એશિયાટિક સિંહોના એકમાત્ર નિવાસસ્થાન એવા ગીરના જંગલમાંથી વન્યજીવ પ્રેમીઓને નિરાશ કરતા માઠા સમાચાર સામે આવ્યા છે. અમરેલી જિલ્લાના જંગલ વિસ્તારમાં અલગ અલગ જગ્યાએથી 3 બાળ સિંહ અને અન્ય 2 પુખ્ત સિંહના મૃતદેહ મળી આવ્યા છે, જેના કારણે વનવિભાગમાં દોડધામ અને ખળભળાટ મચી ગયો છે.
ભેદી સંજોગોમાં સિંહોના મોતથી ખળભળાટ
તાજેતરમાં જ આ રીતે 5 સિંહોના ભેદી સંજોગોમાં મોત નિપજતા ગીર પંથકમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે. એશિયાટિક સિંહોના સંરક્ષણ માટે સરકાર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે, ત્યારે એક સાથે પાંચ સિંહોના મોત થતાં તંત્રની કામગીરી પર સવાલ ઉભા થયા છે. આ ઘટનાની જાણ થતાં જ વનવિભાગના ઉચ્ચ અધિકારીઓ અને પશુ ચિકિત્સકોની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી.
વન વિભાગ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં આ ભેદી મોત અંગે ચોંકાવનારી વિગતો સામે આવી છે. પશુ તબીબોએ આ મોત પાછળ ‘બેબેસીયા’ નામનો જીવલેણ રોગચાળો જવાબદાર હોવાની પ્રબળ આશંકા વ્યક્ત કરી છે.