ભારતીય ક્રિકેટમાં અંડર-19 સ્તરે ઉંમર છુપાવીને રમવાના આરોપો સામે BCCIએ હવે કડક કાર્યવાહી શરૂ કરી છે. બંગાળ ક્રિકેટમાં થયેલી દસ્તાવેજી તપાસમાં એકસાથે 62 ખેલાડીઓ સામે કાર્યવાહી થતાં ક્રિકેટ જગતમાં ખળભળાટ મચ્યો છે. સૌથી ચોંકાવનારું નામ 2022 અંડર-19 વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય રવિ કુમારનું છે, જ્યારે વર્તમાન અંડર-19 ખેલાડી રોહિત યાદવ પર બે વર્ષનો પ્રતિબંધ મૂકાયો છે.
ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ (CAB)ની પ્રી-સિઝન ડોક્યૂમેન્ટેશન પ્રક્રિયા દરમિયાન ખેલાડીઓના જન્મ અને ઓળખ સંબંધિત રેકોર્ડની તપાસ કરવામાં આવી હતી. તેમાં 62 ખેલાડીઓને 2026-27 અને 2027-28 સીઝન દરમિયાન કોઈપણ ટૂર્નામેન્ટ માટે રજીસ્ટ્રેશન અથવા ટ્રાન્સફર માટે અયોગ્ય જાહેર કરવામાં આવ્યા છે. તેમની સામે દસ્તાવેજો અને ઉંમર સંબંધિત વિસંગતિઓ મળી હતી.
રોહિત યાદવ મામલે ગંભીર ગેરરીતિ સામે આવી હતી. તેના અલગ-અલગ દસ્તાવેજોમાં જન્મ વર્ષ 2007, 2009 અને 2010 દર્શાવવામાં આવ્યા હતા. આધાર રેકોર્ડમાં પણ અલગ-અલગ વિગતો મળી હતી. ત્યારબાદ BCCIએ તેને બે વર્ષ માટે ઘરેલુ ક્રિકેટમાંથી પ્રતિબંધિત કર્યો છે અને તેની ઓસ્ટ્રેલિયા અંડર-19 સામેની શ્રેણીની પસંદગી પણ રદ થઈ છે.
બીજી તરફ રવિ કુમારના CAB રેકોર્ડમાં જન્મતારીખને લઈને 45 મહિનાની વિસંગતિ નોંધાઈ છે. રવિ 2022માં ભારતની અંડર-19 વર્લ્ડ કપ વિજેતા ટીમનો મહત્વનો સભ્ય હતો. આ સમગ્ર કાર્યવાહીનો હેતુ ઉંમર સંબંધિત છેતરપિંડી અટકાવીને વય જૂથની ક્રિકેટમાં નિષ્પક્ષતા જાળવવાનો છે.





