Home Blog Page 39

કર્ણાટકના મંદિરમાં કરોડોની ચોરી, 32 કિલોની ચાંદીની મૂર્તિ ગાયબ!

0

કર્ણાટકના વિજયપુરા જિલ્લાના મુદ્દેબિહાલ તાલુકાના બસરાકોડ ગામમાં આવેલ પ્રસિદ્ધ શ્રી પાવડા બસવેશ્વર મંદિરમાં મોટી ચોરીની ઘટના સામે આવી છે. મંદિરના ગર્ભગૃહમાંથી 32 કિલો વજનની ચાંદીની મૂર્તિ સહિત 60 કિલોથી વધુ ચાંદીના આભૂષણોની ચોરી થતાં વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. ચોરી ગયેલા તમામ ચાંદીના સામાનની બજાર કિંમત અંદાજે 1.20 કરોડ રૂપિયાથી વધુ હોવાનું જણાવવામાં આવ્યું છે.

મંદિર સમિતિના અધ્યક્ષ કરનંદપ્પા બિરદારની ફરિયાદ અનુસાર, સવારે લગભગ 4 વાગ્યે મંદિરના પુજારી સાધુ શંકરલિંગે મંદિરના દરવાજા ખુલ્લા અને તાળા તૂટેલા જોયા હતા. ત્યારબાદ ગર્ભગૃહમાં તપાસ કરતાં ચાંદીની મૂર્તિ પોતાના સ્થાન પરથી ગાયબ હોવાનું સામે આવ્યું હતું.

ફરિયાદમાં જણાવાયું છે કે મંદિરના પુજારી શરણૈયા સલિમતે 5 જુલાઈની રાત્રે લગભગ 9 વાગ્યે નિયમિત પૂજા પૂર્ણ કર્યા બાદ અંદર અને બહારના લોખંડના દરવાજા બંધ કરી તાળા માર્યા હતા. પોલીસના અનુમાન મુજબ ચોરી રાત્રે 9 વાગ્યાથી સવારે 4:30 વાગ્યાની વચ્ચે કરવામાં આવી હતી.

મંદિરના CCTV કેમેરા પણ મળ્યા બંધ
ચોંકાવનારી બાબત એ છે કે મંદિર પરિસરમાં સંતો અને સાધુઓ સૂતા હોવા છતાં ચોરોએ ઘટનાને અંજામ આપ્યો હતો. વધુમાં તપાસ દરમિયાન મંદિરના CCTV કેમેરા પણ બંધ હાલતમાં મળ્યા હતા, જેના કારણે પૂર્વયોજિત સડયંત્રની આશંકા વધુ મજબૂત બની છે.

પોલીસે FIR નોંધી તપાસ શરૂ કરી
ઘટનાની જાણ થતાં જ મુદ્દેબિહાલ પોલીસ સ્ટેશનની ટીમ સ્થળ પર પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. પોલીસે જણાવ્યું કે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 305(d) અને 331(4) હેઠળ FIR નોંધવામાં આવી છે.

પોલીસ અનુસાર, ફરિયાદ નોંધાવવામાં થોડો વિલંબ થયો હતો કારણ કે મંદિર સમિતિએ પોલીસ સુધી પહોંચતા પહેલાં ગામલોકો સાથે ચર્ચા કરી હતી. હાલ પોલીસ દ્વારા અજાણ્યા આરોપીઓને શોધવા માટે અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે અને સમગ્ર મામલે તપાસ ચાલુ છે.

શ્રીલંકાની જેલમાં ભયાનક ગેંગવોર, 4 ગાર્ડ સહિત 23ના મોત, 100થી વધુ ઘાયલ

શ્રીલંકાથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાજધાની કોલંબોની મુખ્ય જેલમાં બે ગેંગ વચ્ચે થયેલી હિંસક અથડામણમાં 4 જેલ ગાર્ડ અને 19 કેદીઓ સહિત કુલ 23 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. આ હિંસક ઘટનામાં 100થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું પણ જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ, છેલ્લા છ વર્ષમાં શ્રીલંકાની કોઈ જેલમાં બનેલી આ સૌથી મોટી હિંસક ઘટના માનવામાં આવી રહી છે. અહેવાલો અનુસાર, ડ્રગ્સના ગેરકાયદેસર ધંધા સાથે જોડાયેલા બે ગેંગના કેદીઓ વચ્ચે આખી રાત અથડામણ ચાલી હતી, જે બાદ જેલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

હિંસા બાદ તમામ ઘાયલોને કોલંબોના ઉત્તરમાં આવેલી નેગોમ્બો સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલના ડિરેક્ટર પુષ્પા ગામથાલેએ જણાવ્યું કે હોસ્પિટલમાં કુલ 23 મૃતદેહો લાવવામાં આવ્યા હતા, જ્યારે 100થી વધુ કેદીઓ અને જેલ ગાર્ડ સારવાર હેઠળ છે.

અધિકારીઓના જણાવ્યા મુજબ, ઘણા લોકોને ગોળી વાગવાથી ઈજાઓ પહોંચી છે, જ્યારે અન્ય અનેક લોકોને મારપીટ અને હિંસાના કારણે ગંભીર ઈજાઓ થઈ છે. સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે અને જેલની સુરક્ષા વધુ કડક કરવામાં આવી છે.

રતન ટાટાની ભત્રીજીને ટાટા ગ્રુપે સોંપી મોટી જવાબદારી, જાણો કોણ છે માયા ટાટા

0

ટાટા ગ્રુપના રિટેલ બિઝનેસને લઈને એક ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. નોએલ ટાટાની પુત્રી અને રતન ટાટાની ભત્રીજી માયા ટાટાને ટ્રેન્ટ લિમિટેડ (Trent Limited)ની સૌથી મોટી ફેશન બ્રાન્ડ વેસ્ટસાઇડ (Westside)માં એક બહુ મોટી જવાબદારી મળવા જઈ રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 37 વર્ષીય માયા ટાટા હવે વેસ્ટસાઇડના ઓનલાઇન બિઝનેસ અને ઓવરસીઝ (વિદેશી) ઈ-કોમર્સ માર્કેટિંગનું કામ સંભાળશે. આ પગલું એવા સમયે ઉઠાવવામાં આવ્યું છે જ્યારે વેસ્ટસાઇડ પોતાના ડિજિટલ બિઝનેસને ઝડપથી આગળ વધારી રહી છે અને વિદેશોમાં પણ પોતાની મજબૂત ઉપસ્થિતિ કરી રહી છે.

આ સમગ્ર પ્લાન પાછળ તેમના પિતા નોએલ ટાટાની મહત્વની ભૂમિકા માનવામાં આવી રહી છે, જેઓ હાલમાં ટ્રેન્ટના ચેરમેન છે અને આ વર્ષે નવેમ્બરમાં નિવૃત્ત (રિટાયર) થવાના છે. જોકે, આ સમાચાર પર ટ્રેન્ટ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

ટાટા ડિજિટલ પછી હવે નવો રોલ
માયા ટાટા આ પહેલા ટાટા ડિજિટલમાં કામ કરી રહ્યા હતા, જ્યાંથી તાજેતરમાં જ તેમણે રાજીનામું આપ્યું છે. ટાટા ડિજિટલમાં આશરે ₹17,000 કરોડના નુકસાનના સમાચારો વચ્ચે હવે તેમને આ નવા રોલમાં જોવામાં આવી રહ્યા છે. માયા ટાટા પાસે ડિજિટલ કોમર્સ, ઓનલાઇન રિટેલ અને ગ્રાહકોને બ્રાન્ડ સાથે જોડવાનો ખૂબ જ સારો અનુભવ છે, જેનો લાભ હવે વેસ્ટસાઇડને મળશે.

ટાટા ડિજિટલ પહેલા તેમણે ટાટા કેપિટલના ‘ટાટા ઓપોર્ચ્યુનિટીઝ ફંડ’માં પણ કામ કર્યું હતું. માયા ટાટાના ભાઈ નેવિલ ટાટા પણ ટ્રેન્ટના હાઇપરમાર્કેટ બિઝનેસ ‘સ્ટાર બાઝાર’ને સંભાળી રહ્યા છે, જ્યારે તેમના મોટા બહેન ગ્રુપના હોટેલ બિઝનેસ સાથે જોડાયેલા છે. આ રીતે, ટાટા પરિવારની નવી પેઢી હવે ગ્રુપના અલગ-અલગ બિઝનેસમાં પોતાનું સ્થાન બનાવી રહી છે.

વેસ્ટસાઇડનો બિઝનેસ અને ટાટાનો મેગા પ્લાન
ટ્રેન્ટ લિમિટેડ માટે વેસ્ટસાઇડ કેટલું મહત્વનું છે તેનો અંદાજો તમે એ વાત પરથી જ લગાવી શકો છો કે ટ્રેન્ટની કુલ કમાણીનો આશરે 40 ટકા હિસ્સો એકલી વેસ્ટસાઇડ બ્રાન્ડમાંથી આવે છે. કંપનીનો ટાર્ગેટ છે કે તે દર વર્ષે વેસ્ટસાઇડના આશરે 50 નવા સ્ટોર્સ ખોલશે.

વેસ્ટસાઇડ (Westside) એ તાજેતરમાં જ સંયુક્ત આરબ અમીરાત એટલે કે UAEમાં પોતાનો પહેલો ઇન્ટરનેશનલ સ્ટોર ખોલીને ગ્લોબલ માર્કેટમાં ડગ માંડ્યા છે. કંપની હવે પોતાની ભારતીય ફેશન બ્રાન્ડને દુનિયાના અન્ય બજારો સુધી પહોંચાડવા માંગે છે.

ટ્રેન્ટ લિમિટેડનું શાનદાર પરફોર્મન્સ
ટાટા ગ્રુપની કંપની ટ્રેન્ટ લિમિટેડનું રિટેલ નેટવર્ક દેશભરમાં ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યું છે. કંપની વેસ્ટસાઇડ ઉપરાંત ઝુડિયો (Zudio) અને સ્ટાર બાઝાર જેવી પોપ્યુલર બ્રાન્ડ્સ પણ ચલાવે છે. નાણાકીય વર્ષ 2026 સુધીમાં ટ્રેન્ટ લિમિટેડની કુલ આવક (રેવેન્યુ) લગભગ ₹19,700 કરોડ રહી છે. આ સાથે જ કંપનીનું આખું રિટેલ નેટવર્ક હવે દેશના 321 શહેરોમાં 1,286 સ્ટોર્સ સુધી પહોંચી ગયું છે.

આગામી 48 કલાક ગુજરાતમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

ગુજરાતમાં વરસાદનો ધમાકો ચાલુ છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. રવિવારે રાજ્યના 120થી વધુ તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો, જેમાં અમરેલી જિલ્લાના રાજુલા અને ધારી તાલુકામાં 10-10 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. આજે અમરેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગે આગામી 48 કલાક દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કર્યું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અત્યંત ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સુરત, નવસારી, ડાંગ અને વલસાડ સહિતના જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે અન્ય જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ દરમિયાન 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

અમરેલી-ગીર સોમનાથમાં પૂરની સ્થિતિ
છેલ્લા બે-ત્રણ દિવસથી અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે સ્થાનિક નદીઓમાં પૂર આવ્યું છે. અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી નુકસાન થયું છે.

ચલાલા નગરપાલિકા વિસ્તારમાં રેસ્ક્યુ ઓપરેશન: ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં અંદાજિત 100 લોકો ફસાઈ ગયા હતા. સ્થાનિક વહીવટી તંત્ર અને સંબંધિત વિભાગોની ત્વરિત કામગીરીથી તમામ લોકોને સલામત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. સ્થિતિ હાલ નિયંત્રણમાં છે.

વઢેરા ગામમાં પોલીસની બહાદુરી: અમરેલીના જાફરાબાદ તાલુકાના વઢેરા ગામના પ્લોટ વિસ્તારમાં પૂરના પાણી ફરી વળતાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. પોલીસે પૂરના પાણીમાં ઉતરીને બાળકો અને વૃદ્ધોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા અને તેમને સલામત સ્થળે પહોંચાડ્યા. આ કાર્યમાં પોલીસે માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

હવામાન વિભાગની આગાહી
ગુજરાત અને આસપાસના વિસ્તારોમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમને કારણે આગામી પાંચ દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે. જિલ્લા તંત્રએ નાગરિકોને અપીલ કરી છે કે:

  • નીચાણવાળા વિસ્તારોમાં જવાનું ટાળો
  • બિનજરૂરી અવરજવર ન કરો
  • અફવાઓથી દૂર રહો
  • માત્ર અધિકૃત સૂચનાઓનું પાલન કરો
  • જિલ્લા વહીવટી તંત્ર સતત સ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને જરૂરી કાર્યવાહી માટે તૈયાર છે.

સલામતી સર્વોપરી આ વરસાદી મોસમમાં સૌએ સાવધાની રાખવી જરૂરી છે. વહીવટી તંત્ર અને રેસ્ક્યુ ટીમોના સમયસરના પ્રયાસોની પ્રશંસા થઈ રહી છે.

આવી કુદરતી આફતના સમયે એકતા અને ત્વરિત પ્રતિસાદ જ સૌથી મોટી તાકાત છે.

અમરેલીમાં મેઘતાંડવ! રાજુલામાં 10.79 ઇંચ વરસાદથી જનજીવન ઠપ

0

ગુજરાતમાં એકસાથે સક્રિય થયેલી અનેક વરસાદી સિસ્ટમોના કારણે રાજ્યભરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી વ્યક્ત કરી છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 164 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ અમરેલી જિલ્લાના રાજુલામાં 10.79 ઇંચ વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને કારણે અમરેલી જિલ્લામાં સ્કૂલો અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં નદીઓમાં પૂર આવતાં જનજીવન પ્રભાવિત થયું છે અને ગામડાઓમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે.

ક્યાં કેટલો પડ્યો વરસાદ?
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા મુજબ આજે સવારે 6 વાગ્યા સુધીના છેલ્લા 24 કલાકમાં રાજ્યના 164 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જેમાં એક તાલુકામાં 10 ઇંચથી વધુ, એક તાલુકામાં 9 ઇંચથી વધુ, એક તાલુકામાં 6 ઇંચથી વધુ, બે તાલુકામાં 5 ઇંચથી વધુ, છ તાલુકામાં 4 ઇંચથી વધુ, બે તાલુકામાં 3 ઇંચથી વધુ, 14 તાલુકામાં 2 ઇંચથી વધુ, 32 તાલુકામાં 1 ઇંચથી વધુ અને 105 તાલુકામાં 1 ઇંચથી ઓછો વરસાદ નોંધાયો હતો.

અમરેલી જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ
અમરેલી જિલ્લાના રાજુલામાં રાજ્યનો સૌથી વધુ 10.79 ઇંચ વરસાદ નોંધાયો હતો. ધારીમાં 9.21 ઇંચ અને ખાંભામાં 6.81 ઇંચ વરસાદ વરસ્યો હતો.

ક્રમતાલુકો / શહેરવરસાદ (ઇંચ)
1સુબીર (ડાંગ)5.16
2સાવરકુંડલા5.04
3જાફરાબાદ4.92
4ડાંગ4.57
5વિજયનગર4.49
6બગસરા4.29
7લીલીયા4.21
8ઊના4.21
9જેસર4.21
10ચીખલી3.58
11અન્ય એક વિસ્તાર3.27

છેલ્લા 24 કલાકમાં નોંધાયેલ વરસાદ

ક્રમતાલુકો / શહેરવરસાદ (ઇંચ)
1મહુવા (ભાવનગર)2.99
2વાપી2.95
3ગારિયાધાર2.80
4ડોલવણ2.76
5ઉમરગામ2.72
6ગીર ગઢડા2.72
7ગણદેવી2.64
8કોડીનાર2.60
9વ્યારા2.48
10ચુડા2.17
11અંબિકા2.09
12કપરાડા2.09
13અમરેલી2.01
14મહેસાણા1.97
15વઘઈ1.93
16પાલિતાણા1.85
17સૂત્રાપાડા1.81
18કોટડા સાંગાણી1.77
19ઓલપાડ1.77
20વિસાવદર1.57
21તારાપુર1.57
22કુકાવાવ-વડિયા1.42
23સિદ્ધપુર1.42
24લખતર1.38
25પલસાણા1.34
26દાંતા1.34
27વડગામ1.34
28કડી1.34
29ગોંડલ1.34
30નવસારી1.34
31હળવદ1.34
32વિસનગર1.30
33સાયલા1.30

આજે ક્યાં છે ભારે વરસાદની આગાહી?
હવામાન વિભાગે આજે સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, દમણ તેમજ દાદરા અને નગર હવેલી માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને નર્મદા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ઉપરાંત જૂનાગઢ, રાજકોટ, વડોદરા, પંચમહાલ, દાહોદ અને છોટા ઉદેપુર જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે લોકોને ભારે વરસાદ દરમિયાન નદી-નાળા અને નીચાણવાળા વિસ્તારોમાં જવાનું ટાળવા તેમજ જરૂરી સાવચેતી રાખવા અપીલ કરી છે.

Bhavnagar: પાલિતાણામાં માલધારી પર સિંહનો જીવલેણ હુમલો, ગંભીર રીતે ઇજાગ્રસ્ત..

0

ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના ગરજીયા ગામમાં વન્ય પ્રાણીના હુમલાની ઘટના સામે આવી છે. ગામના માલધારી કાળુભાઈ બોઘાભાઈ ગમારા પર સિંહે હુમલો કરતા તેઓ ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે.

સિંહે તેમને થોડા ઘાયલ કર્યા હતા અને એ પછી તેમના પગ સિંહે દબાવી રાખ્યા હતા. બાદમાં થોડી વાર કાળુભાઈ પોતાને છોડાવવા માટે મથ્યાં હતા. કાળુભાઈની બીજી જિંદગી હશે એટલે તેઓ બચી ગયા અને સિંહ ત્યાંથી ભાગી ગયો હતો. જો સિંહે તેમનું મારણ કરી નાંખ્યું હોય તો આજે તેઓ મોતને ભેટ્યા હોત.

હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
મળતી માહિતી અનુસાર, ગરજીયા ગામની સીમ વિસ્તારમાં આવેલા માલધારીના રહેઠાણ નજીક અચાનક સિંહ આવી ગયો હતો. આ દરમિયાન માલધારી કાળુભાઈ પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં તેમને ઈજાઓ પહોંચતા સ્થાનિક લોકો તરત જ મદદે દોડી આવ્યા અને તેમને સારવાર માટે પાલિતાણા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ તેમની સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતાં ગ્રામજનોએ તાત્કાલિક વન વિભાગને માહિતી આપી હતી. વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે.

ખેડૂતોમાં ચિંતા વ્યાપી
સ્થાનિક લોકોનું કહેવું છે કે છેલ્લા કેટલાક સમયથી ગામની આસપાસ વન્ય પ્રાણીઓની અવરજવર વધી રહી છે, જેના કારણે માલધારીઓ અને ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. ગ્રામજનોએ વન વિભાગને અસરકારક પગલાં ભરવા અને ગામની સુરક્ષા વધારવાની માંગ કરી છે. વન વિભાગે લોકોને સાવચેત રહેવા, રાત્રિના સમયે એકલા બહાર ન નીકળવા અને કોઈ પણ વન્ય પ્રાણી દેખાય તો તરત જ વિભાગને જાણ કરવાની અપીલ કરી છે. ઘટનાને લઈને વધુ તપાસ ચાલુ છે.

જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદે તબાહી મચાવી, કેટલાય ભૂસ્ખલનમાં અનેક વાહનો દટાયા

0

જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ અને ડોડા જિલ્લામાં અચાનક પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. પૂરને કારણે અનેક વિસ્તારોમાં ભૂસ્ખલન પણ થયું છે. ભારે વરસાદને કારણે કિશ્તવાડમાં 540 મેગાવોટના ક્વાર પાવર પ્રોજેક્ટ પાસે મોટો ભૂસ્ખલન થયો છે. અનેક વાહનો કાટમાળ નીચે દટાઈ ગયા છે. અનેક વાહનોને ભારે નુકસાન થયું છે અને તેઓ હજુ પણ ફસાયેલા છે. ફસાયેલા વાહનોને બચાવવા અને અસરગ્રસ્ત વિસ્તારને પુનઃસ્થાપિત કરવા માટે કાટમાળ દૂર કરવાની કામગીરી ચાલી રહી છે.

કાટમાળમાં ફસાયેલા વાહનો
અધિકારીઓએ જણાવ્યું હતું કે સોમવારે સવારે ભારે વરસાદને કારણે કિશ્તવાડ જિલ્લામાં 540 મેગાવોટના ક્વાર હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટ નજીક એક મોટો ભૂસ્ખલન થયો હતો, જેમાં અનેક વાહનો ભારે કાટમાળ નીચે દટાઈ ગયા હતા અને નોંધપાત્ર નુકસાન થયું હતું.

અધિકારીઓએ જણાવ્યું હતું કે ભૂસ્ખલનની ઝપેટમાં ઘણા વાહનો આવ્યા હતા, જેમાંથી ઘણાને ભારે નુકસાન થયું હતું. કાટમાળ સાફ કરવા, અસરગ્રસ્ત વાહનોને દૂર કરવા અને આ વિસ્તારમાં ટ્રાફિક પુનઃસ્થાપિત કરવા માટે બચાવ ટીમો અને ભારે મશીનરી તૈનાત કરવામાં આવી છે.

દરમિયાન, સતત વરસાદને કારણે આવેલા પૂરના કારણે ડોડા જિલ્લાના કેટલાક ભાગોમાં પણ ભારે તબાહી મચી ગઈ છે. ભારે વરસાદને કારણે ડોડા જિલ્લામાં સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે, જેના કારણે અનેક સ્થળોએ નુકસાન થયું છે. જોકે, તાત્કાલિક કોઈ જાનહાનિના અહેવાલ નથી. અધિકારીઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે, જ્યારે અસરગ્રસ્ત વિસ્તારોમાં પુનઃસ્થાપન અને બચાવ કામગીરી ચાલી રહી છે.

ડોડા-કિશ્તવાર રોડ બંધ
આ દરમિયાન, આજે સવારે ડોડા જિલ્લાના પ્રેમ નગર વિસ્તારમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન અને કાટમાળને કારણે ડોડા-કિશ્તવાર રોડ બંધ થઈ ગયો છે. સતત ભારે વરસાદને કારણે પહાડી વિસ્તારોમાં સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. રસ્તા પર ભારે કાટમાળ અને પથ્થરો પડતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો છે.

વહીવટીતંત્ર અને સંબંધિત વિભાગોના મશીનો ઘટનાસ્થળે પહોંચી ગયા છે, અને શક્ય તેટલી વહેલી તકે માર્ગને પુનઃસ્થાપિત કરવા માટે યુદ્ધના ધોરણે રાહત અને સફાઈ કામગીરી ચાલી રહી છે. વહીવટીતંત્રે લોકોને અપીલ કરી છે કે હવામાન સામાન્ય ન થાય અને માર્ગ સંપૂર્ણપણે સલામત જાહેર ન થાય ત્યાં સુધી બિનજરૂરી મુસાફરી ટાળે અને મુસાફરી કરતા પહેલા નવીનતમ માર્ગ અને હવામાન માહિતી મેળવે. સતત વરસાદને કારણે, પર્વતીય વિસ્તારોમાં ભૂસ્ખલનનું જોખમ છે, તેથી સ્થાનિકો અને પ્રવાસીઓને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવે છે.

ગુજરાતમાં 10 વખત ધારાસભ્ય બનનારા દિગ્ગજ નેતાનું નિધન

0

ગુજરાતમાં 10 વખત ધારાસભ્ય બનનારા દિગ્ગજ નેતા મોહનસિંહ રાઠવાનું 82 વર્ષની વયે ગઈકાલે નિધન થયું હતું. તેઓ સરકારમાં મંત્રી પણ રહ્યા હતા. 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં મોહનસિંહ રાઠવાએ મોટો રાજકીય નિર્ણય લીધો હતો. તે કોંગ્રેસનો સાથ છોડીને વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા. આ પક્ષ પલટા બાદ ભાજપ દ્વારા તેમના પરિવાર પર ભરોસો મૂકીને તેમના પુત્રને ટિકિટ આપવામાં આવી હતી.

તેમના એક પુત્ર રાજેન્દ્રસિંહ રાઠવાએ પિતાના પગલે ચાલીને તેઓ ચૂંટણી લડ્યા અને હાલમાં છોટા ઉદેપુર વિધાનસભા બેઠકના ધારાસભ્ય તરીકે કાર્યરત છે. જ્યારે અન્ય પુત્ર રણજીત રાઠવાના પણ સહકારી ક્ષેત્રે મોટું નામ ધરાવે છે અને તેઓ હાલ બરોડા ડેરીના ડિરેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે.

મોહનસિંહ રાઠવા છોટાઉદેપુર જિલ્લાના જાણીતા આદિવાસી નેતા અને પૂર્વ ધારાસભ્ય હતા. તેમના નિધનથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. તેઓ પાવી જેતપુરના ઉમરવા ગામના વતની હતા. તેઓ સતત 55 વર્ષ સુધી રાજકારણમાં સક્રિય રહ્યા અને 10 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમણે ગુજરાતના વનમંત્રી તરીકે પણ સેવા આપી હતી.

મોહનસિંહ રાઠવાએ આખી જિંદગી આદિવાસી સમાજના હક્કો, શિક્ષણ અને પ્રગતિ માટે કામ કર્યું. તેઓ લાખો લોકો માટે પ્રેરણા સમાન હતા.ગઈકાલે સાંજે પાવીજેતપુર ખાતે મોટી સંખ્યામાં લોકોની હાજરીમાં તેમની અંતિમયાત્રા નીકળી હતી અને ત્યાં જ તેમના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા.

મોહનસિંહ રાઠવા નિધન પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું, ગુજરાત સરકારના પૂર્વ મંત્રી મોહનસિંહ રાઠવાના અવસાનના સમાચારથી અત્યંત દુઃખની લાગણી અનુભવું છું. ગુજરાત વિધાનસભામાં વર્ષો સુધી તેમની સાથે કાર્ય કરવાનો અવસર મળ્યો હતો. આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ, જનસેવા અને લોકહિત પ્રત્યેની તેમની નિષ્ઠા તથા યોગદાન હંમેશાં યાદ રહેશે.

Ayodhya: મંદિરના ચઢાવાની ચોરીના પૈસાથી કરોડોની ડીલ! પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા

0

અયોધ્યા રામ મંદિરમાં ચઢાવાની ચોરીના આરોપી અનુકલ્પ મિશ્ર મંદિરના દાનપાત્રમાંથી ચોરી કરાયેલા પૈસાથી પોતાના ગામ પાસે 20 બીઘા જમીન ખરીદવાની તૈયારી કરી રહ્યો હતો. આ જમીનનો સોદો અંદાજે 2 કરોડ રૂપિયામાં નક્કી થયો હતો, પરંતુ તે દરમિયાન જ ચઢાવાની ચોરીના કેસમાં પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી.

માત્ર એટલું જ નહીં, અનુકલ્પ એક સ્કોર્પિયો કાર ખરીદવાની પણ તૈયારીમાં હતો અને તેણે શોરૂમ સંચાલકને જલ્દી બુકિંગ કરવા માટે કહ્યું હતું. બે મહિના પહેલાં જ તેણે સ્વિફ્ટ ડિઝાયર કાર ખરીદી હતી. અનુકલ્પના પિતા રવિન્દ્ર મિશ્રની પૂછપરછ દરમિયાન પોલીસને આ તમામ માહિતી મળી હતી. અંબેડકરનગરમાં તેની કેટલીક અચળ મિલકતો વિશે પણ માહિતી મળી છે.

મિલ્કીપુરના બસાવાં ગામનો મૂળ રહેવાસી અનુકલ્પ મિશ્ર છેલ્લા અંદાજે દોઢ વર્ષથી શહેરના કૌશલપુરી વિસ્તારમાં રહેતો હતો, પરંતુ ગામમાં તેનો સતત આવનજાવન રહેતો હતો. જ્યારે તેના ગામની નજીક 84 કોસી પરિક્રમા માર્ગનું નિર્માણ શરૂ થયું ત્યારે તેણે હાઈવે કિનારે જમીનમાં રોકાણ કરવાની ઈચ્છા વ્યક્ત કરી અને જમીન ખરીદવા માટે લોકોનો સંપર્ક શરૂ કર્યો.

એપ્રિલ મહિનામાં જ્યારે તેણે ગામમાં ભાગવત કથાનું આયોજન કર્યું હતું ત્યારે અનેક પ્રોપર્ટી ડીલરો તેની પાસે જમીન વેચવા માટે આવ્યા હતા. અનુકલ્પ એક જ સ્થળે 20 બીઘા જમીન ખરીદવા માગતો હોવાથી સોદામાં સમય લાગી રહ્યો હતો.

તેણે એક પ્રોપર્ટી ડીલરને કહ્યું હતું કે પૈસા જેટલા પણ લાગે, પરંતુ જમીન પરિક્રમા માર્ગની બાજુમાં જ હોવી જોઈએ. તે દરમિયાન જૂન મહિનામાં ચઢાવાની ચોરીનો મામલો બહાર આવ્યો અને તે પહેલાં ટ્રસ્ટની આંતરિક તપાસ તેમજ SITની તપાસ દરમિયાન તેની પૂછપરછ શરૂ થઈ ગઈ હતી. બાદમાં FIR નોંધાયા પછી તેને જેલમાં મોકલી દેવાયો હતો. અનુકલ્પની જેમ અન્ય આરોપીઓએ પણ ચઢાવાની ચોરી કરીને મિલકતો અને વાહનો ખરીદ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

ભારે વરસાદને પગલે માનખુર્દની ત્રણ માળની ચાલની રૂમો ધરાશાયી, 6નાં મોત

0

મુંબઈમાં સતત વરસી રહેલા ભારે વરસાદ વચ્ચે માનખુર્દના મંડાલા વિસ્તારની જનતાનગર પાંચમી ગલીમાં રવિવારે રાત્રે આશરે 8:30 વાગ્યે એક ત્રણ માળની ચાલનો ભાગ અચાનક ધરાશાયી થયો હતો. ચાલના બીજા અને ત્રીજા માળના કેટલાક રૂમ તૂટી પડતા કાટમાળ નીચે અનેક લોકો દટાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં એક મહિલા અને પાંચ બાળકો સહિત કુલ 6 લોકોનાં મોત નીપજ્યાં હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે.

ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. દુર્ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની ટીમને પણ બોલાવવામાં આવી હતી. ફાયર બ્રિગેડ અને NDRFની સંયુક્ત ટીમોએ કલાકો સુધી કાટમાળ હટાવીને ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. મોડી રાત સુધી રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ રહ્યું હતું.

આજે પણ સાવચેત રહેજો
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, રવિવારે સવારે 8 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી કોલાબામાં 48.8 મીમી અને સાંતાક્રુઝમાં 66.4 મીમી વરસાદ નોંધાયો હતો. આ વરસાદ સાથે જ જુલાઈ મહિનાના સરેરાશ વરસાદના લગભગ 85 ટકા જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે.

હવામાન વિભાગે આજે પણ મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. વિભાગના જણાવ્યા અનુસાર 60થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને દિવસભર ભારેથી અતિભારે વરસાદી ઝાપટાં પડી શકે છે. લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા તેમજ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મુંબઈ, પાલઘર અને થાણે જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે રાયગડ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરીને સ્થાનિક વહીવટીતંત્રને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે.