Wednesday, Mar 19, 2025

હવે કૂતરો પાળનારે આપવો પડશે Dog Tax ! આ નિયમ જાણી લેજો નહીં તો ડોગીનો શોખ ખવડાવશે જેલની હવા !

4 Min Read

Now dog owners have to pay

  • તમે ઈન્કમ ટેક્સ, વોટર ટેક્સ, હાઉઝ ટેક્સનું નામ તો સાંભળ્યું હશે અને આમાંથી એક ટેક્સ ભર્યા પણ હશે. પરંતુ શું તમે પાલતુ શ્વાન રાખવા માટે ટેક્સ ભર્યો છે. પ્રયાગરાજમાં શ્વાન પાળતા લોકોએ આપવો પડશે ડોગ ટેક્સ.

એવું કહેવાય છે કે તણાવને ઓછો કરવા લોકો પાલતુ શ્વાન (pet dogs) પાળતા હોય છે. તેની સાથે સમય વિતાવવાથી તમારી એકલતા થોડીક અંશે હળવી થઈ શકે છે. પરંતુ શ્વાનને પાળવાનું પણ હવે લોકોને ભારે પડી રહ્યું છે. તમે પણ વિચાર કરતા હશો કે આમાં શું સમસ્યા હશે. અત્યાર સુધી તમે ઈન્કમ ટેક્સ, વોટર ટેક્સ, હાઉસ ટેક્સ, ઇલેક્ટ્રિસિટી ટેક્સ (Electricity Tax) અને આવા ઘણા ટેક્સ વિશે સાંભળ્યું જ હશે, પરંતુ શું તમે સાંભળ્યું છે કે પાલતુ શ્વાનને પાળવા માટે ટેક્સ આપવો પડશે.

જી હાં, પ્રયાગરાજના શ્વાન પ્રેમી લોકો માટે આ ખરાબ સમાચાર આવ્યા છે. ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં શ્વાન પાળવાના શોખીન ધરાવતા લોકોએ હવે ‘ડોગ ટેક્સ’ આપવો પડશે. પ્રયાગરાજમાં ડોગ ટેક્સની વસૂલાત માટે ટીમો બનાવવામાં આવી છે, જે શ્વાન માલિકો પાસેથી સર્ચ કરીને ‘ડોગ ટેક્સ‘ વસૂલ કરી રહી છે. એટલું જ નહીં, જો તમે શ્વાન રાખ્યો હોય અને કોઈને કાને ખબર ન પડે તેવું વિચાર્યું હોય તો મૂંઝવણમાં ન રહેશો, મહાપાલિકાના બાતમીદારો તેની માહિતી કોર્પોરેશનના સંબંધિત વિભાગને મોકલશે અને આવી સ્થિતિમાં તમારે નુકસાની ચૂકવવી પડશે. તમારા શ્વાનને જપ્ત કરવામાં આવી શકે.

નગર નિગમે જ્યારથી શ્વાન ટેક્સ લાદવાની જાહેરાત કરી છે ત્યારથી અત્યાર સુધીમાં 500થી વધુ શ્વાનના માલિકોએ પ્રતિ શ્વાન દીઠ વાર્ષિક 690 રૂપિયા જમા કરાવ્યા છે. ડોગ ટેક્સ જમા કરાવવા પર તમને એક બેજ મળશે, જેમાં તમારા કૂતરાનો રજીસ્ટ્રેશન નંબર રેકોર્ડ કરવામાં આવશે. આટલાથી વાત નથી ખતમ થતી. વાર્ષિક 690 રૂપિયા ન ભરનાર શ્વાનના માલિકોએ 5000 રૂપિયાનો દંડ ચુકવવો પડશે. હવે તમને થશે કે 690 જેવી રકમ કોઈ મોટી વાત નથી.

આપને એ પણ જણાવી દઈએ કે આ ટેક્સ ભરવા પહેલા શ્વાન માલિકોએ રજિસ્ટ્રેશન કરાવવું પડશે, જેનો ચાર્જ છે 1000 રૂપિયા. જો આ રજિસ્ટ્રેશન કરવામાં ન આવે તો 7 વર્ષની જેલની સજાની જોગવાઈ છે. શ્વાનના કરડવાથી લોકોમાં રેબિઝ વાયરસ ન ફેલાઈ તે માટે તેમનું રજિસ્ટ્રેશન જરૂરી છે. આ તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ શ્વાનને ગળામાં પહેરાવા માટે ડોગ ટેગ પણ અપાશે જે તેમને ફરજિયાત પહેરવું પડશે.

નગર નિગમ અધિનિયમની કલમ કહે છે કે જો તમે શ્વાન રાખો છો તો શ્વાનની ઓળખ અને રસીકરણની સાથે શ્વાનના કરવેરા નિયમોનું પણ પાલન કરવું પડશે. જેઓ એક કરતા વધુ સ્વાન રાખે છે, તેમના માટે ડોગ ટેક્સ મોટી સમસ્યા ઉભી કરી રહ્યો છે. ઘણી વખત ઘણા સામાન્ય અને ગરીબ લોકો બેઘર અને નિરાધાર શ્વાન લાવે છે અને તેમની સંભાળ રાખે છે.

પરંતુ આ નિયમ પછી પ્રશ્ન ઉભો થયો છે કે શું લોકો આ ટેક્સ ભરશે કે નહીં. શ્વાનોના શોખીન વંશિકા ગુપ્તા કહે છે કે આ નિયમ બાદ હવે શેરીના તમામ શ્વાનો માટે ખાવા પીવાનું પણ બંધ થઈ જશે. મનપાએ તેના પર પણ વેરો વસૂલવો જોઈએ નહીં.

આ પણ વાંચો :-

Share This Article