Home Blog Page 10

Zepto યુઝર્સને ઝટકો! ફ્રી ડિલિવરી માટે હવે આટલા રૂપિયાનો ઓર્ડર ફરજિયાત

0

Zepto પરથી માત્ર એકાદ-બે જરૂરી વસ્તુઓ મંગાવવાની ટેવ ધરાવતા ગ્રાહકો માટે હવે બિલ થોડું વધી શકે છે. કંપનીએ ફ્રી ડિલિવરી મેળવવા માટેની ન્યૂનતમ ઓર્ડર વેલ્યુ ₹149થી વધારીને ₹199 કરી છે. એટલે કે હવે નાની ખરીદી પર ડિલિવરી ચાર્જ ટાળવા ગ્રાહકોએ વધુ વસ્તુઓ કાર્ટમાં ઉમેરવી પડી શકે છે. માર્ચ 2026ના અહેવાલો અનુસાર, Zepto અગાઉ ₹149ની મર્યાદા પર આવી ગયું હતું અને ત્યારબાદ ₹199ના થ્રેશોલ્ડ તરફ વધ્યું હતું.

આ બદલાવથી Zeptoની ફ્રી ડિલિવરી મર્યાદા Blinkit જેવી સેવાઓની ₹199 આસપાસની મર્યાદા સાથે આવી ગઈ છે. ખાસ કરીને પીક અવર્સ અથવા વધુ માંગના સમયગાળામાં Zepto કેટલીક જગ્યાએ ફ્રી ડિલિવરી માટેની મર્યાદા ₹299 સુધી વધારી શકે છે. કંપનીએ આ મોડલને રિયલ-ટાઈમ ડિમાન્ડ સાથે જોડવાનું શરૂ કર્યું છે, જેનો હેતુ ડિલિવરી ખર્ચ અને ઓર્ડર દીઠ આવક વચ્ચે વધુ સારું સંતુલન બનાવવાનો છે.

ક્વિક-કોમર્સ ક્ષેત્રમાં હવે ગ્રાહકોની સંખ્યા સાથે ઓર્ડરનો કદ અને નફાકારકતા પણ મહત્વના બની રહ્યા છે. Datum Intelligenceના Q4 FY26 ડેટા મુજબ Blinkitના સરેરાશ દૈનિક ઓર્ડર લગભગ 30.4 લાખ અને Zeptoના 23.3 લાખ હતા, જ્યારે Instamartના આશરે 12.5 લાખ ઓર્ડર નોંધાયા હતા.

બીજી તરફ, Zeptoનું IPO પણ ચર્ચામાં છે. કંપનીએ હાલ લિસ્ટિંગની યોજના મુલતવી રાખી છે અને 2-3 ક્વાર્ટર બાદ અપડેટેડ નાણાકીય આંકડા સાથે ફરીથી પ્રક્રિયા શરૂ કરવાની તૈયારી દર્શાવી છે. રોકાણકારોના અંદાજ મુજબ કંપનીનું IPO વેલ્યુએશન આશરે $2.5-3 અબજ સુધી આવી ગયું હતું, જે અગાઉના લગભગ $7 અબજના વેલ્યુએશન કરતાં ઘણું ઓછું છે.

આ સમગ્ર ફેરફાર દર્શાવે છે કે ક્વિક-કોમર્સ કંપનીઓ હવે માત્ર ઝડપથી ઓર્ડર વધારવા કરતાં દરેક ઓર્ડરમાં ખર્ચ અને આવકનું ગણિત વધુ કડક રીતે જોઈ રહી છે.

મધરાતે હોટલ બની મોતનું ઘર! ભીષણ આગમાં 9નાં મોત, 6 ઘાયલ

0

ઊંઘમાં જ ધુમાડાએ ગૂંગળાવી નાખ્યા અને બચવાનો મોકો પણ ન મળ્યો! પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં મંગળવારે મોડી રાત્રે લગભગ 2 વાગ્યે મિર્ઝા ગાલિબ સ્ટ્રીટ-ફ્રી સ્કૂલ સ્ટ્રીટ વિસ્તારમાં આવેલી હોટલમાં આગ લાગતા એક બાળક સહિત ઓછામાં ઓછા 9 લોકોના મોત થયા હતા, જ્યારે 6 લોકો ઘાયલ થયા હતા.

આગ લાગી ત્યારે હોટલના મોટાભાગના મહેમાનો ઊંઘમાં હતા. આગ સાથે ફેલાયેલા ગાઢ ધુમાડાના કારણે અનેક લોકો રૂમમાં જ ફસાઈ ગયા હતા અને ગૂંગળામણથી સ્થિતિ ગંભીર બની હતી. ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમોએ તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરીને હોટલમાંથી અનેક લોકોને બહાર કાઢ્યા હતા. કેટલાક લોકોને બારીઓ તોડી બહાર લાવવામાં આવ્યા હતા. અહેવાલો અનુસાર લગભગ 28થી વધુ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.

મૃતકોમાં મહિલાઓ, પુરુષો અને એક બાળકનો સમાવેશ થયા હોવા સાથેજ કેટલાક મૃતકો બાંગ્લાદેશી નાગરિક હોવાનું અહેવાલોમાં જાણવા મળી રહ્યું છે. તેઓ સારવાર માટે કોલકાતા આવ્યા હોવાનું જાણવા મળે છે. જોકે, તમામ મૃતકોની નાગરિકતા અંગે સત્તાવાર રીતે સંપૂર્ણ વિગતો હજુ જાહેર થવાની બાકી છે.

આગ કયા કારણોસર લાગી તે અંગે તપાસ ચાલી રહી છે. પ્રાથમિક રીતે શોર્ટ સર્કિટની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ સત્તાવાર કારણ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે. આ ઘટના બાદ શહેરમાં હોટલોના ફાયર સેફ્ટી ધોરણો અંગે ફરી ગંભીર સવાલો ઊભા થયા છે.

વડોદરા હોટેલમાં યુવકનું રહસ્યમય મોત: ડેટિંગ એપ પર મળેલા યુવક સાથે હોટેલ પહોંચ્યો હતો યુવક

વડોદરાના દાંડિયાબજાર વિસ્તારમાં આવેલી એક હોટેલમાં 29 વર્ષીય યુવકનું રહસ્યમય સંજોગોમાં મોત થતાં અનેક સવાલો ઊભા થયા છે. યુવક એક અન્ય વ્યક્તિ સાથે હોટેલમાં રોકાયો હતો અને પ્રાથમિક તપાસમાં બંને વચ્ચે ગે ડેટિંગ એપ તથા વોટ્સએપ મારફતે સંપર્ક થયો હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ, પાણીગેટ વિસ્તારમાં રહેતો 29 વર્ષીય ગુલામ મુસ્તફા ખુરશીદ અહેમદ નૈયર ભાયલીના એક યુવક સાથે દાંડિયાબજારની હોટેલ વિન્ટેજ ઈનમાં ગયો હતો. બંનેને શરૂઆતમાં રૂમ નંબર 304 આપવામાં આવ્યો હતો. જોકે, મોડી રાત્રે વીજ પુરવઠામાં ખામી સર્જાતા તેમને રૂમ નંબર 302માં ખસેડવામાં આવ્યા હતા.

ત્યારબાદ રૂમના શૌચાલયમાં યુવક પડી ગયો હોવાની માહિતી સામે આવી હતી. ઘટનામાં ગુલામ મુસ્તફાનું મોત નીપજ્યું હતું. મૃતકના સાથીએ જ હોટેલ સ્ટાફ અને પોલીસને જાણ કરી હતી. યુવકે કોઈ નશીલા પદાર્થનું સેવન કર્યું હતું કે નહીં તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.

ઘટનાની જાણ થતાં ACP અશોક રાઠવા સહિત રાવપુરા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો છે. મૃતક સાથે રહેલા યુવકને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરવામાં આવી રહી છે.

હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. મોતનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સ્પષ્ટ થશે. ઘટનાની જાણ થતાં રાવપુરા પોલીસે તપાસ શરૂ કરી હતી.

Video: યુવકને કૂતરાનો માસ્ક પહેરાવીને નગરપાલિકા કચેરી પહોંચ્યા વિપક્ષના નેતા, જનતાની સમસ્યાને લઈને અનોખો વિરોધ નોંધાવ્યો

0

મધ્યપ્રદેશના ખંડવામાં મંગળવારે યોજાયેલી જનસુનાવણી દરમિયાન એક અનોખું દૃશ્ય જોવા મળ્યું હતું. સામાન્ય અરજદારોની વચ્ચે એક યુવક કૂતરાની કોસ્ટ્યુમ પહેરીને કલેક્ટર કચેરી પહોંચતા લોકોનું ધ્યાન તેની તરફ ખેંચાયું હતું. ઘણા લોકોએ તેના ફોટા અને વીડિયો પણ બનાવ્યા હતા. જોકે, આ અનોખા વિરોધ પાછળ શહેરમાં વધતી આવારા શ્વાનોની સમસ્યા અને ડોગ બાઇટના બનાવો સામેનો ગંભીર મુદ્દો જોડાયેલો હતો.

ખંડવા નગરનિગમના વિપક્ષના નેતા મુલ્લુ રાઠોડે આ પ્રતીકાત્મક વિરોધ નોંધાવ્યો હતો. રાઠોડના દાવા મુજબ શહેરમાં આવારા શ્વાનોની સંખ્યા સતત વધી રહી છે, જેના કારણે બાળકો, મહિલાઓ અને વૃદ્ધોમાં ભયનો માહોલ સર્જાયો છે. તેમણે રજૂ કરેલી ફરિયાદ અનુસાર છેલ્લા ચાર વર્ષમાં અંદાજે 13,225 લોકો કૂતરાના કરડવાના બનાવોને કારણે સારવાર માટે હોસ્પિટલ પહોંચ્યા હતા.

રાઠોડે આવારા શ્વાનોની નસબંધી યોજનાને લઈને પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમના જણાવ્યા મુજબ વર્ષ 2024 દરમિયાન 3,168 શ્વાનોની નસબંધી માટે લગભગ રૂ. 33.20 લાખનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ મુજબ એક શ્વાનની નસબંધી પાછળ સરેરાશ રૂ. 1,048 જેટલો ખર્ચ દર્શાવવામાં આવ્યો હતો. તેમ છતાં શ્વાનોની સંખ્યા અને ડોગ બાઇટના બનાવોમાં કોઈ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો નથી તેવો તેમણે આક્ષેપ કર્યો હતો.

તેમણે નસબંધી પ્રક્રિયાના ટેન્ડર, સંબંધિત કંપનીની પાત્રતા, દસ્તાવેજો અને વાસ્તવિક કામગીરીની તપાસ કરવાની માંગ કરી હતી. સાથે જ નસબંધી કરાયેલા શ્વાનોની સંખ્યા અને ઓળખચિહ્નોની ભૌતિક ચકાસણી કરીને ગેરરીતિ સાબિત થાય તો જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે FIR નોંધવાની પણ માંગ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે 2025માં પણ મુલ્લુ રાઠોડે આવારા શ્વાનોના મુદ્દે કૂતરાના પ્રતીકાત્મક વેશ સાથે વિરોધ નોંધાવ્યો હતો. આ વખતે મામલો જનસુનાવણી સુધી પહોંચતા અધિક કલેક્ટર કાશીરામ બડોલેએ ફરિયાદની તપાસ કરાવી જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. શહેરમાં આવારા શ્વાનોનો મુદ્દો ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે.

ભાવનગર લઠ્ઠાકાંડથી ખળભળાટ! ડુપ્લિકેટ દારૂ પીધા બાદ એકનું મોત, 4 બુટલેગર ડિટેઈન

ભાવનગરના ખરકડી ગામમાં દારૂની પાર્ટી બાદ સર્જાયેલી ઘટનાએ સમગ્ર જિલ્લામાં ચકચાર મચાવી દીધી છે. શંકાસ્પદ ડુપ્લિકેટ ‘રોયલ સ્ટેગ’ દારૂ પીધા બાદ એક યુવકનું સારવાર દરમિયાન મોત થયું હતું, જ્યારે અન્ય લોકોની તબિયત લથડતાં તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની ગંભીરતા જોતા પોલીસે નકલી દારૂના સપ્લાય સુધી પહોંચવા તપાસ તેજ કરી છે.

મળતી માહિતી મુજબ, ઘોઘા તાલુકાના ખરકડી ગામમાં 16 ઓગસ્ટની રાત્રે કેટલાક મિત્રો દારૂની પાર્ટી માટે ભેગા થયા હતા. દારૂના સેવન બાદ ઉપેન્દ્રસિંહ ગોહિલ સહિત કેટલાક લોકોને ઉલટી, ઉબકા અને અન્ય તકલીફો શરૂ થઈ હતી. ઉપેન્દ્રસિંહને સારવાર માટે સર ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત થયું હતું. અન્ય અસરગ્રસ્તોની વિવિધ હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે અને હાલ તેમની સ્થિતિ નિયંત્રણમાં હોવાનું સામે આવ્યું છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં ‘રોયલ સ્ટેગ’ બ્રાન્ડની બોટલોમાં ડુપ્લિકેટ દારૂ ભરીને વેચવામાં આવતો હોવાની માહિતી સામે આવી છે. પોલીસે મુખ્ય સપ્લાયર સહિત 4થી 5 શખ્સોને અટકાયતમાં લીધા છે અને નકલી દારૂનો મોટો જથ્થો જપ્ત કર્યો હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. જપ્ત કરાયેલા સેમ્પલો FSL અને વૈજ્ઞાનિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે.

મૃતકના ભાઈએ દારૂમાં ઝેરી પદાર્થ હોવાની આશંકા વ્યક્ત કરી છે. જોકે, આ વાતની સત્તાવાર પુષ્ટિ હજુ થઈ નથી. ઉપેન્દ્રસિંહના મોતનું ચોક્કસ કારણ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અને FSL રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે. પોલીસે બાકી સંડોવાયેલા લોકો તથા આ જથ્થો કોને-કોને વેચાયો તેની તપાસ શરૂ કરી છે.

આહવા-ડાંગમાં 184થી 193 હનુમંત સંકલ્પ સેન્ટરોના ભવ્ય લોકાર્પણ મહોત્સવનું આયોજન

આહવા, ડાંગ: લેન્ડમાર્ક કોર્પોરેશનના માધવજીભાઈ માંગુકિયા પરિવાર દ્વારા શ્રી રામકૃષ્ણા વેલફેર ટ્રસ્ટના ગોવિંદકાકા ધોળકિયાના સહયોગથી ડાંગના આહવા ખાતે 1111 હનુમંત સંકલ્પ યાત્રા અંતર્ગત મહાલપાડા ખાતે 192મા હનુમાન મંદિર અને હનુમંત સંકલ્પ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

શ્રી રામકૃષ્ણા વેલફેર ટ્રસ્ટ અને ગોવિંદકાકા ધોળકિયાના માર્ગદર્શન હેઠળ ડાંગના વિવિધ વિસ્તારોમાં 184થી 193 હનુમંત સંકલ્પ સેન્ટરોના લોકાર્પણ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. તા. 15 અને 16 ઓગસ્ટ, 2026 દરમિયાન આહવા તાલુકાના ગડદ, ભવાનદગડ, મહાલપાડા સહિતના વિવિધ સ્થળોએ કાર્યક્રમો યોજાયા હતા.

મહાલપાડા ખાતે 192મા હનુમંત સંકલ્પ સેન્ટરના લોકાર્પણ પ્રસંગે ઢોલ-નગારાના નાદ, નૃત્ય અને ભક્તિમય માહોલ વચ્ચે સમગ્ર કાર્યક્રમ ધામધૂમથી સંપન્ન થયો હતો. સ્થાનિક ગ્રામજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને ભક્તિભાવ તથા ઉત્સાહ સાથે આ પ્રસંગની ઉજવણી કરી હતી.

આ પ્રસંગે ડાંગના પરમ પૂજ્ય પી.પી. સ્વામી, પૂજ્ય શ્રી ભક્તિબાપુ – માનવમંદિર, સાવરકુંડલા, પ્રમુખસ્થાને શ્રી સાંવરપ્રસાદ બુધિયા (ચેરમેન, સ્ટીમહાઉસ) તેમજ સમારોહના મુખ્ય મહેમાન શ્રી ભરતભાઈ દેવજીભાઈ સુખડીયા (દેવજી કન્સ્ટ્રક્શન) સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન સેવાકીય દાતા તરીકે લેન્ડમાર્ક કોર્પોરેશનના માધવજીભાઈ પટેલ, ઉષાબેન, નિલમબેન, ધ્રુવિનભાઈ, ઓ.ડી. માંગુકિયા સહિતના દાતાઓ તથા અન્ય મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું.

1111 હનુમંત સંકલ્પ યાત્રા અંતર્ગત ડાંગના વિવિધ વિસ્તારોમાં ધાર્મિક આસ્થા સાથે લોકસહભાગિતા અને સેવાભાવને પ્રોત્સાહન આપતા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. મહાલપાડા ખાતે 192મા હનુમંત સંકલ્પ સેન્ટરના લોકાર્પણ પ્રસંગે ગ્રામજનોની મોટી હાજરી અને ઉત્સાહ વિશેષ આકર્ષણ બન્યો હતો.


PM CARES ફંડનો ડેટા જાહેર: એક વર્ષમાં ₹1,279 કરોડનો વધારો, જાણો હાલ કેટલું છે બેલેન્સ

0

PM CARES Fundમાં એક જ વર્ષમાં કરોડો રૂપિયાનો વધારો થયો છે. તાજા ઓડિટેડ હિસાબો મુજબ માર્ચ 2025 સુધીમાં ફંડનું કુલ બેલેન્સ વધીને ₹8,452.07 કરોડ થઈ ગયું છે. એક વર્ષ પહેલાં આ રકમ ₹7,173.03 કરોડ હતી. દરમિયાન ફંડમાં દાન, વ્યાજ અને રિફંડ સહિતની આવક થઈ હતી, જ્યારે ખર્ચ માત્ર ₹87.85 લાખ રહ્યો હતો.

ઓડિટેડ વિગતો પ્રમાણે ફંડની કુલ રકમમાંથી લગભગ 92.8 ટકા એટલે કે ₹7,846.66 કરોડ શેડ્યૂલ્ડ બેંકોમાં ફિક્સ્ડ ડિપોઝિટ તરીકે રાખવામાં આવ્યા હતા. 2024-25 દરમિયાન ફિક્સ્ડ ડિપોઝિટમાંથી ફંડને ₹469.38 કરોડનું વ્યાજ મળ્યું હતું. જ્યારે સેવિંગ્સ બેંક ખાતામાંથી ₹5.77 કરોડનું વ્યાજ મળ્યું હતું.

આ સમયગાળા દરમિયાન ફંડને ₹479.04 કરોડનું ઘરેલુ દાન મળ્યું હતું. વિદેશી દાન તરીકે ₹92.83 લાખ મળ્યા હતા. આ ઉપરાંત અમલીકરણ એજન્સીઓ પાસેથી ₹324.66 કરોડ રિફંડ તરીકે મળ્યા હતા. ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજ પર TDSના રિફંડ તરીકે પણ ₹13.49 લાખ મળ્યા હતા.

PM CARES Fundની સ્થાપના 27 માર્ચ 2020ના રોજ COVID-19 મહામારી જેવી કટોકટીની સ્થિતિમાં રાહત અને સહાય માટે પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ તરીકે કરવામાં આવી હતી. 2020-21માં ફંડનો મોટાપાયે ઉપયોગ કોરોના સંબંધિત કામગીરી માટે થયો હતો. આ દરમિયાન ઓક્સિજન પ્લાન્ટ, ઓક્સિજન કન્સન્ટ્રેટર, કોવિડ હોસ્પિટલ અને અન્ય તબીબી સાધનો માટે ખર્ચ કરવામાં આવ્યો હતો.

2021-22માં ફંડનું ક્લોઝિંગ બેલેન્સ ₹5,415.66 કરોડ રહ્યું હતું. ત્યારબાદ 2022-23માં તે વધીને ₹6,283.68 કરોડ અને 2023-24માં ₹7,173.03 કરોડ થયું હતું. હવે માર્ચ 2025 સુધીમાં બેલેન્સ ₹8,452.07 કરોડ પર પહોંચી ગયું છે.

આંકડાઓ દર્શાવે છે કે કોરોના મહામારી બાદ ફંડનો ખર્ચ નોંધપાત્ર રીતે ઘટ્યો છે, જ્યારે બેલેન્સમાં સતત વધારો નોંધાયો છે.

17 ખેલાડીઓને અર્જુન એવોર્ડ, પરંતુ ખેલ રત્ન માટે કેમ કોઈ નામ નહીં?

0

ભારતીય રમતજગત માટે આજનો દિવસ સન્માન અને ચર્ચા બંને લઈને આવ્યો છે. એક તરફ તેજસ્વિન શંકર, દિવ્યા દેશમુખ, વિદિત ગુજરાથી સહિત 17 ખેલાડીઓના નામ અર્જુન પુરસ્કાર માટે જાહેર થયા, તો બીજી તરફ દેશના સર્વોચ્ચ રમત સન્માન મેજર ધ્યાનચંદ ખેલ રત્ન માટે આ વર્ષે કોઈ ખેલાડીને પસંદ કરવામાં આવ્યો નથી. 2025ના નેશનલ સ્પોર્ટ્સ એવોર્ડની આ જાહેરાતે રમતપ્રેમીઓનું ખાસ ધ્યાન ખેંચ્યું છે.

યુવા બાબતો અને રમત મંત્રાલયે આજે નેશનલ સ્પોર્ટ્સ એવોર્ડ્સ 2025ની જાહેરાત કરી હતી. પસંદગી પ્રક્રિયા પૂર્વ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ નિવૃત્ત જસ્ટિસ અરુણ કુમાર મિશ્રાની અધ્યક્ષતાવાળી સમિતિની ભલામણના આધારે કરવામાં આવી હતી. અર્જુન પુરસ્કાર સતત ચાર વર્ષના ઉત્કૃષ્ટ પ્રદર્શન ઉપરાંત નેતૃત્વ, રમતગમતની ભાવના અને શિસ્ત માટે આપવામાં આવે છે.

આ વર્ષે અર્જુન પુરસ્કાર મેળવનાર 17 ખેલાડીઓમાં એથ્લેટિક્સના તેજસ્વિન શંકર, મુહમ્મદ અજમલ વી અને પ્રિયંકા ગોસ્વામી, બેડમિન્ટનની ટ્રીસા જોલી અને પુલેેલા ગાયત્રી ગોપીચંદ, બોક્સિંગના નરેન્દ્ર, ચેસના વિદિત સંતોષ ગુજરાથી અને દિવ્યા જિતેન્દ્ર દેશમુખનો સમાવેશ થાય છે. ઉપરાંત ધનુષ શ્રીકાંત, લાલરેમસિયામી, રાજકુમાર પાલ, સુર્જીત, પૂજા, રુદ્રાંશ ખંડેલવાલ, એકતા ભ્યાન, અરવિંદ સિંહ અને અખિલ શેઓરાનને પણ સન્માન મળશે.

ફૂટબોલમાં લાંબા સમયની સેવાઓ બદલ આઈ. અરુમૈનાયગમને અર્જુન પુરસ્કાર (લાઇફટાઇમ) આપવામાં આવ્યો છે. તેમના સિવાય ત્રણ નિયમિત અને બે લાઇફટાઇમ કેટેગરીમાં કુલ પાંચ કોચને દ્રોણાચાર્ય પુરસ્કાર મળશે. પુણેની આર્મી પેરાલિમ્પિક નોડને રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહન પુરસ્કાર 2025 માટે પસંદ કરવામાં આવી છે.

આ રીતે 2025ના એવોર્ડ્સમાં અનેક ખેલાડીઓ અને કોચની સિદ્ધિઓને માન્યતા મળી, પરંતુ Khel Ratna માટે કોઈ નામ જાહેર ન થવું આ વર્ષની સૌથી મોટી ચર્ચા બની છે.

રેલવે સ્ટેશનનું પાણી પીવું ભારે પડી શકે? CAG ઓડિટમાં સામે આવી મોટી બેદરકારી

0

રેલવે સ્ટેશન પર ટ્રેનની રાહ જોતા એક ગ્લાસ પાણી પીવું સામાન્ય વાત છે, પરંતુ હવે આ જ પાણી અંગે ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. CAGના પરફોર્મન્સ ઓડિટમાં કેટલાક રેલવે સ્ટેશનોના પીવાના પાણીમાં E. coli સહિત કોલિફોર્મ બેક્ટેરિયા મળ્યા હોવાનું સામે આવ્યું છે. સાથે જ 512 સ્ટેશનોની તપાસમાં માત્ર 54 સ્ટેશનો એટલે કે 11 ટકા પર જ તમામ ન્યૂનતમ જરૂરી સુવિધાઓમાં કોઈ ખામી મળી નહોતી.

CAGએ 2019-20થી 2023-24 દરમિયાન નોન-સબર્બન રેલવે સ્ટેશનો પર પેસેન્જર એમેનિટીઝ અને સેનિટેશનની સ્થિતિનું ઓડિટ કર્યું હતું. 512 પસંદ કરાયેલા સ્ટેશનોમાં પીવાનું પાણી, વેઇટિંગ હોલ, બેઠકો, યુરિનલ, ટોયલેટ, પ્લેટફોર્મ શેલ્ટર, વોટર કૂલર સહિતની Minimum Essential Amenitiesની તપાસ કરવામાં આવી હતી. માત્ર 54 સ્ટેશનો જ નિર્ધારિત ધોરણ મુજબ તમામ સુવિધાઓ પૂરી કરતા જોવા મળ્યા.

ઓડિટમાં જાણવા મળ્યું કે 143 સ્ટેશનોમાં પીવાના પાણીના નળમાં ઘટાડો, 111 સ્ટેશનોમાં યુરિનલની અછત, 59 સ્ટેશનોમાં ટોયલેટના ધોરણમાં ખામી અને 128 સ્ટેશનોમાં વોટર કૂલરની અછત જોવા મળી હતી. પ્લેટફોર્મ શેલ્ટરમાં પણ 62 સ્ટેશનો પર ધોરણથી ઓછું કવરેજ નોંધાયું હતું.

પાણીની ગુણવત્તા મુદ્દે પણ ગંભીર ખામીઓ સામે આવી. CAGના તારણ મુજબ પાણીની તપાસ નિર્ધારિત સમયગાળા પ્રમાણે થઈ નહોતી અને બેક્ટેરિયોલોજિકલ ટેસ્ટ, કેમિકલ એનાલિસિસ તથા રેસિડ્યુઅલ ક્લોરીન ટેસ્ટમાં પણ ખામીઓ રહી હતી. ઓડિટમાં પીવાના પાણીમાં Total Coliforms, જેમાં E. coliનો પણ સમાવેશ થાય છે, મળ્યાનું નોંધાયું છે.

દિવ્યાંગ મુસાફરો માટેની સુવિધાઓ પણ અપૂરતું હોવાનું જાણવા મળ્યું હતું. 5,920 સ્ટેશનોના ઉપલબ્ધ ડેટા મુજબ 1,959 સ્ટેશનોમાં રેમ્પ, 4,639 સ્ટેશનોમાં દિવ્યાંગજનો માટે પાણીના નળ અને 1,759 સ્ટેશનોમાં દિવ્યાંગ-અનુકૂળ ટોયલેટની અછત નોંધાઈ હતી. પસંદ કરાયેલા 512 સ્ટેશનોમાંથી 441 પર ઇમરજન્સી મેડિકલ રૂમ અથવા AIIMS મુજબની મેડિકલ બોક્સ વ્યવસ્થા બંને ઉપલબ્ધ નહોતી.

ફંડના ઉપયોગ અંગે પણ CAGએ સવાલ ઉઠાવ્યો. 2019-20થી 2023-24 દરમિયાન પેસેન્જર એમેનિટીઝ માટે ફાળવાયેલા Plan Head-53ના બજેટમાંથી કુલ ₹5,956 કરોડનો ઉપયોગ થયો નહોતો. CAGએ રેલવેને સલામત પીવાનું પાણી, સ્વચ્છતા અને મુસાફરોની સુવિધાઓની મજબૂત મોનિટરિંગ સુનિશ્ચિત કરવાની ભલામણ કરી છે.

મૃત્યુ દંડ આપવાની પદ્ધતિ હવે બદલાશે? સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી છતાં વિકલ્પ પર ચર્ચા ચાલુ

0

મૃત્યુદંડ એટલે અંતિમ સજા, પરંતુ સજા આપવાની રીત કેટલી માનવીય હોવી જોઈએ? ભારતમાં વર્ષોથી ચાલી રહેલી આ ચર્ચાને લઈને સુપ્રીમ કોર્ટે આજે મહત્વનો નિર્ણય આપ્યો છે. ફાંસીની વર્તમાન પદ્ધતિને અસંવિધાનિક જાહેર કરીને તેને અન્ય પદ્ધતિથી બદલવાની માંગ કરતી અરજી કોર્ટે ફગાવી દીધી છે. જોકે, આ નિર્ણય સાથે કેન્દ્ર સરકાર માટે વૈકલ્પિક અને ઓછા પીડાદાયક ઉપાયો અંગે નિષ્ણાતોની મદદથી અભ્યાસ કરવાનો માર્ગ ખુલ્લો રાખવામાં આવ્યો છે.

જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચ સમક્ષ વરિષ્ઠ વકીલ ઋષિ મલ્હોત્રાએ ફાંસીની બંધારણીય માન્યતાને પડકારી હતી. અરજીમાં દલીલ કરવામાં આવી હતી કે ફાંસી દરમિયાન કેદીને શારીરિક પીડા ઉપરાંત માનસિક યાતના પણ થઈ શકે છે અને બંધારણના અનુચ્છેદ 21 હેઠળ માનવીય ગૌરવ સાથે મૃત્યુનો પ્રશ્ન ઊભો થાય છે. અરજીમાં ફાંસીના બદલે જીવલેણ ઈન્જેક્શન, ગોળી અથવા ઇલેક્ટ્રિક શોક જેવી પદ્ધતિઓ પર વિચાર કરવાની માંગ કરવામાં આવી હતી.

હાલના કાયદા મુજબ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 393(5)માં મૃત્યુદંડ પામેલા વ્યક્તિને “ગળેથી લટકાવીને મૃત્યુ થાય ત્યાં સુધી” ફાંસી આપવાની જોગવાઈ છે. 1983ના Deena v. Union of India કેસમાં પણ સુપ્રીમ કોર્ટે ફાંસીની બંધારણીય માન્યતા જાળવી રાખી હતી.

આ મુદ્દે કેન્દ્ર સરકાર અગાઉથી પણ વિચાર કરી રહી છે. 2026ની સુનાવણી દરમિયાન એટર્ની જનરલ આર. વેંકટરમણીએ સરકાર આ મામલાની ઉચ્ચ સ્તરે તપાસ કરી રહી હોવાનું જણાવ્યું હતું. 2003માં કાયદા પંચની 187મી રિપોર્ટમાં પણ ફાંસીના વિકલ્પ તરીકે જીવલેણ ઈન્જેક્શનનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

અર્થાત્, સુપ્રીમ કોર્ટના તાજા નિર્ણયથી ભારતમાં ફાંસીની પદ્ધતિમાં તાત્કાલિક કોઈ ફેરફાર થયો નથી. પરંતુ ભવિષ્યમાં વિશ્વસનીય વૈજ્ઞાનિક અને તબીબી પુરાવા સામે આવે તો આ મુદ્દે ફરી બંધારણીય સમીક્ષાની શક્યતા યથાવત્ છે.