સુરતમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી વચ્ચે ઔદ્યોગિક વિસ્તારોમાંથી કરંટના ઝટકાની એવી કરુણ ઘટનાઓ સામે આવી છે કે ઉત્સવની ખુશી વચ્ચે અનેક પરિવારોમાં શોક છવાઈ ગયો છે. શહેરમાં અલગ-અલગ ઔદ્યોગિક એકમોમાં કામ દરમિયાન વીજકરંટ લાગવાથી એક જ રાતમાં ત્રણ યુવાન શ્રમિકોના મોત થયા હોવાની ઘટના સામે આવી છે. સચિન GIDCમાં સિલાઈ મશીન ખસેડતી વખતે બનેલી દુર્ઘટનાનું CCTV પણ સામે આવ્યું છે, જ્યારે પાંડેસરા અને લીંબાયતની મિલોમાં પણ બે યુવાનો વીજકરંટની ચપેટમાં આવ્યા હતા.
સચિન GIDCની કલર્સ ડિજિટલ મિલમાં ધીરજ કુમાર સિલાઈનું કામ કરતો હતો. કામ દરમિયાન સિલાઈ મશીન ખસેડતી વખતે અચાનક તેને જોરદાર વીજકરંટ લાગ્યો હતો. કરંટ લાગતાં જ ધીરજ નીચે ઢળી પડ્યો હતો. સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં સચિન GIDC પોલીસ સ્થળ પર પહોંચી હતી અને CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી. ઉપલબ્ધ અહેવાલો મુજબ, ધીરજના લગ્નને માત્ર બે મહિના જેટલો સમય થયો હતો, જેના કારણે પરિવારમાં આ દુર્ઘટનાથી ભારે આઘાત ફેલાયો છે.
બીજી ઘટના પાંડેસરાની સહજ મિલમાં બની હતી. અહીં 21 વર્ષીય અનિલ શર્મા કામ દરમિયાન વીજકરંટની ચપેટમાં આવ્યો હતો. અહેવાલ મુજબ, સિલાઈ મશીન પર કામ કરતી વખતે અચાનક વીજપ્રવાહ ચાલુ થતાં તેને ગંભીર કરંટ લાગ્યો હતો. સ્થિતિ ગંભીર બનતા સારવાર મળે તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું. પરિવારજનોએ મિલ સંચાલકોની બેદરકારીનો આક્ષેપ કરી યોગ્ય તપાસ અને ન્યાયની માગ કરી છે.
ત્રીજી ઘટના લીંબાયત વિસ્તારમાં આવેલી મિલમાં બની હતી, જ્યાં 22 વર્ષીય કિશાન મિત્રા કામ દરમિયાન કરંટ લાગતાં મોતને ભેટ્યો હતો. ત્રણેય બનાવોએ સુરતના ટેક્સટાઇલ અને ઔદ્યોગિક એકમોમાં કામદારોની સુરક્ષા, વાયરિંગ, અર્થિંગ અને ઇલેક્ટ્રિકલ મેન્ટેનન્સ અંગે ફરી ગંભીર સવાલો ઉભા કર્યા છે. પોલીસ તેમજ સંબંધિત તંત્ર દ્વારા સમગ્ર મામલે તપાસ આગળ વધારવામાં આવી રહી છે.





