરેરાશ 340.33 મિ.મી. સુધી પહોંચી ગઈ છે.

ડાંગ જિલ્લામા સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. આજે 8 કલાકમાં આહવા તાલુકામાં 7.47 ઈંચ, વઘઈ તાલુકામાં સૌથી વધુ 12.94 ઈંચ, સાપુતારામાં 7.71 ઇંચ અને સુબીર તાલુકામાં 6.37 ઈંચ વરસાદ નોંધયો છે. આ વરસાદને પગલે આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં જિલ્લાના 28 જેટલા માર્ગો વરસાદી પાણી ભરાતા બંધ કરાયા છે. વરસાદ પડવા સાથે ડાંગમાં વનરાજી મહોરી ઉઠી છે, ત્યારે સહેલાણીઓ નદી, નાળા, કોતરો, જળધોધ, ખીણ પ્રદેશ, ડુંગરો, વૃક્ષો, વન્યજીવો વિગેરે સાથે સેલ્ફી લેતા કે ફોટોગ્રાફી કરતા સાવચેત રહે એ જરૂરી છે.

વઘઈ તાલુકામાં સૌથી વધુ 250 મિ.મી. વરસાદ
છ કલાક દરમિયાન આહવા તાલુકામાં 155 મિ.મી., વઘઈ તાલુકામાં સૌથી વધુ 250 મિ.મી. અને સુબીર તાલુકામાં 90 મિ.મી. વરસાદ નોંધાયો છે. સતત વરસતા વરસાદને કારણે જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં સામાન્ય જનજીવન પ્રભાવિત બન્યું છે.

ભારે વરસાદથી જિલ્લાના 28 રસ્તા બંધ
ધોધમાર વરસાદના કારણે બપોરે 12 વાગ્યાની સ્થિતિએ જિલ્લા પંચાયત હસ્તકના કુલ 28 માર્ગો અવરોધાયા છે. ક્યાંક કોઝવે ઉપરથી પાણી વહી રહ્યું છે તો ક્યાંક સ્લેબ ડ્રેઈન ઓવરટોપિંગ થતાં વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરાયો છે.

આહવા, વઘઈ અને સુબીર તાલુકાના અનેક આંતરિક માર્ગો હાલ વાહનવ્યવહાર માટે બંધ રાખવામાં આવ્યા છે. જિલ્લા વહીવટી તંત્રે લોકોને બંધ માર્ગોનો ઉપયોગ ન કરવા તેમજ માત્ર વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની અપીલ કરી છે.

ભૂસ્ખલન અને માર્ગ નુકસાન બાદ તંત્ર સતત કામગીરીમાં
સતત વરસાદને કારણે ડાંગ જિલ્લાના અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થવા, ઝાડીઓ પડવા, ભૂસ્ખલનની ઘટનાઓ તેમજ માર્ગોને નુકસાન પહોંચ્યું છે. રાજ્ય માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર કેતન કુંકણાના માર્ગદર્શન હેઠળ વિભાગની ટીમો રસ્તાઓ પૂર્વવત કરવા માટે સતત કામગીરી કરી રહી છે.

કલેક્ટર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે
ડાંગ જિલ્લા કલેક્ટર એન.ડી. પરમાર સમગ્ર પરિસ્થિતિની સતત સમીક્ષા કરી રહ્યા છે. તમામ લાઇન વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓને કાર્યસ્થળ ન છોડવા સૂચના આપવામાં આવી છે જેથી કોઈપણ ઇમરજન્સી પરિસ્થિતિમાં તાત્કાલિક કામગીરી કરી શકાય.

પ્રવાસીઓ અને સ્થાનિકો માટે ખાસ અપીલ
ચોમાસામાં ડાંગ જિલ્લાના કુદરતી સૌંદર્યને માણવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડે છે. જોકે જિલ્લા તંત્રે નદી, નાળા, ધોધ, ખીણ અને જોખમી સ્થળોએ સેલ્ફી કે ફોટોગ્રાફી ન કરવા, વરસાદી પાણી ભરાયેલા રસ્તા કે પુલ પરથી પસાર ન થવા તેમજ કાયદો-વ્યવસ્થા જાળવતા કર્મચારીઓ સાથે સહકાર આપવા ખાસ અપીલ કરી છે.

કોઈપણ ઇમરજન્સીમાં અહીં કરો સંપર્ક
જિલ્લામાં કોઈપણ અનિચ્છનીય ઘટના બને તો નાગરિકો જિલ્લા કંટ્રોલ રૂમ 02631-220347, વૈકલ્પિક નંબર 6355820252 અથવા ટોલ ફ્રી નંબર 1077 પર સંપર્ક કરી શકે છે. ભારે વરસાદને ધ્યાનમાં રાખીને જિલ્લા તંત્રે તમામ નાગરિકોને સાવચેતી રાખવા, બિનજરૂરી મુસાફરી ટાળવા અને માત્ર અધિકૃત સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે.