મોટું વિધ્ન ટળ્યું : પૂણેમાં ગણેશ પંડાલમાં લાગી ભીષણ આગ, માંડ માંડ બચ્યા ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા

Share this story
  • પૂણેમાં સાને ગુરુજી ગણેશ મિત્ર મંડળ ગણેશ પંડાલમાં ફટાકડા ફોડતી વેળાએ તણખો ઝરતા જોતજોતામાં આગ ભભુકી ઉઠી હતી.

પૂણેના ગણેશ પંડાલમાં આગની મોટી દુર્ઘટના સામે આવતા અફરાતફરી મચી હતી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને મહારાષ્ટ્ર બીજેપીના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલે સહિતના નેતા પુણેના ગણેશ પંડાલમાં દર્શન અર્થે ગયા હતા. આ વેળાએ જ આગ ફાટી નીકળી હતી. જ્યાં પ્રચંડ આગની લપેટમાં આવતા બીજેપી અધ્યક્ષ જે.પી. નડ્ડા માંડ માંડ બચ્યા હોવાનું સામેં આવ્યું છે.

ફાયર અધિકારીઓ એવું જણાવી રહ્યા છે કે સાને ગુરુજી ગણેશ મિત્ર મંડળ ગણેશ પંડાલમાં ફટાકડા ફોડવામાં આવ્યા હતા. આ દરમિયાન તણખો ઝરતા જોતજોતામાં આગ ભભુકી ઉઠી હતી. અધિકારી શર્માએ જણાવ્યું  કે મહેમાનોનું સ્વાગત કરવા માટે ફટાકડા મૂકવામાં આવ્યા હતા.

જેના કારણે આગ લાગી હતી. જેમાં બીજેપી અધ્યક્ષ જે.પી નડ્ડાને પણ પંડાલમાંથી માંડ માંડ બહાર કાઢવામાં આવ્યા હતા. પુણે શહેર ભાજપ અધ્યક્ષ ધીરજ ઘાટે અને સુરક્ષા કર્મચારીઓ પંડાલમાંથી ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાને બહાર લઈ જતા જોવા મળ્યા હતા.

જેને શહેરનું હૃદય કહેવામાં આવે છે તેવા પુણેના લોકમાન્ય નગરમાં આ દુર્ઘટના બની હતી. પંડાલના ઉપરના ભાગમાં આગ ફાટી નીકળી હતી. આ ઘટનાના વીડિયો પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. જોકે રાહતના સમાચારએ છે કે આ દુર્ઘટનામાં અત્યાર સુધી કોઈ પણ વ્યક્તિને ઈજા થઈ હોવાનું બહાર આવ્યું નથી.

વિઘ્નહર્તા દુંદાળા દેવની દયા સમાન એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પંડાલમાં આગ લાગતાની સાથે જ વરસાદ શરૂ થઈ ગયો હતો. જેને લઈને આગે વિકરાળરૂપ ધારણ કર્યું ન હતું. મહત્વનું છે કે આ પંડાલ ઉજ્જૈનના પ્રસિદ્ધ મહાકાલેશ્વર મંદિરની થીમ પર બનાવાયું હોવાથી તે આસ્થા, આકર્ષણ અને શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું છે.

આ પણ વાંચો :-