સુરત: વિશ્વ ફિઝિયોથેરાપી દિવસની ઉજવણી નિમિત્તે SAKHI Physio Team દ્વારા મહિલા આરોગ્ય નિષ્ણાત ડૉ. ખુશ્બૂ ઠક્કર તથા ડૉ. તેજવાનીના માર્ગદર્શન હેઠળ અર્ધદિવસીય ફિઝિયોથેરાપી કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.

કોન્ફરન્સ દરમિયાન સુરતના વરિષ્ઠ ફિઝિયોથેરાપિસ્ટોએ વિવિધ મહત્વપૂર્ણ વિષયો પર નિષ્ણાત સત્રો યોજી પોતાના જ્ઞાન, સંશોધન અને ક્લિનિકલ અનુભવોનું આદાન-પ્રદાન કર્યું હતું.
ફિઝિયોથેરાપીના ક્ષેત્રમાં ભવિષ્યના સંશોધન, નવીન વિકાસ અને ગુણવત્તાસભર ક્લિનિકલ પ્રેક્ટિસ અંગે વિશેષ પેનલ ચર્ચાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ ચર્ચા વરિષ્ઠ ફિઝિયોથેરાપિસ્ટ ડૉ. ચંદ્રકાંત મોદીના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી.

કાર્યક્રમમાં 70થી વધુ ડેલિગેટ્સે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર કોન્ફરન્સનો મુખ્ય હેતુ ફિઝિયોથેરાપી ક્ષેત્રમાં જ્ઞાન અને સંશોધનને પ્રોત્સાહન આપવા સાથે આધુનિક અને ગુણવત્તાસભર ક્લિનિકલ પ્રેક્ટિસને વધુ મજબૂત બનાવવાનો હતો.
આ કાર્યક્રમના માધ્યમથી ફિઝિયોથેરાપી ક્ષેત્ર સાથે જોડાયેલા નિષ્ણાતોને એક મંચ પર લાવી નવીન વિચારો, અનુભવો અને જ્ઞાનનું આદાન-પ્રદાન કરવાની મહત્વપૂર્ણ તક મળી હતી.

