ગૂગલે પ્લે સ્ટોરમાંથી હટાવી ૨૨૦૦ એપ્લિકેશન, જાણો કેમ?

Share this story
લોન એપ્સનું નેટવર્ક ઈન્ટરનેટ પર વ્યાપકપણે ફેલાયેલું છે. એવી ઘણી નકલી લોન એપ્સ હાજર છે, જે લોકોને પોતાની જાળમાં ફસાવીને તેમની પાસેથી મોટી રકમ વસૂલે છે. કેટલાક કિસ્સાઓમાં આ ફેક લોન એપ્લિકેશન્સ જીવલેણ સાબિત થઈ છે. હકીકતમાં, દેવાની જાળમાં ફસાવને ઘણા ગ્રાહકોએ પોતાનો જીવ પણ ગુમાવવો પડ્યો છે. યુઝર્સને આવી એપ્સથી બચાવવા માટે ગૂગલ સમયાંતરે તેને પ્લે સ્ટોર પરથી હટાવતું રહે છે.
રાજ્યકક્ષાના નાણામંત્રી ભાગવત કે. કરાડે જણાવ્યું હતું કે, ઈલેક્ટ્રોનિક અને ઈન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રાલય પાસેથી મળેલી માહિતી મુજબ એપ્રિલ ૨૦૨૧ થી જુલાઈ ૨૦૨૨ વચ્ચે ગૂગલે તેના પ્લે સ્ટોર પર ૩૫૦૦ થી ૪૦૦૦ લોન એપની સમીક્ષા કરી હતી અને તેમાંથી ૨૫૦૦ ફેક લોન એપ્સને સસ્પેન્ડ કરી હતી અથવા દૂર કરી હતી. એ જ રીતે સપ્ટેમ્બર ૨૦૨૨થી ઑગસ્ટ ૨૦૨૩ દરમિયાન ૨૨૦૦થી વધુ લોન એપ્સ પ્લે સ્ટોર પરથી હટાવવામાં આવી હતી. ગૂગલે પ્લે સ્ટોર પર લોન એપ્સ સંબંધિત નીતિમાં પણ સુધારો કર્યો છે. હવે પ્લે સ્ટોર પર માત્ર રેગ્યુલેટેડ એન્ટીટીસ  દ્વારા પ્રકાશિત અથવા આરઈ સાથે ભાગીદારીમાં કામ કરતી હોય તેવી લોન એપ્સને જ મંજૂરી આપે છે. તેણે ભારતમાં લોન એપ્સ માટે આકરી અમલીકરણ પ્રક્રિયા સાથે વધારાની નીતિ વિષયક જરૂરિયાતો પણ અમલમાં મૂકી છે.

ભારતીય રિઝર્વ બેન્કે ડિજિટલ લેન્ડિંગ અંગે નિયમનકારી માર્ગદર્શિકા ઈશ્યુ કરી છે, જેનો આશય ડિજિટલ લેન્ડિંગ માટે નિયમનકારી માળખુ મજબૂત બનાવવાનો તેમજ ગ્રાહકોને સુરક્ષિત રાખવા તથા ડિજિટલ ધિરાણની ઈકોસિસ્ટમને સલામત અને મજબૂત બનાવવાનો છે તેમ તેમણે કહ્યું હતું. વધુમાં નાગરિકોને ગેરકાયદે લોન એપ સહિત સાયબર ગુનાની ઘટનાઓથી સુરક્ષિત રાખવા ગૃહ મંત્રાલયે નેશનલ સાયબરક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ તેમજ નેશનલ સાયબરક્રાઈમ હેલ્પલાઈન નંબર ૧૯૩૦ લોન્ચ કર્યો હતો. સાયબર ગુનાઓ સામે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે પણ કેન્દ્ર સરકાર સમયે સમયે વિવિધ પહેલો કરતી રહે છે.