પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIની વધુ એક ખતરનાક સાજિશનો પર્દાફાશ થયો છે. આ વખતે ISIએ એક મહિલા એજન્ટ મારફતે ભારતીય યુવકને હની ટ્રેપમાં ફસાવી દેશવિરોધી પ્રવૃત્તિઓ કરાવવાનો પ્રયાસ કર્યો હતો. સુરક્ષા એજન્સીઓની સતર્કતાને કારણે આ સમગ્ર મામલો બહાર આવ્યો છે.
જમ્મુ-કાશ્મીરના મકવાલ ગામના 23 વર્ષીય કરણ નામના યુવકની પોલીસે ધરપકડ કરી છે. તપાસ મુજબ, થોડા મહિના પહેલા કરણને Snapchat પર એક યુવતીની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી. યુવતીએ પોતાને પંજાબમાં તૈનાત BSFની મહિલા જવાન તરીકે ઓળખાવી હતી. ત્યારબાદ બંને વચ્ચે સતત ચેટિંગ શરૂ થઈ હતી.
ધીરે-ધીરે મહિલા એજન્ટે અશ્લીલ વીડિયો કોલ અને વાતચીત દ્વારા કરણને પોતાના જાળમાં ફસાવી લીધો હતો. જ્યારે પાકિસ્તાની હેન્ડલરને વિશ્વાસ થયો કે કરણ સંપૂર્ણ રીતે તેમના કાબૂમાં આવી ગયો છે, ત્યારે યુવતીએ કરણને જણાવ્યું કે તેનું ટ્રાન્સફર રાજૌરીના સુંદરબની સેક્ટરમાં થયું છે, જ્યાં મોબાઇલ નેટવર્ક ખૂબ નબળું છે. તેથી નવા WhatsApp એકાઉન્ટની જરૂર હોવાનું કહી તેણે કરણ પાસેથી OTP મેળવ્યો હતો.
કરણે અજાણતા પોતાની માતાના મોબાઇલ પર આવેલ WhatsApp OTP મહિલા એજન્ટને મોકલી આપ્યો હતો. જેના આધારે ISIએ તેની માતાનું WhatsApp એકાઉન્ટ હેક કરી લીધું અને તેનો ઉપયોગ જાસૂસી માટે શરૂ કર્યો હતો.
આ બાદ મહિલા એજન્ટે કરણને જમ્મુ નજીક આવેલા સેનાના બંકરો, રક્ષા મથકો અને મહત્વપૂર્ણ ફ્લાયઓવરની તસવીરો અને વીડિયો મોકલવા માટે કહ્યું હતું. આ કામ બદલ કરણને રૂપિયા 2,000 પણ આપવામાં આવ્યા હતા. પૈસાની લાલચમાં કરણ વધુ માહિતી એકત્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો.
જો કે ભારતીય સેનાની મિલિટ્રી ઇન્ટેલિજન્સ (MI)ને કરણની હરકતો પર શંકા જતા તેની ગુપ્ત રીતે નજર રાખવામાં આવી હતી. જ્યારે કરણ ફરી એકવાર સંવેદનશીલ માહિતી શેર કરવાની કોશિશ કરી રહ્યો હતો, ત્યારે પોલીસે તેને ઝડપી લીધો હતો.
પોલીસે કરણનો મોબાઇલ ફોન અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ જપ્ત કર્યા છે. પૂછપરછ દરમિયાન કરણે પોતાનો ગુનો કબૂલ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. હાલ દેશદ્રોહ અને જાસૂસી સંબંધિત કલમો હેઠળ આગળની તપાસ ચાલી રહી છે.