બલૂચિસ્તાનમાં બોમ્બ બ્લાસ્ટ, ૨૮ના મોત

Share this story

પાકિસ્તાનની ચૂંટણીના એક દિવસ પહેલા બલૂચિસ્તાનમાં બોમ્બ બ્લાસ્ટ થયો હતો. પિશિન શહેરમાં થયેલા વિસ્ફોટમાં ૨૮ લોકોનાં મોત થયા હતા અને ૩૦ લોકો ઘાયલ થયા હતા. પાકિસ્તાની મીડિયા જિયો ન્યૂઝ અનુસાર, અપક્ષ ઉમેદવાર અસફંદ યાર ખાન કાકરની ઓફિસની બહાર બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ વખતે કક્કડ ઓફિસમાં હાજર ન હતા.

બલૂચિસ્તાનના કેરટેકર ઈન્ફોર્મેશન મિનિસ્ટર જાન અચકાઈએ કહ્યું- પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે વિસ્ફોટક સામગ્રી બાઇકમાં રાખવામાં આવી હતી. આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. પાકિસ્તાનના ચૂંટણી પંચે બલૂચિસ્તાનના મુખ્ય સચિવ અને પોલીસ પાસેથી હુમલા અંગે રિપોર્ટ માંગ્યો છે. ૮ ફેબ્રુઆરીએ યોજાનારી નેશનલ અને એસેમ્બલીની ચૂંટણી પહેલા પાકિસ્તાનમાં હિંસાની ઘટનાઓમાં વધારો થયો છે. બલૂચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વામાં તાજેતરના સમયમાં આતંકવાદી હુમલાઓ તેજ થયા છે. બલૂચ લિબરેશન આર્મી બલૂચિસ્તાનમાં અને પાકિસ્તાની તાલિબાન ખૈબરમાં હુમલાઓ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે આવતીકાલે પાકિસ્તાનમાં સામાન્ય અને પ્રાદેશિક ચૂંટણી યોજાવા જઈ રહી છે. એવા સમયે આ વિસ્ફોટની ઘટના ડરામણી છે. બીજી બાજુ પીટીઆઈ પાર્ટીના પ્રમુખ ઈમરાન ખાન સામે એક પછી એક ચુકાદા અને મોટી કાર્યવાહીઓના પગલે આ ચૂંટણીમાં ગેરરીતિ થવાની ચિંતા વધી ગઇ છે.

આ પણ વાંચો :-