Kharge’s first major decision after becoming the Congress president
- અધ્યક્ષ બન્યા બાદ મલ્લિકાર્જુન ખડગેએ કોંગ્રેસ વર્કિંગ કમિટીને ખતમ કરી દીધી છે. તેમણે તેના બદલે સ્ટિયરિંગ કમિટીની રચના કરી છે, જેમાં 47 નેતાઓને સ્થાન આપવામાં આવ્યું છે.
કોંગ્રેસ અધ્યક્ષ (Congress President) બન્યા બાદ મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Khadge) એક્શનમાં છે. તેમણે ગુજરાતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે સંભવિત ઉમેદવારોની ચર્ચા કરવા બુધવારે પક્ષની કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CEC) ની બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ સિવાય તેમણે કોંગ્રેસ વર્કિંગ કમિટીને (Congress Working Committee) નાબૂદ કરી દીધી છે. તેના સ્થાને સ્ટીયરિંગ કમેટીની રચના કરવામાં આવી છે.
અધ્યક્ષ બન્યા પછી પ્રથમ બેઠક :
આ બેઠકમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi) પણ હાજર રહ્યા હતા. પાર્ટી ગુજરાત માટે ઉમેદવારોના નામ ફાઈનલ કરી રહી છે. પાર્ટી અધ્યક્ષ પદ સંભાળ્યા બાદ ખડગેની અધ્યક્ષતામાં આ પ્રથમ બેઠક હતી.
બેઠકમાં CEC સભ્યો અને મહાસચિવ મુકુલ વાસનિક અને કે.સી.વેણુગોપાલ ઉપરાંત અંબિકા સોની અને ગિરિજા વ્યાસ પણ હાજર રહ્યા હતા. આ સાથે ગુજરાતના કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા અને પાર્ટીના રાજ્ય એકમના વડા જગદીશ ઠાકોર પણ હાજર હતા.
પાર્ટી ગુજરાત ચૂંટણી માટે કેટલાક ઉમેદવારોના નામ ફાઈનલ કરે તેવી શક્યતા છે અને એકાદ-બે દિવસમાં તેની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે. ચૂંટણી પંચે હજુ સુધી ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી નથી. કોંગ્રેસ ગુજરાતમાં હવાતિયા મારી રહી છે, ત્યારે પીએમ નરેન્દ્ર મોદીના ગૃહરાજ્ય ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ને સત્તા પરથી દૂર કરવાનો પ્રયાસ કરી રહી છે, જ્યાં ભાજપ બે દાયકાથી વધુ સમયથી સત્તામાં છે.
કોંગ્રેસ વર્કિંગ કમિટીના સ્થાને બનાવી આ સમિતિ :
અધ્યક્ષ બન્યા બાદ મલ્લિકાર્જુન ખડગેએ કોંગ્રેસ વર્કિંગ કમિટીને ખતમ કરી દીધી છે. તેમણે તેના બદલે સ્ટિયરિંગ કમિટીની રચના કરી છે, જેમાં 47 નેતાઓને સ્થાન આપવામાં આવ્યું છે. આ સમિતિમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નામ પણ સામેલ છે. ખડગે દ્વારા રચાયેલી સ્ટીયરિંગ કમિટીમાં પ્રિયંકા ગાંધી, એ. કે. એન્ટની, અંબિકા સોની, આનંદ શર્મા, કે. સી.વેણુગોપાલ, રણદીપ સુરજેવાલાનો પણ સમાવેશ થાય છે.
તમને જણાવી દઈએ કે, કોગ્રેસ કાર્યકારી સમિતિની રચના ડિસેમ્બર 1920માં કોગ્રેસના નાગપુર અધિવેશનમાં કરવામાં આવી હતી. જેની અધ્યક્ષતા સી. વિજયરાઘવાચાર્યે કરી હતી. તેમાં સામાન્ય રીતે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિમાંથી ચૂંટાયેલા પંદર સભ્યો હોય છે. જેની અધ્યક્ષતા કાર્યકારી અધ્યક્ષે કરી છે.
આ પણ વાંચો :-