Home Blog Page 30

વાસ્તવિક દર્દીની સફળ સારવાર – દૂધની ગંભીર એલર્જીમાંથી સંપૂર્ણ રાહત! 🌟

૮ વર્ષની એક બાળકી છેલ્લા ઘણા વર્ષોથી દૂધની અત્યંત ગંભીર એલર્જીથી પીડાતી હતી.

તેની સ્થિતિ એટલી ગંભીર હતી કે દૂધની માત્ર સુગંધ આવતાં જ તેને:
🔹 સતત છીંક આવવી
🔹 નાકમાંથી પાણી વહેવું
🔹 આખા શરીરે ખંજવાળ
🔹 ચામડી પર શીળસ
🔹 સતત ઉધરસ
🔹 શ્વાસ લેવામાં તકલીફ

જેવી ગંભીર એલર્જીની તકલીફ શરૂ થઈ જતી.

છેલ્લા 2–3 વર્ષમાં 4–5 વખત હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. પરિવાર ખૂબ જ ચિંતિત હતો અને બાળકીને સામાન્ય જીવન જીવવું મુશ્કેલ બની ગયું હતું.

ત્યારબાદ તેઓ ડૉ. તરેશ પટેલ (એલર્જી અને ચેસ્ટ સ્પેશિયાલિસ્ટ ) પાસે આવ્યા.

તપાસ દરમિયાન Skin Prick Test કરવામાં આવ્યો, જેમાં દૂધની ગંભીર એલર્જી હોવાની પુષ્ટિ થઈ.

યોગ્ય માર્ગદર્શન અને વિગતવાર કાઉન્સેલિંગ બાદ Milk Oral Immunotherapy (OIT) શરૂ કરવામાં આવી.

આ સારવારમાં ખૂબ જ નાની માત્રાથી શરૂઆત કરીને, તબીબી દેખરેખ હેઠળ ધીમે ધીમે દૂધની માત્રા વધારવામાં આવે છે, જેથી શરીરમાં દૂધ પ્રત્યે સહનશક્તિ (Tolerance) વિકસે.

✅ લગભગ 3 વર્ષ સુધી નિયમિત Oral Immunotherapy અને યોગ્ય ફોલો-અપ બાદ આજે આ બાળકી દૂધ અને દૂધથી બનેલી વસ્તુઓ કોઈપણ એલર્જી વિના ખાઈ શકે છે.

આ કેસ આપણને એક મહત્વનો સંદેશ આપે છે:

✅ Oral Immunotherapy અસરકારક સારવાર છે, પરંતુ તે ધીમે ધીમે કામ કરે છે.
✅ સારવાર દરમિયાન ધીરજ, નિયમિતતા અને ડૉક્ટરની સૂચનાઓનું પાલન અત્યંત જરૂરી છે.
✅ યોગ્ય દર્દીઓમાં નિષ્ણાતની દેખરેખ હેઠળ કરવામાં આવેલી સારવારથી જીવનમાં મોટો બદલાવ આવી શકે છે.

દરેક દૂધની એલર્જી ધરાવતા દર્દી માટે Oral Immunotherapy યોગ્ય હોય જ એવું જરૂરી નથી. યોગ્ય દર્દીની પસંદગી અને સારવારનો નિર્ણય એલર્જી નિષ્ણાત દ્વારા સંપૂર્ણ મૂલ્યાંકન બાદ જ લેવો જોઈએ.

ડૉ. તરેશ પટેલ
એલર્જી અને ચેસ્ટ સ્પેશિયાલિસ્ટ
ચેસ્ટ કેર હોસ્પિટલ, પાલ-અડાજણ, સુરત
📞 મો.: 9428860138

અમદાવાદમાં ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ, 10 લોકોના મોત

0

અમદાવાદમાં ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગતાં 10 લોકોના કરુણ મોત થયા છે, જ્યારે 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આગની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડની 5થી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. સાથે જ વસ્ત્રાલ RAF કેમ્પના જવાનોએ પણ બચાવ કામગીરીમાં જોડાઈ અનેક લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પ્રાથમિક તપાસમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે કે, ફેક્ટરીનું લાયસન્સ રદ કરવામાં આવ્યું હોવા છતાં ત્યાં ફટાકડાનું ઉત્પાદન ચાલુ રાખવામાં આવતું હતું. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરવામાં આવી છે. સમગ્ર મામલે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

પ્રવાસ માટે આધારકાર્ડ સિવાયના અન્ય દસ્તાવેજો પણ ચાલશે, કેરળ હાઈકોર્ટની ટિપ્પણી બાદ મહત્વના સવાલો ઊભા

0

એરપોર્ટ પર મુસાફરોને ઝડપી અને સરળ પ્રવેશ આપવા માટે શરૂ કરાયેલી ડિજિ યાત્રા (Digi Yatra) સેવા અંગે કેરળ હાઈકોર્ટે મહત્વપૂર્ણ અવલોકન કર્યું છે. ડિજિ યાત્રામાં નોંધણી માટે આધાર કાર્ડની આવશ્યકતા સામે પ્રશ્ન ઉઠાવતા કોર્ટે પૂછ્યું કે જો મુસાફર પાસે પાસપોર્ટ, મતદાર ઓળખપત્ર અથવા અન્ય કોઈ માન્ય સરકારી ઓળખપત્ર ઉપલબ્ધ હોય તો માત્ર આધાર કાર્ડ પર જ ભાર કેમ મૂકવામાં આવે છે? આ મામલો ડેટા ગોપનીયતા અને ઓળખ ચકાસણીની પ્રક્રિયાને લઈને નવી ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

સુનાવણી દરમિયાન હાઈકોર્ટે જણાવ્યું કે ડિજિ યાત્રાનો ઉપયોગ મુસાફરો માટે ફરજિયાત નથી, પરંતુ જો કોઈ વ્યક્તિ આ સુવિધાનો લાભ લેવા માંગે તો તેને માત્ર આધાર કાર્ડથી જ નોંધણી કરાવવી પડે છે, તે પાછળનું કારણ સ્પષ્ટ હોવું જોઈએ. કોર્ટે એ પણ નોંધ્યું કે ફ્લાઇટની ટિકિટ બુક કરાવવા માટે આધાર કાર્ડ ફરજિયાત નથી, ત્યારે ડિજિ યાત્રા માટે જ તેની અનિવાર્યતા શા માટે રાખવામાં આવી છે તે અંગે સ્પષ્ટતા જરૂરી છે.

સરકાર તરફથી રજૂઆત કરવામાં આવી કે ડિજિ યાત્રામાં આધારનો ઉપયોગ માત્ર સ્વૈચ્છિક રીતે નોંધણી કરાવતા મુસાફરોની ઓળખ ચકાસવા માટે કરવામાં આવે છે અને આ સેવા સંપૂર્ણપણે વૈકલ્પિક છે. જોકે, કોર્ટે આ દલીલ બાદ ડિજિ યાત્રા ફાઉન્ડેશનને સીધો જવાબ આપવા કહ્યું છે કે શું આધાર સિવાય અન્ય માન્ય સરકારી ઓળખપત્રના આધારે પણ નોંધણીની સુવિધા આપી શકાય છે.

હાલમાં આ મામલે કોઈ અંતિમ ચુકાદો આવ્યો નથી. કેરળ હાઈકોર્ટે આગામી સુનાવણી સુધી ડિજિ યાત્રા ફાઉન્ડેશનને આધાર કાર્ડની આવશ્યકતા, અન્ય ઓળખપત્રોના ઉપયોગની શક્યતા અને મુસાફરોના ડેટાની સુરક્ષા અંગે પોતાનો વિગતવાર અભિપ્રાય રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ કેસનો અંતિમ નિર્ણય ભવિષ્યમાં ડિજિ યાત્રાની નોંધણી પ્રક્રિયા અને મુસાફરોના ડિજિટલ ગોપનીયતા અધિકારો માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

જંતર મંતર પર અભિજીત દીપકે સાથે શું થયું ?

જંતર મંતર પર ભૂખ હડતાલ પર ઉતરેલી કોકરોચ જનતા પાર્ટી (CJP) ના સ્થાપક અભિજીત દીપકે પર શાહી ફેંકવામાં આવી હતી. શાહી ફેંકાયા પછી, દીપકેના સમર્થકો સ્ટેજ તરફ દોડી ગયા હતા, જેના કારણે ઘટનાસ્થળે અરાજકતા અને હંગામોનું વાતાવરણ સર્જાયું હતું.

ઘણા મીડિયા અહેવાલો ના જાણ અનુસાર શાહી ફેકનાર મહિલા હતી, જોકે હજુ સુધી શાહી ફેકનાર નો હેતુ અને શાહી ફેકનાર ની કોઈ સચોટ ખબર મળી નથી આવી નથી.

ત્યારબાદ અભિજીત દીપકેએ X પર પોસ્ટ કરીને લખ્યું, “વાદળી મારો રંગ છે, જય ભીમ.” નોંધનીય છે કે તેમના પર જે શાહી ફેંકવામાં આવી હતી, તેનો રંગ પણ વાદળી જ હતો.

ગીરનાર જવું હોય તો આ નિયમો જાણવા જરૂરી

ગીરનાર વિસ્તારમાં યાત્રાળુઓની સુરક્ષા વધુ મજબૂત બનાવવા જિલ્લા તંત્ર દ્વારા નવી રજિસ્ટ્રેશન વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક તંત્રના જણાવ્યા મુજબ, ગીરનાર પર દર્શન માટે જતાં યાત્રાળુઓએ ઓનલાઈન અથવા ઓફલાઈન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને પોતાની સાથે આધાર કાર્ડ, મતદાર ઓળખપત્ર, ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા અન્ય કોઈપણ માન્ય સરકારી ઓળખપત્ર રાખવાનું રહેશે.
તંત્રના જણાવ્યા અનુસાર, આ વ્યવસ્થા ગીરનાર પર આવતા યાત્રાળુઓનો રેકોર્ડ જાળવવા, ઇમરજન્સી સમયે ઝડપી મદદ પહોંચાડવા અને સુરક્ષા વ્યવસ્થા વધુ અસરકારક બનાવવા માટે શરૂ કરવામાં આવી છે. જોકે, આ વ્યવસ્થા અંગેની વિગતવાર સત્તાવાર જાહેર સૂચના હજુ ઉપલબ્ધ થઈ નથી, તેથી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવતી નવી સૂચનાઓ પર પણ નજર રાખવાની સલાહ આપવામાં આવી છે.

સ્થાનિક તંત્રના જણાવ્યા મુજબ, યાત્રાળુઓ ઓનલાઈન પોર્ટલ પર જરૂરી વિગતો ભરીને રજિસ્ટ્રેશન કરી શકશે, જ્યારે સ્માર્ટફોન ન ધરાવતા અથવા ઓનલાઈન પ્રક્રિયા ન કરી શકતા લોકો માટે સ્થળ પર જ મફત ઓફલાઈન રજિસ્ટ્રેશનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જો તમે આગામી દિવસોમાં ગીરનાર જવાનું આયોજન કરી રહ્યા હોવ, તો પ્રવાસ પહેલાં માન્ય ઓળખપત્ર સાથે રાખો, રજિસ્ટ્રેશન સંબંધિત તાજેતરની સૂચનાઓ ચકાસો અને સ્થળ પર અધિકારીઓ દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરો. તેનાથી યાત્રા વધુ સુરક્ષિત અને સુવ્યવસ્થિત બની રહેશે.

સુરત ગ્રામ્ય વિસ્તાર માં ‘ઓપરેશન ડેલ્ટા હન્ટ’ હેઠળ ૧૬ બાંગ્લાદેશીઑ ઝડપાયા

સુરત ગ્રામ્ય પોલીસે ગેરકાયદેસર રીતે ભારતમાં રહેતા વિદેશી નાગરિકો સામે ચાલી રહેલા ‘ઓપરેશન ડેલ્ટા હન્ટ’ અંતર્ગત થોડા દિવસ પહેલાં ઝડપાયેલા 16 બાંગ્લાદેશી નાગરિકોને કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તેમના વતન બાંગ્લાદેશ પરત મોકલી દીધા છે.

પોલીસ તપાસ મુજબ આ તમામ વિદેશી નાગરિકો પશ્ચિમ બંગાળથી ગેરકાયદેસર આવી છેલ દોઢ વર્ષથી જિલ્લામાં છૂટક મજૂરી કરીને રહેતા હતા.

ઝડપાયેલા લોકોમાં 12 મહિલાઓ, 3 પુરુષો અને એક નાની બાળકીનો સમાવેશ થાય છે. સુરત જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં સ્થાનિક પોલીસ, એસઓજી અને એલસીબીની ટીમોએ સંયુક્ત તપાસ અભિયાન ચલાવ્યું હતું. તપાસ દરમિયાન તેમની ઓળખ, દસ્તાવેજો અને અન્ય પુરાવાના આધારે તેઓ બાંગ્લાદેશી નાગરિક હોવાનું સામે આવ્યું હતું.

પોલીસે તેમની બેંકિંગ વિગતો, મોબાઇલ રેકોર્ડ, ઓળખપત્રો અને બાંગ્લાદેશ સાથેના સંપર્કોની વિગતવાર તપાસ કર્યા બાદ કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી. સુરત ગ્રામ્ય એસઓજીના પીઆઈ એલ. જી. ઓડેદરાના જણાવ્યા મુજબ, જિલ્લામાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરિકોને શોધી કાઢવા માટેનું અભિયાન હજુ પણ સતત ચાલુ છે અને આગામી દિવસોમાં પણ આવી કાર્યવાહી ચાલુ રહેશે.

ઇતિહાસ રચાયો: ભારતનું પહેલું પ્રાઇવેટ ઓર્બિટલ રોકેટ ‘વિક્રમ-1’ શ્રીહરિકોટાથી સફળતાપૂર્વક લોન્ચ

0

ભારતના અવકાશ ક્ષેત્ર માટે ઐતિહાસિક ક્ષણ સર્જાઈ છે. હૈદરાબાદ સ્થિત ખાનગી સ્પેસ ટેક કંપની સ્કાયરૂટ એરોસ્પેસ દ્વારા વિકસિત દેશનું પ્રથમ પ્રાઇવેટ ઓર્બિટલ રોકેટ ‘વિક્રમ-1’ શનિવારે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું.

આ સફળ લોન્ચ સાથે ભારત વિશ્વના એવા પસંદગીના દેશોમાં સામેલ થયું છે, જ્યાં ખાનગી કંપનીએ સ્વદેશી ટેક્નોલોજીથી ઓર્બિટલ રોકેટ સફળતાપૂર્વક અવકાશમાં મોકલ્યું છે. રોકેટે નિર્ધારિત માર્ગને અનુસરી પોતાના પેલોડને લો અર્થ ઓર્બિટ (LEO)માં સફળતાપૂર્વક સ્થાપિત કર્યા.

‘વિક્રમ-1’ એક ત્રણ-સ્ટેજનું સોલિડ-ફ્યુઅલ રોકેટ છે, જે નાના ઉપગ્રહોને ઓર્બિટમાં પહોંચાડવા માટે ખાસ તૈયાર કરવામાં આવ્યું છે. આ મિશન દરમિયાન વિવિધ ટેક્નોલોજી ડેમોન્સ્ટ્રેશન પેલોડ્સનું સફળ પરીક્ષણ પણ કરવામાં આવ્યું.

આ સફળતા ભારતના ખાનગી અવકાશ ઉદ્યોગ માટે એક મોટા માઇલસ્ટોન તરીકે જોવામાં આવી રહી છે. આગામી સમયમાં સ્કાયરૂટ એરોસ્પેસ વૈશ્વિક સેટેલાઇટ લોન્ચિંગ બજારમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ભારત સરકાર અને ઇસરો (ISRO) દ્વારા ખાનગી ક્ષેત્રને અપાયેલા પ્રોત્સાહન બાદ દેશના સ્પેસ સ્ટાર્ટઅપ્સ માટે આ સિદ્ધિ નવી તકોના દ્વાર ખોલનારી સાબિત થઈ છે. ‘વિક્રમ-1’ની સફળતા ભારતના અવકાશ મિશનને નવી ઊંચાઈએ પહોંચાડશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

હવે બદ્રીનાથ મંદિર માં પણ દાન ચોરી, એક ની ધરપકડ

0

ઉત્તરાખંડના પ્રખ્યાત બદ્રીનાથ મંદિરમાં ચઢાવાની રકમમાં કથિત ગેરરીતિના મામલે વિશેષ તપાસ ટીમ (SIT)એ મંદિરના પૂર્વ અધિકારી રાજેન્દ્ર ચૌહાણની ધરપકડ કરી છે. રાજેન્દ્ર ચૌહાણ 30 જૂને નિવૃત્ત થયા હતા અને લાંબી પૂછપરછ બાદ શુક્રવારે તેમની અટકાયત કરવામાં આવી હતી.

તપાસ દરમિયાન મંદિરના ગણતરી કક્ષમાં લાગેલા CCTV ફૂટેજની વિગતવાર તપાસ કરવામાં આવી હતી. તપાસ એજન્સીના જણાવ્યા મુજબ 22, 25 અને 29 જૂનના ફૂટેજમાં રાજેન્દ્ર ચૌહાણ કથિત રીતે ચઢાવાની રોકડ રકમ સાથે શંકાસ્પદ હરકતો કરતા જોવા મળ્યા હતા. આ પુરાવાના આધારે તેમની ધરપકડ કરવામાં આવી છે.

તપાસમાં 22 જૂનની અન્ય CCTV ફૂટેજમાં પણ કેટલીક શંકાસ્પદ પ્રવૃત્તિઓ સામે આવી હોવાનું જણાવાયું છે. તપાસ અધિકારીઓ હવે ફૂટેજમાં દેખાતા અન્ય લોકોની ઓળખ અને તેમની સંભવિત ભૂમિકાની પણ તપાસ કરી રહ્યા છે. મંદિર પરિસરમાં લગાવવામાં આવેલા તમામ CCTV કેમેરાની રેકોર્ડિંગનું સતત વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે.

SITના જણાવ્યા મુજબ આ મામલે તપાસ હજુ ચાલુ છે અને જો વધુ પુરાવા સામે આવશે તો અન્ય સંડોવાયેલા લોકો સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ધરપકડ કરાયેલા પૂર્વ અધિકારીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે, જ્યાં આગળની કાનૂની પ્રક્રિયા હાથ ધરાશે. મંદિરના ચઢાવાની રકમ સાથે જોડાયેલા આ કેસને લઈને સ્થાનિક સ્તરે પણ ભારે ચર્ચા ચાલી રહી છે.

ગુજરાતમાં ફરી સક્રિય બન્યું ચોમાસું , આગામી પાંચ દિવસની જાણો આગાહી

0

ગુજરાતમાં આગામી પાંચ દિવસ દરમિયાન વરસાદી માહોલ વધુ સક્રિય રહેવાની શક્યતા છે.રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની સાથે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ નોંધાઈ શકે છે.હાલમાં સર્જાયેલા લો-પ્રેશર અને અરબી સમુદ્ર તરફથી આવતા ભેજયુક્ત પવનોના કારણે રાજ્યમાં વરસાદની ગતિવિધિમાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી અને ભરૂચ સહિતના વિસ્તારોમાં સારો વરસાદ પડી શકે છે. મધ્ય ગુજરાતમાં વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ અને મહીસાગર જિલ્લામાં પણ અનેક સ્થળોએ વરસાદી ઝાપટાં જોવા મળી શકે છે. બીજી તરફ સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર સહિતના વિસ્તારોમાં પણ વરસાદનું જોર વધવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતમાં વરસાદનું પ્રમાણ તુલનાત્મક રીતે ઓછું રહેવાની ધારણા છે, પરંતુ છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે.

દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ વધવાની સંભાવના હોવાથી દરિયો ઉગ્ર બની શકે છે.આવી સ્થિતિમાં માછીમારો અને દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.ભારે પવન અને વરસાદને કારણે કેટલીક જગ્યાએ સામાન્ય જનજીવન પર પણ અસર પડી શકે છે.

ખેતીની દૃષ્ટિએ આગામી દિવસોનો વરસાદ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.રાજ્યના જે વિસ્તારોમાં હજુ વાવણી પૂર્ણ થઈ નથી અથવા પૂરતા વરસાદની રાહ જોવાઈ રહી હતી, ત્યાં આ વરસાદ ખેડૂતો માટે રાહતરૂપ સાબિત થઈ શકે છે.સતત ભેજ મળવાથી ખરીફ પાકના વિકાસને પણ લાભ મળવાની આશા છે.

હાલના હવામાનના માહોલને જોતા જુલાઈ મહિનાના અંત સુધી રાજ્યમાં વરસાદી વાતાવરણ યથાવત રહેવાની સંભાવના છે. જો આગાહી મુજબ વરસાદ ચાલુ રહે તો જળાશયોમાં પાણીની આવક વધશે અને કૃષિ ક્ષેત્રને પણ તેનો સીધો લાભ મળશે.

8 સેકન્ડમાં 5 થપ્પડ! મહિલા PSIએ મહિલા ફરિયાદીને માર માર્યાનો વીડિયો વાયરલ, તપાસના આદેશ

0

ઉત્તર પ્રદેશના વારાણસીના ચૌબેપુર પોલીસ સ્ટેશનમાં મહિલા ઉપ-નિરીક્ષક (PSI) દ્વારા મહિલા ફરિયાદીને થપ્પડ માર્યાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં મહિલા અધિકારી માત્ર 8 સેકન્ડમાં ફરિયાદીને સતત 5 થપ્પડ મારતી જોવા મળે છે.

માહિતી મુજબ, ગીતા દેવી નામની મહિલા પોતાના પતિ સાથે જોડાયેલા એક કેસ અંગે ફરિયાદ લઈને પોલીસ સ્ટેશન પહોંચી હતી. પૂછપરછ દરમિયાન મહિલા PSI સાથે તેમની બોલાચાલી થઈ હતી, જે બાદ મામલો ઉગ્ર બનતા મહિલા અધિકારીએ ફરિયાદીને થપ્પડ મારી હતી. ઘટનાસ્થળે હાજર રહેલા અન્ય પોલીસકર્મીઓએ વચ્ચે પડી મામલો શાંત પાડ્યો હતો.

આ સમગ્ર ઘટનાનો વીડિયો પોલીસ સ્ટેશનમાં હાજર કોઈ વ્યક્તિએ બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. વીડિયો સામે આવ્યા બાદ પોલીસની કામગીરી પર સવાલો ઊઠ્યા છે.

બીજી તરફ, પોલીસે જણાવ્યું છે કે ફરિયાદી મહિલાએ લેખિતમાં જણાવ્યું છે કે તેમની પણ ભૂલ હતી અને તેઓ મહિલા PSI સામે કાર્યવાહી ઇચ્છતી નથી.

એસીપી વિનય દ્વિવેદીએ જણાવ્યું કે વાયરલ વીડિયો ગુરુવારનો હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે. સમગ્ર મામલે વીડિયોની સત્યતા અને ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસમાં જે હકીકતો સામે આવશે તેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.