Home Blog Page 24

CCTV: નાશિકના સિન્નરમાં ગંભીર અકસ્માત, CCTVમાં કેદ થયો ભયાનક અકસ્માતનો આખો ઘટનાક્રમ

0

મહારાષ્ટ્રના નાશિકમાં એક ભયાનક માર્ગ અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. CCTV કેમેરામાં કેદ થયેલા આ દ્રશ્યોમાં એક ટ્રક અચાનક કાબૂ બહાર જઈને ફ્લાયઓવર પરથી સીધો નીચે ખાબકતો જોવા મળે છે. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ટ્રક ચાલક ગંભીર રીતે ઘાયલ થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, આ ઘટના નાશિકના સિંન્નર MIDC બાયપાસ વિસ્તારમાં રવિવારે બપોરે લગભગ 1 વાગ્યાની આસપાસ બની હતી. CCTV ફૂટેજમાં દેખાય છે કે ફ્લાયઓવર પર અચાનક ટ્રક ચાલકે વાહન પરથી નિયંત્રણ ગુમાવ્યું હતું. ત્યારબાદ ટ્રક રોડના બેરિકેડ સાથે અથડાઈને લગભગ 50 ફૂટ નીચે પટકાયો હતો.

અકસમાત સમયે ફ્લાયઓવરની નીચેની સડક પર કોઈ વાહન કે વ્યક્તિ હાજર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. ટ્રકનું વજન વધારે હોવાને કારણે બેરિકેડ પણ તેનો ઝટકો સહન કરી શક્યું નહોતું અને ટ્રક નીચે પડી ગયો હતો.

ટ્રક નીચે પડતા અનેક વખત પલટી મારી હતી અને તેમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ઘાયલ ડ્રાઇવરને બહાર કાઢીને હોસ્પિટલ પહોંચાડ્યો હતો. પોલીસે અકસ્માતની તપાસ શરૂ કરી છે અને ટ્રક કયા કારણોસર કાબૂ બહાર ગયો તેની તપાસ ચાલી રહી છે.

પેપર લીક પર સરકારનો કડક પ્રહાર! લોકસભામાં મોદી સરકારે શું કર્યું ?

0

દેશભરમાં પરીક્ષાઓમાં પેપર લીક અને ગેરરીતિના વધતા મામલાઓ વચ્ચે કેન્દ્ર સરકારે સોમવારે લોકસભામાં મોટું પગલું ભર્યું છે. વિપક્ષના ભારે વિરોધ અને નારેબાજી વચ્ચે સરકારે ‘પબ્લિક એક્ઝામિનેશન્સ (પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ) એમેન્ડમેન્ટ બિલ, 2026’ રજૂ કર્યું છે. બિલ રજૂ થયા બાદ વિપક્ષના હોબાળાને કારણે લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે.

નીટ સહિતની મહત્વપૂર્ણ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પેપર લીકના મુદ્દે દેશભરમાં ચર્ચા ચાલી રહી છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકાર પરીક્ષા વ્યવસ્થાને વધુ સુરક્ષિત અને પારદર્શક બનાવવા માટે કડક કાયદાકીય જોગવાઈ લાવી રહી છે.

આ બિલનો મુખ્ય ઉદ્દેશ પેપર લીક કરનારા લોકો, પરીક્ષા માફિયા અને ગેરરીતિમાં સામેલ સંસ્થાઓ સામે કડક કાર્યવાહી કરવાનો છે. પ્રસ્તાવિત કાયદા હેઠળ પરીક્ષાની વિશ્વસનીયતા સાથે ચેડા કરનારાઓ સામે દંડ અને સજાની જોગવાઈઓને વધુ મજબૂત બનાવવામાં આવી છે.

લોકસભામાં બિલ રજૂ થતાં જ વિપક્ષના સાંસદોએ પરીક્ષા કૌભાંડના મુદ્દે સરકાર સામે વિરોધ શરૂ કર્યો હતો અને ચર્ચાની માંગ કરી હતી. હોબાળો વધતા અધ્યક્ષે ગૃહની કાર્યવાહી થોડા સમય માટે સ્થગિત કરી છે.

સરકારનું કહેવું છે કે આ બિલ લાખો વિદ્યાર્થીઓના હિતોને ધ્યાનમાં રાખીને લાવવામાં આવ્યું છે અને તેનાથી ભવિષ્યમાં પેપર લીક જેવી ઘટનાઓ પર નિયંત્રણ લાવવામાં મદદ મળશે.

વર્ષો બાદ વાપસીનો કમાલ! રાજા મુથુપાંડીએ કોમનવેલ્થમાં ભારતને અપાવ્યો સિલ્વર

0

વર્ષોની મહેનત, ઈજાનો સંઘર્ષ અને ટીમમાંથી બહાર થવાની પીડા બાદ રાજા મુથુપાંડી આજે ફરી એકવાર ભારતનું નામ રોશન કર્યું છે. કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતીય વેઈટલિફ્ટરે શાનદાર પ્રદર્શન કરીને પુરુષોની 65 કિલોગ્રામ કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો છે, જેના કારણે ભારતના મેડલ ટેલીમાં વધુ એક વધારો થયો છે.

ગ્લાસગોમાં રમાઈ રહેલી કોમનવેલ્થ ગેમ્સમાં રાજા મુથુપાંડીએ કુલ 286 કિલોગ્રામ વજન ઉઠાવીને બીજું સ્થાન મેળવ્યું હતું. તેણે સ્નેચમાં 126 કિલોગ્રામ અને ક્લીન એન્ડ જર્કમાં 160 કિલોગ્રામ વજન સફળતાપૂર્વક ઉઠાવ્યું હતું.

26 વર્ષીય રાજા માટે આ જીત ખાસ રહી છે, કારણ કે વર્ષ 2019માં થયેલી ગંભીર કોણીની ઈજાએ તેની કારકિર્દી પર મોટો ખતરો ઉભો કર્યો હતો. કોરોના મહામારી દરમિયાન તેની રિહેબિલિટેશન પ્રક્રિયા પણ મુશ્કેલ બની હતી. ત્યારબાદ વજન કેટેગરી બદલાવ અને કડક સ્પર્ધાના કારણે તેને 2022 બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં સ્થાન મળ્યું ન હતું.

જોકે, રાજાએ હિંમત ન હારી અને વાપસી કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની ઓળખ બનાવી. તેની આ સફળતા બાદ કેન્દ્રીય રમત મંત્રી મનસુખ માંડવિયાએ પણ અભિનંદન પાઠવીને તેને ભારતીય વેઈટલિફ્ટિંગ માટે ગૌરવની ક્ષણ ગણાવી હતી.

રાજાના સિલ્વર સાથે ભારતે એક જ દિવસે વેઈટલિફ્ટિંગમાં ત્રણ મેડલ જીત્યા છે. અગાઉ મીરાબાઈ ચાનુએ ગોલ્ડ અને ચનંબમ રિશિકાંતાએ સિલ્વર મેડલ જીતીને ભારતની મેડલ સફરને મજબૂત બનાવી હતી

ગુજરાતમાં ફરી થશે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! IMDએ અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું

0

છેલ્લા એક સપ્તાહથી ગુજરાતમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ સર્જી હતી. હવે વરસાદની તીવ્રતા થોડી ઘટે તેવી શક્યતા છે, પરંતુ રાહત હજુ પૂર્ણ રીતે મળવાની નથી. આગામી સપ્તાહના અંત સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં ફરી ભારે અને કેટલાક સ્થળોએ અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે જિલ્લાવાર એલર્ટ જાહેર કરીને લોકોને સાવચેત રહેવા અને જરૂરી હોય ત્યારે જ મુસાફરી કરવાની સલાહ આપી છે.

હવામાન વિભાગના તાજેતરના અનુમાન અનુસાર 27 જુલાઈએ ઉત્તર ગુજરાતના વાવ-થરાદ અને પાટણ સહિત વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. આ વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

28 અને 29 જુલાઈ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની કોઈ વિશેષ ચેતવણી આપવામાં આવી નથી. જોકે, મોટાભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ, ગાજવીજ, વીજળીના કડાકા અને પ્રતિ કલાક 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. તેથી ખેડૂતો અને ખુલ્લામાં કામ કરતા લોકોએ સાવચેતી રાખવાની જરૂર રહેશે.

30 જુલાઈથી દક્ષિણ ગુજરાતમાં વરસાદ ફરી સક્રિય બનવાની શક્યતા છે. છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા-નગર હવેલી માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં સ્થાનિક સ્તરે ભારે વરસાદ નોંધાઈ શકે છે.

31 જુલાઈએ વરસાદનું જોર વધુ વધે તેવી શક્યતા છે. પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, મહીસાગર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ તેમજ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, ભાવનગર અને બોટાદ સહિતના વિસ્તારોમાં યલો એલર્ટ અમલમાં રહેશે.

1 ઓગસ્ટે પણ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, સુરત, નવસારી, વલસાડ, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી, બોટાદ અને કચ્છ સહિતના અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ રહેશે.

હવામાન વિભાગે લોકોને નદી-નાળાની નજીક જવાનું ટાળવા, નીચાણવાળા વિસ્તારોમાં ખાસ સાવચેતી રાખવા અને સ્થાનિક તંત્ર દ્વારા જાહેર કરવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે. આગામી દિવસોમાં વરસાદનું સ્વરૂપ જિલ્લાવાર બદલાતું રહેશે, તેથી હવામાન સંબંધિત અપડેટ પર સતત નજર રાખવી જરૂરી રહેશે.

પેપર લીક રોકવા સરકારનો માસ્ટર પ્લાન, આ વ્યક્તિને સોંપાઈ મોટી જવાબદારી

નીટ પેપર લીક વિવાદે દેશભરમાં મચાવેલા રાજકીય અને સામાજિક તોફાન બાદ કેન્દ્ર સરકારે હવે પરીક્ષા વ્યવસ્થામાં મોટા સુધારાની દિશામાં નિર્ણાયક પગલું ભર્યું છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ જંતર-મંતર પર ચાલતું વિદ્યાર્થી આંદોલન સમેટાઈ ગયું છે, પરંતુ સરકાર હવે ભવિષ્યમાં આવી ગેરરીતિઓ રોકવા માટે કડક કાર્યવાહી અને ટેક્નોલોજી આધારિત સુધારાઓ અમલમાં મૂકવા તૈયાર હોવાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કર્યું છે.

વડાપ્રધાન મોદીએ ઈન્સ્ટાગ્રામ પર જાહેર કરેલા સંદેશમાં જણાવ્યું કે દેશની પરીક્ષા પ્રણાલીને વધુ વિશ્વસનીય, પારદર્શક અને લીક-પ્રૂફ બનાવવા માટે ઈન્ફોસિસના સહ-સ્થાપક નંદન નિલેકણીના અધ્યક્ષપદ હેઠળ છ સભ્યોની ઉચ્ચ સ્તરીય ટાસ્ક ફોર્સ રચવામાં આવી છે. આ સમિતિ ટેક્નોલોજીના વ્યાપક ઉપયોગ, સાયબર સુરક્ષા મજબૂત બનાવવી, પરીક્ષા સંચાલનની પ્રક્રિયામાં માળખાકીય સુધારા અને લોજિસ્ટિક્સ વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવાના સૂચનો કરશે.

ટાસ્ક ફોર્સમાં ઈસરોના પૂર્વ અધ્યક્ષ એસ. સોમનાથ, આઈબીના પૂર્વ ડિરેક્ટર તપન ડેકા, આઈઆઈટી મદ્રાસના ડિરેક્ટર વી. કામકોટિ, પૂર્વ શિક્ષણ સચિવ અનીતા કરવાલ અને લોજિસ્ટિક્સ નિષ્ણાત અમૃત લાલ મીણાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતોની આ ટીમનો મુખ્ય હેતુ ભવિષ્યની રાષ્ટ્રીય સ્તરની પરીક્ષાઓને વધુ સુરક્ષિત અને વિશ્વસનીય બનાવવાનો છે.

વડાપ્રધાને વધુમાં જણાવ્યું કે પેપર લીક સામે કડક કાયદો લાવવા માટે સરકાર પ્રતિબદ્ધ છે અને આ અંગેનું બિલ સંસદમાં રજૂ કરવામાં આવશે. પ્રસ્તાવિત કાયદામાં દોષિતોને 10 વર્ષ સુધીની જેલ અને ₹10 કરોડ સુધીના દંડ જેવી કડક જોગવાઈઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. બીજી તરફ, વિપક્ષે પેપર લીક મુદ્દે વડાપ્રધાન પાસેથી માફીની માંગ અને વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જની કાર્યવાહી અંગે સરકારને ઘેરવાની તૈયારી દર્શાવી છે. આ મુદ્દે સંસદ ઉપરાંત સુપ્રીમ કોર્ટમાં પણ મહત્વપૂર્ણ સુનાવણી થવાની છે.

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ પણ CJPનું આંદોલન યથાવત, અભિજીત દીપકે મૂકી વધુ બે માંગણીઓ

0

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાને દેશભરમાં ચાલી રહેલા વિદ્યાર્થી આંદોલનની મોટી સફળતા તરીકે જોવામાં આવી રહ્યું છે. જોકે, દિલ્હીના જંતર-મંતર પર છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલું કોકરોચ જનતા પાર્ટીનું આંદોલન હવે અટકવાનું નથી. CJPના સ્થાપક અભિજીત દીપકેએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે તેમની બાકીની બે મુખ્ય માંગણીઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે.

આજ રોજ ધર્મેન્દ્ર પ્રધાને વડાપ્રધાનને પોતાનું રાજીનામું સુપરત કર્યા બાદ જંતર-મંતર પર સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ દરમિયાન અભિજીત દીપકેએ કહ્યું કે રાજીનામું મહત્વપૂર્ણ પગલું છે, પરંતુ આંદોલનનો અંત નથી. તેમના જણાવ્યા મુજબ પ્રથમ માંગણી એવી છે કે પેપર લીક વિવાદ બાદ આત્મહત્યા કરનાર વિદ્યાર્થીઓના પરિવારોને ₹1 કરોડનું વળતર આપવામાં આવે. બીજી માંગણી તરીકે તેમણે 20 જુલાઈના રોજ વિદ્યાર્થીઓ સામે બળપ્રયોગ કરનાર પોલીસ અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

દીપકેએ વધુમાં જણાવ્યું કે લોકશાહીમાં શાંતિપૂર્ણ અને અડગ લડતથી પણ પરિવર્તન શક્ય છે. તેમના મતે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું એ વાતનો પુરાવો છે કે લોકો એકજૂટ થાય તો જવાબદારી નક્કી કરાવી શકાય છે. તેમણે આને “લોકશાહીની જીત” ગણાવી અને સમર્થકોને ડર્યા વિના પોતાના અધિકારો માટે અવાજ ઉઠાવવાની અપીલ કરી.

CJPએ એ પણ માંગ કરી છે કે 20 જુલાઈના વિરોધ પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓ સામે નોંધાયેલા તમામ કેસ પાછા ખેંચવામાં આવે અને કાયદો-વ્યવસ્થા જાળવવાના નામે થયેલી કાર્યવાહી અંગે જવાબદારી નક્કી કરવામાં આવે. બીજી તરફ, ધર્મેન્દ્ર પ્રધાને પોતાના રાજીનામામાં જણાવ્યું છે કે વિદ્યાર્થીઓના ભવિષ્ય અને દેશના હિતને ધ્યાનમાં રાખીને તેમણે આ નિર્ણય લીધો છે.

રાજીનામા બાદ પણ જંતર-મંતર પર આંદોલન ચાલુ રહેતાં હવે સરકાર અને CJP વચ્ચે આગામી ચર્ચા તથા બાકી રહેલી માંગણીઓ પર શું નિર્ણય થાય છે તેના પર સૌની નજર ટકેલી છે.

મેઘરાજા હજુ નહીં રોકાય! ગુજરાતના આ જિલ્લાઓ માટે મોટું એલર્ટ

0

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા વરસાદે જનજીવનને અસર કરી છે હવામાન વિભાગની નવી આગાહી મુજબ 25 જુલાઈથી 31 જુલાઈ સુધી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને આજે દક્ષિણ અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા છે.

આગાહી મુજબ 26 જુલાઈએ બોટાદ, અમરેલી, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. બીજી તરફ બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર અને ભાવનગરમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

27 જુલાઈએ સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, તાપી, વલસાડ, ડાંગ, ભાવનગર અને અમરેલી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદનું એલર્ટ યથાવત રહેશે. સક્રિય ચોમાસાને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા અને નદી-નાળાઓમાં જળસ્તર વધવાની શક્યતા હોવાથી સ્થાનિક વહીવટી તંત્રએ સાવચેતી રાખવા અપીલ કરી છે.

28થી 31 જુલાઈ દરમિયાન વરસાદનું જોર થોડું ઘટી શકે છે, પરંતુ દક્ષિણ અને મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે. 29 અને 30 જુલાઈએ ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે, જ્યારે 30 જુલાઈએ અમદાવાદ અને આણંદમાં હળવો વરસાદ થવાની શક્યતા છે.

હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને નાગરિકોએ ભારે વરસાદ દરમિયાન બિનજરૂરી મુસાફરી ટાળવી, નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવી અને સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવું જરૂરી છે. માછીમારોને પણ દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે, કારણ કે દરિયો તોફાની રહેવાની શક્યતા છે.

વિદ્યાર્થી આંદોલનનો વિજય! ધર્મેન્દ્ર પ્રધાને શિક્ષણ મંત્રી પદેથી આપ્યું રાજીનામું

NEET સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કથિત પેપર લીક અને પરીક્ષા વ્યવસ્થામાં અનિયમિતતાઓને લઈને દેશભરમાં ચાલી રહેલા વિરોધ વચ્ચે કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને શનિવારે, 25 જુલાઈ 2026ના રોજ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાનું રાજીનામું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સોંપ્યું હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.

રાજીનામું એવા સમયે આવ્યું છે જ્યારે વિદ્યાર્થીઓ, વાલીઓ અને વિપક્ષી પક્ષો દ્વારા શિક્ષણ મંત્રીની જવાબદારી નક્કી કરવાની અને તેમના રાજીનામાની માંગ કરવામાં આવી રહી હતી. દિલ્હીના જંતર-મંતર સહિત દેશના વિવિધ વિસ્તારોમાં આ મુદ્દે વિરોધ પ્રદર્શનો થયા હતા.

રાજીનામા સાથે જાહેર થયેલા પત્રમાં પ્રધાને છેલ્લા દસ દિવસની ઘટનાઓથી પોતે દુઃખી હોવાનું જણાવ્યું છે. તેમણે દેશની એકતા જાળવવા, વિદ્યાર્થીઓનું ભવિષ્ય કાનૂની જટિલતાઓમાં ન ફસાય અને યુવાનો અભ્યાસ તથા કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરી શકે તે હેતુથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો હોવાનું લખ્યું છે.

અગાઉ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો એક કથિત રાજીનામાનો પત્ર ફેક હોવાનું ફેક્ટ-ચેકમાં સામે આવ્યું હતું. જોકે, 25 જુલાઈએ ધર્મેન્દ્ર પ્રધાનના વાસ્તવિક રાજીનામાની પુષ્ટિ થઈ છે. હવે શિક્ષણ ક્ષેત્રમાં પારદર્શિતા અને પરીક્ષા વ્યવસ્થામાં સુધારા અંગે સરકારના આગામી પગલાં પર સૌની નજર છે.

મહારાષ્ટ્ર TET પેપર લીકનો માસ્ટરમાઇન્ડ એક મહિના બાદ બિહારમાંથી ઝડપાયો

0

પેપર લીકના વધતા મામલાઓ વચ્ચે મહારાષ્ટ્ર પોલીસને મોટી સફળતા મળી છે. મહારાષ્ટ્ર શિક્ષક પાત્રતા પરીક્ષા (TET) પેપર લીક કેસમાં લાંબા સમયથી ફરાર રહેલા કથિત માસ્ટરમાઇન્ડ બિજેન્દ્ર કુમાર ગુપ્તાની બિહારથી ધરપકડ કરવામાં આવી છે. ભીવંડી પોલીસે કાર્યવાહી કરીને તેને ઝડપી પાડ્યો છે, જેના બાદ હવે સમગ્ર પેપર લીક નેટવર્કના ખુલાસાની આશા વધી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, બિજેન્દ્ર ગુપ્તા ઘણા સમયથી પોતાની ઓળખ છુપાવીને ફરાર હતો. તેની શોધ માટે મહારાષ્ટ્ર પોલીસની ટીમોએ અનેક સ્થળોએ તપાસ હાથ ધરી હતી. આખરે બિહારથી તેને પકડી લેવામાં આવ્યો હતો. તેની સાથે અન્ય એક આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે.

મહારાષ્ટ્ર TET પેપર લીક કેસમાં અગાઉ પણ અનેક લોકોની ધરપકડ થઈ ચૂકી છે. તપાસ દરમિયાન બિજેન્દ્ર ગુપ્તાને આ કથિત પેપર લીક સિન્ડિકેટનો મુખ્ય સૂત્રધાર માનવામાં આવી રહ્યો છે. તેની પત્ની સહિત અન્ય આરોપીઓ પણ તપાસના ઘેરામાં આવી ચૂક્યા છે.

હવે મુખ્ય આરોપીની ધરપકડ બાદ પોલીસ તેની પૂછપરછ કરીને પેપર લીકની આખી ચેઇન, તેમાં સામેલ લોકો અને આ નેટવર્ક કેવી રીતે ચાલતું હતું તેની માહિતી મેળવવાનો પ્રયાસ કરશે. તપાસ એજન્સીઓને આશા છે કે આ ધરપકડથી કેસમાં મહત્વના ખુલાસા થઈ શકે છે.

ધ્યાનમાં લેવા જેવી વાત તો એ છે કે આ ધરપકડ એવા સમયે થઈ છે જ્યારે દેશમાં પરીક્ષા વ્યવસ્થાની પારદર્શિતા અને પેપર લીક વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ ઉઠી રહી છે.

ભારતીયો માટે અમેરિકાનો નવો ઝટકો! H-1B વીઝા પર 3 વર્ષનો બ્રેક?

અમેરિકામાં H-1B વીઝા કાર્યક્રમને લઈને વધુ કડક નિયમોની તૈયારી શરૂ થઈ છે. મોન્ટાનાના રિપબ્લિકન સેનેટર ટિમ શીહી દ્વારા સેનેટમાં એક બિલ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં નવા H-1B વીઝા જારી કરવાની પ્રક્રિયા ત્રણ વર્ષ માટે રોકવાની દરખાસ્ત કરવામાં આવી છે. આ બિલમાં H-1B કાર્યક્રમમાં સુધારા અને વધુ કડક નિયંત્રણોની પણ માંગ કરવામાં આવી છે.

બિલમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પ્રસ્તાવિત 1 લાખ અમેરિકી ડોલરની H-1B અરજી ફીને કાયદાકીય માન્યતા આપવાની જોગવાઈનો પણ ઉલ્લેખ છે. જોકે આ ફી અંગે અમેરિકાની ફેડરલ કોર્ટમાં કાનૂની પડકાર થયો હતો અને એક અદાલતે તેને અમાન્ય ગણાવી હતી.

સેનેટર શીહીનું કહેવું છે કે H-1B કાર્યક્રમનો મૂળ હેતુ અમેરિકામાં ખાસ કુશળતા ધરાવતા કર્મચારીઓની અછત દૂર કરવાનો હતો, પરંતુ તેનો ઉપયોગ અમેરિકન કર્મચારીઓની જગ્યાએ ઓછા ખર્ચે વિદેશી કર્મચારીઓ રાખવા માટે ન થવો જોઈએ. તેમણે દાવો કર્યો છે કે આ બિલ H-1Bના દુરુપયોગને રોકશે અને અમેરિકન નોકરીઓનું રક્ષણ કરશે.

H-1B વીઝા હેઠળ અમેરિકન કંપનીઓ વિદેશી નિષ્ણાતોને ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને અન્ય વિશેષ ક્ષેત્રોમાં નોકરી આપી શકે છે. આ કાર્યક્રમનો સૌથી વધુ લાભ ભારતીય IT પ્રોફેશનલ્સને મળ્યો છે. મોટી ટેક કંપનીઓ દર વર્ષે ભારત અને અન્ય દેશોમાંથી હજારો કુશળ કર્મચારીઓને H-1B મારફતે ભરતી કરે છે.

જો આ પ્રકારના પ્રતિબંધો અમલમાં આવશે તો ભારતીય સોફ્ટવેર એન્જિનિયરો, ડેવલપર્સ અને અમેરિકામાં કામ કરવાની તૈયારી કરતા યુવાનો માટે નવી તકો પર અસર પડી શકે છે. જોકે આ બિલ હજુ પ્રસ્તાવના તબક્કામાં છે અને તેને કાયદો બનવા માટે સેનેટ તથા અન્ય કાયદાકીય પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડશે.