વિકાસ યોજનાઓના પ્રચાર કરવા સાથે વેપાર, ઉદ્યોગ જગતને મોકળુ મેદાન આપો, આપોઆપ અર્થતંત્ર બેઠું થઈ જશે

Share this story

Give open ground to trade

  • વિક્રમ સંવત ૨૦૭૮નું વર્ષ પણ સરેરાશ નિરાશાભર્યું રહ્યું, ડોલર સામે રૂપિયો તૂટીને૮૩ થઈ ગયો, અર્થતંત્રને સમયસર બેઠું કરવામાં નહીં આવે તો લોકો વધુ બેહાલ થઈ જશે.
  • નોટબંધીની મધરાતથી વેપાર, ઉદ્યોગની કઠણાઈની શરૂઆત થઈ હતી, પરંતુ કોરોનાની મહામારીએ આ પીડા ભુલાવી દીધી હતી.
  • અને હવે ગુજરાતમાં ચૂંટણીના ઢોલ વાગી રહ્યાં છે, વેપાર, ઉદ્યોગ જગતને સરકાર બદલવામાં કોઈ રસ નથી, ધંધા, રોજગારનો માર્ગ મોકળો કરી આપો, લોકો જ સરકાર બનાવી દેશે.

વિક્રમ સંવત ૨૦૭૮નું વર્ષ પણ સરેરાશ નિરાશાભર્યુ રહ્યું સરકારના વિકાસના (Development of Govt) નામે હોકારા, પડકાર વચ્ચે સામાન્ય નાગરિક અને વેપાર, ઉદ્યોગમાં સરવાળે નિરાશા જ છવાયેલી રહી, ડોલર સામે રૂપિયો તૂટીને ૮૩ રૂપિયા થઇ ગયો છતાં સરકાર એવું ચિત્ર રજુ કરવા મથામણ કરતી રહી કે, બીજા કરતા આપણી સ્થિતિ સારી છે. મતલબ કે આપણા કરતા આર્થિક રીતે નબળા દેશો સાથે સરખામણી કરીને આપણે મજબૂત હોવાનું મનમનાવી રહ્યા છીએ. હકીકતમાં દેશમાં થોડા ઘણા પૂંજીપતિઓને બાદ કરતા મોટાભાગનો મધ્યમ અને ગરીબવર્ગ માંડમાંડ બે છેડા ભેગા કરી રહ્યો છે. વેપાર ઉદ્યોગની કઠણાઇના દિવસો નોટબંધીની (Demonetisation) મધરાતથી શરૂ થયા હતા. પરંતુ હવે નોટબંધીના નામે રડવાનો કોઇ મતલબ નથી. કારણ કોરાનાની મહામારીએ (Corona epidemic) નોટબંધીની પીડાને ભુલાવી દીધી હતી. પરંતુ કોરાનાની મહામારીના બે વર્ષ પછી પણ દેશના વેપાર, ઉદ્યોગો પાટા ઉપર ચઢયા નથી. સેંકડો કારખાના બંધ થઇ ગયા, સેંકડો લોકો બેરોજગાર થઇ ગયા અને અસંખ્ય લોકોએ આત્મહત્યાઓ કરી લીધી. ભારત (India) છોડીને વિદેશ જનારાઓની સંખ્યામાં પણ ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે.

આ તરફ ગરીબોનાં ઘરનો ચૂલો સળગતો નથી, લોકોને બે ટંકનું ખાવાના ફાંફા છે. ભુલકાનાં મોઢાનું દૂધ તો ક્યારનુંય છીનવાઈ ગયું છે અને છતાં વિકાસનાં નામે વાર્તાઓ આપણે ક્યાં સુધી સંભળાવતા રહીશું.

ગરીબોને પેટનો ખાડો પુરવા પુરતુ કામ જોઈએ છે. કામ મેળવવા માટે પણ ભીખ માંગવી પડે તો આને કઈ રીતે વિકાસ કહી શકાય?

આ નરી વાસ્તવિકતા હોવા છતાં સરકાર દેશના અર્થતંત્રનું ચિત્ર ગુલાબી દોરવાની મથામણ કરી રહી છે. પરંતુ વેપાર, ઉદ્યોગની ગાડી ક્યારે પાટા ઉપર ચડશે એ નક્કી નથી.

આ બધાની વચ્ચે ગુજરાતમા વિધાનસભાની ચૂંટણીનો બરાબરનો માહોલ જામ્યો છે. ગુજરાતના રાજકારણમા આ વખતે આમ આદમી પાર્ટીના ત્રીજા પરિબળનો ઉમેરો થયો છે. અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ચૂંટણી લડાતી હતી પરંતુ આ વખતે કોંગ્રેસની છાવણીમાં પ્રમાણમાં શાંતિ છે પરંતુ ‘આપ’ની છાવણી અપેક્ષા કરતા વધારે ઉત્સાહિત જણાય છે ‘આપ’ને કેટલી બેઠકો મળશે એ તો સમય આવશે ખબર પડશે.

ગુજરાતની તાસીર મૂજબ અહિંયા ત્રીજા પક્ષને ભાગ્યે જ જગ્યા મળી છે. પરંતુ દિલ્હી અને પંજાબમા સત્તા ધરાવતી ‘આપ’ પાર્ટીના નેતાઓ ગુજરાતમાં સત્તા માટે નહી પરંતુ ગુજરાતમાં ઘુસવા માટે પ્રયાસ કરતા હોય એવું લાગી રહ્યું છે.
આ તરફ ભાજપની આંતરિક જુથબંધી પણ ચરમસીમાએ છે બહારથી ભલે બધુ શાંત દેખાતુ હોય પરંતુ ભાજપની આંતરિક એકતા સંતોષકારક નથી જ. અને એટલે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહે ગુજરાતની ચૂંટણીની બાજી પોતાના હાથમાં લીધી છે. ભૂતકાળની ચૂંટણીઓ કરતા આ વખતે વડાપ્રધાનનો પ્રવાસ અને સંખ્યામાં અનેકગણો વધારો થયો છે. વડાપ્રધાન મોદીના ભાષણોને બારીકાઇથી સાંભળવામાં આવે તો ભૂતકાળમાં જે રીતે પ્રસાર કરતા હતા કંઇક એવી જ રીતે લોકોને પોતાનામાં (મોદી) વિશ્વાસ મુકવા અપીલ કરી રહ્યા છે.

વિકાસના કામોની સાથે નરેન્દ્ર મોદી અને ભૂપેન્દ્ર પટેલની ‘‘ડબલ એન્જિન’’ સરકારને વારંવાર રજુ કરી રહ્યા છે કારણ કે ભુપેન્દ્ર પટેલ મૃદુ અને સરળ સ્વભાવના હોવા ઉપરાંત આધ્યાત્મિક હોવાથી સત્તા માટે મહત્વકાંક્ષી નથી. પરંતુ તેમનું વ્યક્તિત્વ લોકો ઉપર પ્રભાવ છોડી રહ્યું છે. ભુપેન્દ્ર પટેલની નિખાલસતા અને નિર્દોષતા લોકોને ગમે છે. વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ વારંવાર ભૂપેન્દ્ર પટેલના નિર્લેપ વ્યક્તિત્વનો ઉલ્લેખ કરીને આગળ કરી રહ્યા છે.

ખેર, ગુજરાતમાં ચૂંટણીઓના કારણે પણ વેપાર, ઉદ્યોગની મંદીની પીડા ટેમ્પરી ભુલાઇ રહી છે. લોકોના ખિસ્સા ખાલી છે. પરંતુ ચૂંટણીના ઢોલ વાગી રહ્યા હોવાથી લોકોની નજર ચૂંટણી પ્રક્રિયા ઉપર કેન્દ્રીત થઇ રહી છે. હવે ગણતરીના દિવસોમાં ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા શરૂ થશે અને ચૂંટણી પ્રચારમાં બધા જ લોકોની થોડા દિવસો માટે આર્થિક તંગીની પીડા ભુલાઇ જશે.

અલબત્ત નવી સરકાર ભાજપની જ બનશે. તેમ છતાં બેરોજગારી અને આર્થિક સંકટનો માર ઝીલી રહેલા લોકોએ કંઇક જુદુ જ મન બનાવી લીધું છે.

આર્થિક બેહાલ થઇ ગયેલા નાના મોટા કારખાનેદારો ડરના માર્યા બોલતા નથી પરંતુ આ વખતે કંઇક જુદુ જ કરવાના મૂડમાં હોવાના સંકેત મળી રહ્યા છે અને આ અણસાર ભાજપ નેતાગીરીને પણ મળી ચૂક્યા હોવાના કારણે જ નરેન્દ્ર મોદી અને અમિત શાહ ખુદ મેદાનમાં આવ્યા છે અને ક્રમશઃ ચિત્ર બદલવામા કંઇક અંશે સફળ પણ થયા છે પરંતુ ભાજપ નેતાગીરીએ એ પણ યાદ રાખવું જરૂરી છે કે ભૂતકાળમાં ‘મજપા’ અને ‘જીપીપી’ જેવા રાજકીય જુથનુ ભાજપના આંતરિક અસંતોષના કારણે જ સર્જન થયું હતું.

એક હકીકત એ પણ સ્પષ્ટ થઇ રહી છે કે આ વખતે ‘કોમવાદ’ ના આધારે લોકો વિભાજીત થઇ જાય એવું પણ ચિત્ર નથી બલ્કે હવે મ‌ુસ્લિમ સમૂદાય પણ સમજી ગયો છે કે ઉશ્કેરણી કરવામાં આવે તો પણ શેરીઓમાં ઉતરી આવે તેવી શક્યતા નથી. બીજી એક એવી વાત સપાટી ઉપર આવી રહી છે કે આ વખતે મુસ્લિમ સમૂદાય કોંગ્રેસને છોડીને ‘આપ’નો પાલવ પકડે એવું ચિત્ર ઉપસી રહ્યું.

અલબત્ત હજુ ચૂંટણીની તારીખો જાહેર થઇ નથી અને ભાજપે પોતાની વ્યુહરચના જાહેર કરી નથી.
ખરેખર તો ઉમેદવારોની પસંદગી પછી જ સ્પષ્ટ ચિત્ર બહાર આવી શકે.

આ પણ વાંચો :-